You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રેગ્નેન્સી ટેસ્ટ માટે ડૉક્ટર જ્યારે દેડકાનો ઉપયોગ કરતા હતા, કેવી રીતે થતું હતું પરીક્ષણ?
- લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
- પદ, .
આજકાલ પ્રેગ્નેન્સી ટેસ્ટ એટલે કે ગર્ભાવસ્થાનું પરીક્ષણ કરવાનું આસાન બની ગયું છે. ટૂથબ્રશના કદ જેવડા એક ઉપકરણમાં પેશાબ (યુરીન) કરવાનો હોય છે અને પરિણામ માટે થોડી રાહ જોવાની હોય છે.
આશ્ચર્યજનક વાત છે, પરંતુ 1930ના દાયકામાં અને 1960ના દાયકાના અંત સુધી ઝેનોપસ લેવિસ નામની આફ્રિકન દેડકાની પ્રજાતિની મદદ વડે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવામાં આવતી હતી.
આ વાત દંભી વિજ્ઞાન જેવી લાગે છે, પરંતુ બ્રિટિશ વિજ્ઞાની લેન્સલોટ હૉગબેન દ્વારા પેટન્ટ કરાયેલ હોગબેન ટેસ્ટ ડૉક્ટરો દ્વારા માન્ય પદ્ધતિ હતી અને સમગ્ર વિશ્વના ક્લિનિક્સમાં એ રીતે જ પરીક્ષણ કરવામાં આવતું હતું.
1940ના દાયકામાં બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા હેઠળ આવરી લેવાયેલાં ચાર ખાસ કેન્દ્રોમાં ડૉક્ટરો મૂત્રના સૅમ્પલ્સ મોકલી શકતા હતા.
તે પરીક્ષણની પ્રક્રિયા કેવી હતી એ બાબતે ભૂતપૂર્વ લેબોરેટરી ટેક્નિશિયન ઑડ્રે પીટીએ બીબીસી આઇડિયાઝને જણાવ્યું હતું,"હૉસ્પિટલો અમને મહિલાઓના મૂત્રના સૅમ્પલ મોકલતી હતી. અમે તેને માદા દેડકાની ચામડીમાં ઇન્જેક્ટ કરતા હતા. દેડકીને પાછી ટેન્કમાં નાખી દેવામાં આવતી હતી અને પાણીમાં ઈંડાં છે કે નહીં તેની ચકાસણી અમે બીજા દિવસે સવારે કરતા હતા.”
જો દેડકીને ઑવ્યુલેશન થયું હોય તો તેનો અર્થ એ હતો કે જે સ્ત્રીના પેશાબનું સૅમ્પરલ આવ્યું હતું તે ગર્ભવતી છે. ગર્ભાવસ્થાના હોર્મોન, હ્યુમન કોરિઓનિક ગોનાડોટ્રોપિન દેડકામાં ઑવ્યુલેશન ઉત્તેજિત કરે છે.
દેડકાનો ઉપયોગ શા માટે?
ડૉ. ઍડવર્ડ આર એલ્કને 1938માં બ્રિટિશ મેડિકલ જર્નલમાં લખ્યું હતું, "મેં અત્યાર સુધીમાં કરેલા 295 પરીક્ષણમાં 2,112 દેડકાંનો ઉપયોગ કર્યો છે અને ગર્ભાવસ્થા સૂચવતો ન હોય એવો એક પણ પોઝિટિવ ટેસ્ટ જોયો નથી."
આ પરીક્ષણ હાથ ધરવા માટે ઝેનોપસ દેડકાં આદર્શ પ્રાણી હતાં, કારણ કે વિજ્ઞાની લેન્સલોટ હૉગબેને શોધી કાઢ્યું હતું કે દેડકાં હોર્મોનલ ફેરફાર પ્રત્યે બહુ જ સંવેદનશીલ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૉગબેને નોંધ્યું હતું કે એક સ્વસ્થ દેડકાના શરીરમાં બીજાના પિટ્યુટરી અંશ ઇન્જેક્ટ કરવાથી કલાકોમાં ઑવ્યુલેશન થઈ શકે છે.
હૉગબેન અને પ્રાણી આનુવંશિકશાસ્ત્રી ફ્રાન્સિસ આલ્બર્ટ એલી ક્રૂએ 1937માં દક્ષિણ આફ્રિકાથી બ્રિટનમાં 1,500 ઝેનોપસ દેડકાંની આયાત કરી હતી. તેમનો લેબોરેટરીમાં કેવી રીતે ઉછેર કરવો એ તેમણે બે વર્ષમાં જાણી લીધું હતું. પછી ડૉક્ટરો માટે હૉગબેન ટેસ્ટ ઑર્ડર કરવાનું આસાન બની ગયું હતું.
તેમ છતાં આ પરીક્ષણ મોટાભાગની મહિલાઓ માટે ઉપલબ્ધ ન હતું. આ ટેસ્ટ, ગર્ભાવસ્થા તથા ગાંઠની વૃદ્ધિ વચ્ચેનો ફરક પારખવા જેવી, મેડિકલ ઇમરજન્સી માટે જ ઉપલબ્ધ હતો.
મોરીન સિમોન્સને 1960ના દાયકાની મધ્યમાં પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવ્યાનું યાદ છે.
બીબીસી આઇડિયાઝ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "આ રીતે પરીક્ષણ થાય છે એવું ત્યારે અમે માની લીધું હતું. કોઈએ પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવી હશે તો તે દેડકા મારફત જ કરાવી હશે."
"મને યાદ છે, ડૉક્ટરોએ મને જણાવ્યું હતું કે હું પ્રેગ્નેન્ટ છું, કારણ કે દેડકીએ ઈંડાં મૂક્યાં હતાં. તે સમયે ડૉક્ટરોનું વલણ એકદમ અલગ હતું. હવે સમજાય છે કે મને ગર્ભાવસ્થાનું પરીક્ષણ કરાવી શકવાનો વિશેષાધિકાર મળ્યો હતો."
એક મહત્ત્વપૂર્ણ પગલું
સ્ટ્રેથક્લાઇડ યુનિવર્સિટીના વિજ્ઞાનના ઇતિહાસના પ્રોફેસર જેસી ઓલ્સઝિન્કો ગ્રીનના કહેવા મુજબ, માદા પ્રજનનને સામાન્ય બનાવવામાં ફ્રૉગ ટેસ્ટ્સ બહુ મહત્ત્વપૂર્ણ હતા.
તેમણે કહ્યું હતું, "પ્રથમ હોમ પ્રેગ્નેન્સી ટેસ્ટ 1971માં માર્કેટમાં આવી હતી, પરંતુ તે છેક 1990ના દાયકામાં, લોકો ધારે છે તેના કરતાં બહુ મોડેથી લોકપ્રિય બની હતી."
તેમણે ઉમેર્યું હતું, “આપણે 1930ના દાયકા પર નજર કરીએ તો જોઈ શકીએ કે ગર્ભાવસ્થા એક એવી બાબત હતી કે જેનો ઉલ્લેખ ભાગ્યે જ કરવામાં આવતો હતો. આ શબ્દ અખબારોમાં પણ પ્રકાશિત થયો ન હતો. તે અત્યંત જૈવિક હતો અને તેને અસંસ્કારી માનવામાં આવતું હતું."
તેમણે એમ પણ કહ્યું હતું, "ફ્રૉગ ટેસ્ટે આપણે આજે જે સંસ્કૃતિમાં જીવીએ છીએ તેના નિર્માણમાં મદદ કરી હતી. આજે ગર્ભાવસ્થા સંપૂર્ણપણે દૃશ્યમાન અને સામાન્ય પ્રક્રિયા છે."