તાવની સારવારમાં વપરાતી ઍન્ટિબાયોટિક્સ દવાઓથી પેટમાં કેમ દુખે છે? તેનાથી કેવી રીતે બચવું?

    • લેેખક, અંજલિ દાસ
    • પદ, બીબીસી હિંદી માટે

માઇક્રોઑર્ગેનિઝ્મ એટલે કે સુક્ષ્મજીવ, જેમકે બૅક્ટેરિયા, વાઇરસ વગેરે, માણસના પેટમાં પણ મળી આવે છે.

તે પૈકી કેટલાક એવા પણ હોય છે જે માણસ માટે મદદરૂપ હોય છે. જેમ બૅક્ટેરિયા દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે, બરાબર એમ જ.

આપણા શરીરમાં એવા કરોડો બૅક્ટેરિયા મળી આવે છે જેમની ગેરહાજરીમાં આપણે જીવિત ન રહી શકીએ અને બૅક્ટેરિયા ભારે સંખ્યામાં આપણાં આંતરડાંમાં મળી આવે છે.

ગટ એટલે કે આંતરડાંમાં મળી આવતા બૅક્ટેરિયાની આપણા સ્વાસ્થ્ય પર ગાઢ અસર પડે છે.

તે આપણી રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખવા અને પાચનતંત્ર (ડાઇજેસ્ટિવ સિસ્ટમ) માટે પણ સહાયક હોય છે.

ઘણી વાર આપણી તબિયત કથળે ત્યારે ડૉક્ટરો ઍન્ટિબાયોટિક દવાઓ લેવાની સલાહ આપતા હોવાની વાતથી તમે માહિતગાર હશો.

પાછલાં 80 વર્ષોથી ઍન્ટિબાયોટિક્સ દવાઓ ચેપી રોગોથી સફળતાપૂર્વક લડી રહી છે.

આના કારણે સમગ્ર વિશ્વમાં બીમાર પડવાના દર અને બીમારીથી થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

આ એક એવી દવા છે જે માણસ અને પ્રાણીઓને વાઇરસ, બૅક્ટેરિયા વગેરેથી બચવામાં મદદરૂપ સાબિત થાય છે. તેથી ઍન્ટિબાયોટિક્સને મૂળપણે માઇક્રોઑર્ગેનિઝ્મને રોકનાર ઍન્ટિમાઇક્રોબિયલ એજન્ટ્સ કહે છે.

જાણકારો શું કહે છે?

જાણકારો જણાવે છે કે ગટ માઇક્રોબાયોમ એટલે કે આંતરડામાં રહેલાં આપણી તંદુરસ્તી જાળવી માટે જરૂરી અને ઉપયોગી બૅક્ટેરિયા માટે ઍન્ટિબાયોટિક્સ સૌથી મોટો ખતરો છે.

અમેરિકન સોસાયટી ફૉર માઇક્રોબાયૉલૉજીની એમબાયો જર્નલમાં પ્રકાશિત સંશોધન પ્રમાણે ‘જ્યારે માણસ બીમાર પડે છે અને ડૉક્ટર તેને ઍન્ટિબાયોટિક્સ લેવાની સલાહ આપે છે, ઍન્ટિબાયોટિક પ્રતિરોધને કારણે એ એક સિંગલ કોર્સને કારણે શરીરમાં મળી આવતા આ માઇક્રોઑર્ગેનિઝ્મ્સ પર ગંભીર અસર પડે છે અને લગભગ એક વર્ષમાં એ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ જાય છે.’

વૈજ્ઞાનિક જર્નલ પ્રોસિડિંગ્સ ઑફ નૅશનલ એકૅડૅમિક્સ ઑફ સાયન્સમાં પ્રકાશિત એક સંશોધનપત્ર અનુસાર વર્ષ 2000 અને 2015 વચ્ચે સમગ્ર વિશ્વમાં ઍન્ટિબાયોટિક્સ અપાવાના દરમાં 65 ટકાનો વધારો થયો છે.

ઍન્ટિબાયોટિક્સ પર વધતા જતા અવલંબનને કારણે સ્વાસ્થ્ય પર થતી અસરને લઈને વૈજ્ઞાનિકો ચિંતિત છે.

ઍન્ટિબાયોટિક્સ આપવામાં થયેલા વધારાને કાણે બે મોટી સમસ્યાઓ પેદા થઈ રહી છે –

  • આનાથી આપણા ગટ માઇક્રોબાયોમ્સને નુકસાન થઈ રહ્યું છે
  • ઍન્ટિબાયોટિક્સ પ્રત્યે બૅક્ટેરિયાની પ્રતિરોધક ક્ષમતા વધી રહી છે.

મેડિકલ ન્યૂઝ ટુડેના એક રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકામાં ઍન્ટિબાયોટિક્સ સામે પ્રતિરોધક ક્ષમતા વધવાને કારણે હૉસ્પિટલમાં ઇલાજ પર અસર પડી રહ્યું છે.

સેન્ટર ઑફ ડિસીઝ કન્ટ્રોલ (સીડીસી)એ અમેરિકામાં આ દવાથી પ્રતિરોધી ખતરાને ચિહ્નિત કરતા તેમને ત્રણ કૅટગરીમાં મૂક્યા છે – અતિ જરૂરી, ગંભીર કે ચિંતાજનક.

સાથે જ સ્વાસ્થ્યકર્મીઓને પણ ઍન્ટિબાયોટિક્સનો ઉપયોગ નિયંત્રિત કરવાની અપીલ કરાઈ છે.

ઘણાં સંશોધનોમાં એવું પણ દેખાયું છે કે સતત ઍન્ટિબાયોટિક્સ લેવાની શરીર પર ગંભીર અસર થાય છે.

‘હાઈ ડોઝથી પેટમાં થયો અસહ્ય દુખાવો’

મધ્યપ્રદેશના જબલપુરનાં જાહ્નવી શુક્લા પર ઍન્ટિબાયોટિકની કંઈક આવી જ અસર થઈ. તેમને ઘણા સમય સુધી ઍન્ટિબાયોટિક્સના હાઈ ડોઝ પર રાખવામાં આવ્યાં હતાં.

તેમણે જણાવ્યું, “આ વર્ષે ફેબ્રુઆરી માસમાં મારા બંને પગનાં ઘૂંટણ બદલાયાં હતાં. મોટું ઑપરેશન હોઈ ઘણા સમય સુધી દવા લેવાની હતી. ઍન્ટિબાયોટિક પણ ચાલી રહી હતી. આઠ-દસ દિવસ સુધી તો બધું ઠીક ચાલ્યું. તે બાદ મારા પેટમાં તકલીફ થવાનું શરૂ થયું અને એટલો અસહ્ય દુખાવો થવા લાગ્યો કે ઑપરેશનનો દુખાવો તો હું સંપૂર્ણપણે ભૂલી જ ગઈ.”

“પેટનો દુખાવો અત્યંત પરેશાન કરવા લાગ્યો. શરૂઆતમાં તો તેના કારણ અંગે કંઈ જ ન સમજાયું. પેટમાં અસહ્ય પીડા થતી.”

જાહ્નવી શુક્લાએ જણાવ્યું કે આ દુખાવા સંદર્ભે હું જ્યારે ડૉક્ટર પાસે ગઈ ત્યારે તેમણે ઍન્ટિબાયોટિકનો ડોઝ ઘટાડી દીધો અને જેનાથી સમસ્યા થોડી હદે ઘટી.

તેઓ જણાવે છે કે, “ડોઝ ઘટાડાતાં પેટના દુખાવામાં ઘટાડો થયો પરંતુ એ દરમિયાન હું લગભગ એક માસ સુધી પરેશાન થતી રહી.”

ઍન્ટિબાયોટિક્સની ગટ બૅક્ટેરિયા પર અસર

રિટાયર્ડ ગૅસ્ટ્રૉઍન્ટ્રૉલૉજિસ્ટ ડૉક્ટર પી. ઘોષ કહે છે કે, “ઍન્ટિબાયોટિક્સનો ઉપયોગ જ્યારે તેની તાતી જરૂરિયાત હોય ત્યારે જ કરવો જોઈએ.”

તેઓ કહે છે કે, “આપણે ઍન્ટિબાયોટિક્સ વગર ઇલાજ ન કરી શકીએ, તેમાં કોઈ બેમત નથી. પંરતુ એવી ઘણી પરિસ્થિતિઓ સર્જાય છે જ્યારે તેનો ઉપયોગ ન કરવો જોઈએ.”

સાથે જ તેઓ એવું પણ જણાવે છે કે અલગ અલગ પ્રકારના ગટ બૅક્ટેરિયા જેટલી ભારે સંખ્યામાં મોજૂદ હોય શરીર માટે એટલું સારું.

ડૉ. ઘોષ કહે છે કે, “ઍન્ટિબાયોટિક્સના એક કોર્સમાત્રથી જ તેની સામે (ઍન્ટિબાયોટિક્સ સામે) પ્રતિરોધ પેદા થવાનો ખતરો છે અને તમારાં આંતરડાંમાં ગટ માઇક્રોબાયોમની હાજરી પર અસર પડે છે. આટલું જ નહીં ઍન્ટિબાયોટિક્સનો ઉપયોગ ચેપ ફેલાવનારા જે બૅક્ટેરિયાને હઠાવવવા માટે કરાય છે, એ સિવાય અન્ય બૅક્ટેરિયા પર પણ હુમલો કરી દે છે.”

તેઓ કહે છે કે, “ઍન્ટિબાયોટિક્સ આંતરડાંમાં રહેલા તમામ બૅક્ટેરિયા પર અસર કરે છે.”

અમેરિકાના સેન્ટ લુઇસસ્થિત વૉશિંગટન યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનમાં લૅબોરેટરી ઍન્ડ જેનોમિક મેડિસિનના પ્રોફેસર ગૌતમ ડાંતાસ જંગલનું ઉદાહરણ આપતાં કહે છે કે, “આ પ્રક્રિયા કારપેટ બૉમ્બનો ઉપયોગ કરીને જંગલમાંથી એક તણખલું કાઢવા જેવી છે. આવી સ્થિતિમાં સારી અને ખરાબ બંને પ્રકારની વસ્તુઓ નષ્ટ થઈ જાય છે. ઍન્ટિબાયોટિક્સ બરાબર એ જ રીતે કામ કરે છે.”

આંતરડાંનો મગજ સાથે સંબંધ

આંતરડાં એક લાંબી ટ્યૂબ છે જે મુખથી શરૂ થઈને મળદ્વાર સુધી જાય છે. તેમાં કરોડોની સંખ્યામાં બૅક્ટેરિયા અને અન્ય પરોપજીવી રહે છે, જેને માઇક્રોબાયોમ કહે છે.

મેડિકલ ઍક્સપર્ટ પ્રમાણે આંતરડાં અને મગજ બંને એકબીજા સાથે જોડાયેલાં છે. અને આપણે જાણીએ છીએ કે આપણું મગજ આખા શરીરને સંદેશ મોકલે છે. એવી જ રીતે આંતરડાં પણ મગજ સાથે સંવાદ કરે છે.

હાવર્ડ હેલ્થ પબ્લિશિંગના એક અભ્યાસ અનુસાર જો આંતરડાંમાં કોઈ તકલીફ હોય તો તેનું સિગ્નલ સીધું મગજને જાય છે અને આવી જ રીતે જ્યારે મગજમાં તકલીફ હોય તો એ આંતરડાંને સિગ્નલ મોકલી શકે છે. આવું એટલા માટે કારણ કે મગજ અને આંતરડાં બંને એકબીજા સાથે જોડાયેલાં છે.

જો કોઈ વ્યક્તિ આંતરડાં સંબંધિત સમસ્યાથી પીડાતી હોય તો તેના ઘણાં લક્ષણો જોવા મળે છે.

  • કામથી વારંવાર ધ્યાન ભટકી જવું
  • નબળી યાદશક્તિ
  • તણાવ
  • ચિંતા વગેરે

આંતરડાંની સમસ્યા જે અન્ય વસ્તુઓને પ્રભાવિત કરે છે તેમાં સ્કિન, રોગપ્રતિકારક શક્તિ, અનિયમિત બ્લડ શુગર, મૅટાબૉલિઝ્મ (ચયાપચય) વગેરે પણ સામેલ છે.

ઇમ્પીરિયલ કૉલેજ લંડનમાં કન્સલ્ટન્ટ સર્જન જેમ્સ કિનરૉસ કહે છે કે, “સૌથી સારી વાત તો એ થશે કે આપણે ઍન્ટિબાયોટિક્સ પર બિલકુલ અવલંબિત જ ન રહીએ. આપણા શરીરમાં જ બીમારીઓને ઠીક કરવાની ક્ષમતા પણ છે. આપણે આપણા શરીરની ઇકૉલૉજીને ખાનપાનથી સારી રીતે જાળવી રાખી શકીએ છીએ. તેથી આપણા શરૂઆતના જીવનમાં આપણે સ્વસ્થ ખાનપાન પર ખૂબ ધ્યાન આપવું જોઈએ.”