ઉંમરમાં જે બહેનપણી હોત, તેણે દીકરી બનીને જન્મ લીધો

24 વર્ષ પહેલાં સુરક્ષિત રખાયેલા ભ્રૂણથી એક બાળકીએ જન્મ લીધો છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, આ બાળકીની માતાની ઉંમર 25 વર્ષની છે.

IVF ટેકનિકની શોધ બાદ ગર્ભધારણ અને આ બાળકીના જન્મ વચ્ચે સંભવતઃ ખૂબ મોટું અંતર છે.

અમેરિકામાં આ ભ્રૂણને એક પરિવારે એક સંસ્થાને દાન કર્યું હતું. તેનાથી જે મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે, તેઓ આ ભ્રૂણનું દાન થયું હતું ત્યારે દોઢ વર્ષનાં હતાં.

આ બાળકી હવે ઍમા રેન ગિબ્સનના નામે ઓળખાશે. ઍમાનાં ભ્રૂણને ફ્રિઝ કરીને 24 વર્ષથી સુરક્ષિત રખાયું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

ચાલુ વર્ષે માર્ચ મહિનામાં આ ભ્રૂણનું ટીના ગિબ્સનના ગર્ભાશયમાં આરોપણ કરાયું હતું.

'હું અને તે બેસ્ટ ફ્રેન્ડ પણ બની શકતાં હતાં'

ઍમાનો જન્મ નવેમ્બરમાં થયો હતો. 26 વર્ષીય ટીનાએ CNN સાથે વાત કરતા જણાવ્યું, "તમને ખબર છે કે હું માત્ર 25 વર્ષની છું. આ ભ્રૂણ અને હું બેસ્ટ ફ્રેન્ડ પણ બની શકતાં હતાં."

તેમણે કહ્યું, "મારી બસ એક બાળકની ઇચ્છા હતી. મને તેનાંથી કોઈ ફેર નથી પડતો કે આ વિશ્વ રેકોર્ડ છે કે નહીં."

રાષ્ટ્રીય ભ્રૂણદાન કેન્દ્ર નામની સંસ્થાએ આ ભ્રૂણ ઉપલબ્ધ કરાવ્યું હતું.

આ ભ્રૂણ લાંબા સમયગાળા સુધી જમાવી દેતા તાપમાનમાં સુરક્ષિત રાખવામાં આવે છે, તેનાં માટે ડૉક્ટર તેમને 'સ્નો બેબીઝ' તરીકે પણ ઓળખે છે.

અમેરિકાના ટેનેસીના નૉક્સવિલ શહેર સ્થિત આ સંસ્થા દંપતીઓને પ્રોત્સાહન આપે છે કે જો તેઓ બાળક નથી ઇચ્છતા તો પોતાનું ભ્રૂણ દાન કરી શકે છે.

જેથી બીજા દંપતીઓને તેનો ફાયદો મળી શકે.

'વર્ષો સુધી જામેલી રહ્યાં છતાં એમા ખૂબ સુંદર'

ટીના અને બેન્જામિન ગિબ્સન આ સંસ્થા પાસે પહોંચ્યાં હતા, જ્યાંથી તેમને આ ભ્રૂણ મળ્યું હતું.

સિસ્ટિક ફાયબ્રોસિસ નામની બિમારીના કારણે બેન્જામિન પિતા બની શકતા ન હતા.

ઍમાનું ગર્ભધારણ ઑક્ટોબર 1992માં થયું હતું. ટીના હવે ઍમાની મમ્મી છે અને 1992માં તેઓ લગભગ દોઢ વર્ષનાં હતાં.

માનવામાં આવે છે કે 24 વર્ષ જૂનું આ ભ્રૂણ સૌથી લાંબા સમય સુધી સુરક્ષિત રખાયેલું ભ્રૂણ છે.

બેન્જામિન કહે છે, "એમા એક ખૂબ જ પ્રેમાળ ચમત્કાર છે."

તેઓ કહે છે, "મને લાગે છે કે આટલા વર્ષો સુધી જામેલી રહેવા છતાં ઍમા ખૂબ સુંદર દેખાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો