જીવલેણ રોગોની સારવારમાં કામ લાગે એવા ગર્ભનાળના લોહીને સાચવતી બૅન્કો, ભારતમાં વધી રહ્યું છે ચલણ?

    • લેેખક, અંજલિ દાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"માત્ર એક રક્ત કોશિકા આપણા શરીરમાં છ પાઇન્ટ જેટલું લોહી બનાવી શકે છે, એટલે કે 3.4 લિટર લોહી."

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના પ્રૉફેસર અને બોસ્ટનમાં સ્ટેમ સેલ પ્રોગ્રામના ડાયરેક્ટર લિયોનાર્ડ ઝૉન કહે છે કે, સ્ટેમ સેલ બ્લડની મદદથી કરવામાં આવતા ટ્રાન્સપ્લાન્ટ દ્વારા દર વર્ષે હજારો લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે.

કૉર્ડ ખરેખર બ્લડ સ્ટેમ સેલથી ભરેલી હોય છે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે, સ્ટેમ સેલ બ્લડમાંથી લાલ રક્તકણો અથવા શ્વેત રક્તકણો વિકસાવી શકાય છે.

તબીબી નિષ્ણાતો સ્ટેમ સેલ બ્લડની મદદથી રક્ત સંબંધિત વિવિધ રોગોનો ઉપચાર કરવાનો દાવો કરે છે. તેનો ઉપયોગ જીવલેણ રોગોથી પીડાઈ રહેલાં દર્દીઓની સારવારમાં થઈ શકે છે.

આમાં બ્લડ કૅન્સર, બોન મૅરો ડિસીઝ, સિકલ સેલ એનિમિયા, રોગપ્રતિકારક શક્તિમાં નબળાઈ, મૅટાબૉલિઝમ (ખાદ્યને ઊર્જામાં રૂપાંતરિત કરવાની શરીરની ચયાપચયની પ્રક્રિયા) અને દુર્લભ આનુવંશિક રોગોનો સમાવેશ થાય છે.

સ્ટેમ સેલ અથવા મૂળ કોશિકાઓને ગર્ભનાળ (ઍમ્બલિકલ કૉર્ડ)થી એકત્ર કરીને લાંબા સમય સુધી ‘કૉર્ડ બૅન્ક’માં સુરક્ષિત રાખવાની સુવિધા ઉપલબ્ધ છે.

જોકે દુનિયામાં આ રીતે કોર્ડ બ્લડ બૅન્કમાં સ્ટેમ સેલ્સને સુરક્ષિત રાખવાનું ચલણ ધીમે-ધીમે વધી રહ્યું હતું.

સેલ ટ્રાયલ ડેટાના આંકડા અનુસાર, અમેરિકામાં પેદા થતાં ત્રણ ટકા બાળકોનાં માતા-પિતા આને અપનાવી રહ્યાં છે, જ્યારે યુકેમાં તે પ્રમાણ 0.3 ટકા છે અને ફ્રાન્સમાં તો ખૂબ જ ઓછું 0.08 ટકા છે.

બીજી તરફ ભારતમાં તેનું ચલણ 0.4 ટકા છે.

અતિશય મોઘું સ્ટોરેજ

તેનું સૌથી મોટું કારણ તેના સ્ટોરેજ પાછળ ખર્ચવામાં આવતી રકમ છે.

કૉર્ડ લાઇફ સાયન્સિઝ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ પશ્ચિમ બંગાળમાં આવેલી એક કૉર્ડ બ્લડ બૅન્ક છે. તે આખા દેશમાંથી સ્ટેમ સેલ એકત્રિત કરે છે અને તેને એક જ બૅન્કમાં સુરક્ષિત રાખે છે.

કૉર્ડ લાઇફ બાળકોનાં માતા-પિતાને રૂપિયા 56,500 થી રૂપિયા 5,53,000 સુધીના વિવિધ પૅકેજ ઑફર કરે છે.

આ એક મોટી રકમ છે જેને લોકો આસાનીથી ખર્ચી નથી શકતા.

આવું એટલા માટે પણ છે કારણ કે સમગ્ર વિશ્વમાં ખાનગી કૉર્ડ બ્લડ બૅન્કોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને તે મોઘી પણ છે.

ભારતની ઘણી ખાનગી બૅન્કો ભાવિ તબીબી ઉપયોગના વચન સાથે ગર્ભનાળ કૉર્ડ બ્લડ બૅન્કની તેમની જાહેરાતો કરવામાં જોતરાઈ ગઈ છે.

આઈસીએમઆરના એક અહેવાલ મુજબ, આવી જાહેરાતો ઘણીવાર લોકોને ગેરમાર્ગે દોરતી હોય છે અને તેમાં વ્યાપક અને સચોટ માહિતીનો અભાવ હોય છે.

ગર્ભનાળના ભાવિ ઉપયોગ માટે તેના સંરક્ષણની જાળવણી મામલે અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિક આધાર નથી મળ્યો. આથી આ પ્રથાએ નૈતિક તથા સામાજિક ચિંતા પેદા કરી છે.

તેઓ માતા-પિતાને બાળકના ભવિષ્ય વિશે જણાવીને એમ કહે છે કે,સ્ટેમ સેલની મદદથી 80 રોગોનો ઇલાજ કરી શકાશે પરંતુ તેમના દાવાને વિજ્ઞાનના સ્તરે કોઈ સમર્થન નથી મળેલું.

લોકોના અનુભવ શું કહે છે?

આવો અનુભવ ઓડિશાના અભિનવ સિંહને થયો.

તેઓ કહે છે કે, "જ્યારે અમારું પ્રથમ બાળક આવવાનું હતું, ત્યારે અમે તેના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે તેના સ્ટેમ સેલ બ્લડને ઍમ્બલિકલ કૉર્ડ બૅન્કમાં સાચવવાનું નક્કી કર્યું."

"પરંતુ ત્રણ મહિના પછી, મેં હપતો ન ચૂકવ્યો, ત્યારે ન તો તેના વિશે મને બૅન્ક તરફથી કોઈ ફોન આવ્યો કે ન તો મને તેના વિશે યાદ કરાવવમાં આવ્યું."

તેઓ કહે છે, "તેમની જાહેરાતને કારણે મેં આ સર્વિસ લીધી હતી પરંતુ અંતે હું નિરાશ થયો હતો."

જોકે, પુડુચેરીમાં રહેતાં અનબાલગન લક્ષમણનો અનુભવ અલગ રહ્યો હતો.

તેઓ કહે છે કે, "હું મારાં બંને બાળકોના ઍમ્બલિકલ કૉર્ડ બ્લડ બૅન્કના વીમાથી ખૂબ સંતુષ્ટ છું. મને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે, પરંતુ જો ભવિષ્યમાં કોઈ એવી પરિસ્થિતિ આવે કે જેમાં સારવાર માટે સ્ટેમ સેલની જરૂર હોય, તો હું તેના માટે તૈયાર છું."

કૅનેડિયન બ્લડ સર્વિસના ફંડ દ્વારા કરવામાં આવેલ સંશોધન દર્શાવે છે કે ભવિષ્યમાં બાળકને સ્ટેમ સેલ બ્લડની જરૂર પડી શકે તેની કેટલી સંભાવના હોય છે.

શું કહે છે ભારતના નિષ્ણાતો?

એવું કહેવામાં આવે છે કે 20 હજારમાંથી એક બાળક એટલે કે (0.005 ટકા)થી લઈને અઢી લાખમાંથી એક બાળક (0.0004 ટકા)ને તેની જરૂર પડી શકે છે.

ઇન્ડિયન એકૅડેમી ઑફ પીડિયાટ્રિક્સનું કહેવું છે કે, તેઓ ભવિષ્ય માટે કૉર્ડ બ્લડ સંગ્રહ કરવાની ભલામણ કરતા નથી કારણ કે તેના ઉપયોગની સંભાવના ઘણી ઓછી છે.

તેમના અનુસાર સ્ટેમ સેલ બ્લડની જરૂર 20 વર્ષમાં 0.04 ટકા થી 0.005 ટકા બાળકોમાં હોઈ શકે છે.

ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું પણ આવું જ કહેવું છે.

આમાં અમેરિકન એકૅડેમી ઑફ પીડિયાટ્રિશિયન્સ, અમેરિકન સોસાયટી ફૉર બ્લડ ઍન્ડ મૅરો ટ્રાન્સપ્લાન્ટ, રૉયલ કૉલેજ ઑફ ઑબ્સ્ટેટ્રિશિયન્સ ઍન્ડ ગાયનેકૉલૉજિસ્ટ્સ, યુરોપિયન ગ્રૂપ ઑન એથિક્સ ઇન સાયન્સ એન્ડ ન્યૂ ટેકનૉલૉજી અને અન્ય ઘણી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

યથાર્થ હૉસ્પિટલનાં સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. મમતા ઝા કહે છે કે ડિલિવરી સમયે ઍમ્બલિકલ કૉર્ડના બ્લડને પ્રસૂતિના સમયે જ એકત્ર કરવામાં આવે છે.

જો કે, તેમણે કૉર્ડ બ્લડ બૅન્કના વિચારને સંપૂર્ણપણે નકારી કાઢતા કહ્યું, "આરોગ્યના પરિપ્રેક્ષ્યમાં, ગર્ભનાળની બૅન્કો સ્ટેમ સેલને સુરક્ષિત રાખવાનું વચન આપે છે. જો કે આ એક પ્રકારની માર્કેટિંગ વ્યૂહરચના છે જેમાં તમને ઘણા રોગોથી રક્ષણ આપવાનું વચન આપવામાં આવે છે. પરંતુ તે આ માટે સમર્થ નથી."

તેઓ કહે છે કે, "આની જરૂર 20 હજારમાં કોઈક એક જણને પડી શકે છે. હું આની સલાહ બિલકુલ પણ નહી આપું. હું મારા દર્દીઓને સ્વસ્થ જીવન જીવવાની રીતો બતાવું છું. જો તમે કોઈને યોગ્ય અને સાત્વિક રીત શીખવાડી દો છો તો, તેમને કેમ આવી વસ્તુઓની જરૂર પડે?”

તેઓ કહે છે કે, "ભોજન શરીરનું ઈંધણ છે. આપણે સંતુલિત આહાર લેવો જોઈએ. આપણે આપણી બાયોલૉજિકલ ક્લૉક ઉપર કામ કરવું જોઈએ. સવારે ઊઠો, તે સમયે તમને પ્રકૃતિમાંથી સૌથી વધુ ઑક્સિજન મળશે. પ્રાણાયામ પણ કરો. તમારા મન પર નિયંત્રણ રાખો, તમારું શરીર પણ નિયંત્રિત થઈ જશે."

એકંદરે, ભારતમાં માતા-પિતા કૉર્ડ બ્લડની જાળવણી માટે ખાનગી બૅન્કોને મોટી રકમ ચૂકવે છે અથવા તેને સાચવતા નથી.

જ્યારે અમેરિકામાં જાહેર યુસીબી બૅન્કોની સંખ્યા ઝડપથી વધી રહી છે, ત્યારે આઈસીએમઆરની ઍમ્બિલિકલ કૉર્ડ બ્લડ બૅન્કિગ માર્ગદર્શિકા 2023 જણાવે છે કે, ભારતમાં એક પણ જાહેર યુસીબી બૅન્ક નથી.

જ્યાં સુધી ભવિષ્યમાં તેની ઉપયોગીતાનો સવાલ છે, ઇન્ડિયન સોસાયટી ઑફ બ્લડ ઍન્ડ મૅરો ટ્રાન્સપ્લાન્ટના આંકડા દર્શાવે છે કે, ભારતમાં 2012 અને 2022 વચ્ચે માત્ર 60 કૉર્ડ બ્લડ ટ્રાન્સપ્લાન્ટ થયા હતા.

તો શું કૉર્ડ બ્લડ બૅન્કના વિચારને સદંતર રદ કરી દેવો જોઈએ?

યુનિવર્સિટી ઑફ પીટ્સબર્ગ મેડિકલ સેન્ટરે ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ દ્વારા દાન કરેલા કૉર્ડ બ્લડ સ્ટેમ સેલની મદદથી 20 પ્રકારનાં કૅન્સર અને આનુવંશિક રોગોવાળાં 44 બાળકોની સફળતાપૂર્વક સારવાર કરી હતી.

આમાં સિકલ સેલ એનિમિયા, હન્ડર સિન્ડ્રોમ અને શરીરની રોગપ્રતિકારક શક્તિની ઉણપ જેવી સમસ્યાઓનો સમાવેશ થતો હતો.

આ સંશોધને ભવિષ્ય મામલે એવી આશા પણ જગાવી છે કે આનુવંશિક રોગોની સારવારમાં કોઈ બીજાના સ્ટેમ સેલનો ઉપયોગ કરીને તેને ઠીક કરી શકાય છે.

ટેક્સાસના દંપતી ગુડીપતિ અને રાજે તેમના પુત્રના કૉર્ડ બ્લડનું દાન કર્યું છે અને તે હવે જાહેર બ્લડ બૅન્કમાં સાચવવામાં આવી છે.

તેઓ કહે છે, "અમે મારા પુત્રનું ગર્ભનાળનું લોહી વ્યર્થ જવા દેવા માંગતા ન હતા. તે આ દુનિયામાં કોઈકના જીવનની નવી આશા બનીને આવ્યો છે."

ગર્ભનાળ કૉર્ડ બ્લડ બૅન્ક સંબંધિત ફરિયાદો સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઈઝેશન એટલે કે સીડીએસસીઓની ઝોનલ ઑફિસમાં કરી શકાય છે.

દરેક ફરિયાદની એક કૉપી સીડીએસસીઓ અને આઈસીએમઆરને મોકલવી પડે છે. જો તમે ઇચ્છો તો ગ્રાહક ફોરમમાં પણ ફરિયાદ કરી શકો છો.