વર'ઘોડા'ના રંગમાં ભંગ પાડનાર ગ્લેન્ડરનો રોગ શું છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

રાજકોટ પોલીસે 30મી જૂન સુધી ઘોડાઓને જાહેરમાં રાખવા પર પ્રતિબંધ લાદી દીધો છે. શહેરમાં ગ્લેન્ડરને કારણે એક ઘોડાના મૃત્યુ બાદ નિષેધાત્મક આદેશ આપવામાં આવ્યા છે.

જેના પગલે ચાલુ લગ્નગાળા દરમિયાન વરઘોડાના રંગમાં ભંગ પડશે.

આ અસાધ્ય બીમારી ઘોડા ઉપરાંત ગધેડા, ખચ્ચર અને કેટલાક કિસ્સાઓમાં માણસોને પણ થઈ શકે છે.

છેલ્લા લગભગ એક દાયકાથી આ રોગે ભારતમાં માથું ઊંચક્યું છે.

શું છે ગ્લેન્ડર?

રાજકોટના પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું:

"રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં ગ્લેન્ડરના કારણે એક ઘોડાનું મોત થયાનું ધ્યાને આવ્યું છે.

"તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમે 30 જૂન સુધી ઘોડાને જાહેરમાં લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

"લગ્નની જાનમાં જો ઘોડો પશુઓના ડૉક્ટર દ્વારા સ્વસ્થ પ્રમાણિત કરાયેલો હોય તો જ લઈ જઈ શકાશે નહીંતર જાનૈયાના આરોગ્ય પર પણ જોખમ ઊભું થઈ શકે છે."

ગ્લેન્ડર એક ચેપી અને અસાધ્ય બીમારી હોવાથી પશુને ઇન્જેક્શન દ્વારા દયામૃત્યુ આપી દેવામાં આવે છે.

ઇંગ્લૅન્ડ, અમેરિકા તથા કેનેડામાં 19મી સદીના શરૂઆતમાં જ આ રોગ નાબુદ થઈ ગયો હતો. જોકે, ભારતમાં 2006 બાદ આ રોગે ફરી માથું ઊંચક્યું છે.

કેટલાક નિષ્ણાતોના માનવા પ્રમાણે, આ ગાળા દરમિયાન જાગૃતિ વધી છે એટલે ગ્લેન્ડરના કિસ્સાઓ સરકારી ચોપડે નોંધાતા થયા છે.

ગુજરાતમાં ગ્લેન્ડર

હોર્સ ટ્રેનર અને ટ્રેડર અનીસ ગજ્જરના કહેવા પ્રમાણે, "આ રોગ જવલ્લેજ જોવા મળે છે. પરંતુ તેની ગંભીરતાને કારણે હવે હોર્સ કોમ્પિટિશન અને હોર્સ બ્રીડિંગ શો બંધ રહેશે.

"છ મહિના પહેલા અમદાવાદના બાવળામાં ગ્લેન્ડરનો રોગ જોવા મળ્યો હતો, ત્યારે ઘોડાની ઇવેન્ટ્સ બંધ થઈ ગઈ હતી.

"ત્રણ મહીના પહેલા જામનગર જિલ્લામાં પણ આ રોગ જોવા મળ્યો હતો. તેના કારણે ઘણાં સમયથી અશ્વોની લે-વેચ પણ બંધ થઈ ગઈ છે.

"આથી આવનારા દિવસોમાં ઘોડા વેચવાવાળા પશુપાલકોને ને ઘોડી નચાવતા લોકોને પણ નુકસાન જશે."

લગ્નમાં ઘોડાઓ

ગુજરાત સહિત પશ્ચિમ અને ઉત્તર ભારતમાં લગ્ન સમયે વરરાજાને અશ્વ પર બેસાડીને વરઘોડો કાઢવાનું ચલણ છે.

તેને પરિવારના વૈભવ અને ઠાઠના પ્રતીક સમાન માનવામાં આવે છે.

જાન દરમિયાન વરરાજાને બગ્ગી પર બેસાડવાનું દાયકાઓથી ચલણ રહ્યું છે.

લગ્નના ફૂલેકા દરમિયાન ઘોડી નચાવવાનો ટ્રેન્ડ છેલ્લા લગભગ એક દાયકાથી શરૂ થયો છે.

રાજકોટ શહેરમાં મુખ્યત્વે પોપટપરા તથા તેની આજુબાજુના વિસ્તારમાં અશ્વપાલકો વસે છે, જેઓ મુખ્યત્વે કાઠિયાવાડી કે મારવાડી પ્રજાતિના અશ્વોનો ઉછેર કરે છે.

લગ્નમાં ઘોડી નચાવીને અથવા તો રેસકોર્ષ રિંગ રોડ પર ઘોડાની બગ્ગીમાં સવારી કરાવીને આ પાલકો તેમની આજીવિકા રળે છે.

પશુને દયામૃત્યુ

ICAR-NRCEના અહેવાલ પ્રમાણે, વર્ષ 2016-2017 દરમિયાન ગ્લેન્ડરના 143 કેસ નોંધાયા હતા અને નવ રાજ્યોને સતર્ક કરવામાં આવ્યા હતા.

ગત વર્ષે પણ ગુજરાત ઉપરાંત હરિયાણા, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં આ રોગોએ દેખા દીધી હતી.

દેશમાં ઘોડાઓ માટેની સર્વોચ્ચ સંસ્થા નેશનલ રિસર્ચ સેન્ટર ઑન એક્વાઇન્સ (ICAR-NRCE) છે, જેનું મુખ્ય મથક હરિયાણાના હિસાર ખાતે આવેલું છે.

ભારત Office International Des Epizooties, Parisનું સભ્ય રાષ્ટ્ર છે.

જેના કારણે સંગઠન દ્વારા નક્કી કરવામાં આવેલા ઇન્ટરનેશનલ એનિમલ હેલ્થ કોડમાં નક્કી થયેલા નિયમો, જોગવાઈઓ અને નિર્ણયોનું પાલન કરવું ભારત માટે બંધનકર્તા છે.

તેના ભાગરૂપ ભારતે 2009માં 'THE PREVENTION AND CONTROL OF INFECTIOUS AND CONTAGIOUS DISEASES IN ANIMALS ACT' લાગુ કર્યો છે.

જેમાં પશુઓમાં રોગોને ફેલાતા અટકાવવા અને નાથવા માટે કેટલીક કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે.

આ જોગવાઈઓ મુજબ જો કોઈ પશુને જીવલેણ ચેપી રોગ થયો હોય કે તેનાથી અન્ય પશુઓ કે સામાન્ય નાગરિકોના જીવને જોખમ ઊભું થાય તેમ હોય તો આવા પ્રાણીઓની કતલ કરવાના આદેશ વહીવટીતંત્ર આપી શકે છે.

ગ્લેન્ડર એ જીવલેણ ચેપી રોગ હોવાથી જો કોઈ ઘોડાને તેની અસર થઈ હોય તો નિયમ પ્રમાણે, તેને દયામૃત્યુ આપી દેવામાં આવે છે. જેથી કરીને રોગ ફેલાઈ નહીં અને પશુને બીમારીની પીડા ભોગવવી ન પડે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો