You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જમ્યા બાદ બે મિનિટ ચાલવાના કેટલા ફાયદા છે?
- જમ્યા પછી સૂઈ જાઓ છો? તો જાણો તેના કારણે શરીરને કેટલું નુકસાન થઈ શકે છે
- શું તમે જાણો છો કે માત્ર 100 ડગલાં ચાલવા માત્રથી તે નુકસાન ઓછું કરી શકાય છે?
- જમ્યા પછી ચાલવાના મહાત્મ્ય અંગે વાત કરતાં નિષ્ણાતો શું જણાવે છે?
આપણા ઘરના વડીલો હંમેશાં કહેતા હોય છે કે 'જમ્યા બાદ તુરંત બેસી ન રહો. બે મિનિટ તો ચાલો.'
ભોજન સારું હોય અને તો જમ્યા બાદ ચાલવાનું કોને મન થાય? લોકોને એવું થાય કે રહેવા દો ને, ચાલો ઊંઘી જઈએ અથવા થોડી વાર બેસીએ.
પરંતુ આવું કરવું યોગ્ય નથી. જમ્યા બાદ દરેક વ્યક્તિએ 'શતપાવલી' કરવી જોઈએ. શતપાવલીનો મતલબ છે જમ્યા બાદ આશરે બે મિનિટ સુધી ચાલવું. તેનાથી આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.
જર્નલ ઑફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પબ્લિશ થયેલા એક રિપોર્ટ પ્રમાણે જમ્યા બાદ ધીમે ધીમે ચાલવાથી શરીરનું શુગર લેવલ જળવાઈ રહે છે. નિષ્ણાતોના મતે બે મિનિટની વૉક સારા પાચન માટે જરૂરી છે.
માત્ર બે મિનિટ જ ચાલવાથી અહીં જાણો બીજા શું-શું ફાયદા થઈ શકે છે.
શરીરમાં શુગરનું પ્રમાણ જળવાઈ રહે છે
જર્નલ ઑફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પબ્લિશ થયેલા સંશોધનમાં સાત અલગ અલગ પ્રકારનાં સંશોધન વિશે જણાવાયું હતું.
તેમાં બેસવાની સરખામણીએ ઊભા રહેવા કે ચાલવા મુદ્દે વાત કરવામાં આવી હતી. સંશોધકોને જાણવા મળ્યું કે જમ્યા બાદ ધીમે ધીમે ચાલવાથી શરીર પર હકારાત્મક અસર જોવા મળે છે અને શરીરનું બ્લડ શુગર લેવલ જળવાઈ રહે છે. સંશોધકોએ એવી પણ સલાહ આપી છે કે જમ્યા બાદ 60 થી 90 મિનિટની અંદર વ્યક્તિએ ચાલવું જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડાયાબિટીસના નિષ્ણાતો કહે છે કે ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા દર્દીઓએ જમ્યા બાદ દસ-15 મિનિટ ચાલવું જોઈએ. એની સાથે સ્ટાર્ચ ધરાવતી વસ્તુઓ ખાવાનું ઓછું કરી દેવું જોઈએ. દવાઓ સમયસર લેવી જોઈએ.
મૅક્સ હેલ્થકેર હૉસ્પિટલના ડાયાબિટીસ વિભાગના પ્રમુખ ડૉ. અંબરીશ મિત્તલ કહે છે, "અમે ડાયાબિટીસના દર્દીઓને જમ્યા બાદ ચાલવાની સલાહ આપીએ છીએ, પણ ઝડપથી નહીં. જમ્યા બાદ શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધવા લાગે છે, પણ ચાલવાથી તે નિયંત્રણમાં રહે છે."
હાલ ભારતમાં 7.7 કરોડ લોકો એવા છે જેઓ ડાયાબિટીસથી પિડાય છે. અનુમાન છે કે 2045 સુધી આ આંકડો 13 કરોડને પાર કરી જશે.
મેડિસિન સ્પેશિયાલિસ્ટ ડૉ. ઈરાની કહે છે કે જો શરીરમાં શુગરનું સ્તર નિયંત્રિત રહે, તો બીજાં અંગો પણ સ્વસ્થ રહે છે.
ઘણા લોકો જમ્યા બાદ બેસી રહેવાનું કે સૂઈ જવાનું પસંદ કરે છે. શહેરી વિસ્તારોમાં આ ખૂબ સામાન્ય બાબત છે.
ડૉ. મિત્તલ કહે છે, "જમ્યા બાદ તુરંત હાથમાં રિમોટ લઈને ટીવી સામે બેસી ન રહો."
નિષ્ણાતોના મતે જમ્યા બાદ ચાલવાથી શરીરની માંસપેશીઓ જલદીથી શુગરને કોષોમાં શોષી લે છે. તેનાથી ઇન્સુલિન પણ અસરકારક રીતે કામ કરે છે. તેનાથી શરીરમાંથી શુગરની માત્રા ઓછી થાય છે.
નાણાવટી હૉસ્પિટલમાં સ્પૉર્ટ્સ મેડિસિનના પ્રમુખ ડૉ. અલી ઈરાની કહે છે, "જમ્યા બાદ શરીરમાં શુગરનું સ્તર વધે છે. તો 100 જેટલાં પગલાં અથવા દસ મિનિટ સુધી ચાલવાથી શરીરમાંથી માંસપેશીઓ અને લિવરના માધ્યમથી વધારાનું શુગર બહાર નીકળી જાય છે. તેનાથી શરીરમાં શુગરનું લેવલ જળવાઈ રહે છે."
સંશોધકોના મતે માત્ર ઊભા રહેવાથી પણ શરીરમાં શુગરનું પ્રમાણ ઓછું થાય છે. પરંતુ તેની અસર ચાલવા કરતાં ઓછી થાય છે.
મુંબઈની વોકાર્ટ હૉસ્પિટલના ઇમર્જન્સી વિભાગના પ્રમુખ ડૉ. સંતોષ બંસોડે કહે છે, "ચાલવું એ એક પ્રકારની કસરત છે જે પગની માંસપેશીઓનો ઉપયોગ કરે છે. તો શરીરમાંથી શુગરનું સ્તર ઓછું કરવા માટે ચાલવું ખૂબ જરૂરી છે."
પાચનશક્તિમાં સુધારો
જમ્યા બાદ ચાલવાથી પાચન સારી રીતે થાય છે અને મગજ પણ શાંત થાય છે.
ડૉ. બંસોડે કહે છે, "જમ્યા બાદ ચાલવાથી પેટ જલદીથી ખાલી થાય છે. તે ઝડપથી ખાધેલા પદાર્થોને પચાવી શકે છે."
નિષ્ણાતો ઉમેરે છે કે લોકોને પેટમાં ગડબડની સમસ્યા રહે છે, કબજિયાતની તકલીફ રહે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ જમ્યા પછી ચાલે તો આવી સમસ્યાઓ સામે લડવામાં ઘણી મદદ મળે છે.
ડૉ. બંસોડે પણ આ વાત સાથે સહમત છે. તેઓ કહે છે, "જમ્યા બાદ લોકોએ ધીમી ગતિએ ચાલવું જોઈએ અને ઝડપથી નહીં. ઝડપથી ચાલવાથી પેડુમાં દુખાવો થાય છે."
નિષ્ણાતોના મતે જમ્યા બાદ શરીરમાં કોઈ ઍક્ટિવિટીની જરૂર હોય છે. ખાસ કરીને રાત્રિભોજન બાદ.
તેનું કારણ છે કે જો જમ્યા બાદ તુરંત સૂઈ જશો તો લિવરમાં ચરબીનું પ્રમાણ વધી શકે છે. આવું થતું રોકવા માટે પાંચ-દસ મિનિટ ચાલવું જોઈએ.
ડૉ. અલી ઈરાની ઉમેરે છે, "કેટલાક લોકો જમ્યા બાદ તુરંત સૂઈ જાય છે. તેનાથી પાચનશક્તિ પર અસર થાય છે. પાચન ધીમું થઈ જાય છે. તેવામાં શતપાવલી ખૂબ અસરકારક હોય છે."
કાર્ડિયોવાસ્કુલર ફાયદા
હૃદય માટે ચાલવું સૌથી શ્રેષ્ઠ કસરત છે. ચાલવાથી હાર્ટ રેટ વધે છે અને હૃદયની કસરત થાય છે.
સંશોધકોએ વોલ્યુન્ટીયર્સને દર 20 મિનિટે બે મિનિટ અને દર 30 મિનિટે પાંચ મિનિટ માટે ઊભા રહેવા અથવા ચાલવા કહ્યું હતું. તેનું દિવસમાં ઘણી વખત નિરીક્ષણ થતું.
મુંબઈની સિમ્બાયોસિસ હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અંકુર ફાટરપેકર કહે છે, "ચાલતા સમયે સોલિયસ મસલ્સ સક્રિય થઈ જાય છે. તેને પેરિફેરલ હાર્ટ મસલ્સ પણ કહેવામાં આવે છે. આ માંસપેશીઓ શરીરના બીજા ભાગોમાંથી હૃદય સુધી લોહી પહોંચાડે છે. તેનાથી રક્તવહનમાં સુધારો થાય છે."
જોકે, જે લોકો પહેલેથી હૃદયના રોગી છે તેમણે જમ્યા બાદ તુરંત વધારે પડતી કસરત કરવી જોઈએ નહીં. તેનાથી હૃદય પર દબાણ વધી શકે છે.
સંશોધનના એક સંશોધક એડન બફેટે ન્યૂયૉર્ક ટાઇમ્સ સાથે વાત કરતાં કહ્યું હતું કે બેસવા અને ઊભા રહેવાની સરખામણીએ ધીમી ગતિએ ચાલવું વધારે ફાયદાકારક છે.
શું માનસિક સ્વાસ્થ્ય પણ સારું થાય છે?
નિષ્ણાતોના મતે ચાલવાથી એડ્રાનલિન અને કોર્ટિસૉલ જેવા સ્ટ્રેસ હોર્મોનમાં ઘટાડો થાય છે. તેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.
તો શું જમીને ચાલવાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ કોઈ અસર પડે છે? મનોચિકિત્સક ડૉ. સાગર મુંડાદા કહે છે, "જમીને ચાલવાથી માનસિક સ્વાસ્થ્ય પર કોઈ નોંધપાત્ર અસર પડતી નથી."
જોકે, તેઓ કહે છે કે ચાલવાના માનસિક સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા હોય છે.
તેમના મતે, "જો ઝડપથી ચાલવામાં આવે તો મગજમાં હકારાત્મકતા આવે છે. તેની હકારાત્મક અસર થાય છે. તેનાથી શરીરમાં સારી ભાવના આવતાં કેમિકલ છૂટે છે. તો ચાલવાના શરીર માટે હકારાત્મક ફાયદા છે."
નિષ્ણાતોના મતે સારી ઊંઘ મેળવવા માટે જમ્યા બાદ ધીમી ગતિએ ચાલવાથી ઘણો ફાયદો થાય છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો