પત્રકાર જે ડે હત્યા કેસ: છોટા રાજન સહિત નવને જનમટીપ, ગુજરાતી જિજ્ઞા વોરા નિર્દોષ

    • લેેખક, જાન્હવી મુળે
    • પદ, બીબીસી સંવાદદાતા

પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના કેસમાં આજે મુંબઈની એક વિશેષ મકોકા કોર્ટ ચુકાદો આપ્યો છે, જેમાં કથિત અંડરવર્લ્ડ ડૉન છોટા રાજન સહિત નવ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે મૂળ ગુજરાતી અને પૂર્વ પત્રકાર જિજ્ઞા વોરાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે.

અખબારમાં 'જે ડે' નામથી લખનારા જ્યોતિર્મય ડેની મુંબઈના ઉપનગર પવઈમાં 11મી જૂન, 2011ના દિવસે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

મુંબઈમાં રહેનારા જે ડે 'મિડ-ડે' અખબારમાં સિનિયર ક્રાઇમ રિપોર્ટર તરીકે કામ કરતા હતા.

જે ડે મોટરસાઇકલ પર સવાર હતા અને તેમના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે જ ચાર બંદૂકધારીઓએ તેમને ગોળીઓ મારી હતી.

તેમના મૃત્યુ બાદ મુંબઈમાં પત્રકારોએ વિરોધ પ્રદર્શન કરીને સરકાર પાસે પોતાની સુરક્ષાની માગણી કરી હતી.

આ એક યોગાનુયોગ છે કે જે ડે હત્યા કેસનો ચુકાદો 'વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ડે'ના એક દિવસ પહેલા આવ્યો છે.

જ્યારે જે ડેની હત્યા થઈ ત્યારે તેઓ 56 વર્ષના હતા.

તેમની હત્યા અને ત્યાર પછીની તપાસમાં મૂળ ગુજરાતી પત્રકાર જિજ્ઞા વોરાની ધરપકડે સમગ્ર દેશના પત્રકાર સમાજને આઘાત અને આશ્ચર્યમાં મૂકી દીધો હતો.

હત્યા પહેલાં જે ડેએ શહેરના ઓઇલ માફિયાઓ વિશે ઘણા બધા સમાચારો માટે સ્ટોરીઝ કરી હતી.

આરોપીઓ

અંડરવર્લ્ડ ડૉન રાજેન્દ્ર સદાશિવ નિખાલ્જે ઉર્ફે છોટા રાજન અને મુંબઈમાં એક સમયે એશિયન એજમાં ડેપ્યુટી બ્યૂરો ચીફ જિજ્ઞા વોરા આ કેસના મુખ્ય આરોપીઓ હતાં.

વિશેષ સરકારી વકીલ પ્રદીપ ઘરાતે જણાવ્યા અનુસાર છોટા રાજન પર જે ડેની હત્યા કરવાનો આદેશ આપવાનો આરોપ હતો.

વોરા પર આરોપ હતો કે તેઓ સતત છોટા રાજનના સંપર્કમાં હતાં અને તેમણે જ જે ડેની હત્યા કરવા માટે જે ડેની ઉશ્કેરણી કરી હતી.

શું તમે આ વાંચ્યું?

છોટા રાજન હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. તેને વર્ષ 2015માં ઇન્ડોનેશિયાના બાલીથી ભારત લાવવામો આવ્યો હતો. છોટા રાજન પર 17 લોકોની હત્યાનો આરોપ છે.

આ ઉપરાંત તેના પર નશીલી દવાઓની દાણચોરી, બળજબરીથી કબ્જો લેવો, ગેરકાયદેસર શસ્ત્રો રાખવાના પણ આરોપો છે.

રાજન મુંબઈમાં જ મોટો થયો અને યુવાનીમાં ઘણા ગુનામાં સંડોવાયેલો હતો અને ત્યારબાદ તે એક મોટી ગેંગનો સરદાર બની ગયો.

આ કેસમાં રોહિત થંગપ્પન જોસેફ ઉર્ફે સતીશ કાલ્યા (જેણે ગોળી મારી હતી), અભિજીત કાશારામ શિંદે, અરૂણ જનાર્દન ડાકે, સચિન સુરેશ ગાયકવાડ, અનિલ ભાનુદાસ વાઘમોડે, નિલેશ નારાયણ શેંગદે, મંગલેશ દામોદર અગાવાને, દીપક સિસોદિયા (જેણે દેહરાદૂનથી હથિયાર મોકલાવ્યા હતા), જોસેફ પલ્સન અને વિનોદ ચેંબુર અન્ય આરોપીઓ છે.

વિનોદ ચેંબુર એ માણસ છે, જેણે હુમલાખોરોને જે ડેની ઓળખ આપી હતી. જોકે, એપ્રિલ 2015માં તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

કેવી રીતે આગળ વધ્યો છે આ કેસ?

મુંબઈ પોલીસે શરૂઆતની તપાસ મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (મકોકા) હેઠળ કરી હતી, પરંતુ છોટા રાજનની ધરપકડ બાદ સીબીઆઈ પણ આ કેસમાં જોડાઈ ગઈ હતી.

આ કેસની સુનાવણી એક વિશેષ મકોકા કોર્ટે કરી છે.

આ કોર્ટે કુલ 155 સાક્ષીઓએ જુબાની આપી હતી, પરંતુ આ ઘટનામાં હત્યાને નજરે જોનારો કોઈ જ સાક્ષી સામે નહોતો આવ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો