You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માતાને તાવ હોય તો બાળકને દૂધ ન પીવડાવી શકે? સ્તનપાન વિશેની સાત માન્યતા
- લેેખક, એફ્રેમ ગૅબ્રીબ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
સંતાનને સ્તનપાન કરાવવા માતાઓને પ્રોત્સાહિત કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘ દર વર્ષે ઑગસ્ટના પહેલા સપ્તાહમાં ઝુંબેશ હાથ ધરે છે. બાળકના સ્તનપાન કરાવવા વિશેની કેટલીક સર્વસામાન્ય માન્યતાઓ વિશે અહીં બે તબીબી નિષ્ણાત સ્પષ્ટતા કરે છે.
મહિલાઓને તેમના કામના સ્થળે સંતાનને સ્તનપાન કરાવવાની છૂટ મળે તે માટે વધુ સમર્થનની હાકલ સંયુક્ત રાષ્ટ્રસંઘ તેની વાર્ષિક ઝુંબેશ મારફત કરે છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા મુજબ, જે બાળકને સ્તનપાન કરાવવામાં ન આવે એ તેના પ્રથમ જન્મદિવસ પૂર્વે જ મૃત્યુ પામે તેવી શક્યતા 14 ગણી વધારે હોય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ પેઇડ મેટરનિટી લિવ, સ્તનપાન વિરામ અને કામના સ્થળે મહિલાઓ માટે ખાસ રૂમની વ્યવસ્થાની માગ કરી રહ્યું છે, જ્યાં મહિલાઓ બાળકને સ્તનપાન કરાવવા જઈ શકે.
સ્તનપાન વિશે હજુ પણ ઘણી માન્યતા પ્રવર્તે છે, જે મહિલાઓને સ્તનપાન કરાવતાં અટકાવે છે.
અમે બે નિષ્ણાતો સાથે વાત કરીને તેમને તે કેટલીક સર્વસામાન્ય માન્યતાઓ વિશે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.
કેટ્રીઓના વેઈટ લિવરપૂલ યુનિવર્સિટીમાં ફાર્મેકૉલૉજી તથા ગ્લોબલ હેલ્થના પ્રોફેસર તેમજ યુગાન્ડાના કમ્પાલાની મેકેરેર યુનિવર્સિટી કૉલેજ ઑફ હેલ્થ સાયન્સના રિસર્ચ ફૅલો છે, જ્યારે એલિસ્ટર સટક્લિફ લંડનની યુનિવર્સિટી કૉલેજમાં જનરલ પેડિયાટ્રિક્સના પ્રોફેસર છે.
માન્યતા 1. સ્તનપાન કરાવવાથી નિપ્પલ્સને ઈજા થાય છે અને તે સોજી જાય છે
પ્રોફેસર વેઈટઃ તેનો જવાબ આપવો કંઈક અંશે મુશ્કેલ છે, કારણ કે કેટલીક પ્રારંભિક અગવડ એકદમ સામાન્ય હોય છે અને સ્તનની ડીંટડીમાં શરૂઆતમાં સોજો આવે છે.
જોકે, સ્તનપાનથી કોઈ ઈજા કે પીડા ન થવી જોઈએ. એ સ્થિતિમાં ડીંટડીમાં ચેપ લાગવાની અથવા બાળક યોગ્ય રીતે સ્તનપાન કરતું હોવાની શક્યતા વધારે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલીક અગવડ સામાન્ય હોય છે. ખાસ કરીને પહેલી વખત બાળકને જન્મ આપ્યો હોય તેવી માતાઓએ સ્તનપાન સંબંધે થોડું એડજસ્ટ કરવું પડે. સ્તનપાનને લીધે કોઈ તકલીફ કે પીડા થતી હોય તો ડૉક્ટર, નર્સ અથવા દાયણ સાથે વાત કરવી જોઈએ.
માન્યતા 2. તરત આદત નહીં પાડો તો તમે સ્તનપાન કરાવી નહીં શકો
પ્રોફેસર સટક્લિફઃ માતાઓને સ્તનપાન માટે પ્રોત્સાહિત કરતી કોઈ પણ બાબત માનવ સ્વાસ્થ્ય માટે અનેક સ્તરે સારી હોય છે.
માનવવર્તન પરની સમય આધારિત કેટલીક મર્યાદાઓ સહિતનાં કૃત્રિમ નિયંત્રણો વિજ્ઞાન આધારિત નથી.
બાળકને તરત સ્તનપાન કરાવવાના અનેક ફાયદા છે. પોષણ સૌથી સ્પષ્ટ બાબત છે.
સ્તનપાન ગર્ભાશયના સંકોચનની પ્રક્રિયા શરૂ કરવામાં મદદરૂપ થાય છે. તે બાળકના જન્મ પછી ગર્ભાશયમાં થતા રક્તસ્રાવને રોકવામાં કે ઓછો કરવામાં મદદરૂપ થાય છે.
જન્મના શરૂના કેટલાક દિવસો બાદ માનવશરીર કૉલોસ્ટ્રમ નામના પ્રોટીનયુક્ત પદાર્થનું ઉત્પાદન કરે છે. તે સમૃદ્ધ પદાર્થ હોય છે અને તેની સાથે સ્તનપાનની યાત્રા શરૂ થાય છે.
માન્યતા 3. તમે સ્તનપાન કરાવતા હો ત્યારે કોઈ પણ દવા લઈ શકતા નથી
પ્રોફેસર વેઈટઃ આખી દુનિયામાં માતાઓ સૌથી પહેલો સવાલ એ પૂછે છે કે મારા બાળક માટે કોઈ દવા સલામત છે? સત્ય એ છે કે ઘણી દવાઓ બાળક સુધી બહુ જ નીચા સ્તરે પહોંચતી જ નથી.
તમને ડૉક્ટરે દવા લેવાનું કહ્યું હોય તો તેમને સવાલ જરૂર કરજો, પરંતુ દવા નુકસાનકારક હોવાની શક્યતા બહુ ઓછી હોય છે. બાળક માટે સૌથી વધુ જરૂરી તંદુરસ્ત માતા હોય છે. ચેપ, ડિપ્રેશન અથવા સામાન્ય પીડાની મોટા ભાગના દવાઓ સામાન્ય રીતે સલામત હોય છે.
સ્તનપાન દરમિયાન લેવાની ન હોય તેવી દવાઓની સંખ્યા બહુ ઓછી છે. એવી દવાઓનો ઉપયોગ કૅન્સર જેવી ગંભીર બીમારીની સારવાર માટે જ કરવામાં આવે છે. કેટલીક અન્ય દવાઓનાં જોખમો તથા ફાયદાઓ પર ધ્યાન આપવું જરૂરી હોય છે.
સ્તનપાન કરાવતી સ્ત્રીને કોઈ દવા લેવાની ભલામણ કરવામાં આવી હોય તો એ દવા લખી આપનાર ડૉક્ટરને આ બાબતે સવાલ કરવાનો અધિકાર સ્ત્રીને હોવો જોઈએ.
ડૉક્ટરની ચિઠ્ઠી વિના મળતી શરદી અને ફ્લૂની દવાઓમાં ડીકન્જેસ્ટન્ટ હોય છે. આવી દવાઓ બાબતે કાયમ સાવધ રહેવું જોઈએ. તેને કારણે સ્તનમાંના દૂધની માત્રા ઘટી શકે છે.
હર્બલ દવાઓથી પણ સાવધ રહેવું, કારણ કે તેમાં ખરેખર શું છે તે આપણે જાણતા નથી અને એ પૈકીની ઘણી દવાઓ બાબતે યોગ્ય અભ્યાસ કરવામાં આવ્યો નથી.
માન્યતા 4. સ્તનપાન કરાવતા પહેલાં સાદો ખોરાક જ લેવો જોઈએ અને મસાલેદાર વાનગીઓ ખાવાનું ટાળવું જોઈએ
પ્રોફેસર વેઈટઃ સ્તનપાન કરાવતી વખતે અમુક વસ્તુ ખાવી અને અમુક ન ખાવી એવું કશું નથી. અલબત્ત, તમારા ખોરાકની અસર તમારા દૂધના સંયોજન પર થાય છે.
કેટલાક કિસ્સાઓમાં ચોક્કસ પૅટર્ન જોવા મળી શકે. દાખલા તરીકે, મેં નારંગીના જ્યૂસ જેવો ખટાશવાળો રસ પીધો હોય તો પણ મારું સંતાન બહુ અકળાઈ જતું હતું.
ક્યારેક તમે એવી પૅટર્નને ઓળખી શકો કે તમારું બાળક કઈ ચીજની પ્રતિક્રિયા આપે છે, જેના પર તમારા આહારનો પ્રભાવ હોય. જોકે, એવું કશું નથી જે હાનિકારક કે તબીબી દૃષ્ટિએ ખોટું હોય અને તેને ટાળવું જોઈએ.
માન્યતા 5. તમે સ્તનપાન કરાવવા માગતા હો તો તમે ફૉર્મ્યુલાનો ઉપયોગ ક્યારેય કરી શકતા નથી
પ્રોફેસર વેઈટઃ તે સંપૂર્ણપણે સાચું નથી. અલબત્ત, અનેક બ્રેસ્ટફીડ પ્રોક્શન માગ અને પુરવઠા પર આધારિત હોય છે. મહિલાના દેહની રચના એટલી અદભુત રીતે કરવામાં આવી છે કે તે તેના સંતાનને ભરપેટ દૂધ પીવડાવી શકે છે.
બાળક નિપ્પલને ચૂસે કે તરત જ યોગ્ય માત્રામાં દૂધ માટે હોર્મોન્સ ઉત્તેજિત થાય છે. તેથી તમે નાના બાળકને સ્તનપાન કરાવો કે મોટા બાળકને કે પછી જોડિયાં બાળકોને, તમારું શરીર પૂરતા પ્રમાણમાં દૂધ આપશે.
તમે ફૉર્મ્યુલા આપવાનું શરૂ કરશો તો તે ફીડબેક પ્રક્રિયામાં વિક્ષેપ સર્જાશે. બાળકને વધારે દૂધની જરૂર છે તેના પૂરતા સંકેત તમારા શરીરને નહીં મળે. તમને ઓછું દૂધ આવતું હોય અને તમે ફૉર્મ્યુલાનો ઉપયોગ કરો તો ટૂંકા ગાળામાં રાહત થાય, પરંતુ લાંબા ગાળે સમસ્યા વકરી શકે.
બીજી તરફ તમે રાતે પૂરતી ઊંઘ ન લઈ શક્યા હોવ અથવા બીમાર હોવ કે થાકી ગયા હોવ અને તમારો જીવનસાથી એવા કિસ્સામાં તમે આરામ કરી શકો એટલા માટે બાળકને ફૉર્મ્યુલા આપે તો તેનો અર્થ એ નથી કે તમે સ્તનપાન કરાવવા સક્ષમ નથી. તેથી આ સંપૂર્ણપણે સાચું નથી. તે બિનઉપયોગી હોઈ શકે છે.
માન્યતા 6. તમે બીમાર હોવ ત્યારે બાળકને સ્તનપાન કરાવવું ન જોઈએ
પ્રોફેસર સટક્લિફઃ આ ખોટી માન્યતા છે. માતા એચઆઇવીગ્રસ્ત હોય કે તેને હેપેટાઈટિસ હોય તો જ તેણે સ્તનપાન ન કરાવવું જોઈએ, કારણ કે તેના વાઇરસ સ્તનપાન મારફત બાળક સુધી પહોંચી શકે છે. આવું ભૂતકાળમાં બન્યું છે.
માતા બીમાર હોય ત્યારે મોટા ભાગના કિસ્સામાં સ્તનપાન ચાલુ રાખવું સલામત છે, કારણ કે માતાનું શરીર ઍન્ટિબૉડીઝ ઉત્પન્ન કરતું હોય છે, જે તેના નવજાત શિશુનું પણ રક્ષણ કરે છે. સ્તનપાન કરાવતી માતાઓ ભાગ્યે જ માંદી પડતી હોય છે.
માન્યતા 7. સતત એક વર્ષથી વધુ સમય સુધી સ્તનપાન કરાવો તો બાળકને સ્તનપાન છોડાવવું મુશ્કેલ બની જાય છે
પ્રોફેસર વેઈટઃ વિશ્વ આરોગ્ય સંગઠનની ભલામણ મુજબ, બાળકને પહેલા છ મહિના સુધી માત્ર સ્તનપાન જ કરાવવું જોઈએ. એ પછી પૂરક પોષણ આપવું જોઈએ, પરંતુ તમે ઇચ્છતા હો ત્યાં સુધી બાળકને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખવું જોઈએ. બાળકને સ્તનપાન કરાવવાનું ક્યારથી બંધ કરવું તેની કોઈ સમયમર્યાદા નથી.
બ્રિટન જેવા ઉચ્ચ આવક ધરાવતા કેટલાક દેશોમાં મોટાં ભાગનાં બાળકોને એકથી બે વર્ષની વચ્ચે સ્તનપાન છોડાવી દેવામાં આવે છે. ઓછી આવક ધરાવતા યુગાન્ડા જેવા દેશોમાં માતાઓ બાળક બેથી ત્રણ વર્ષનું થાય ત્યાં સુધી સ્તનપાન કરાવતી રહે છે.
વૈશ્વિક સમસ્યા એ છે કે વિશ્વ આરોગ્ય સંગઠનની ભલામણ અનુસાર માતાઓ બાળકને સ્તનપાન કરાવી શકે એટલા માટે પૂરતા પ્રમાણમાં મેટરનિટી લિવ આપવાની છૂટ નથી.