જ્યારે પિતાએ કરાવ્યું નવજાત દીકરીને 'સ્તનપાન'

અમેરિકાના વિસ્કૉન્સિનમાં રહેતું દંપતી પોતાનાં પ્રથમ બાળકનાં જન્મ માટે હૉસ્પિટલ પહોંચ્યું ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે કંઈક એવું ઘટ્યું કે જેની કલ્પના કદાચ કોઈએ નહોતી કરી.

એ રાત માત્ર શિશુનાં માતા માટે જ નહીં પણ, શિશુના પિતા માટે પણ ઘટનાઓથી પ્રચુર રહી.

ઍપ્રિલ નૉયબાવાની પ્રસૂતિ બિલકુલ સરળ નહોતી. ઍપ્રિલને પહેલાંથી જ 'પ્રિ-ઍક્લૅમ્પસિયા' અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હતી.

પ્રસૂતિ માટે પણ એને સિઝેરિયનનો વિકલ્પ જ પસંદ કરવો પડ્યો.

...ને પિતાએ તક ઝડપી લીધી.

જોકે, આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું.

26 જૂને એપ્રિલે રૉઝાલી નામની સુંદર બાળકીને જન્મ આપ્યો. પણ, થયું એવું કે સીઝેરિયન અને અન્ય સારવારને કારણે જન્મતાંની સાથે જ ઍપ્રિલ રૉઝાલીને પોતાના ખોળામાં ના લઈ શક્યાં.

એપ્રિલની સારવાર ચાલી રહી હતી ત્યારે તબીબોએ રૉઝાલીને 'પ્રાઉડ ડૅડ' મૅક્સામિલિયનના ખોળામાં મૂકી.

બીબીસી સાથેની વાતચીતમાં મૅક્સે જણાવ્યું, ''અમારી સુંદર બાળકીને લઈને નર્સ મારી પાસે આવી અને અમે સીધા જ નર્સરી ગયા. હું બેસી ગયો અને 'સ્કિન-ટુ-સ્કિન' સંપર્ક સાધી શકાય એ માટે મેં મારો શર્ટ ઉતારી નાખ્યો.''

તમે આ વાંચ્યું કે નહીં?

મૅક્સ ઉમેરે છે, ''નર્સે કહ્યું રૉઝાલીને આંગળી ચૂસવા માટે આપવી પડશે કે જેથી તે ધાવવાનું શરૂ કરી શકે.''

એ બાદ નર્સે અચાનક જ તેમને કહ્યું કે જો તે ઇચ્છે તો રૉઝાલીને સ્તનપાન પણ શકે છે.

બસ, રૉઝાલી સાથે જ પિતા તરીકે જન્મ પામેલા મૅક્સે એ તક ઝડપી લીધી.

લોકોએ મૅક્સના વધામણા કર્યા

નર્સે એક ટ્યૂબ સાથેની 'પ્લાસ્ટિક નિપ્પલ' લગાવી દીધી અને એ સાથે જ મૅક્સે રૉઝાલીને સ્તનપાન કરાવવાનું શરૂ કરી દીધું.

મૅક્સ જણાવે છે, ''મેં ક્યારેય આવું કર્યું નહોતું અને ક્યારેય આવું કરવાનું વિચાર્યું પણ નહોતું. પણ, મેં એ કર્યું.''

મૅક્સે ઉમેરે છે, ''મારા સાસુએ જ્યારે મને આવું કરતા જોયો તો એમને પોતાની આંખો પર વિશ્વાસ ના આવ્યો. મારા સસરા મારી નજીક આવીને ચકાસી ગયા કે હું શું કરી રહ્યો છું.''

તેમનું કહેવું છે કે રૉઝાલીને જોતાં જ એક પિતા તરીકેના તેમના તાંતણા પુત્રી સાથે બંધાઈ ગયા હતા.

અને એટલે જ તેમણે એ ઘડીની તસવીર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ અપલૉડ કરી દીધી.

સોશિયલ મીડિયાના આ બન્ને પ્લૅટફૉર્મ પર લોકોએ મૅક્સને વધાવી લીધા.

મૅક્સે શું કહ્યું?

કેટલાક લોકોએ નર્સના પણ વખાણ કર્યાં કે જેણે મૅક્સને આવું કરવા સૂચવ્યું.

જોકે, અમુક યૂઝર્સ એવા પણ નીકળ્યા કે જેમને આ અંગે શું કહેવું એ ના સૂઝ્યું.

એક યૂઝરે લખ્યું, ''માફ કરશો! પણ મને આ વિચિત્ર લાગે છે. જો મા ના સ્તનપાન ન કરાવી શકે તો બૉટલનો ઉપયોગ કરવો જોઈએ.''

જોકે, મૅક્સની સંબંધિત પોસ્ટને 30 હજાર કરતાં પણ વધુ વખત શૅર કરવામાં આવી છે અને હજારોની સંખ્યામાં કૉમેન્ટ્સ કરવામાં આવી છે.

મૅક્સનું કહેવું છે કે એણે માત્ર એટલું જ કર્યું કે જે એક પિતાએ કરવું જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો