મોડી રાતે વારંવાર પેશાબ કરવા ઊઠવું પડે એ બીમારી કઈ છે? સારવાર શું?

    • લેેખક, અના ઇસાબેલ કોબો કુએન્કા અને એન્ટોનિયો સેમ્પીટ્રો ક્રેસ્પો
    • પદ, ધ કોન્વર્સેશન

એક દિવસ મારા મિત્રનાં માતા-પિતાએ ફરિયાદ કરી હતી કે તેઓ રાતે સારી રીતે ઊંઘી શકતાં નથી. તેઓ વૃદ્ધ છે, તેમણે રાતે બાથરૂમ જવા માટે ઘણી વખત ઊંઘમાંથી બેઠાં થવું પડે છે અને સવારે તેઓ ખૂબ થાકી જાય છે.

આવી ફરિયાદ આપણે ધારીએ છીએ તેના કરતાં વધારે સામાન્ય બાબત છે અને તેનું નામ છે – એડલ્ટ નોક્ટુરિયા.

ઇન્ટરનેશનલ કોન્ટિનેન્સ સોસાયટીના જણાવ્યા અનુસાર, રાતે પેશાબ કરવા માટે ઊંઘમાંથી કમસે કમ બે વખત ઊઠવું પડે તેને એડલ્ટ નોક્ટુરિયા કહેવામાં આવે છે.

આ સમસ્યા ઊંઘ તથા જીવનની ગુણવત્તાને અસર કરે છે અને તે વધતી વય સાથે જોડાયેલી સામાન્ય બાબત છે. 70 વર્ષથી વધુ વયના પાંચમાંથી ત્રણ લોકો આ તકલીફથી પીડાતા હોવાનો અંદાજ છે.

આ સમસ્યા નાની ઉંમરે પણ સર્જાઈ શકે છે અને તે પુરુષો તથા સ્ત્રીઓને સમાન રીતે અસર કરે છે.

અનેક કારણ

મુખ્યત્વે મૂત્રાશયની ક્ષમતામાં ઘટાડા અને પેશાબના ઉત્પાદનમાં વધારો (પોલીયુરિયા) એમ બે કારણસર નોક્ટુરિયા થઈ શકે છે.

પ્રથમ કારણના સંદર્ભમાં અમે 300-600 મિલી વચ્ચેની ક્ષમતા ધરાવતા અંગની વાત કરી રહ્યા છીએ. તેને બે પરિબળ દ્વારા ઘટાડી શકાય છે.

શારીરિક પરિવર્તનઃ પુરુષોમાં સામાન્ય રીતે આ સૌમ્ય પ્રોસ્ટેટ હાઇપરટ્રોફીને કારણે થાય છે અને મહિલાઓમાં સ્થૂળતા તથા પેલ્વિક ઓર્ગન પ્રોલેપ્સને કારણે થાય છે. ઓવર ઍક્ટિવ બ્લેડર સિન્ડ્રૉમ તથા સિસ્ટિસિસ ઇન્ફેક્શન વગેરે જેવી કાર્યાત્મક સમસ્યાઓ જોવા મળે છે.

પોલીયુરિયાની વાત કરીએ તો ઊંઘમાં પેશાબનું ઉત્પાદન એન્ટિડ્યુરેટિક હોર્મોનની ક્રિયાને કારણે સામાન્ય રીતે ઘટી જતું હોય છે, પરંતુ આપણી વય વધવાની સાથે રાતે આ હોર્મોન રિલીઝ થવાનું પ્રમાણ ઓછું થાય છે.

તે મુખ્ય કારણો પૈકીનું એક છે. ડાયાબિટીસ, શિરાઓની અક્ષમતાને લીધે સર્જાતી એડેમેટોસ સ્થિતિ અથવા હૃદયરોગનો હુમલો, ધમનીમાંનું હાયપરટેન્શન, સાંજે વધારે પ્રમાણમાં પ્રવાહીનું, કેફીનનું, દારૂનું અથવા તમાકુનું સેવન પણ તેને ઉત્તેજિત કરી શકે છે.

એ ઉપરાંત કેટલીક દવાઓની આડઅસર પણ પેશાબના ઉત્પાદનમાં વધારો કરી શકે છે અથવા મૂત્રાશયમાં સમસ્યા સર્જી શકે છે. તેમાં નીચે મુજબની દવાઓનો સમાવેશ થાય છે.

ડ્યુરેટિક્સઃ શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જાળવી રાખવા અને બ્લડપ્રેશર ઘટાડવા માટે વપરાતી દવા.

એન્ટિકોલિનર્જિક્સઃ આનો ઉપયોગ સામાન્ય રીતે ઓવર ઍક્ટિવ બ્લેડર સિન્ડ્રૉમની સારવાર માટે થાય છે. તે અંગને નિયંત્રિત કરતા ચેતા સંકેતોમાં ગડબડ કરી શકે છે અને નોક્ટુરિયા સહિતના પેશાબના આવર્તનમાં વધારો કરે છે.

કૅલ્શિયમ ચેનલ બ્લોકર્સ અને એન્જિયોટેન્સિન-કન્વર્ટિંગ એન્ઝાઈમ ઇન્હિબિટર્સ જેવી બ્લડપ્રેશર માટેની દવાઓ.

સેરોટોનિન રીઅપટેક ઇન્હિબિટર્સ જેવી કેટલીક એન્ટી-ડિપ્રેસન્ટ દવાઓ, જે એન્ટી-ડ્યુરેટિક હોર્મોનની ક્રિયામાં અવરોધ સર્જે છે.

બાયપોલર ડિસોર્ડરની સારવાર માટેની દવા લિથિયમ.

એ યાદ રાખવું જોઈએ કે આ દવાઓ લેતી દરેક વ્યક્તિને, તેની આડઅસર સ્વરૂપે નોક્ટુરિયાનો અનુભવ થતો નથી.

આવી તકલીફ થતી હોવાની શંકાય હોય અથવા આ લક્ષણથી ચિંતિત હોય તેમણે ડૉક્ટર સાથે વાત કરવી જરૂરી છે, જેથી તેઓ વૈકલ્પિક દવા આપી શકે અથવા સારવાર સમાયોજિત કરી શકે.

પાંચ ઉપાય

નોક્ટુરિયા પર અનેક પરિબળોનો પ્રભાવ હોવાથી તેની સારવાર વ્યક્તિગત ધોરણે થવી જોઈએ. તેના કેટલાક પ્રાથમિક ઉપાયની વિગત નીચે મુજબ છે.

જીવનશૈલીમાં ફેરફારઃ રાતે ઊંઘવાના સમયના ચારથી છ કલાક પહેલાં ઓછા પ્રમાણમાં પ્રવાહી લો. રાતે દારૂ પીવાનું અને કેફીનનું લેવાનું ટાળો. ધૂમ્રપાન છોડો અને વજન વધારે હોય તો ઘટાડો. રાતે ઊંઘતાં પહેલાં પેશાબ કરી લેવાની અને પેલ્વિક ફ્લોર કસરત કરવાની સલાહ પણ આપવામાં આવે છે. તમે પગમાં ફ્લુઇડ રીટેન્શનથી પીડાતા હો તો રાત થવાના થોડા કલાક પહેલાં તેને ઉન્નત રાખવા સલાહભર્યું છે.

ડાયાબિટીસ કે હૃદયરોગ જેવી કોઈ મેડિકલ કન્ડિશનને કારણે નોક્ટુરિયા થયો હોય તો યોગ્ય સારવાર વડે તેની તકલીફ ઘટાડી શકાય છે. ડૉક્ટરની દેખરેખ હેઠળ સારવાર ચાલતી રહે તે જરૂરી છે.

ફાર્માકોલૉજિકલ સારવાર, ડ્યુરેટિક્સ અને એન્જિયોટેન્સિન-કન્વર્ટિંગ એન્ઝાઈમ અવરોધકોના સમયપત્રકમાં ફેરફાર કરો. આ માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, જેથી તેઓ સારવારનું સમાયોજન કરીને આડઅસર ઘટાડી શકે.

ફિઝિકલ થૅરપિસ્ટ પાસેથી પેલ્વિક ફ્લોર ટ્રીટમેન્ટ અને બ્લેડર ટ્રેનિંગ લેવાથી પેશાબ પર સારી રીતે નિયંત્રણ રાખવામાં મદદ મળી શકે.

વ્યક્તિગત મૂલ્યાંકન પછી ડૉક્ટર નોક્ટરલ પોલીયુરિયાની સારવાર માટે ડ્યુરેટિક્સ, એન્ટીડ્યુરેટિક હોર્મોન અને ટ્રાયસાયક્લિક એન્ટીડિપ્રેસન્ટ્સ જેવી દવાઓ લખી આપે છે. ડ્યુરેટિક્સ બપોરે લેવાની હોય છે, જ્યારે બાકીની બે દવાઓ હોર્મોનનું ઉત્પાદન વધારે છે.

સમગ્ર કથાનો સારાંશ એ છે કે વૃદ્ધ લોકોમાં નોક્ટુરિયા બહુ સામાન્ય છે. તે ઊંઘને પ્રભાવિત કરે છે. તેના પરિણામે આરામ અને જીવનની ગુણવત્તા પર તેની માઠી અસર થાય છે.

આ સમસ્યા હોય તે દરેક વ્યક્તિએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તેમની જીવનશૈલી, આદતો અને અન્ય શારીરિક સમસ્યાઓની સંપૂર્ણ માહિતી મેળવીને ડૉક્ટર તેમનું વ્યક્તિગત મૂલ્યાંકન કરશે.