ચહેરા યાદ નથી રહેતા? આ કોઈ બીમારી છે કે માનસિક સ્થિતિ?

    • લેેખક, પાયલ ભુયન
    • પદ, બીબીસી સંવાદદાતા

"થોડા મહિના પહેલાં એક કાર્યક્રમમાં એક અજાણ્યો ચહેરો મારી સામે આવ્યો હતો. એ વ્યક્તિએ મારી સામે જોઈને ઉત્કટતાભર્યું સ્મિત કર્યું. તેને નિહાળીને હું બહુ ગભરાઈ ગઈ હતી. મને ત્યાંથી રવાના થઈ જવાની ઇચ્છા થઈ હતી."

"તેના સ્મિતે મારી અંદર રોજ થતો ઊહાપોહ ફરી એક વાર વધુ તીવ્ર બન્યો હતો. મને લોકોના ચહેરા યાદ રહેતા નથી."

બીબીસીનાં સંવાદદાતા નતાલિયા ગ્યૂરેરો પોતાની આ ‘કન્ડિશન’ બાબતે જણાવે છે કે તેમને લોકો અજાણ્યા લાગે છે. લોકોને ચહેરાથી ઓળખવાનું તેમના માટે રોજ કોઈ સંઘર્ષથી ઓછું નથી હોતું.

તેઓ કહે છે, "વર્ષોથી એક મૂંઝવણ છે, એક કોયડો છે, જે કોઈ અજાણી વ્યક્તિ મળતાં જ મનના દ્વાર ખખડાવે છે અને પૂછે છે કે આ વ્યક્તિ કોણ છે? હું તેમને ઓળખું છું? તેઓ મારી સાથે કામ કરે છે?"

"તેઓ મારી સાથે ઑફિસમાં કામ કરતા હોય અને હું તેમને ન ઓળખતી ન હોઉં તો કેટલું ખરાબ કહેવાય."

શું છે પ્રોસોપેગ્નોસિયા

તેને આ રીતે સમજો. કોઈ વ્યક્તિને ચહેરા યાદ ન રહેતા હોય તો તે દિમાગની તે અવસ્થાને ‘ફેસ બ્લાઇન્ડનેસ’ કહેવામાં આવે છે. મનોચિકિત્સાકીય ભાષામાં તેને પ્રોસોપેગ્નોસિયા નામે ઓળખવામાં આવે છે. એ દિમાગની એક એવી અવસ્થા છે, જેમાં વ્યક્તિ તેને ઓળખતા લોકોના ચહેરા પણ ઓળખી શકતી નથી.

નોઇડાની મેટ્રો હૉસ્પિટલ ઍન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સિનિયર કન્સલ્ટન્ટ ન્યૂરોલૉજિસ્ટ ડૉ. સોનિયા લાલ ગુપ્તા કહે છે, "પ્રોસોપેગ્નોસિયા ઘણી વાર જન્મજાત પણ હોઈ શકે છે. પ્રોસોપેગ્નોસિયા થવાના ઘણાં કારણો છે."

"દાખલા તરીકે, કોઈ વ્યક્તિને આઘાત લાગે કે દિમાગમાં ગંભીર ઈજા થાય તો પણ તે આ અવસ્થામાં સરકી પડે છે."

દિલ્હીની સેન્ટ સ્ટીફન હૉસ્પિટલમાં મનોચિકિત્સા વિભાગના વડા ડૉ. રૂપાલી શિવલકર કહે છે, "મગજની નીચેના જમણા ભાગમાં ચહેરાને ઓળખવાની ક્ષમતા હોય છે ત્યાં રક્તનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો પ્રોસોપેગ્નોસિયા થઈ શકે છે."

"જે લોકોને પ્રોસોપેગ્નોસિયા જન્મજાત ન હોય અને બાદમાં કોઈ કારણસર થાય તો તેનું નિદાન એમઆરઆઈ મારફત કરી શકાય છે."

"એમઆરઆઈ રિપોર્ટમાં દિમાગના એ હિસ્સામાં ફરક સ્પષ્ટ દેખાય છે, પરંતુ જન્મજાત પ્રોસોપેગ્નોસિયામાં એ સ્ટ્રક્ચરલ ફરક દેખાતો નથી. એવી તકલીફ ધરાવતા બાળકોના દિમાગના એ હિસ્સાનો વિકાસ જ થતો નથી."

હાર્વર્ડ મેડિકલ સ્કૂલનો તાજેતરનો એક રિપોર્ટ જણાવે છે કે પ્રત્યેક 33માંથી એક માણસ પ્રોસોપેગ્નોસિયાથી કોઈને કોઈ હદે પ્રભાવિત હોય છે. એટલે કે કુલ વસતીના 3.08 ટકા લોકો આ તકલીફથી પીડાઈ રહ્યા છે.

પ્રિમેટોલૉજિસ્ટ જેન ગુડોલ, અભિનેતા બ્રેડ પિટ અને ભારતીય અભિનેત્રી તથા ટ્રાવેલ ઇન્ફ્લ્યુએન્સર શહનાઝ ટ્રેઝરીવાલા જેવી વિખ્યાત હસ્તીઓએ પોતાની આ અવસ્થા બાબતે દુનિયાને વિગતવાર જણાવ્યું છે.

ડૉ. રૂપાલી શિવલકરના જણાવ્યા મુજબ, "ભારતમાં પણ પ્રોસોપેગ્નોસિયાથી પીડિત લોકોનો આંકડો બેથી ત્રણ ટકાની વચ્ચે હોવાનું અનુમાન છે."

પ્રોસોપેગ્નોસિયાનો પ્રથમ તબક્કો

બીબીસી સંવાદદાતા નતાલિયા પોતાની કન્ડિશન બાબતે કહે છે, "લોકોના ચહેરા ન ઓળખી શકવાની મારી અવસ્થા બહુ ગંભીર નથી. હું મારા પરિવારજનો, મોટાભાગના દોસ્તો અને ઑફિસના સાથીઓને ઓળખી શકું છું."

ડૉક્ટર્સના જણાવ્યા મુજબ, પ્રોસોપેગ્નોસિયામાં અલગ-અલગ સ્તર હોય છે. ડૉ. રૂપાલી શિવલકર જણાવે છે કે "જન્મજાત પ્રોસોપેગ્નોસિયાને ડૉક્ટર્સ અગાઉ બાળકોમાંના ઑટિઝમ સ્પેક્ટ્રમ સાથે સાંકળતા હતા, પરંતુ અનેક સંશોધન પછી હવે ખબર પડી છે કે તે બન્ને અલગ અવસ્થા છે.

અમેરિકન સરકરની વેબસાઇટ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ન્યૂરોલૉજિકલ ડિસોર્ડર ઍન્ડ સ્ટ્રોકના જણાવ્યા મુજબ, પ્રોસોપેગ્નોસિયાનું મુખ્ય લક્ષણ, પીડિત વ્યક્તિને અન્યોના ચહેરા ઓળખવામાં થતી મુશ્કેલી છે. તેના દર્દીઓ અલગ-અલગ ચહેરાઓ વચ્ચેનો તફાવત પારખી શકતા નથી.

પ્રોસોપેગ્નોસિયાના બીજા કેટલાંક લક્ષણો નીચે મુજબ છે.

  • ઘણા લોકોને પરિચિતોના ચહેરા ઓળખવામાં થતી મુશ્કેલી
  • અજાણ્યા ચહેરા વચ્ચેનો તફાવત ન પારખી શકાય
  • કોઈના ચહેરા તથા કોઈ વસ્તુ વચ્ચેનો ફરક પારખી ન શકાય
  • પોતાનો ચહેરો સુદ્ધાં ઓળખી ન શકાય.
  • એ સિવાય બીજાં લક્ષણ પણ છે, જેમાં આ બીમારીથી પીડિત લોકોને ચહેરા પરના હાવભાવ ઓળખવામાં થતી મુશ્કેલી, ફિલ્મો કે ટીવી પર આવતા પાત્રો ઓળખવામાં કે વાર્તા યાદ રાખવામાં અસમર્થતા અને રસ્તો ભૂલી જવો વગેરેનો સમાવેશ થાય છે.

એ સિવાય બીજાં લક્ષણ પણ છે, જેમાં આ બીમારીથી પીડિત લોકોને ચહેરા પરના હાવભાવ ઓળખવામાં થતી મુશ્કેલી, ફિલ્મો કે ટીવી પર આવતા પાત્રો ઓળખવામાં કે વાર્તા યાદ રાખવામાં અસમર્થતા અને રસ્તો ભૂલી જવો વગેરેનો સમાવેશ થાય છે.

સામાજિક જીવન પર અસર

નતાલિયા જણાવે છે કે ઘણી વાર લોકો તેને ઘમંડી સમજે છે. એક પત્રકાર હોવાને કારણે તેમણે ઘણા લોકોને મળવાનું હોય છે. તેમાં ઘણી તકલીફ પડે છે.

પોતાના એક અસાઇન્મેન્ટને યાદ કરતાં નતાલિયા કહે છે, "હું અમેરિકાના ન્યૂયોર્કમાં એક મોટા ડ્રગ તસ્કર સંબંધી સમાચાર કવર કરી રહી હતી. રોજ કોર્ટરૂમમાં હું મારા સાથી પત્રકારોને હું ઓળખી શકતી ન હતી. ત્રણ લોકો બેઠા હતા. ત્રણેયની વય લગભગ 30 વર્ષની આસપાસ હશે."

"ત્રણેયે અલગ-અલગ કપડાં પહેર્યાં હતાં. મને એ ત્રણેય એક જેવા લાગતા હતા. જાણે કે હું ત્રણ હમશકલ લોકોને જોઈ રહી હતી. હું ત્યાંથી તરત જ ચાલી નીકળી હતી."

ડૉ. રૂપાલી શિવલકર કહે છે, "ફેસ બ્લાઇન્ડનેસની આ કન્ડિશનની માણસના સામાજિક જીવન પર અસર થાય છે. તેની અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર થાય છે. તેને લીધે તમને સોશિયલ ઍન્ગ્ઝાયટી અથવા ડિપ્રેશન પણ થઈ શકે છે."

ડૉ. સોનિયા લાલ ગુપ્તાના જણાવ્યા મુજબ, પ્રોસોપેગ્નોશિયાનો કોઈ ઇલાજ નથી. તેના ઉપચારનો હેતુ પીડિત લોકોને તેમની પોતાની રીતે વિકસિત કરવામાં મદદરૂપ થવાનો હોય છે, જેથી તેઓ લોકોને ઓળખી શકે.

તેઓ કહે છે, "તેની સારવારમાં એ જોવું જરૂરી હોય છે કે વ્યક્તિને ક્યા કારણસર પ્રોસોપેગ્નોસિયા થયો છે. કોઈ સ્ટ્રોક, આઘાત કે ઈજાને કારણે તે અવસ્થા સર્જાઈ હોય તો વ્યક્તિને તેના મૂળ કારણની દવા આપવામાં આવે છે. એટલે કે તમને સોજો ચડ્યો હોય તો સોજો ઘટાડવાની દવા આપવામાં આવશે."

શું કરવું?

પ્રોસોપેગ્નોશિયાનો કોઈ ઈલાજ તો નથી, પરંતુ કેટલીક એવી બાબતો છે, જે આ અવસ્થાથી પીડિત લોકોનું જીવન થોડું આસાન બનાવી શકે.

ડૉ. રૂપાલી શિવલકર નીચે મુજબનાં સૂચન કરે છે.

  • લોકોને મળતા પહેલાં જ તેમને પોતાની કન્ડિશન વિશે જણાવી દો.
  • તમારી સાથેના લોકોને કહો કે તેઓ તમારી ઓળખાણ અન્ય લોકો સાથે કરાવે.
  • તમે કોઈને મળો ત્યારે તેમને તેમની ઓળખ જણાવવા કહો.
  • લોકોને તેમના અવાજ, તેમની બૉડી લેંગ્વેજ મારફત ઓળખો.

નતાલિયા કહે છે, "લોકોની અવગણના કરવી તે બહુ ખરાબ બાબત છે. લોકોને આવી અનુભૂતિ કરાવવાનું મને પણ સારું લાગતું નથી, પરંતુ હું આ લોકોને એવું કહેવા ઇચ્છું છું કે મારી જેમ કેટલાક લોકો આવી તકલીફથી પીડાતા હોય છે, જેમને લોકો સામાન્યતઃ ખોટી રીતે સમજે છે અને અમારું રોજિંદું જીવન મુશ્કેલ બની જાય છે."

"હું બધા સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરવા ઇચ્છું છું અને વિના સંકોચ પૂછવા ઇચ્છું છું કે તમે કોણ છો?"