બાળકને સ્તનપાન ક્યારે અને કેવી રીતે છોડાવવું જોઈએ?

    • લેેખક, આદર્શ રાઠોડ
    • પદ, બીબીસી હિન્દી માટે

"ઘણી વાર અમારી પાસે એવાં બાળકો આવે છે જેમનામાં આયર્નની ખૂબ જ ઊણપ હોય. કેટલાંક બાળકોની હાલત તો એટલી નાજુક હોય કે તેમને લોહી ચડાવવું પડે છે."

દિલ્હીની એક જાણીતી હૉસ્પિટલનાં સિનિયર કન્સલ્ટન્ટ અને બાળકોમાં રક્ત સંબંધિત સમસ્યાઓ અને કૅન્સરની સારવારનાં નિષ્ણાત ડૉ. પ્રાચી જૈન કહે છે, “બાળકોને માતાનું દૂધ છોડાવવાની યોગ્ય પ્રક્રિયા ન અપનાવવાને કારણે ઘણાં બાળકોનું સ્વાસ્થ્ય બગડે છે.”

માતાનાં દૂધ અથવા શિશુ આહાર (બેબી ફૉર્મ્યુલા) પરની શિશુની નિર્ભરતા ઘટાડીને તેમને ધીમે-ધીમે અન્ય ઘટ્ટ ખોરાક આપવાનું શરૂ કરવાની પ્રક્રિયાને અંગ્રેજીમાં વીનિંગ (weaning) કહેવાય છે.

આ વીનિંગની પ્રક્રિયાને યોગ્ય સમયે શરૂ કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

ડૉ. પ્રાચી જૈન સમજાવે છે, “ઇન્ડિયન ઍકેડૅમી ઑફ પીડિયાટ્રિક્સ અનુસાર, છ મહિના સુધી બાળકોને માત્ર માતાનું દૂધ જ પીવડાવવું જોઈએ અને પછી દૂધ પરની નિર્ભરતા ઓછી કરવાનું શરૂ કરવું જોઈએ."

ડૉ. જૈન કહે છે, “છ મહિના પછી માતાએ ધીમે-ધીમે સ્તનપાનનું પ્રમાણ ઘટાડીને બાળકને ઘટ્ટ ખોરાક આપવાનું શરૂ કરવું જરૂરી છે. આ ઉંમર પછી બાળકોનો વિકાસ ઝડપથી થાય છે. આથી જો આ સમયગાળામાં તેમને માત્ર દૂધ જ આપવામાં આવે તો આયર્ન અને અન્ય પોષકતત્ત્વોની ઊણપને કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે."

બાળકને સ્તનપાન છોડાવવાની યોગ્ય પદ્ધતિ શું છે અને ક્યાં સુધી માતાનું ધાવણ ફરજિયાત આપવું જોઈએ? જાણીએ સ્તનપાન વિશેના મૂળભૂત સવાલોના જવાબ આ અહેવાલમાં...

સ્તનપાન છોડાવવાની યોગ્ય પદ્ધતિ શી છે?

વીનિંગની બે પદ્ધતિ છે. આ બંને પદ્ધતિમાં બાળકને આપવામાં આવતો

  • પૅરેન્ટ લેડ વીનિંગ
  • બેબી લેડ વીનિંગ

પ્રથમ પરંપરાગત પદ્ધતિ છે, જેમાં માતાપિતા અથવા પરિવારના સભ્યો નક્કી કરે છે કે બાળકને ઘટ્ટ ખોરાક આપવાનું ક્યારે શરૂ કરવું.

આ પદ્ધતિમાં પ્રવાહી ખોરાક અથવા ખોરાકને ખૂબ જ નરમ બનાવીને બાળકોને ખવડાવવાનું શરૂ કરવામાં આવે છે. આ પદ્ધતિને 'પૅરેન્ટ-લેડ વીનિંગ' કે ‘માતાપિતા દ્વારા થતું વીનિંગ’ કહેવાય છે.

બીજી પદ્ધતિ 'બેબી-લેડ વીનિંગ' છે, જેની શરૂઆત 2000ના દાયકાથી થઈ છે.

તેમાં બાળકોને અલગથી પીસીને પ્રવાહી ખોરાક આપવાને બદલે એ જ ખોરાક પીરસવામાં આવે છે, જે પરિવારના બાકીના સભ્યો માટે બનાવવામાં આવે છે.

આ ઘટ્ટ ખોરાકને ખૂબ જ નાના, નરમ ટુકડા અથવા કોળિયામાં વહેંચવામાં આવે છે. પછી બાળક પોતે તેના હાથથી ખાય છે.

બાળકોને કેવી રીતે ખોરાક આપવો?

બેબી-લેડ વીનિંગ (બીએલડબ્લ્યુ) પદ્ધતિને નર્સ અને લેખક ગિલ રૈપ્લીએ ઓળખ અપાવી હતી.

આ પછી બાળકો સંબંધિત પુસ્તકો, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ન્યુટ્રિશનિસ્ટ્સે આ શબ્દનો વ્યાપક ઉપયોગ શરૂ કર્યો.

બેબી-લેડ વીનિંગ પદ્ધતિના સમર્થકો તેના ઘણા ફાયદા ગણાવે છે. જેમ કે, બાળકોને તેમની ભૂખ અનુસાર ખાવાની અને વિવિધ પ્રકારના ખોરાક ખાવાની આદત પડે છે.

પરંતુ શું વૈજ્ઞાનિક સંશોધન પણ એવું જ કહે છે? અને સૌથી અગત્યની વાત, શું બેબી-લેડ વીનિંગ કે બીઓલડબ્લ્યુ સલામત છે ખરું?

બાળકોને સ્તનપાન છોડાવવાની પદ્ધતિઓ અને તેના ફાયદા કે ગેરફાયદાનું મૂલ્યાંકન કરવું સરળ નથી.

2022માં ફ્રેંચ સોસાયટી ઑફ પીડિયાટ્રિક્સની પોષણ પરની એક સમિતિએ શોધ્યું હતું કે બેબી-લેડ વીનિંગનાં જોખમો અને ફાયદાઓ પર ફક્ત 13 અભ્યાસ પ્રકાશિત થયા છે.

તેમાંથી પણ 11 સંશોધનો બાળકોનાં માતાપિતા અથવા સંભાળ રાખનારાઓ સાથે કરવામાં આવેલી પ્રશ્નોત્તરી પર આધારિત હતા.

એમ પણ જોવામાં આવ્યું છે કે જે સંશોધનોમાં માતા-પિતાએ કહ્યું હતું કે તેઓ બેબી-લેડ વીનિંગ કરે છે, તેમાંથી ઘણાને તેના વિશે યોગ્ય માહિતી જ ન હતી.

ફ્રેંચ ઍસોસિયેશન ફૉર ઍમ્બ્યુલેટરી પીડિયાટ્રિક્સ દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ, "26% માતાપિતાએ જણાવ્યું હતું કે તેઓ બીએલડબ્લ્યૂ કરાવી રહ્યાં છે. પરંતુ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેમાંથી ઘણાં તેમનાં બાળકોને પોચો કે પ્રવાહી આહાર ખવડાવતાં હતા. માત્ર સાત ટકા લોકોએ સાચી પ્રક્રિયાને અનુસરી હતી, જેમાં બાળક જાતે તેના હાથથી ખાય છે.”

પરંતુ શું આ વિષય પર અત્યાર સુધી થયેલાં સંશોધનોમાંથી આપણે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકીએ?

બેબી-લેડ વીનિંગના ફાયદા શું છે?

સંશોધનો સૂચવે છે કે જે પરિવારો બેબી-લેડ વીનિંગ કરે છે "તેઓ હંમેશાં સાથે મળીને ભોજન કરે છે. પરિવાર સાથે ભોજન સમયે વાતાવરણ શાંત અને ઓછું તણાવયુક્ત હોય છે."

એ જ રીતે માતાઓએ કહ્યું કે તેઓ પરંપરાગત રીતે વીનિંગ કરનારાઓની તુલનામાં ઓછાં તણાવ અને ચિંતા અનુભવે છે.

જોકે, આ તમામ બાબતો પરિવારના વાતાવરણ પર પણ આધાર રાખે છે. જેમ કે જે લોકો આરામથી અને પરિવાર સાથે જમે છે, તેમની બાળકને બેબી-લેડ વીનિંગ કરાવવાની શક્યતા વધુ હોય છે.

બાળકોને બીએલડબ્લ્યુ કરવાના ઘણા ફાયદા હોવાનો પણ દાવો કરવામાં આવે છે. એવું કહેવાય છે કે બાળકો પોતે જ ખાતા હોવાથી તેઓ સમજી જાય છે કે તેમનું પેટ ભરાઈ ગયું છે અને વધુ ખાવાની જરૂર નથી. સૈદ્ધાંતિક રીતે જો આવું થાય તો તેમના મેદસ્વી બની જવાનું જોખમ પણ ઘટે છે.

કેટલાંક સંશોધનો પણ આ વાતને સમર્થન આપે છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે બીએલડબ્લ્યુ કરનારાં બાળકોને પેટ ભરાઈ જવાની ખબર પડી જતી હતી અને એનાથી તેમનું વજન સામાન્ય કરતાં વધી જવાનું જોખમ ઘટી જાય છે.

જોકે, ન્યૂઝીલૅન્ડમાં 206 શિશુઓ પરના અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું કે વિવિધ પદ્ધતિઓથી વીનિંગ કરતાં બાળકોનાં વજન કે ભૂખમાં કોઈ ખાસ તફાવત જોવા મળ્યો નથી.

બીજી દલીલ એવી કરવામાં આવે છે કે બીએલડબ્લ્યુ કરતાં બાળકો ખાવાની નવી નવી વસ્તુઓ વિશે વધારે ઉત્સુક હોય છે, કારણ કે તેમને શરૂઆતથી જ વિવિધ પ્રકારના સ્વાદ અને વસ્તુઓનો અનુભવ હોય છે.

ન્યૂઝીલૅન્ડમાં કરવામાં આવેલું એક સંશોધન તેની પુષ્ટિ કરે છે. એવું જાણવા મળ્યું હતું કે બે વર્ષની ઉંમર સુધીમાં બીએલડબ્લ્યુ કરનારાં બાળકો અન્ય બાળકો કરતાં વધારે ફળો અને શાકભાજી મજાથી ખાતાં હતાં.

જોકે, સંશોધકોનું કહેવું છે કે પરંપરાગત વીનિંગમાં પણ બાળકોને વિવિધ પ્રકારનો ખોરાક ખવડાવવો જોઈએ.

અમેરિકન ઍકેડૅમી ઑફ પીડિયાટ્રિક્સની ન્યૂટ્રિશન કમિટીના અધ્યક્ષ માર્ક કૉર્કિન્સ કહે છે, “અમે છથી બાર મહિના સુધી ફક્ત પ્રવાહી ખોરાક ખવડાવવાની સલાહ નથી આપતા. અમે કહીએ છીએ કે પ્રવાહી ખોરાક શરૂઆતમાં જ આપવો જોઈએ. આઠ મહિના પછી નાના કોળિયા સ્વરૂપમાં ઘન ખોરાક આપવો જોઈએ. એક વર્ષ પછી તેમને ઘટ્ટ ખોરાક જમતાં કરી દેવાં જોઈએ, પછી ભલે તમે કોઈ પણ પદ્ધતિથી વીનિંગ કરાવતા હો."

બેબી-લેડ વીનિંગનાં જોખમો શું છે?

ડૉ. પ્રાચી જૈન સમજાવે છે, “બેબી-લેડ વીનિંગ સમયે માતા-પિતા ઘણી વાર ચિંતિત રહેતાં હોય છે કે બાળક ખાય છે ઓછું અને ઢોળે છે વધારે. પરંતુ આ કોઈ મોટી વાત નથી, તે ધીમે ધીમે શીખશે. જ્યારે બાળક પોતે થાળીમાંથી ખાય છે ત્યારે તે વસ્તુઓને પકડવાનું, ઉપાડવાનું, ખાવાનું અને ચાવવાનું શીખે છે. આ રીત તેને તેના હાથ અને આંખોનું સંકલન કરવામાં મદદ કરે છે.”

બાળકોને ઘટ્ટ ખોરાક આપવામાં સૌથી મોટો ખતરો એ છે કે ખોરાક ગળામાં ફસાઈ શકે છે. તો શું બીએલડબ્લ્યુવાળાં બાળકોને ગળામાં ખોરાક અટકવાની સંભાવના વધારે હોય છે?

એક મર્યાદિત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બન્ને પદ્ધતિઓને સરખાવીએ ત્યારે જાણવા મળે છે કે બીએલડબ્લ્યુ અને વીનિંગની અન્ય પદ્ધતિઓમાં આ જોખમ મામલે કોઈ નોંધપાત્ર ફેર નથી.

ન્યૂઝીલૅન્ડમાં થયેલા સંશોધન મુજબ, છથી આઠ મહિનાનાં બાળકોને ઊલટી થવી અને ગળામાં ખાવાનું ફસાઈ જવું સામાન્ય બાબત છે. પ્રવાહી ખોરાક લેતી વખતે પણ આવું થઈ શકે છે. 1151 બાળકો પર કરવામાં આવેલા અન્ય એક સંશોધનમાં પણ આવું જ જાણવા મળ્યું છે.

વધુ એક જોખમ પણ છે. બીએલડબ્લ્યુ બાળકોને પરિવાર માટે બનેલા ખોરાકને ખાવા માટે પ્રોત્સાહિત કરે છે, તેથી તેઓ વધુ પડતા ખાંડ અથવા મીઠું ખાઈ શકે છે.

માર્ક કૉર્કિન્સ કહે છે, “જે લોકો બાળકોને ભોજન પીરસે છે તેમની જવાબદારી ઘણી વધી જાય છે. સ્વાભાવિક રીતે આપણને ફક્ત બે જ સ્વાદ વધારે ગમતા હોય છે - ચટપટો અને ગળ્યો. પરંતુ તે હંમેશાં આપણા માટે સારા નથી હોતા. જો તમે પ્લેટમાં બ્રૉકોલી અને સ્ટ્રૉબૅરી મૂકશો તો મને શું ખાવાનું ગમશે? આવી સ્થિતિમાં માત્ર બ્રૉકોલી જ પીરસવી જોઈએ.

શું બેબી-લેડ વીનિંગથી બાળકો પોષણથી વંચિત રહી જાય છે?

બેબી-લેડ વીનિંગની બીજી ચિંતા એ છે કે બાળકો ઓછું ખાય તેથી તેઓ પોષણથી વંચિત રહી શકે છે.

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે બીએલડબ્લ્યુ કરતાં બાળકોનું વજન ઘણી વાર સામાન્ય કરતાં ઓછું હોય છે. પરંતુ ન્યૂઝીલૅન્ડના સંશોધનમાં આવું નહોતું, કેમ કે ત્યાં માતાપિતાને તેમનાં બાળકોને વધુ ઊર્જાથી ભરપૂર અને પોષકતત્ત્વોથી ભરપૂર ખોરાક આપવાનું કહેવામાં આવ્યું હતું.

51 બાળકોના નાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બીએલડબ્લ્યુ અને પરંપરાગત વીનિંગમાં બાળકો લગભગ સમાન માત્રામાં ઊર્જાવાળા ખોરાક લેતા હતાં, પરંતુ બીએલડબ્લ્યુવાળાં બાળકોના આહારમાં આયર્ન, ઝિંક અને વિટામિન બી12 ઓછું હતું.

અન્ય એક અભ્યાસ અનુસાર, જે માતાપિતા બીએલડબ્લ્યુ કરાવે છે, તેઓ તેમનાં બાળકોને આયર્નથી ભરપૂર ખોરાક ખવડાવે છે.

ન્યૂઝીલૅન્ડમાં કરવામાં આવેલા સંશોધનમાં બંને પ્રકારના વીનિંગવાળાં બાળકોમાં 12 મહિનાની ઉંમરે આયર્નનાં સ્તરમાં કોઈ તફાવત જોવા મળ્યો ન હતો.

સાચી પદ્ધતિ કઈ છે?

બાળકોને બીએલડબ્લ્યુનો મહત્તમ લાભ મળે તેમને નુકસાનથી બચાવવાની એક રીત એ હોય શકે જે ન્યૂઝીલૅન્ડમાં ઉપયોગમાં લેવાઈ હતી.

એટલે કે બાળકોને પોષકતત્ત્વો અને ઊર્જાથી ભરપૂર ખોરાક પીરસવો જોઈએ. પરંતુ આ બાબતે વધુ સંશોધનની જરૂર છે.

ડૉ. પ્રાચી જૈન કહે છે કે, “બંને પ્રકારના વીનિંગના પોતપોતાના ફાયદા અને ગેરફાયદા છે અને અત્યાર સુધી કરવામાં આવેલાં સંશોધનોથી એ તારણ પર નથી પહોંચી શકાયું કે કઈ પદ્ધતિ વધુ સારી છે.”

તેઓ કહે છે, “આપણે મધ્યમ માર્ગ અપનાવી શકીએ. વીનિંગ તમારી દેખરેખ હેઠળ જ કરવું જોઈએ. ભલે પ્રવાહી ખોરાક ન બનાવવામાં આવે, પણ બાળકને પીરસતા પહેલાં ખોરાકને છૂંદીને એને નરમ બનાવીને પીરસી શકાય છે, જેથી તે પોતે આરામથી ખાઈ શકે.

બાળકોને બદામ, પોપકૉર્ન અથવા દાડમના દાણા જેવી વસ્તુઓ સીધી ન આપવી જોઈએ, કારણ કે તે ગળામાં ફસાઈ શકે છે. બાળકને ઝડપથી ખાવા માટે દબાણ ન કરવું જોઈએ અને જો તે ના પાડે હોય તો તેને વધુ ખાવા માટે પણ દબાણ ન કરવું જોઈએ.

નિષ્ણાતો કહે છે કે બાળકને દૂધ છોડાવીને સામાન્ય આહારમાં પર લાવવાની પ્રક્રિયા ધીમી હોવી જોઈએ. પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ સમય દરમિયાન બાળકોને પૂરતું પોષણ મળતું રહેવું જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.