You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખોડો કેમ થાય છે અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો?
માથામાં થતો ખોડો એક એવી સમસ્યા છે જે ઘણા લોકોને સતાવે છે. ખોડો એક એવી સમસ્યા છે જે વારંવાર ઉપાય કર્યા પછી પણ પાછી આવી જાય છે.
ઘણા લોકો સામાજિક મેળાવડામાં જવાનું અને લોકો સાથે હળવા-મળવાનું એટલા માટે ટાળે છે કે તેમના માથામાં રહેલા ખોડાને કારણે તેઓ શરમ અનુભવે છે.
જોકે, ખોડાને દૂર કરવાની કેટલીક અસરકારક રીતો પણ છે.
માથામાં ખોડો સામાન્ય રીતે એક ફૂગના કારણે થાય છે. ખાસ કરીને શિયાળામાં તેનું પ્રમાણ વધી જતું જોવા મળે છે. તો આવો જાણીએ કે માથામાં ખોડો કેમ થાય છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય?
ખોડો કેમ થાય છે?
ખોડો કેમ થાય છે એ આપણે સરળ રીતે સમજીએ.
માથાના વાળ ચામડીમાંથી ઊગે છે. આ ચામડીનું ઉપરનું સ્તર સુકાઈ જાય અને આ સુકાયેલા સ્તરની ફોતરીઓ નીકળે તેને ખોડો કહે છે.
રાજકોટના ડર્મેટોલૉજિસ્ટ (ત્વચા તજજ્ઞ) ડૉ. સ્મિત ઠક્કર ખોડા વિશે વાત કરતા કહે છે, "ખોડો મોટે ભાગે સૂકી ચામડીથી થતો હોય છે અને ક્યારેક ફૂગના ચેપથી પણ થાય છે. શિયાળામાં ખોડાનું પ્રમાણ વધારે જોવા મળે છે, કારણ કે શિયાળામાં આપણી ચામડી વધારે સૂકી થઈ જાય છે."
ખોડો થવાના કારણો
યુકેના નેશનલ હૅલ્થ સર્વિસ અનુસાર, ખોડો સ્વચ્છતામાં બેદરકારી દાખવવાથી થતો નથી. જોકે, જો તમે નિયમિતપણે તમારા વાળ ન ધોતા હો તો તે વધુ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માનસિક તણાવ અને ઠંડું હવામાન પણ ખોડામાં વધારો કરી શકે છે.
લક્ષણો અને સંભવિત કારણો આ પ્રમાણે છે...
- ખોપરી ઉપરની ચામડી, ચહેરા અને શરીરના અન્ય ભાગો પર ચામડી પર ભીંગડાં વળવાં, ખંજવાળ આવવી અને લાલ ડાઘ પડી જવા - સંભવિત કારણ છે સેબોર્હીક ડર્મેટાઇટિસ
- ખોપરી ઉપરની ચામડી પર લાલ અથવા સફેદ ફોલ્લીઓ, કેટલીક વાર ભારે માત્રામાં વાળ ખરે છે - તેનું સંભવિત કારણ ટીનીઆ કેપિટિસ છે જેને રિંગવૉર્મ તરીકે ઓળખવામાં આવે છે
- શરીર પર શુષ્ક, લાલ અને ખૂબ જ ખંજવાળવાળી ત્વચા - જેનું સંભવિત કારણ છે એક્ઝિમા એટલે કે ખરજવું
- લાલ, સોજેલી ત્વચા જેમાં ત્વચા પર ફોલ્લાં અને કાપા પડી શકે છે અને કે હેર ડાઈ, સ્પ્રે, જેલ વગેરેનું રિએક્શન હોઈ શકે છે - જેનું સંભવિત કારણ છે કોન્ટેક્ટ ડર્મેટાઈટિસ
- લાલ ત્વચા અને ઘાવ- તેનું સંભવિત કારણ છે સોરાયસિસ
ઘરગથ્થું ઉપચારમાં શું ધ્યાન રાખવું?
ખોડાને અટકાવવા માટે લોકો ઘરગથ્થુ નુસખાઓથી લઈને અનેક સારવાર પદ્ધતિઓ અપનાવે છે.
