દુષ્કર્મ પીડિતાના પુત્રનું જન્મના બે દિવસ બાદ મૃત્યુ

તેર વર્ષની દુષ્કર્મ પીડિતાએ બાળકને જન્મ આપ્યાના બે દિવસ બાદ તેના બાળકનું મોત થયું છે. સર્વોચ્ચ અદાલતે આ કિશોરીને ગર્ભપાતની મંજૂરી આપી હતી, પરંતુ ગર્ભપાતના ઑપરેશન દરમિયાન બાળકનો જન્મ થયો હતો.

મુંબઈની જેજે હોસ્પિટલ સાથે જોડાયેલા કર્મચારીઓના જણાવ્યા અનુસાર કિશોરીને 32 અઠવાડિયાનો ગર્ભ હતો. તેણે 8 સપ્ટેમ્બરે એક પુત્રને જન્મ આપ્યો હતો. તેનું 10મી તારીખે શિશુનું મૃત્યુ થયું. પ્રસૂતિ ઑપરેશન દ્વારા થઈ હતી. પીડિતાનાં પિતાના એક સહકર્મીની દુષ્કર્મના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.

ભારતના ગર્ભપાત સંબંધિત કાયદા અનુસાર 20 અઠવાડિયાથી વધુ સમયના ગર્ભને ત્યારે જ ગર્ભપાતની મંજૂરી અપાય છે, જ્યારે માતાનું જીવન ખતરામાં હોય.

સર્વોચ્ચ અદાલતે આપી મંજૂરી

કિશોરીના માતા-પિતા પુત્રીની મેદસ્વિતાના ઈલાજ માટે તેને તબીબ પાસે લઈ ગયા, ત્યારે તેમને જાણ થઈ કે તેમની પુત્રી ગર્ભવતી છે. દિલ્હીના એક વકીલે પીડિતાના પરિવાર તરફથી સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી ગર્ભપાતની મંજૂરી માગી હતી. ગત 6 સપ્ટેમ્બરે સર્વોચ્ચ અદાલતે તેના ઐતિહાસિક નિર્ણયમાં કિશોરીને ગર્ભપાત કરવાની મંજૂરી આપી હતી.

અદાલતમાં તબીબોએ ભ્રુણને થોડું વધુ વિકસિત થવા માટે બે અઠવાડિયા રાહ જોવાની સલાહ આપી હતી, પરંતુ કોર્ટે પીડિતાને વધુ આઘાતમાંથી ઉગારવા ગર્ભપાત કરાવવાનો હુકમ આપ્યો.

કિશોરીની હાલત

મુંબઈની જેજે હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ. અશોક આનંદના વડપણમાં પાંચ તબીબોની ટીમે આ કિશોરીનું ઑપરેશન કર્યું હતું. ડૉ. અશોક આનંદે સોમવારે બીબીસીને કહ્યું, “કિશોરીની ગર્ભાવસ્થા એ તબક્કામાં હતી કે ગર્ભપાત કરાવવાથી બાળકનો જન્મ થયો.”

તેમણે વધુમાં કહ્યું, “માતાની હાલત સ્વસ્થ છે અને થોડાં દિવસોમાં અમે તેને હોસ્પિટલમાંથી રજા આપીશું.”