મહિલાઓને હેરાન કરી મૂકતું હૉર્મોનલ અસંતુલન શું છે? તેનાથી કેવી રીતે બચવું?

    • લેેખક, આલમુર સૌમ્યા
    • પદ, બીબીસી સંવાદદાતા

સારાંશ

  • "ભારતમાં પ્રત્યેક દસમાંથી એક મહિલા હૉર્મોનલ અસંતુલનની સમસ્યાનો સામનો કરે છે"
  • અંતઃસ્ત્રાવી પ્રણાલી અંતઃસ્ત્રાવ (હૉર્મોન) ઉત્પન્ન કરે છે અને તેને લોહીના માધ્યમથી શરીરના વિવિધ ભાગમાં પહોંચાડે છે
  • હૉર્મોનમાં થતી વધ-ઘટને હૉર્મોનલ અસંતુલન કહેવામાં આવે છે
  • ડૉક્ટર હૉર્મોનલ સંતુલન માટે આહાર, જીવનશૈલી અને દવામાં ફેરફાર વગેરેની સલાહ આપે છે
  • એનએચએસનું કહેવું છે કે, ઘણી સ્ત્રીઓમાં 20 વર્ષની વયથી જ પીસીઓડીનાં લક્ષણ જોવા મળે છે

“માસિક યોગ્ય રીતે આવતું નથી. બ્લીડિંગ શરૂ થાય પછી 15-20 દિવસ સુધી અટકતું જ નથી. તેની સાથે પેટમાં તીવ્ર પીડા થાય છે. બ્લીડિંગ બંધ ન થાય ત્યાં સુધી પેટની પીડા શમતી નથી. ઘણી વાર માસિક બે મહિના પછી આવે છે.”

આ સમસ્યા ઘણા મહિના સુધી યથાવત રહી, ત્યારે 35 વર્ષનાં સરિતા ડૉક્ટર પાસે ગયાં હતાં. ડૉક્ટરે જણાવ્યું હતું કે, તેમને હૉર્મોનલ અસંતુલનની સમસ્યા છે અને એ માટે જરૂરી દવા લેવી પડશે.

માનસિક સ્વાસ્થ્યની તકલીફ પણ થાય છે અને એવી સ્થિતિ સર્જાય છે કે, મનોચિકિત્સક પાસે ઇલાજ કરાવવાની જરૂર પડે છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે, આ બધાનું કારણ હૉર્મોનલ અસંતુલન છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, ભારતમાં પ્રત્યેક દસમાંથી એક મહિલા હૉર્મોનલ અસંતુલનની સમસ્યાનો સામનો કરે છે.

હૉર્મોનલ અસંતુલન કોઈ પણ વયે સર્જાઈ શકે છે. યુવાની, સગર્ભાવસ્થા, પ્રસૂતિ, પેરીમેનોપોઝ, કે રજોનિવૃત્તિના કોઈ પણ તબક્કામાં આવી સમસ્યા સર્જાઈ શકે છે.

હૉર્મોન એટલે શું? તે શું કરે છે?

હૉર્મોન એક પ્રકારનું રસાયણ છે. આપણા શરીરમાં અંતઃસ્ત્રાવ કરતી વિવિધ પ્રકારની ગ્રંથિઓ હોય છે. એ તમામ ગ્રંથિઓને અંતઃસ્ત્રાવી પ્રણાલી (એન્ડોક્રાઇન સિસ્ટમ) કહેવામાં આવે છે.

અંતઃસ્ત્રાવી પ્રણાલી હૉર્મોન ઉત્પન્ન કરે છે અને તેને લોહીના માધ્યમથી શરીરના વિવિધ ભાગમાં પહોંચાડે છે. હૉર્મોન અંગના કામકાજમાં સમન્વય માટે જવાબદાર છે.

એન્ડોક્રાઇન સિસ્ટમ હૉર્મોનના માધ્યમથી શરીરની આંતરિક ચયાપચય, ઊર્જા સ્તર, પ્રજનન, વિકાસ, તણાવ, પર્યાવરણ સામે પ્રતિક્રિયા વગેરેનું નિયંત્રણ તથા સંકલન કરે છે.

હૉર્મોનમાં થતી વધ-ઘટને હૉર્મોનલ અસંતુલન કહેવામાં આવે છે. તેની શારીરિક તથા માનસિક આરોગ્ય પર ગંભીર અસર થાય છે.

તણાવ, બહારનું વાતાવરણ, દીર્ઘકાલીન રોગ, આનુવંશિક પરિવર્તન, કેટલાક પ્રકારની દવાઓ, જીવનશૈલીમાં પરિવર્તન, ઍલર્જી, શરાબનું સેવન અને ધૂમ્રપાન જેવા અનેક કારણોથી હૉર્મોનમાં વધ-ઘટ થઈ શકે છે.

તેના લક્ષણો કેવાં હોય છે?

નિષ્ણાતોનું કહેવું છે કે જો શરીરમાં હૉર્મોનલ અસંતુલન સર્જાય તો આ પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે.

  • થાક લાગવો, ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી
  • પારાવાર પરસેવો થવો
  • વજનમાં અચાનક વધારો કે ઘટાડો
  • ચહેરા પર ખીલ
  • ચિંતા, અવસાદ
  • વાંઝિયાપણું
  • અનિયમિત માસિક, વધારે પડતું બ્લીડિંગ
  • વાળ ખરવા અથવા વાળમાં અનિચ્છનીય વૃદ્ધિ
  • હ્રદયની ગતિમાં પરિવર્તન
  • ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ અને સેક્સ પ્રત્યે અરુચિ

આ લક્ષણ દેખાય કે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

હૉર્મોનલ અસંતુલનનું નિદાન

ડૉક્ટર લક્ષણ તથા દર્દીના ચિકિત્સા ઈતિહાસના આધારે હોર્મોનલ અસંતુલનનું નિદાન કરતા હોય છે. ક્યારેક નિદાન માટે મેડિકલ ટેસ્ટ પણ કરાવવા પડે છે. સ્કેનિંગ અને બ્લડ ટેસ્ટની મદદથી હૉર્મોનમાં થતા ફેરફારોની માહિતી મેળવી શકાય છે.

ડૉક્ટર હૉર્મોનલ સંતુલન માટે આહાર, જીવનશૈલી અને દવામાં ફેરફાર વગેરેની સલાહ આપે છે.

હવે મહિલાઓને આ સમસ્યાને લીધે થતી કેટલીક મહત્ત્વની તકલીફ બાબતે માહિતી મેળવીએ.

પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ ડિસોર્ડર (પીસીઓડી)

પીસીઓડી કે પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (પીસીઓએસ) પ્રજનનની વયની મહિલાઓમાં સૌથી સામાન્ય જોવા મળતો હૉર્મોન વિકાર છે. મહિલાઓના અંડાશયની કામગીરી પર તેની માઠી અસર થાય છે.

બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા(એનએચએસ)ના જણાવ્યા મુજબ, પીસીઓડીનાં ત્રણ લક્ષણ હોય છે.

(1) અનિયમિત માસિક – તેનો અર્થ એ છે કે અંડાશય નિયમિત રીતે ઈંડા છોડતું નથી.

(2) ઉચ્ચ એન્ડ્રોજન – આ પુરુષ હૉર્મોન છે. સ્ત્રીઓમાં તેનું પ્રમાણ બહુ ઓછું હોય છે. વધારે પડતા એન્ડ્રોજનને કારણે સ્ત્રીના ચહેરા તથા અન્ય ભાગો પર અવાંચ્છિત વાળ ઉગી શકે છે.

(3) પોલીસિસ્ટિક અંડાશય – અંડાશય મોટું થઈ જાય છે. પ્રવાહી ભરેલી કોથળીઓ રચાય છે. તેને વોટર સિસ્ટ અથવા ફોલિકલ્સ કહેવામાં આવે છે. આ ફોલિકલ્સ અંડાશયની આસપાસ રચાય છે.

ઉપરના ત્રણમાંથી બે લક્ષણ જોવા મળે તો ડૉક્ટર પીસીઓડીનું નિદાન કરે છે.

એનએચએસનું કહેવું છે કે, ઘણી સ્ત્રીઓમાં 20 વર્ષની વયથી જ પીસીઓડીનાં લક્ષણ જોવા મળે છે. તેને લીધે ગર્ભ ધારણ કરવામાં તકલીફ થઈ શકે છે. કેટલીક સ્ત્રીઓમાં આ લક્ષણ જલદી દેખાતાં નથી.

પીસીઓડી અનિયમિત માસિક, માસિક બંધ થઈ જવું, વધુ પડતું બ્લીડિંગ, ગર્ભાવસ્થાની સમસ્યાઓ, ચહેરા, છાતી, નિતંબ પર અવાંછિત વાળ, વજનમાં વધારો, વાળ ખરવા, તૈલીય ચહેરો, ખીલ, ટાઇપ-2 ડાયાબિટીસ અને સ્થૂળતાનું કારણ બની શકે છે.

એનએચએસના જણાવ્યા મુજબ, પીસીઓડીનાં કારણ સ્પષ્ટ નથી, પરંતુ તે હૉર્મોનના અસાધારણ ઊંચા પ્રમાણને લીધે થઈ શકે છે. ક્યારેક તે વારસાગત પણ હોય છે.

ઇન્સ્યુલિન હૉર્મોનમાં વધારાને લીધે ટેસ્ટેસ્ટેરોન જેવાં હૉર્મોન વધારે પડતાં સક્રિય થાય છે. તેનું વધારે ઉત્પાદન થાય છે. વધારે વજન પણ ઇન્સ્યુલિનમાં વધારાનું કારણ બની શકે છે. એનએચએસના કહેવા મુજબ, પીસીઓડીનો કોઈ ઇલાજ નથી અને ડૉક્ટરો પણ લક્ષણ ઘટાડવાની દવા જ લખી આપતા હોય છે.

વજન ઘટાડવાથી, આહારમાં ફેરફાર કરવાથી અને જીવનશૈલીમાં પરિવર્તન કરવાથી લક્ષણોમાં ઘટાડો કરી શકાય છે.

પીરિયડ્ઝની સમસ્યા, અવાંછિત વાળમાં વૃદ્ધિ અને ઇનફર્ટિલિટી જેવી સમસ્યાઓની દવા ઉપલબ્ધ છે.

નિઃસંતાનતાની દવા અસર ન કરે તો ડૉક્ટર લેપ્રોસ્કોપિક ઓવેરિયન ડ્રિલિંગ નામની એક નાનકડી શસ્ત્રક્રિયાનું સૂચન કરી શકે છે. આ સર્જરી વડે લેઝર મારફત અંડાશયમાંથી અવાંછિત પેશીઓ દૂર કરે છે. એનએચએસનું કહેવું છે કે, આ ઉપચાર બાદ ઘણી સ્ત્રીઓમાં ગર્ભ ધારણ કરવાની શક્યતા વધી જાય છે.

પ્રીમેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસોર્ડર (પીએમડીડી)

મહિલાઓને માસિક આવે એ પહેલાં કેટલાંક લક્ષણો દેખાવા લાગે છે. તેને પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ (પીએમએસ) કહેવામાં આવે છે.

એ લક્ષણોમાં મૂડ સ્વિંગ, ચિંતા, ચીડિયાપણું, થાક, અનિંદ્રા, સોજો, પેટમાં પીડા, સ્તનમાં કોમળતા, માથાનો દુખાવો વગેરે સામાન્ય છે. જોકે, દર મહિને સમાન લક્ષણ જોવા મળતાં નથી.

ક્યારેક લક્ષણ ગંભીર હોઈ શકે છે. આ સંબંધે એનએચએસનું કહેવું છે કે, ડૉક્ટર હૉર્મોનલ ઔષધ અને એન્ટી-ડિપ્રેસન્ટ દવા લખી આપતા હોય છે.

પીએમએસ શું હોય છે તેનો કોઈ નિશ્ચિત જવાબ નથી, પરંતુ એનએચએસનું સૂચન છે કે, પીરિયડ્ઝ દરમિયાન હોર્મોનના પ્રમાણમાં ફેરફારને કારણે તે થઈ શકે છે.

જોકે, કેટલીક સ્ત્રીઓમાં પીએમએસ ગંભીર હોઈ શકે છે. એ સ્થિતિને પ્રીમેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસોર્ડર કહેવામાં આવે છે.

પીએમડીડીના લક્ષણ પીએમએસના લક્ષણથી વધારે ગંભીર હોય છે. તેની દૈનિક જીવન પર નકારાત્મક અસર થઈ શકે છે.

તેમાં તણાવ, માથાના દુખાવા, સાંધાનો દુખાવા, સ્નાયુઓમાં દુખાવા જેવી શારીરિક તકલીફોનો સમાવેશ થાય છે. આહાર તથા ઊંઘમાં તકલીફ થાય છે. એનએચએસનું કહેવું છે કે, ચિંતા, ગભરાટ, ગુસ્સો, અવસાદ અને ક્યારેક આત્મહત્યાના વિચાર પણ આવી શકે છે.

આ પૈકીનું કોઈ લક્ષણ દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવાનું સૂચન કરવામાં આવે છે.

વિશ્વ આરોગ્ય સંગઠને પીએમડીડીને આરોગ્ય સંબંધી સમસ્યા તરીકે સ્વીકૃતિ આપી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, પીએમડીડીને સામાન્ય ગણવો ન જોઈએ અને તેના લક્ષણ જાણીને તરત ઉપચાર કરવો જોઈએ.

રજોનિવૃત્તિ (મેનોપોઝ)

સ્ત્રીઓમાં આધેડ વય પછી માસિક આવતું તદ્દન બંધ થઈ જાય છે. તેને મેનોપોઝ કહેવામાં આવે છે.

વિશ્વ આરોગ્ય સંગઠનનું કહેવું છે કે, મેનોપોઝ 45થી 55 વર્ષ વચ્ચેની વયે ગમે ત્યારે આવી શકે છે. અંડાશય ઈંડાનું ઉત્પાદન બંધ કરી દે અને રક્તપ્રવાહમાં એસ્ટ્રોજનનું પ્રમાણ ઘટી જાય ત્યારે રજોનિવૃત્તિ આવે છે.

મેનોપોઝ પછી ગર્ભધારણની શક્યતાનો લગભગ અંત આવે છે. રજોનિવૃત્તિ તબક્કાવાર આવે છે. તેની શરૂઆત પેરિમેનોપોઝના કેટલાંક લક્ષણ સાથે થાય છે. તેમાં પીરિયડ સાયકલમાં પરિવર્તનનો સમાવેશ થાય છે. એ પછી તે મેનોપોઝની અવસ્થામાં પહોંચે છે.

પેરિમેનોપોઝનો તબક્કો ઘણાં વર્ષો સુધી ચાલુ રહી શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠનનું કહેવું છે કે, સ્ત્રીઓ પર તેની મનોવૈજ્ઞાનિક, શારીરિક, ભાવનાત્મક અને સામાજિક અસર થઈ શકે છે.

ડૉ. રોમપિર્ચાલા ભાર્ગવીએ જણાવ્યું હતું કે, મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ પ્રાકૃતિક પ્રક્રિયા છે. અંડાશયમાં ઈંડાનું ઉત્પાદન બંધ થવાને અને હૉર્મોનલ અસંતુલનને કારણે મેનોપોઝ આવે છે.

ડૉ. ભાર્ગવીએ કહ્યું હતું કે, “આપણા દેશમાં દર વર્ષે લગભગ એક કરોડ સ્ત્રીઓ મેનોપોઝના તબક્કામાં પહોંચે છે. એસ્ટ્રોજેન હોર્મોનનું પ્રમાણ ઘટવાથી સ્ત્રીઓમાં શારીરિક તથા માનસિક પરિવર્તન થાય છે. સતત 12 મહિના સુધી માસિક ન આવે તો તેને રજોનિવૃત્તિ માની લેવી જોઈએ.”

તેમણે જણાવ્યું હતું કે, “મેનોપોઝ દરમિયાન વધુ પડતું બ્લીડિંગ કે અત્યંત ઓછું બ્લીડિંગ, થાક, ગરમી, પરસેવો, હૃદયના ધબકારાની ગતિમાં વધારો, અનિદ્રા, માનસિક ચિંતા, ચીડિયાપણું, ક્રોધ, અવસાદ, અકારણ રડી પડવું અને બીજી શારીરિક સમસ્યાઓ જોવા મળે છે.”

“યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ કરવાથી અને કેફીન, ધૂમ્રપાન, શરાબ તથા મસાલા વગેરેથી દૂર રહેવાથી રજોનિવૃત્તિની તકલીફમાં રાહત મળી શકે છે.”

ડૉ. ભાર્ગવીએ ઉમેર્યું હતું કે, “રજોનિવૃત્તિના લક્ષણના ઉપચારની દવા ઉપલબ્ધ છે.”

હૉર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી શું છે?

રજોનિવૃત્તિના લક્ષણ ગંભીર હોય ત્યારે ડૉક્ટર હૉર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી(એચઆરટી)ની સલાહ આપે છે. એનએચએસનું કહેવું છે કે, આ ઉપચાર શરીરમાં હૉર્મોનના સ્તરને બદલવા માટે કરવામાં આવે છે.

એચઆરટી હોટ ફ્લેશીસ, રાતે પરસેવો થવો, મૂડ સ્વિંગ્ઝ, યોનિ સુકાઈ જવી અને સેક્સમાં અરુચિ જેવાં લક્ષણો માટે કામ કરે છે.

જોકે, એનએચએસ ચેતવણી આપે છે કે, કેટલાક પ્રકારની દવાઓ સ્તન કૅન્સરનું કારણ બની શકે છે. જે મહિલાઓને સ્તન કૅન્સર, અંડાશયનું કૅન્સર, સર્વાઇકલ કૅન્સર, લોહીની નળીઓમાં ગાંઠ, હાઈ બ્લડ પ્રેશર તથા લીવરની સમસ્યા હોય તેમણે અને સગર્ભા સ્ત્રીઓએ આવી દવાનું સેવન ન કરવું જોઈએ.

ડૉ. ભાર્ગવીએ કહ્યું હતું કે, “રજોનિવૃત્તિ નાની વયે આવી જાય ત્યારે તેનાં લક્ષણ ગંભીર હોય છે. એ સમયે એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોનની ગોળીઓનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. આવી ગોળીઓ લાંબા સમય સુધી લેવામાં આવે તો રક્તમાં સમસ્યા સર્જાઈ શકે છે. સ્તન, હૃદય અને મસ્તક તથા યકૃત પર તેની માઠી અસર થઈ શકે. તેથી તેનો વર્ષમાં માત્ર એક વખત ઉપયોગ કરવો જોઈએ.”

‘હૉર્મોન અસંતુલન આનુવંશિક હોઈ શકે’

ડૉ. શૈલજાએ જણાવ્યું હતું કે, “મોટાભાગની સ્ત્રીઓમાં ઇનફર્ટિલિટી, અનિયમિત માસિક અને અસ્થમા જેવી તકલીફો હૉર્મોનલ અસંતુલનને કારણે જોવા મળે છે.”

તેમણે સમજાવ્યું હતું કે “હૉર્મોનલ અસંતુલન આનુવંશિક હોઈ શકે છે. રજોનિવૃત્તિની બહુ પહેલાં અંડાશયમાં ઓછાં હૉર્મોન એક આનુવંશિક સમસ્યા હોઈ શકે છે. જીવનશૈલીમાં ફેરફાર, પ્રોસેસ્ડ ફૂડનું, પેકૅજ્ડ ફૂડનું વધુ પડતું સેવન, ખાંડનું પ્રમાણ વધુ હોય તેવો ખોરાક ખાવાથી સ્થૂળતા આવી શકે છે. તે હૉર્મોનલ અસંતુલનને કારણે પણ હોઈ શકે છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “પ્રસવની વયમાં અનિયમિત માસિક, દિવસો સુધી બ્લીડિંગ વગેરેના ઈલાજ માટે ગર્ભનિરોધક ગોળીઓ આપવામાં આવે છે.”

તેમણે કહ્યું હતું કે, “આ ગોળીઓ પ્રોજેસ્ટેરોન તથા એસ્ટ્રોજેન હોર્મોનનું પ્રમાણ સંતુલિત કરવા માટે આપવામાં આવે છે. તેનું સેવન છ મહિના કે વધુમાં વધુ એક વર્ષ સુધી કરવાનું હોય છે. તેનાથી વધુ સમય આ ગોળીઓનું સેવન કરવામાં આવે તો સમસ્યા સર્જાઈ શકે છે. બ્લડ પ્રેશર, શરીરના અંગોમાં લોહીના ગઠ્ઠા જામી જવા જેવી તકલીફ થઈ શકે છે. સ્થૂળતા પણ આવી શકે છે.”

હૉર્મોનલ અસંતુલન કોઈ પણ વયે સર્જાઈ શકે છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે, “તરુણાવસ્થા દરમિયાન હૉર્મોનમાં વૃદ્ધિ કે નબળી કામગીરીને કારણે વધુ પડતા સ્ખલનની સમસ્યા સર્જાઈ શકે છે. વાસ્તવિક હૉર્મોનલ અસંતુલન 30થી 40 વર્ષની વય દરમિયાન સર્જાતું હોય છે. મેનોપોઝ દરમિયાન શરીરમાં અનેક પરિવર્તન થાય છે. તેની સાથે અનુકૂલન સાધતી વખતે વધારે પડતું સ્ખલન થઈ શકે છે.”

તેમણે એમ પણ કહ્યું હતું કે, “આજકાલની છોકરીઓ બહુ ઝડપથી અને નાની વયે પરિપકવ થઈ જાય છે. તેનું કારણ એ છે કે તેમનામાં એસ્ટ્રોજનનું લેવલ બહુ ઝડપથી વધી રહ્યું છે. તેનું કારણ તેમનો આહાર છે. એસ્ટ્રોજન દૂધ, માંસ, જંક ફૂડ વગેરેમાંથી મળે છે. ભેંસ તથા ગાય વધુ દૂધ આપે એટલા માટે તેમને એસ્ટ્રોજનનાં ઇન્જેકશન આપવામાં આવે છે. એ ઉપરાંત ચિકનને પણ તેવાં ઇન્જેક્શન આપવામાં આવે છે. જંક ફૂડના માધ્યમથી એસ્ટ્રોજન શરીરમાં પ્રવેશે છે. બાળકો બહુ ઝડપથી જુવાન થઈ જાય છે.”

માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ

ડૉ. શૈલજાના જણાવ્યા મુજબ, “પ્રસૂતિ અને મેનોપોઝ પછી હોર્મોનમાં પરિવર્તનને કારણે ડિપ્રેશન આવવાની શક્યતા વધી જાય છે.”

તેમણે કહ્યું હતું કે, “પ્રજનનની વય દરમિયાન હૉર્મોનલ અસંતુલનથી અવસાદની સંભાવના ઓછી હોય છે. જોકે, મોટાભાગની મહિલાઓએ રજોનિવૃત્તિના તબક્કા દરમિયાન માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરીરમાં થતા ફેરફારની મોટી અસર મસ્તિષ્ક પર થાય છે. એ ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં હૉર્મોનનો પ્રભાવ વધી શકે છે.”