You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શુગર ફ્રીથી કૅન્સર થઈ શકે? એસ્પાર્ટેમ શરીર માટે કેટલું સુરક્ષિત?
- લેેખક, જેમ્સ ગેલેઘર
- પદ, આરોગ્ય અને વિજ્ઞાન સંવાદદાતા
એસ્પાર્ટેમ નામના આર્ટિફિશિયલ સ્વીટનર (ખાદ્ય પદાર્થોને ગળ્યો કરતો પદાર્થ)ને ‘કૅન્સરના કારક’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છતાં તેના સેવન સંબંધી સલાહમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
વિશ્વ આરોગ્ય સંગઠનમાં નિષ્ણાતોનાં બે જૂથ હજારો વૈજ્ઞાનિક શોધનું અધ્યયન કરી રહ્યાં છે. “કૅન્સરનું સંભવિત કારણ” તરીકે તેનું વર્ગીકરણ સામાન્ય રીતે ભય અને અસમંજસ સર્જે છે, પરંતુ તેનો અર્થ એવો થાય કે વર્તમાન પુરાવા ખાતરીપૂર્વકના નથી.
મોટા ભાગના લોકો એસ્પાર્ટેમનો ઉપયોગ તેની મહત્તમ મર્યાદા કરતાં ઘણો ઓછો કરે છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠન ભલામણ કરે છે કે જેઓ વધુ વપરાશ કરતા હોય તેમણે એમાં ઘટાડો કરવો જોઈએ.
શું છે એસ્પાર્ટેમ?
એસ્પાર્ટેમ શુગર ફ્રી અને ડાયેટ ખાદ્ય પદાર્થોમાં હોય છે. તે પ્રાકૃતિક રીતે ખાંડ કરતાં 200 ગણું વધારે ગળ્યું હોય છે અને તેનાથી કૅલરીનો બહુ ઓછા વપરાશ થાય છે.
ડાયેટ કોક, કોક ઝીરો, પેપ્સી મેક્સ અને સેવન અપ ફ્રી વગેરે જેવા પ્રસિદ્ધ પીણાંમાં તે હોય છે. આ સ્વીટનર માત્ર પીણાં પૂરતું સીમિત નથી. તે લગભગ 6,000 ખાદ્ય પદાર્થોમાં પણ હોય છે. તેમાં ટૂથપેસ્ટથી માંડીને ચ્યૂઈંગ ગમ સુધીના ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે.
આ રસાયણ 1980ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું અને વ્યાપક રીતે ઉપલબ્ધ હોવા છતાં તેના વિશે શરૂઆતથી જ વિવાદ સર્જાતા રહ્યા છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના પોષણ તથા ખાદ્ય સુરક્ષા વિભાગના ડિરેક્ટર ડૉ. ફ્રાંસેકો બ્રાંકાને અમે સવાલ કર્યો હતો કે સ્વાસ્થ્ય માટે શું બહેતર છે – સુગર કે સ્વીટનર?
તેમણે કહ્યું હતું, “લોકો પાસે સ્વીટનરયુક્ત કોલા અને શુગરયુક્ત કોલા વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હોય તો તેમની પાસે ત્રીજો વિકલ્પ પણ હોવો જોઈએ. તે વિકલ્પ પાણી અને ગળ્યા આહારનો વપરાશ મર્યાદિત કરવાનો છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોને તકલીફ થઈ શકે?
તેમણે જણાવ્યું હતું કે એસ્પાર્ટેમ આપણા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ન હોઈ શકે એવી ચિંતા સમીક્ષાઓને લીધે સર્જાઈ છે, પરંતુ સ્વીટનરવાળા ડાયેટ ડ્રિંક્સ કે બીજા ખાદ્ય પદાર્થોનો પ્રસંગોપાત આહાર કરતી વખતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
તેમણે કહ્યું હતું, “સમસ્યા, જે લોકો તેનો વધુ પ્રમાણમાં વપરાશ કરે છે, તેમની છે.”
પુરાવાની સમીક્ષા કરનાર પહેલી સંસ્થા વિશ્વ આરોગ્ય સંગઠનની કૅન્સર નિષ્ણાતોની સમિતિ – આંતરરાષ્ટ્રીય કૅન્સર અનુસંધાન સંસ્થા(આઈએઆરસી) છે.
આ સંસ્થાએ એસ્પાર્ટેમને કૅન્સર થવાની સંભાવના ધરાવતા પદાર્થોની શ્રેણીમાં સામેલ કર્યું છે. તેમાં એલોવેરા અને સીસા જેવા અન્ય પદાર્થોનો સમાવેશ પણ થાય છે.
એસ્પાર્ટેમને લીવરના કૅન્સર સાથે સંબંધ હોવાનો સંકેત આપતી મુખ્યત્વે ત્રણ શોધ પર આ નિર્ણય આધારિત છે.
જોકે, અહીં ‘સંભવિત’ શબ્દનો ઉપયોગ દર્શાવે છે કે વૈજ્ઞાનિક પુરાવા કેટલા મજબૂત છે. પુરાવા સજ્જડ હોત તો એસ્પાર્ટેમને ‘ઉચ્ચ શ્રેણી’માં વર્ગીકૃત કરવામાં આવ્યું હોત.
આઈઆરસીના ડૉ. મેરી બેરીગન કહે છે, “પુરાવા બહુ ઉચ્ચ ગુણવત્તાના નહોતા અથવા નિર્ણાયક ગણી શકાય તેટલી મજબૂત ન હતા. વાસ્તવમાં આ તારણ, સ્વીટનર વિશે વધુ સંશોધન કરવા વિજ્ઞાની સમુદાયને આપવામાં આવેલું આમંત્રણ છે.”
કેટલું પ્રમાણ સલામત
કોઈ પદાર્થનું કૅન્સરકારક તરીકેનું વર્ગીકરણ ઘણી વખત ગેરમાહિતીના પ્રસારનું કારણ બને છે. સ્વીટનર્સ તરીકે આલ્કોહોલ અને પ્લુટોનિયમ સમાન શ્રેણીમાં છે (બંનેથી કૅન્સર થતું હોવાના પુરાવા છે), પરંતુ બીજા કરતાં પહેલું વધારે ઘાતક છે.
આ સ્થિતિમાં એક અલગ સંસ્થા - વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અને ફૂડ ઍન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશનની ફૂડ એડિટિવ્ઝ વિશેની સંયુક્ત નિષ્ણાત સમિતિને સલામત પ્રમાણ નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
આ સમિતિએ કૅન્સર અને હૃદયરોગ તથા ટાઇપ-ટુ ડાયાબિટીસ જેવા અન્ય રોગો સાથે સંકળાયેલા જોખમોનું વિશ્લેષણ કર્યું ત્યારે જાણવા મળ્યું હતું કે 1981માં જાહેર કરવામાં આવેલી હેલ્થ એડવાઇસમાં ફેરફાર કરવાનું કોઈ કારણ નથી.
પ્રસ્તુત કિસ્સામાં તેની સલામત મર્યાદા શરીરના પ્રત્યેક કિલો વજનના 40 મિલીગ્રામ છે. આ ટાર્ગેટ નથી, પરંતુ મહત્તમ મર્યાદા છે, તે શરીરના વજન પર આધારિત હોવાથી ઘણી વાર બાળકો તેને વધુ માત્રામાં લે છે.
ડૉ. બ્રાન્કાના કહેવા મુજબ, રાતના ભોજન વખતે ટેબલ પર સ્વીટ ફિઝી પીણાંની બોટલ રાખવી એ સારી આદત નથી. તેનાથી બાળકોમાં બાળપણથી જ મીઠી ચીજના વ્યસનનો ભય પણ રહે છે.
તેઓ ભારપૂર્વક જણાવે છે કે સ્વીટનર લોકોને વજન ઘટાડવામાં મદદરૂપ ન હોવાનું પણ પુરાવાઓની વ્યાપક સમીક્ષા દર્શાવે છે. તેથી તેઓ તમામ લોકોને ઓછી મીઠી વસ્તુઓ ખાવાની સલાહ આપે છે. એટલે કે સ્વીટનર અને ખાંડ બન્ને ઓછા પ્રમાણમાં લેવાનું કહે છે. તેમનું કહેવું છે કે કંપનીઓએ ટેસ્ટી હોય, પરંતુ ઓછી મીઠી હોય તેવી પ્રોડક્ટ્સ બનાવવી જોઈએ.
એસ્પાર્ટેમથી ડરવાનું શું?
એસ્પાર્ટેમથી કૅન્સર કેવી રીતે થઈ શકે, એ સંશોધકો સામેનો મોટો સવાલ છે. વિશ્વ આરોગ્ય સંગઠનનો પોતાનો અહેવાલ જણાવે છે કે એસ્પાર્ટેમ બહુ ઝડપથી આંતરડામાં ત્રણ અલગ પદાર્થમાં વિભાજિત થઈ જાય છે. તે ત્રણ ફેનીલાલેનાઇન, એસ્પાર્ટિક એસિડ અને મિથેનોલ છે.
જોકે, આ ત્રણેય અલગ-અલગ પ્રકારના અન્ય ખાદ્ય પદાર્થોમાં પણ હોય છે, જેનો કૅન્સર સાથે કોઈ સીધો સંબંધ નથી. સંશોધનના પરિણામે જાણવા મળ્યું છે કે કૅન્સર મ્યુટેશન થઈ શકે એવો કોઈ ફેરફાર એસ્પાર્ટેમ શરીરના ડીએનએમાં કરતું નથી. શરીરમાં બળતરાનું પ્રમાણ વધી શકે છે.
ઇન્ટરનેશનલ સ્વીટનર્સ ઍસોસિયેશનના મહામંત્રી ફ્રાન્સિસ હન્ડ વૂડ કહે છે, “આ પરિણામે એસ્પાર્ટેમ સલામત હોવાની ફરી પુષ્ટિ કરી છે. અન્ય ઓછી અથવા કૅલરીવિહોણી મીઠાઈની માફક એસ્પાર્ટેમ સંતુલિત પ્રમાણમાં લેવામાં આવે ત્યારે વપરાશકારને ખાંડનું સેવન ઘટાડવામાં મદદ કરી શકે છે, જે જાહેર આરોગ્યનું એક મહત્ત્વનો લક્ષ્યાંક છે.”
એવા ઘણા લોકો છે, જેઓ સલામત માત્રામાં એસ્પાર્ટેમનું સેવન કરી શકતા નથી. તે એવા લોકો હોય છે, જેમને ફિનાયલકેટોનૂરિયા નામની આનુવાંશિક બીમારી હોય છે. આ રોગથી પીડિત લોકો ફિનાયલઅલાનીનને પચાવી શકતા નથી. આ પદાર્થ શરીરમાં એસ્પાર્ટેમને વિઘટન પછી જોવા મળે છે.