ભૂખ લાગે ત્યારે સ્વભાવ ચીડિયો કેમ થઈ જાય, ભૂખ્યા પેટની મગજ પર શી અસર થાય?

    • લેેખક, પાયલ ભુયન
    • પદ, બીબીસી સંવાદદાતા

શું ભૂખ તમારા મૂડને પ્રભાવિત કરી શકે છે? શું ભૂખ તમે કઈ રીતે વિચારો છો તેના પર પ્રભાવ પાડી શકે? આપણા આહાર અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધ સમજવો થોડો મુશ્કેલ છે.

અત્યાર સુધીમાં આ વિષય પર સંશોધન કરનારા લોકો કહે છે કે આપણે શું ખાઈએ છીએ અને આપણો મૂડ કેવો હોય છે એ બંને વચ્ચે ગાઢ સંબંધ છે.

ખોરાક લેવો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આજકાલ સેલિબ્રિટી પણ તેમના ડાયટ પ્લાન લોકો સાથે શેર કરતા હોય છે.

એક અનુમાન પ્રમાણે ડાયટિંગની સતત વૃદ્ધિ પામતી બજાર લગભગ 250 બિલિયન ડૉલરને આંબી ગઈ છે.

વજન ઓછું કરવાની કોશિશ કરી રહેલા બે હજાર લોકો પર થયેલા એક અભ્યાસમાં એ સામે આવ્યું છે કે જે લોકોને વજન ઘટાડવામાં થોડીય સફળતા મળી હોય તેમાંથી 80 ટકા લોકોમાં ડિપ્રેશનનાં લક્ષણો જોવા મળ્યાં હતાં.

પરંતુ આવું કેમ? શું તેનું કારણ ડાયટિંગ દરમિયાન લેવામાં આવતો ખોરાક છે?

ભૂખની આપણા મગજ પર થતી અસર

ભૂખની સ્થિતિ એ આપણા મગજ પર અસર કરી શકે છે. ભૂખને કારણે ક્યારેક ગુસ્સો પણ આવે છે. અંગ્રેજીમાં તેને ‘હેંગ્રી’ કહે છે.

એ કોઈ નવી વાત નથી કારણ કે પર્યાપ્ત માત્રામાં પોષકતત્ત્વો અને કૅલરી વગર આપણા મસ્તિષ્કે વિકસિત થવા અને સરખી રીતે કામ આપવા માટે સંઘર્ષ કરવો પડે છે.

પરંતુ શું રોજબરોજની જિંદગીમાં થોડા સમય માટે ભૂખ્યા રહેવું એ શું આપણી વિચારવાની પદ્ધતિ કે આપણા મૂડને પ્રભાવિત કરી શકે છે?

કૉર્પોરેટ જોબ કરનાર અને માર્કેટિંગ પ્રોફેશનલ રવિકાંત કહે છે, “જો મને ખૂબ ભૂખ લાગી હોય તો મને ગુસ્સો આવે છે. મને ચીડિયાપણું થઈ જાય છે. હું ક્યારેય કોઈ વ્રત રાખી શકતો નથી, કારણ કે મને ખૂબ ભૂખ લાગે છે અને પછી મારો મૂડ ખરાબ થઈ જાય છે. જો હું એક ટાણુંય ન જમું તો હું આસપાસના લોકો પર ગુસ્સો કરવા લાગું છું. જ્યારે હું દસમા કે 12મા ધોરણમાં હતો ત્યારથી જ મને આ પ્રકારની ફીલિંગ આવે છે.”

ભૂખની લાગણીઓ પર અસર

આપણી વિચારશક્તિ પર આપણી લાગણીઓ હાવી હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે આપણે આપણી ભાવનાઓને સમજતા કે સ્વીકરતા નથી. જો આપણને ખબર હોય કે આપણને કોઈ પ્રકારની લાગણીનો અનુભવ કેમ થઈ રહ્યો છે તો આપણે તેને નિયંત્રણમાં રાખી શકીએ છીએ.

મનોવૈજ્ઞાનિક અને સિનિયર કન્સલ્ટન્ટ નિશા ખન્ના કહે છે, "માણસની ત્રણ પ્રાથમિક જરૂરિયાતો હોય છે. ભૂખ/તરસ, ઊંઘ અને અન્ય શારીરિક જરૂરિયાતો. જો આ ત્રણમાંથી કોઈ એક જરૂરિયાત પણ પૂરી ન થાય તો આપણા માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે."

"આપણે કેટલ કલાક ભૂખ્યા રહીએ છીએ તેની સીધી અસર મગજ પર પડે છે. સંશોધનો અનુસાર નાસ્તો કરવો ખૂબ જરૂરી છે, કારણ કે સવારે જે ઊર્જાની આપણને જરૂરિયાત હોય છે, એ તેની પૂર્તિ કરે છે. ખોરાક લેવાની પ્રક્રિયા એ આપણી નિર્ણયો લેવાની ક્ષમતા, યાદશક્તિ, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વગેરે પર અસર પાડે છે."

વર્ષ 2022માં કરવામાં આવેલ એક અભ્યાસ અનુસાર ખરાબ મૂડ આપણને ઘણી વાર નિરાશાવાદી બનાવે છે, જે આપણી વિચારસરણીને વધુ નકારાત્મક બનાવી શકે છે. જો તમે નથી જાણતા કે તમારો મૂડ કેટલો ખરાબ છે, તો તમારા ખોટા નિર્ણયો લેવાની સંભાવના અનેકગણી વધી જાય છે.

પરંતુ આનો એ વાત સાથે શું સંબંધ કે તમે તાજેતરમાં શું ખાધું છે?

બાયૉલૉજિકલ કૅમેસ્ટ્રી

35 વર્ષના શિલ્પા મુંબઈમાં રહેતા ગૃહિણી છે. તેઓ પ્રિ-ડાયાબિટીક છે, પરંતુ તેઓ માસિકસ્રાવની પીડા ઘટાડવા અને તેમનો મૂડ જાળવવા આઈસ્ક્રીમ અને ડાર્ક ચોકલેટ ખાય છે.

શિલ્પા કહે છે, "જે ક્ષણે હું આઈસ્ક્રીમ અથવા ડાર્ક ચોકલેટ ખાઉં છું, હું અચાનક ખૂબ જ ખુશ થઈ જાઉં છું. જાણે કે બધું બરાબર થઈ ગયું હોય. મને મારા પીરિયડ્સના શરૂઆતના દિવસોમાં ખૂબ જ દુખાવો થાય છે, પરંતુ આ બે વસ્તુઓ મને તે દર્દ ભૂલી જવામાં મદદ કરે છે. મને પ્રિ-ડાયાબિટીસ છે એ હું જાણું છું છતાંય હું આઈસ્ક્રીમ અને ચોકલેટ છોડી શકતી નથી. પરંતુ હા તે ખાધા પછી હું ચાલવા માટે જરૂરથી જાઉં છું."

પ્રખ્યાત ડાયેટિશિયન અને વન હેલ્થ કંપનીના સ્થાપક ડૉ. શિખા શર્મા ખોરાક અને આપણા મૂડ વચ્ચેનો ઊંડો સંબંધ સમજાવે છે.

તેઓ કહે છે, "ખોરાક એ બાયૉલૉજિકલ કૅમેસ્ટ્રી છે. ખોરાક આપણા હોર્મોન્સને ટ્રિગર કરે છે. ઘણા લોકોને ટ્રિગર ઇટિંગ હેબિટ્સ હોય છે. જો તમે ખુશ, ગુસ્સામાં, ઉદાસ કે નર્વસ હોવ, તો આ ટ્રિગરને કારણે તમે વારંવાર એ જ વસ્તુઓ ખાઓ છો જે તમને પસંદ છે. ખાંડ, ચીઝ, આલ્કોહોલ, મશરૂમ્સ, દૂધ જેવી ખાદ્યચીજો વિવિધ હોર્મોન્સને ઉત્તેજિત કરે છે."

વર્ષ 2022માં સાયકૉલૉજિસ્ટ નિએન્કે જૉન્કર અને તેમના સાથીઓએ નેધરલૅન્ડની ગ્રોનિગેન યુનિવર્સિટી ખાતે 129 મહિલાઓ પર એક અભ્યાસ હાથ ધર્યો હતો.

તેમાંથી અડધી મહિલાઓને 14 કલાક ઉપવાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી આ તમામ મહિલાઓને તેમની ભૂખ, મૂડ અને ખાવાની આદતો વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

તેઓએ જોયું કે જે મહિલાઓએ ખાધું ન હતું તેઓ વધુ નકારાત્મક પ્રતિભાવો આપે છે અને તેઓ તાણ, ગુસ્સો, થાક અને મૂંઝવણ અનુભવે છે. તેમનામાં ઉત્સાહનો પણ અભાવ હતો.

જૉન્કર કહે છે, "આ કોઈ નાની વાત નથી. જે મહિલાઓને ખાવાનું આપવામાં ન આવ્યું હોય તેમને અન્ય સ્ત્રીઓ કરતાં સરેરાશ બમણો ગુસ્સો આવે છે."

જંક ફૂડ અને 'સ્ટ્રેસ ઇટિંગ'

ડાયેટિશિયન ડૉ. શિખા શર્માના જણાવ્યા અનુસાર, આપણા ગુસ્સા અને ભૂખનાં કેન્દ્રો મગજમાં એકબીજાની આસપાસ હોય છે. જ્યારે એકને અસર થાય છે ત્યારે બીજા આપોઆપ સક્રિય થઈ જાય છે.

બૅન્કિંગ પ્રોફેશનલ અને દિલ્હીનાં રહેવાસી પ્રિયંકા કહે છે કે તેઓ 'સ્ટ્રેસ ઇટિંગ' કરે છે. "જ્યારે હું તણાવમાં હોઉં છું, ત્યારે ખોરાક મને આરામ આપવામાં મદદ કરે છે. ઑફિસમાં ઘણી વખત, મને સમજાયું કે જ્યારે વધુ પડતું કામ હોય ત્યારે મારું જંક ફૂડનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે હવે મારું વજન પણ ઘણું વધી રહ્યું છે. હવે તેનાથી વિપરીત મારા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે."

મનોવૈજ્ઞાનિક અરુણા બ્રુટા માને છે કે મન અને શરીર વચ્ચેનો સંબંધ પરસ્પર જોડાયેલો છે અને આ બંનેને જોડી રાખે છે તમારો ખોરાક.

તેઓ કહે છે કે, "જ્યારે તમે લાંબા સમય સુધી ખાતા નથી, ત્યારે તમારું બ્લડ શુગર લેવલ ઓછું થઈ જાય છે, તમારી ક્રીએટિવિટી ઓછી થવા લાગે છે, તમારા વિચારોમાં ગુસ્સો અને ગભરાટ વધુ હોય છે. ધીરજ પણ ખતમ થવા લાગે છે. શરીરમાં સોડિયમની માત્રાને સંતુલિત કરવી જરૂરી છે. જે લોકોમાં સોડિયમનું પ્રમાણ ઊંચું હોય છે, તેઓ હાઈ બ્લડપ્રેશરથી પીડાય છે. તેઓ ઝડપથી ગુસ્સે થઈ જાય છે અને જે લોકોમાં સુગરનું પ્રમાણ ઓછું હોય છે તેઓ પણ ઝડપથી ગુસ્સે થઈ જાય છે."

દિલ્હીમાં રહેતા રવિકાંતનું કહેવું છે કે જ્યારે તેને ભૂખ લાગે છે ત્યારે તે કોઈ નિર્ણય લેવાનું ટાળે છે.

તેઓ કહે છે કે, "હું તે સમયે કોઈ મોટા નિર્ણયો લેતો નથી, હું મેઈલનો જવાબ પણ નથી આપતો. મીટિંગમાં જતા પહેલાં પણ હું જમીને જ જવાનો પ્રયત્ન કરું છું. કારણ કે હું જાણું છું કે ભૂખ્યા રહેવાથી હું ખૂબ જ ચીડાઈ જઈશ."

ડૉ. શિખા શર્મા કહે છે, "જો તમને ભૂખ લાગી હોય તો એ સંભવ છે કે તમે સાચા નિર્ણયો લઈ શકશો નહીં. તમે જે કામ કરી રહ્યા છો તેના પર તમે ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં. તમે ઝડપથી કામ પૂરું કરવાનો પ્રયાસ કરશો કે જેથી તમે જલદીથી કંઈક ખાઈ શકો. જ્યારે આપણે ભૂખ, ગેસ, એસિડિટી અથવા આલ્કોહોલના પ્રભાવ હેઠળ હોઈએ છીએ, ત્યારે આપણી સમજવાની ક્ષમતા ઘણી હદ સુધી ઘટી જાય છે."

કેવી રીતે રાખશો ખોરાક અને સ્વાસ્થ્યમાં તાલમેલ

પૌષ્ટિક ખોરાક ખાવાથી તમે વધુ સ્વસ્થતા અનુભવશો.

આ માટે તમારે વધુ મોટા ફેરફાર કરવાની જરૂર નથી.

ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશિયન ડૉ. શિખા શર્મા તેના માટે સલાહો આપે છે.

  • શરીરની સર્કેડિયન રિધમને ઓળખો અને તે મુજબ ખાઓ.
  • લંચ અને ડિનર કે બ્રેકફાસ્ટ અને લંચ વચ્ચે વધારે ગેપ ન છોડો.
  • પૂરતું પાણી પીવો.
  • ઋતુ અને ઉંમર પ્રમાણે ખોરાક લેવો.
  • કસરતને દિનચર્યાનો એક ભાગ બનાવો.

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને માનસિક સ્વાસ્થ્ય

ડૉ. શિખા શર્મા કહે છે, "શરીરની એક સર્કેડિયન રિધમ હોય છે. જે મુજબ તમારું શરીર કામ કરે છે. માનવ શરીર દિવસ દરમિયાન ખોરાકનું પાચન કરે છે અને બાકીના સમયમાં પોતાની જાતને રિપૅર કરે છે."

"શરીરની સર્કેડિયન રિધમ સૂર્યપ્રકાશ અનુસાર કામ કરે છે. આયુર્વેદમાં સૂર્યાસ્ત પછી ન ખાવું એ સારી ટેવ માનવામાં આવે છે. પરંતુ ઉદાહરણ તરીકે માની લો કે જો સૂર્ય સવારે સાડા પાંચ વાગ્યે ઊગે છે, તો તમારા શરીરની સર્કેડિયન રિધમ સવારે 8થી સાડા આઠ સુધીમાં શરૂ થઈ જાય છે. તે તેની ટોચ પર બપોરે 12 વાગ્યે આવશે અને તે 6 વાગ્યા પછી ઘટી જશે."

"આજકાલ લોકો શરીર અને ખોરાક પાછળના વિજ્ઞાનને સમજ્યા વિના દિવસના 2 વાગ્યા સુધી ખાતા નથી. આમ કરવાથી તમે તમારા શરીરને નુકસાન પહોંચાડી રહ્યા છો. વધુ સમય સુધી ન ખાવાથી એસિડ તમારા પેટની લાઇનિંગને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે."

"તમને ગૅસની સમસ્યા થઈ શકે છે, તમે ચીડિયા પણ થઈ શકો છો. તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થઈ શકે છે. હું કહીશ કે જો તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરતા હોવ તો પણ સવારે 11થી 11:30 વાગ્યા સુધીમાં કંઈક ખાઈ લો."