ડૉ. સ્મિત ઠક્કર કહે છે, "ખોડાને અટકાવવા માટે ખોડો થવાનાં કારણો તપાસવા પડે. જો ફૂગના ચેપથી ખોડો થયો હોય તો પહેલા ફૂગના ચેપની સારવાર કરવી પડે. જો ફૂગનો ચેપ ન થયો હોય તો શુષ્ક ત્વચાના કારણે ખોડો થયો સમજવો."
"આ સ્થિતિમાં મુખ્ય ધ્યાન એ બાબત પર રાખવામાં આવે છે કે ત્વચા તૈલી રહે, તેને પૂરતું પોષણ મળતું રહે. આવી સ્થિતિમાં મુખ્ય ધ્યાન ત્વચાને સૂકી ન થવા દેવી તે છે. તેની સારવારમાં ચામડીને સૂકી ન થવા દે તેવા તેલ, મલમ વગેરે આપવામાં આવે છે."
ઘરગથ્થુ ઉપચારમાં લીમડો, દહીં વગેરેના પ્રયોગો કરવામાં આવે છે.
આ સ્થિતિમાં ડૉ. સ્મિત ઠક્કર કહે છે, "દહીંમાં એસ્કોર્બિક એસિડ હોય છે અને આ સંયોજન દવામાં પણ ઉપયોગમાં લેવાય છે. ખોડાની દવામાં સેલિસિલિક એસિડ વપરાય છે. પરંતુ ઘરગથ્થુ વસ્તુઓમાં આપણો માત્રા ઉપર અંકુશ નથી રહેતો. દરેક ઘરનું દહીં અલગઅલગ હોય છે અને તેમાં રહેલા સંયોજનનું ચોક્કસ માપ જળવાતું નથી. દવામાં પ્રત્યેક ટીપામાં કેટલું સંયોજન વપરાશે તે નક્કી કરી શકાય છે."
તેઓ ઉમેરે છે, "આવા ઘરગથ્થુ ઇલાજમાં વપરાયેલી દવાઓને કારણે ચામડીમાં બળતરા થાય એવું પણ બની શકે છે. ચામડીમાં ફોડલીઓ પણ થતી હોય છે. જેમની ત્વચા સંવેદનશીલ હોય તેમને ઘરગથ્થુ ઉપચાર અનુકૂળ ન આવે એવું બની શકે."
"આ સ્થિતિમાં સૌપ્રથમ ચામડીની બળતરાને બંધ કરવાનો હેતુ હોય છે અને એ માટે જરૂર પડે તો એન્ટિ-બાયોટિક આપવામાં આવે છે અને પછી શુષ્ક ત્વચાની સારવાર કરવામાં આવે છે."
એ સિવાય વધુ પડતા વાળ ન ધોવા એવી સલાહ પણ આપવામાં આવે છે. ઘણાને શેમ્પૂ, કન્ડિશનરથી વારંવાર વાળ ધોવાની આદત હોય છે.
ડૉ. સ્મિત ઠક્કર કહે છે, "હળવું રોજિંદા ઉપયોગવાળું શેમ્પૂ વાપરવું. શરૂઆતમાં એન્ટિ-ડેન્ડ્રફ શેમ્પૂ નહીં વાપરવા. કન્ડિશનરનો ઉપયોગ કરી શકાય. તેલ પણ વાપરી શકાય."
ખોડો દૂર કરવાની રીતો
ખોડા માટે મુખ્યત્વે જે ફૂગ જવાબદાર છે તેને માલાસેઝિયા ગ્લોબોસા કહે છે. ખોડો મુખ્યત્વે આ ફૂગના કારણે થાય છે.
આ ફૂગ આપણી ત્વચા અને વાળના તેલને શોષી લે છે. પરંતુ જ્યારે તે આવું કરે છે, ત્યારે તે જ સમયે ઓલેઇક એસિડ ઉત્પન્ન કરે છે, જેના કારણે આપણી ત્વચામાં ખંજવાળ આવે છે.
કેટલાક લોકોમાં તે રોગપ્રતિકારક પ્રતિભાવને દબાવી દે છે, જેના કારણે માથાની ત્વચા પરથી સૂકા પડળ નીકળીને ખરવા માંડે છે.
વાયુપ્રદૂષણ પરિસ્થિતિને બદતર બનાવી દે છે જ્યારે સૂર્યનાં યુવી કિરણો આ સ્થિતિને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.
આવી સ્થિતિમાં ખોડો દૂર કરવા માટે માથાની ચામડીમાં તેલ લગાવવું બિલકુલ યોગ્ય વિચાર નથી.
આ માલાસેઝિયા ગ્લોબોસા નામની ફૂગ તમારા વાળ અને ત્વચામાં રહેલા કુદરતી તેલને શોષી લે છે.
જોકે કેટલાંક રસાયણોની મદદથી આ તેલને દૂર કરી શકાય છે. સૌથી અસરકારક એન્ટિ-ફંગલ રસાયણો માઈકોનાઝોલ અને કેટોકોનાઝોલ છે.
કેટોકોનાઝોલનો ઉપયોગ કેટલાક શેમ્પૂમાં થાય છે, પરંતુ હાલમાં માઈકોનાઝોલ માત્ર ત્વચા પર લગાવવાની ક્રીમ તરીકે જ ઉપલબ્ધ છે. જોકે, પશુઓ માટે ઉપલબ્ધ કેટલાક શેમ્પૂમાં માઈકોનાઝોલ રસાયણ હોય છે.
ખોડો દૂર કરવા ક્યું શેમ્પૂ વાપરવું?
મોઇશ્યુરાઇઝિંગ શેમ્પૂ ડેઇલી કૅર શેમ્પૂ કહેવાય છે અને તેનું કામ માત્ર વાળના ઉપરના તેલ અને ગંદકીને દૂર કરવાનું હોય છે.
ડૉ. સ્મિત ઠક્કર કહે છે, "આ પ્રકારના માઇલ્ડ શેમ્પૂ વાપરવા જોઈએ અને તેને અઠવાડિયામાં બે વાર અને વધુમાં વધુ ત્રણ વાર વાપરવા જોઈએ, રોજ ન વાપરવા, કેમ કે રોજ શેમ્પૂ વાપરીને વાળ ધોવાથી વાળની સાથે વાળના મૂળ પણ શુષ્ક થાય છે અને એનાથી ડેન્ડ્રફ થાય છે. ડેન્ડ્રફને દૂર કરવા માટે ફરી શેમ્પૂ, ફરી શુષ્કતા, ફરી શેમ્પૂ એમ ચક્ર ચાલુ રહે છે."
ઘણાને એવો અનુભવ પણ હશે કે એન્ટિફંગલ શેમ્પૂની અસર થોડા સમય પછી રહેતી નથી.
એટલા માટે સમય સમય પર આ વિકલ્પોનો ફરીથી ઉપયોગ કરવાની જરૂર પડે છે.
કોલ ટાર શેમ્પૂ ત્વચાના બદલવાની પ્રક્રિયાને ધીમી કરી શકે છે. ઉપરાંત સેલિસિલિક એસિડ ધરાવતા શેમ્પૂ ફ્લેક્સથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.
જોકે, ઝીંક અથવા સેલેનિયમ ધરાવતા શેમ્પૂ પણ ફૂગના નિવારણમાં મદદરૂપ થઈ શકે છે. આવી સ્થિતિમાં ડેન્ડ્રફથી રાહત મેળવવા માટે વિવિધ પ્રકારના ઉપાયો અપનાવી શકાય છે.
સંશોધકોએ માલાસેઝિયાના આનુવંશિક કોડને ક્રમબદ્ધ કર્યા છે અને તેની મદદથી આ ફૂગથી છુટકારો મેળવવા માટે વધુ અસરકારક દવાઓ વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે.
(નોંધ: આ લેખ ડૉક્ટરની સલાહ અને થયેલા સંશોધનોને આધારે તૈયાર કરવામાં આવ્યો છે. ખોડાના ઉપચાર માટે તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન