You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૂતરું કરડે અને હડકવા ઊપડ્યા પછી માણસ કેવું વર્તન કરવા લાગે?
પાડોશીનો કૂતરો 14 વર્ષના એક છોકરાને કરડ્યો. એ છોકરાએ ડરને કારણે આ વાત તેના પરિવારને જણાવી નહીં અને એક જ મહિના બાદ તે છોકરાનું મોત થયું.
આ કમનસીબ ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં બની હતી.
પીટીઆઈ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, આઠમા ધોરણમાં અભ્યાસ કરતા શાહવાઝનું ચોથી સપ્ટેમ્બર મૃત્યુ થયું હતું.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વિજયનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતી ચરણસિંહ કૉલોનીમાં શાહવાઝ રહેતો હતો. શાહવાઝને દોઢ મહિના પહેલાં પાડોશીનો કૂતરો કરડ્યો હતો. તેણે ડરને કારણે આ વાત તેનાં માતા-પિતાને કહી ન હતી.
એ પછી શાહવાઝને રેબીઝ એટલે કે હડકવા થયો હતો અને તે પહેલી સપ્ટેમ્બરથી વિચિત્ર વર્તન કરવા લાગ્યો હતો. એ વખતે પરિવારજનોએ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે તેને પાડોશીનો કૂતરો કરડ્યો હતો.
આ ઘટનાની જાણ થતાંની સાથે જ શાહવાઝને દિલ્હીની સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેને દાખલ કરવામાં આવ્યો ન હતો.
તેથી શાહવાઝને આયુર્વેદિક સારવાર માટે બુલંદશહર લઈ જવામાં આવ્યો હોવાનું તેના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ત્યાંથી ગાઝિયાબાદ પાછા આવતી વખતે ઍમ્બ્યુલન્સમાં જ શાહવાઝનું મૃત્યુ થયું હતું.
એસીપી નિમિષ પાટીલે જણાવ્યું હતું કે આ ઘટના સંદર્ભે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને કૂતરાના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે.
શાહવાઝના કાકાએ એએનઆઈ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે શેરીમાં રખડતા કૂતરાઓ દ્વારા લોકો પર હુમલાનું પ્રમાણ ગાઝિયાબાદમાં વધારે છે. કોઈને કૂતરો કરડ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી.
રેબીઝ જીવલેણ રોગ છે અને સમયસર તથા યોગ્ય સારવાર કરવામાં આવે તો પીડિતનો જીવ બચાવી શકાય છે.
વર્લ્ડ હેલ્થ ઍર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, કૂતરો કરડ્યા પછીની સારવાર બાબતે સામાન્ય લોકોમાં બહુ ઓછી જાગૃતિ છે. તેને કારણે વિશ્વભરમાં દર વર્ષે 59,000થી વધુ લોકો હડકવાને લીધે જીવ ગુમાવે છે.
હડકવાને લીધે થતાં કુલ મૃત્યુ પૈકીના 36 ટકા માત્ર ભારતમાં થાય છે. હડકવાના ચેપનું પ્રમાણ એશિયા અને આફ્રિકામાં વધુ જોવા મળે છે.
સામાન્ય લોકો આ રોગ વિશે ખાસ કશું જાણતા નથી. શાહવાઝને પણ કદાચ આ ખતરો સમજાયો ન હતો. તેથી તેણે આ વાત પરિવારજનોને કહી ન હતી અને જીવ ગુમાવ્યો હતો.
રેબીઝ એટલે શું?
રેબીઝ એક વાઇરલ, વિષાણુજન્ય રોગ છે, જે પ્રાણી કરડવાથી થાય છે. દર્દીના શરીરમાં પ્રવેશ્યા પછી હડકવાના વાઇરસ ચેતાતંત્ર પર હુમલો કરે છે. તેનાથી દર્દીના માથા તથા કરોડરજ્જુમાં સોજો આવે છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, રેબીઝ વાઇરસ દર્દીના મગજમાં પ્રવેશી જાય તો દર્દી કોમામાં જઈ શકે છે અથવા મૃત્યુ પામે છે.
કેટલાક દર્દીઓને લકવો થાય છે. દર્દીના વર્તનમાં ક્યારેક અચાનક ફેરફાર થાય છે અને તે હાયપર બની જાય છે.
પ્રાણીઓ માટે કામ કરતી સુપરટેલ્સ નામની સંસ્થામાં વરિષ્ઠ પશુચિકિત્સા અધિકારી તરીકે કાર્યરત ડૉ. પૂજા કડુ કહે છે, “માનવ શરીરમાં પ્રવેશ્યા પછી રેબીઝ વાઇરસ અત્યંત ઝડપથી ફેલાય છે.”
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, એક વાર હડકવાનું નિદાન થઈ જાય પછી પણ આ રોગનો કોઈ ચોક્કસ ઈલાજ નથી. તેથી પ્રાણી કરડે પછીના નિવારક પગલાં અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે.
રેબીઝ કેવી રીતે ફેલાય છે?
રેબીઝ મુખ્યત્વે જંગલી પ્રાણીઓમાં અને અમુક અંશે પાળેલાં પ્રાણીઓમાં જોવા મળે છે. આ રોગ હડકવાથી સંક્રમિત પ્રાણીઓની લાળ દ્વારા ફેલાય છે.
નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ (એનસીડીસી)ના જણાવ્યા અનુસાર, રેબીઝ વાઇરસ પ્રાણી કરડવાથી, અંગ પર નહોર મારવાથી અને માણસના શરીર પરના ઉઘાડા જખમ પ્રાણી ચાટે તો તેની લાળ દ્વારા માનવ શરીરમાં પ્રવેશ કરે છે.
ભારતમાં માણસને હડકવા થયાના 95 ટકા કિસ્સામાં કૂતરા કારણભૂત હોય છે. બિલાડી અને શિયાળ અથવા મંગૂસ કરડવાને કારણે થતા હડકવાનું પ્રમાણ અનુક્રમે બે અને એક ટકા છે.
રેબીઝનાં લક્ષણો
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, રેબીઝનાં લક્ષણો ક્યારેક ખૂબ મોડેથી જોવા મળે છે, પરંતુ ત્યાં સુધીમાં સારવાર કરવાનું મુશ્કેલ બની જાય તેવી શક્યતા હોય છે.
નાણાવટી હૉસ્પિટલના ચેપી રોગના નિષ્ણાત ડૉ. હર્ષદ લિમયે કહે છે, “રેબીઝથી સંક્રમિત થયાના એક અઠવાડિયાથી માંડીને એક વર્ષ પછી તેનાં લક્ષણ દેખાય છે.” સામાન્ય રીતે આ રોગનાં લક્ષણ બે-ત્રણ મહિનામાં જોવાં મળતાં હોય છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ, રેબીઝનાં લક્ષણ નીચે મુજબ છે.
- તાવ અથવા શરીરમાં કળતર
- વાયરસ ચેતાતંત્રમાં પ્રવેશે પછી મગજ અને કરોડરજ્જુમાં સોજો
- ફ્યુરિયસ રેબીઝમાં દર્દીનું વર્તન બદલાય જાય છે. દર્દી હાયપર બની જાય છે અથવા તેને પાણીનો ડર લાગે છે.
- જોરદાર હાર્ટઍટેકને લીધે મોત
- પેરેલેટિક રેબીઝમાં સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડે છે. દર્દી કોમામાં જાય છે અને પછી મૃત્યુ પામે છે.
પ્રાણીએ બટકું ભર્યું હોય એ જગ્યાને સાફ કેવી રીતે કરવી?
રેબીઝના વાઇરસ પ્રાણીની લાળ મારફત માનવ શરીરમાં પ્રવેશે છે. તેથી પ્રાણીએ જ્યાં બચકું ભર્યું હોય તે ઘાને સાફ કરવો બહુ જ જરૂરી છે.
ડૉ. લિમયે કહે છે, “પ્રાણીએ બટકું ભર્યા પછી પડેલા ઘાની યોગ્ય સારવાર બહુ જરૂરી છે. તેમ કરવાથી ચેપને શરીરના અન્ય ભાગોમાં ફેલાતો અટકાવી શકાય છે. તેનાથી જટિલતામાં પણ ઘટાડો થાય છે.”
પશુએ જે જગ્યાએ બચકું ભર્યું હોય તે જગ્યાને કેવી રીતે સાફ કરવી એ બાબતે એનસીડીસીએ માર્ગદર્શિકા બહાર પાડી છે.
- જાનવરના કરડવાથી ઇજાગ્રસ્ત જગ્યા પરની લાળ બને તેટલી વહેલી તકે સાફ કરી નાખવી જોઈએ.
- અસરગ્રસ્ત વિસ્તારને સાબુ તથા પાણીથી 15 મિનિટ સુધી સાફ કરવો જોઈએ.
- ધોયા પછી જખમ પર એન્ટિસેપ્ટિક લગાવવું જોઈએ.
- સાબુ કે એન્ટિવાયરલ એજન્ટ્સ (આલ્કોહોલ, પ્રોવિડોન આયોડિન) ઉપલબ્ધ ન હોય તો જખમને પાણીથી સાફ કરવો જોઈએ.
- જખમમાં ચેપ અટકાવવા ટિટેનસનું ઇન્જેક્શન લેવું જોઈએ.
- કૂતરો કરડ્યો હોય એ વ્યક્તિને માનસિક સધિયારો આપવો જોઈએ.
- ડૉક્ટર પાસે અથવા હૉસ્પિટલમાં તત્કાળ જઈને તબીબી સહાય મેળવવી જોઈએ.
ડૉક્ટર પાસે ક્યારે જવું?
કૂતરો કે બીજું પ્રાણી કરડે પછી તાત્કાલિક તબીબી સારવારથી પીડિતનું જીવન બચાવી શકાય છે.
ફોર્ટિસ હૉસ્પિટલના ઇમરજન્સી વિભાગના ડિરેક્ટર ડૉ. સંદીપ ગોર કહે છે, “કૂતરો કે બિલાડી કરડે પછી તરત જ ઇજાગ્રસ્ત જગ્યાને સાબુ તથા પાણીથી સાફ કરીને હૉસ્પિટલે જવું જોઈએ. રેબીઝ પર નિયંત્રણનો આ એકમાત્ર વિકલ્પ છે એ દરેક વ્યક્તિએ યાદ રાખવું જોઈએ.”
રેબીઝ અને આ રોગ સંબંધી તબીબી સારવાર બાબતે ઓછી જાગૃતિ હોવાથી લોકો સારવાર માટે ડૉક્ટરનો સંપર્ક મોડેમોડે કરે છે. કેટલાક કિસ્સામાં તો પીડિતને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે એ પહેલાં જ તે મૃત્યુ પામે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પ્રાણી કરડે કે ડંખ મારે પછી શરીર પર ખંજવાળ આવે તો તરત જ ડૉક્ટર પાસે કે હૉસ્પિટલમાં પહોંચી જવું જોઈએ.
ડૉ. લિમયે કહે છે, “શરીર પર ખંજવાળ આવે તો દર્દીને તરત જ હડકવાની રસી આપવામાં આવે છે, પરંતુ ઘામાંથી લોહી નીકળતું હોય અથવા પ્રાણીની લાળ સાથે સંપર્ક થયો હોત તો તરત જ રેબીઝ ઇમ્યુનોગ્લોબિન આપવામાં આવે છે.”
પ્રાણી કરડ્યા પછી તાત્કાલિક તબીબી સારવાર અસરકારક સાબિત થઈ શકે છે અને રોગનો ફેલાવો નિયંત્રિત કરી શકાય છે.
પ્રાણી કરડે પછી હડકવા વિરોધી રસી કેવી રીતે આપવામાં આવે છે તે ડૉ. પૂજા કડુ પાસેથી જાણીએ.
તેઓ કહે છે, “રેબીઝથી બચવા માટે હડકવા વિરોધી રસીના પાંચ ડોઝ લેવા પડે છે. પ્રાણી કરડે તે દિવસે જ રસી લેવી પડે છે. તેને ડે ઝીરો કહેવામાં આવે છે. પછી પ્રાણી કરડ્યાના ત્રણ, સાત, 14 અને 18 દિવસે બાકીના ડોઝ લેવાના હોય છે.”
પ્રાણી કરડે પછી આવી જ રીતે રસીકરણની માહિતી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને પણ આપી છે.