હજારો ભારતીયોને થશે ટ્રમ્પના નવા વિઝા નિયમોની અસર

    • લેેખક, ઈરમ અબ્બાસી
    • પદ, વોશિંગ્ટનથી બીબીસી માટે

''મને સતત લાગ્યા કરે છે ગમે ત્યારે મને ઘરે બેસી જવાનું કહેવામાં આવશે. ફરી પાછી હું એ તણાવગ્રસ્ત દિવસોમાં ધકેલાઈ જઈશ. મારા પતિ આખો દિવસ કામે હશે અને હું કોઈ કામ વગરની ઘરમાં બેસી રહીશ.'' આ શબ્દો છે પ્રિયા ચંદ્રશેખરનના.

ટ્રમ્પ સરકારના એચ1બી વિઝા ધરાકોના પતિ/પત્નીના કામ કરવા પર પ્રતિબંધના પ્રસ્તાવથી પ્રિયાની કારકિર્દી પર જોખમ તોળાઈ રહ્યું છે.

પ્રિયા ચન્દ્રશેખરન દિલ્હીનાં છે. તેમના પિતાના મૃત્યુ બાદ 19 વર્ષની ઉંમરથી જ તે કામ કરતાં રહ્યાં છે.

વોશિંગ્ટનના સિએટલમાં બે વર્ષથી સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ (CPA) તરીકે કામ કરે છે.

2010માં કામ છોડીને પતિ સાથે અમેરિકા જવાનો નિર્ણય પણ પ્રિયા માટે અઘરો હતો.

પ્રિયા અમેરિકામાં પાંચ વર્ષ માટે કોઈ કામ વિના રહ્યાં. તેમને એક બાળક થયું. વર્ષ 2015માં બરાક ઓબામાની સરકાર દરમિયાન તેમને અમેરિકામાં કામ કરવાનો અધિકાર મળ્યો.

CPAના અભ્યાસ બાદ પ્રિયાને 2016માં નોકરી મળી. એજ વર્ષે પ્રિયા અને તેમના પરિવારે પોતાનું ઘર લીધું.

2017માં પ્રિયા બીજા બાળકના મા બન્યાં. પણ હવે તેમનું પ્લાનિંગ અને આવક બંને પર જોખમ તોળાઈ રહ્યું છે.

''અમને એવું લાગતું હતું કે અમે ખુશ છીએ, પણ હવે સમજાઈ રહ્યું છે કે આ એટલું સરળ નથી. પ્રિયા કહે છે કે જો મારો કામ કરવાનો હક છીનવાઈ જશે તો મને નથી લાગતું કે અમારા જીવનમાં કશું સકારાત્મક થાય.''

ઓબામાની સરકારમાં મળ્યો હતો હક

H-4EADનો કાયદો 2015માં ઓબામા સરકારમાં આવ્યો. આ કાયદો વિદેશમાંથી આવતાં હજારો કુશળ નાગરિકો અને તેમના પરિવારને અમેરિકામાં રાખવાના હેતુથી અમલમાં મૂકવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગ્રીનકાર્ડની પ્રક્રિયા તમારી નોકરી પર આધાર રાખે છે.

ઍમ્પ્લૉયમૅન્ટ ઑથોરાઇઝેશન ડોક્યુમેન્ટ કે EAD કાર્ડ જેને વર્ક પરમિટ પણ કહે છે. આ ડોક્યુમેન્ટ યુનાઈટેડ સ્ટેટ્સ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) દ્વારા આપવામાં આવે છે.

આ ડોક્યુમેન્ટ બિન અમેરિકન નાગરિકોને હંગામી ધોરણે કામ કરવાનો અધિકાર આપે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

યુ.એસ. સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS)ના ડાયરેક્ટર લી ફ્રાન્સિસ સીસનાએ તેમના નિવેદનમાં કહ્યું કે, અમારી યોજના છે કે H4 વિઝા ધારક પતિ/પત્ની કે જે ઍમ્પ્લૉયમૅન્ટ ઑથોરાઇઝેશન માટે યોગ્યતા ધરાવતા હતાં, તેને બદલવાની વિચારણા ચાલી રહી છે.

આમ કરવા માટે 2015માં આવેલા કાયદાને બદલવો પડશે, જે આવા હકો H4 વિઝા ધારકોને આપતો હતો.

ટ્રમ્પ સરકાર ક્યારે લાવી શકે આ નવો કાયદો?

ઓબામાની સરકારના આ કાયદાને રદ્દ કરવામાં આવે તો 70 હજાર H-4 વિઝા ધારકો જેમની પાસે કામ કરવાની પરવાનગી છે તેમને સીધી અસર થશે.

H-1B વિઝા ધારકોના પતિ/પત્નીને H-4 EAD મળી છે. જેમાંથી 93 ટકા ઉચ્ચ શિક્ષણ પામેલી મહિલાઓ છે.

ટ્રમ્પ સરકારે ગયા વર્ષે H1B વિઝા અંતર્ગત આવતાં લોકોને પ્રવેશ આપતા રોક્યા હતા.

આ કાયદો જૂન મહિનામાં લાગુ થઈ શકે છે. જેના કારણે પોતાના પતિ સાથે અમેરિકામાં રહેતી હજારો ભારતીય મહિલાઓએ પોતાની નોકરીઓ છોડવી પડશે.

'ભારતમાં રહેતા મારા સાસુ-સસરાને પણ મુશ્કેલી પડશે'

રેનુકા સિવરાજન મુંબઈનાં છે. તેમને પણ આ બદલાવથી અસર થઈ શકે છે. તે 2003માં અમેરિકામાં L1 વિઝા પર ટેક્નોલૉજી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવ્યાં હતાં.

તેમના લગ્ન 2006માં થયાં. તેમના પતિ અને તે બંને અલગ શહેરોમાં કામ કરતાં હતાં. 2007માં રેનુકા ગર્ભવતી થયાં, ત્યારે તેમને એ સમય એકલો પસાર નહોતો કરવો.

આથી તેમણે પોતાના પતિ સાથે રહેવાનો નિર્ણય લીધો અને તેમણે પોતાની નોકરી છોડી. જેને કારણે તેમણે પોતાનો L1 વિઝા પણ પાછો આપી દેવો પડ્યો.

(L1 વિઝા ત્યાં સુધી જ માન્ય હોય છે જ્યાં સુધી તમે એક કંપની સાથે કામ કરો. આ વિઝા હેઠળ તમે નોકરી ન બદલી શકો). આથી તેમણે પતિના ડિપેન્ડન્ટ તરીકે જવું પડ્યું.

તેમણે કહ્યું, “મને H4 વિઝા પર કામ કરવા નહોતું મળતું. મને એ વખતે ખ્યાલ ન આવ્યો કે કામ જતું રહેવાથી મારી ઓળખ અને સ્વતંત્રતા છીનવાઈ જશે. હું ડિપ્રેશનમાં હતી.”

“હું મારી ક્રિએટિવિટિ જીવતી રાખવા કંઈક શોધતી હતી. મેં બ્લોગ લખવાના શરૂ કર્યા. મને બાળકો સાથે કામ કરવાની મજા આવે છે, એટલે હું અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેશનના કોર્સમાં જોડાઈ.”

“આના કારણે મારા જીવનને એક નવી દિશા મળી. મેં ઉદ્યોગસાહસિક તરીકે કામ કરવાનું શરૂ કર્યું.”

2015થી રેનુકા કેલિફોર્નિયાના ફર્મોં શહેરમાં તેમના પતિ અને બે બાળકો સાથે રહે છે. તે હવે ફેમિલી ચાઈલ્ડ કેર બિઝનેસ ચલાવે છે.

રેનુકા તેમનો બિઝનેસ વિસ્તારી રહ્યાં હોવાથી તેમણે 2016માં એક મોટું ઘર લીધું. હવે તે 16 બાળકો અને 3 શિક્ષકો સાથે આ કામ કરી રહ્યાં છે.

તેમણે કહ્યું, “મારા બિઝનેસથી મારા પરિવારને ટેકો મળી રહે છે. તેનાથી મારા નિવૃત્ત સાસુ-સસરા જે ભારતમાં રહે છે તેમને પણ મદદ મળી રહે છે. જો મારી આ આવક નહીં રહે તો અમને ઘણી મુશ્કેલી પડશે.”

તે વધુમાં ઉમેરે છે કે, “આ માત્ર મને જ નહીં પણ 16 છોકરાઓ અને તેમના પરિવાર જે આ પ્રોગ્રામ પર નભે છે તેના પર પણ અસર થશે. આ બધા પરિવારે પણ તેમના બાળકોની દેખરેખ માટે બીજા વિકલ્પો શોધવા પડશે.”

અમેરિકાની ગ્લોબલ છાપ પર પડી શકે અસર

માનવ અધિકાર માટે લડતા અધિકારીઓ આ કાયદાના વિરોધમાં રેલી કરી રહ્યા છે. તેઓ અધિકારીઓ અને સરકારના સચિવો સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છે કે ટ્રમ્પ સરકાર આ નીતિ બદલે.

વોશિંગ્ટન ડી.સી.માં હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના ગવર્નમેન્ટ રિલેશનના ડિરેક્ટર જય કંસારાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે, ''આ સમાચાર એવા હજારો-લાખો પરિવાર માટે આઘાત સમાન છે, જ્યાં H4 વિઝા ધરાવતા પતિ/પત્નીની આવકથી ઘરમાં મદદ થઈ રહે છે. એટલા બધાં ભારતીયો H1B વિઝા હોલ્ડર છે કે ભારતીય પરિવારો પર આની ખૂબ ખરાબ અસર જોવા મળશે.''

તેમણે વધુમાં કહ્યું, ''અમેરિકામાં સ્કીલ્ડ લેબરની એટલી અછત છે કે ટેક્નોલૉજી ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડશે. કારણ કે આમ થવાથી ભણેલા કાર્યક્ષમ લોકો પરિવાર સાથે અહીં આવવાનું પસંદ નહીં કરે. જેના પરિણામે ગ્લોબલી અમેરિકાની સ્પર્ધાત્મક્તા ઓછી થઈ જશે.''

H4 EADનો અંત H4 વિઝા ધારકોનું કાયદાકીય ઇમિગ્રેશન સ્ટેટસ નહીં બદલે. આ કાયદો રદ્દ થતાં આ વિઝા ધારકોને અમેરિકામાં કામ કરવાની પરવાનગી નહીં મળે.

જોકે આ ઘટનાથી ઘણા બીજા બદલાવ આવી શકે. તેમની સામાજિક- આર્થિક પરિસ્થિતિ, ઘરની આવક, ખાસ કરીને મહિલાઓ પર માનસિક અને સંવેદનાત્મક અસરો થશે અને તેમના પરિવારિક જીવન પર પણ અસર થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો