એવી રસી કઈ છે જે બધી મહામારીને 'રોકવા માટે સક્ષમ' છે?

    • લેેખક, મિશેલ રોબર્ટ્સ
    • પદ, ડિજિટલ હેલ્થ એડિટર

વૈજ્ઞાનિકો કહે છે કે તેમણે તમામ 20 જાણીતા પ્રકારના ફ્લૂ સામે રસી ડિઝાઇન કરવામાં સફળતા મેળવી લીધી છે. તેમાં સફળ કોવિડ રસીઓમાં વપરાતી મેસેન્જર-રિબોન્યુક્લિક-ઍસિડ (mRNA) તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ફ્લૂ સ્વરૂપ બદલે (મ્યુટેશન) છે અને વર્તમાન રસીનો વર્ષમાં એક વારનો ડોઝ એ પ્રકારે સુધારવામાં આવે છે કે વાઇરસને નક્કામો બનાવી દે. જોકે આ પ્રકારનું રસીકરણ નવા પ્રકારની મહામારી સામે રક્ષણ મેળવવા મોટા ભાગે અસરકારક નથી નીવડતું.

નવી રસી ફેરેટ્સ (ખાસ કરીને યુરોપમાં સસલાને પકડવા માટે ઉપયોગમાં લેવાતું પાલતું પ્રાણી) અને ઉંદર પરનાં પરીક્ષણોમાં ભારે માત્રામાં એન્ટિબૉડી પેદા કરે છે, જે વાઇરસની વ્યાપક શ્રેણી સામે લડી શકે છે.

સાયન્સ જર્નલ અનુસાર, સંશોધકો અપેક્ષા રાખી રહ્યા છે કે નવી રસીમાં રહેલા એન્ટિજન - ઇન્ફલ્યુએન્ઝા A અને B વાઇરસના તમામ 20 જાણીતા પેટાપ્રકારને ઓળખી શકાય તેવા બિટ્સની સુરક્ષિત નકલો - રોગપ્રતિકારક તંત્રને તેમની સામે અને મહામારી ફેલાવી શકે તેવા કોઈ પણ નવા વૅરિયન્ટ સામે કેવી રીતે લડવું તે શીખવી શકે છે અને નવા જે રોગચાળો ફેલાવી શકે છે.

યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા ખાતે આ રસી વિકસાવવા પાછળના એક વૈજ્ઞાનિક ડૉ. સ્કોટ હેન્સલીએ બીબીસીને જણાવ્યું હતું કે, "અમારો વિચાર એવો છે કે એક રસી એવી વિકસાવવી જે લોકોને ફ્લૂના વિવિધ વાઇરસ માટે મૂળભૂત સ્તરે રોગપ્રતિકારક મેમરી પૂરી પાડે."

"જ્યારે આગામી ફ્લૂ મહામારી આવશે ત્યારે બીમારી અને મૃત્યુના આંક ઘણા ઓછા હશે."

'પરિણામો ઉત્સાહજનક'

2009ની સ્વાઇન ફ્લૂ મહામારી - પ્રજાતિઓમાંથી માનવોને સંક્રમિત કરતા વાઇરસને કારણે સર્જાઈ હતી અને તે ધારવામાં આવ્યો હતો તેના કરતાં ઓછો ગંભીર હતો.

પરંતુ 1918 સ્પેનિશ ફ્લૂ મહામારીમાં લાખો લોકો માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે.

ન્યૂયૉર્કમાં માઉન્ટ સિનાઈ હૉસ્પિટલ ખાતેની ઇન્સ્ટિટ્યૂટ ફૉર ગ્લોબલ હેલ્થ ઍન્ડ ઇમર્જિંગ પૅથોજન્સના ડિરેક્ટર ઍડોલ્ફો ગાર્સિયા-સાસ્ત્રે કહ્યું, "વર્તમાન ઇન્ફલ્યુએન્ઝા રસીઓ મહામારીની સંભાવના ધરાવતા ઇન્ફલ્યુએન્ઝા વાઇરસ સામે રક્ષણ આપતી નથી."

"આ રસી, જો લોકોમાં અસરકારક નીવડશે તો આ સિદ્ધિ હાંસલ કરશે. અભ્યાસ એક પ્રાયોગિક મૉડલોમાં પ્રિ-ક્લિનિકલના તબક્કામાં છે."

તેઓ કહે છે, "પરિણામો ખૂબ જ ઉત્સાહજનક છે અને તે ઇન્ફલ્યુએન્ઝા વાઇરસના તમામ પેટાપ્રકારો સામે રક્ષણાત્મક ક્ષમતા સૂચવે છે. જોકે જ્યાં સુધી સ્વયંસેવકોમાં ક્લિનિકલ ટ્રાયલ કરવામાં ન આવે ત્યાં સુધી અમે ખાતરીપૂર્વક કહી શકતા નથી."

સાન પાબ્લો યુનિવર્સિટીના વાઇરોલૉજિસ્ટ એસ્ટાનિસ્લાઓ નિસ્ટલે જણાવ્યું હતું કે, "આ બધું સરળતાથી અને ઝડપથી વિકસાવવામાં આવેલી વૈશ્વિક રસીની સંભાવના સૂચવે છે જે નોવેલ ઇન્ફલ્યુએન્ઝા વાઇરસની મહામારીની ઘટનામાં ખૂબ ઉપયોગી નીવડી શકે છે."