બ્રિટનના ગૃહ મંત્રી બનેલા મૂળ પાકિસ્તાની સાજિદ વિશે આ વાતો જાણો છો?

પાકિસ્તાની મૂળના નેતા સાજિદ જાવેદે બ્રિટનના ગૃહ મંત્રીનું પદ સંભાળીને ઇતિહાસ રચ્યો છે.

બ્રિટનના ઇતિહાસમાં આ પદ સુધી પહોંચનારા સાજિદ પાકિસ્તાની મૂળના પ્રથમ રાજનેતા છે.

48 વર્ષીય સાજિદનો જન્મ વર્ષ 1969માં બ્રિટનના રોશડેલ નામના વિસ્તારમાં થયો હતો.

રોશડેલ આવો વિસ્તાર છે જ્યાં આધુનિક 'સહકાર આંદોલન'નો જન્મ થયો હતો.

ભારત-પાકિસ્તાન વિભાજનથી અસરગ્રસ્ત પરિવાર

સાજિદના પિતા અબ્દુલ ગની વર્ષ 1960માં પાકિસ્તાનના એક નાના ગામમાંથી નોકરીની શોધમાં બ્રિટન પહોંચ્યા હતા.

સેંકડો પરિવારોની જેમ અબ્દુલ ગનીનો પરિવાર પણ ભારત-પાકિસ્તાન વિભાજન બાદ ઊભી થયેલી અંધાધૂંધીનો ભોગ બન્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમના માતાપિતા ભારતમાં જન્મ્યા હતા અને વિભાજન થયા બાદ, પાકિસ્તાન હિજરત કરી ગયા હતા.

પરંતુ વર્ષ 1960માં તેમના પિતાએ 17 વર્ષની ઉંમરે, પાકિસ્તાન છોડીને બ્રિટન જવાનો નિર્ણય કર્યો હતો.

સાજિદે અંગ્રેજી અખબાર 'ધ ગાર્ડિયન' સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે તેમના પિતા બ્રિટન પહોંચ્યા હતા, ત્યારે તેમના ખીસામાં માત્ર એક પાઉન્ડ (આજની તારીખમાં આશરે 91 રૂપિયા) હતા.

પરંતુ જિંદગી ત્યારબાદ બદલવા લાગી.

સાજિદે વર્ષ 2012માં અંગ્રેજી અખબાર 'ઇવનિંગ સ્ટૅન્ડર્ડ'ને એક ઇનટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે બ્રિટન પહોંચ્યા બાદ તેમના પિતાના જીવનમાં સંઘર્ષ વિશે વાત કરી હતી.

તેઓ કહે છે, "રોશડેલમાં પહોંચ્યા બાદ તેઓ તરત જ કપડાંની મિલમાં કામ કરવા લાગ્યા હતા."

"પરંતુ તેઓ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હતા અને તેમણે જોયું કે બસ ડ્રાઇવરોની સરખામણીમાં વધુ કમાણી હોય છે."

"તેમના મિત્રો તેમને 'મિસ્ટર નાઇટ ઍન્ડ ડે' કહેતા હતા કારણ કે તેઓ આખો દિવસ કામ કરવામાં વ્યસ્ત હતા."

બસ ડ્રાઇવરના રૂપે કેટલાક સમય સુધી કામ કર્યા બાદ સાજિદના પિતાએ બ્રિસ્ટલમાં મહિલાઓ માટે અન્ડરગાર્મેન્ટની દુકાન ખોલી હતી.

દુકાનની ઉપરની બે ઓરડીઓમાં તેમનો પરિવાર રહેતો હતો.

બાલપણમાં ખૂબ જ તોફાની હતા સાજિદ.

અબ્દુલ ગનીના પાંચ ભાઈબહેનો સાથે સાજીદનું બાળપણ બ્રિસ્ટલમાં પસાર થયું હતું.

અહીંયા જ તેમણે ડાઉનઍન્ડ સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું.

વર્ષ 2014માં 'ડૅઇલી મેલ' સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેમની સ્કૂલના નિયમો ખૂબ જ કડક હતા, પરંતુ તેઓ ખૂબ જ તોફાની હતા.

તેમનું કહેવું હતું કે જ્યારે તેમના પિતાએ રાયૉટ (હુલ્લડ વિરોધી) ઍક્ટ વિશે ભણ્યું ત્યારે તેમની જિંદગી બદલવા લાગી હતી.

તેમના પિતાએ કહ્યું હતું, "મેં ઘણું બધું સહન કર્યું છે. તમે મને નિરાશ ન કરજો."

સાજિદ કહે છે કે આ વાત સાંભળીને તેમને ઘણી પીડા થઈ હતી અને ત્યારબાદ તેમણે અભ્યાસના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાની શરૂઆત કરી હતી.

વર્ષ 2010માં પહેલી વખત બન્યા સાંસદ

પોતાની ઓફિસમાં બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન માર્ગારેટ થૅચરની તસવીર લગાવનાર સાજિદ જાવેદ વર્ષ 2010માં પહેલી વખત સાંસદ બન્યા હતા.

સાંસદ બન્યા પહેલાં 25 વર્ષની ઉંમરે, તેઓ ચેઝ મૅનહૅટન બૅન્કના ઉપાધ્યક્ષ હતા. વધુમાં તેઓ ડચ બૅન્કમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે.

મંત્રી તરીકે તેમણે પોતાની કારકિર્દી નાણાં મંત્રાલયમાં શરૂ કરી હતી.

બીબીસીના રાજકીય સંપાદક લૉરા ક્યુનેસબર્ગના જણાવ્યા અનુસાર, "સાજિદ જાવેદ એક નેતા તરીકે અત્યાર સુધી મોટા વિવાદોથી દૂર રહ્યા છે."

"પરંતુ એક બિઝનેસ સેક્રેટરી તરીકે 'ટાટા સ્ટીલ આર્થિક સંકટ' અને 'ગ્રેનફેલ દુર્ઘટના' દરમિયાન તેમને વિવાદોનો સામનો કર્યો પડ્યો હતો."

વિંડરશ વિવાદ અંગે ઉકેલ લાવવાનો પડકાર

ગૃહમંત્રીના રૂપે સાજિદની સામે સૌથી મોટો પડકાર વિંડરશ વિવાદ અંગે ઉકેલ લાવવો હશે કારણ કે આ વિવાદના કારણે ભૂતપૂર્વ ગૃહમંત્રી એમ્બર રડને તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

એમ્બર રડે એમ કહીને પદ પરથી રાજીનામા આપ્યું હતું કે તેમણે ઇમિગ્રેશનના લક્ષ્યાંકો વિશે અજાણતા જ સાંસદોને ગેરમાર્ગે દોર્યા હતા.

રાજીનામા આપ્યા પહેલાં વિંડરશ પરિવારો સાથે થયેલું ગેરવર્તાવ વિશે અહેવાલ આવ્યા હતા.

વિંડરશ સમુદાયના લોકો યુદ્ધ થયા બાદ બ્રિટનમાં કાયદેસર રીતે વસ્યા હતા, પરંતુ ત્યાં રહેવા માટેના અધિકારો અને સરકારની ઇમિગ્રેશન નીતિ અંગે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.

હાલ સાજિદે 'સન્ડે ટેલિગ્રાફ' સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વિંડરશ વિવાદ હોવાથી તેમને વ્યક્તિગત આઘાત લાગ્યો છે કારણે કે તેઓ ઇમિગ્રેન્ટ પરિવાર સાથે સંબંધિત છે.

તેમના માતાપિતા બ્રિટનમાં વિંડરશ પેઢીની જેમ પાકિસ્તાનમાંથી આવ્યા હતા. વિંડરશ સમુદાય દક્ષિણ એશિયાના કૅરેબિયન વિસ્તારમાંથી આવ્યા છે.

આ બાબત સિવાય, બન્નેની સ્થિતિ દરેક રીતે લગભગ સમાન જ છે.

શું છે વિંડરશ વિવાદ?

બ્રિટનમાં વર્ષ 1973માં કાયદેસર રીતે દેશમાં આવનારા લોકોને ગેરકાયદેસર વસાહતીઓનો દરજ્જો આપવામાં આવ્યો છે.

તેમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે, જેમણે અગાઉ બ્રિટિશ પાસપોર્ટ માટે અરજી ન કરી હોય અથવા તો એવા કોઈ દસ્તાવેજ ન હોય કે જેનાથી એવું પ્રસ્થાપિત થાય કે તેઓ અત્યારસુધી બ્રિટનમાં જ રહેતા હતા.

જાવેદ અલ્પસંખ્યક સમુદાયના પ્રથમ બ્રિટિશ ગૃહ મંત્રી છે. સંડે ટેલિગ્રાફ સાથે વાતચીત દરમિયાન તેમણે આ મુદ્દે જણાવ્યું હતું કે આ વિવાદે તેમના ઉપર ખૂબ જ અસર કરી છે, કારણ કે તેમને લાગ્યું કે આ મુદ્દા અંગે સંઘર્ષ કરનારા લોકો તેમના પિતા, કાકા અથવા તેઓ ખુદ પણ હોઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો