મહારાષ્ટ્રમાં લોકોને અચાનક ટાલ કેમ પડી ગઈ હતી, શું કારણ સામે આવ્યું?

    • લેેખક, ભાગ્યશ્રી રાઉત
    • પદ, બીબીસી મરાઠી માટે

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં અચાનક વાળ ખરવા અને ટાલ પડવાના કિસ્સા નોંધાયા છે. આ અંગે ડૉ. હિંમતરાવ બાવસ્કર કહે છે કે શરીરમાં સેલિનિયમ વધવાને કારણે આવું થાય છે.

ડૉ. હિંમતરાવ બાવસ્કરે તેમના સ્તરે આ બાબતની તપાસ કરી છે. જેના આધારે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પંજાબના બે જિલ્લાના ઘઉંમાં સેલિનિયમનું પ્રમાણ વધુ હતું. જેના કારણે આ લોકોનાં શરીરમાં સેલિનિયમનું સ્તર વધ્યું હતું.

બાવસ્કરના સંશોધન પછી હવે કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે પણ ICMRના પ્રારંભિક અહેવાલ વિશે માહિતી આપી છે.

તેમણે કહ્યું કે અહેવાલોમાં જણાવાયું છે કે શરીરમાં સેલિનિયમના સ્તરમાં વધારો થવાને કારણે વાળ ખરતા હતા. જોકે, તેમણે એમ પણ કહ્યું કે પંજાબથી આવતા ઘઉંને દોષ આપવાને બદલે, આપણે સેલિનિયમના વાસ્તવિક સ્રોતને પણ શોધવાની જરૂર છે.

પ્રતાપરાવ જાધવે બુલઢાણામાં આયોજિત એક પત્રકારપરિષદ દરમિયાન આ બધી વાતો કહી હતી.

ICMRના પ્રારંભિક અહેવાલ મુજબ શરીરમાં સેલિનિયમ વધવાને કારણે વાળ ખરે છે.

સેલિનિયમ ખરેખર શું છે? તે આપણા શરીર માટે કેમ મહત્ત્વપૂર્ણ છે?

શરીરને આ સેલિનિયમ ક્યાંથી મળે છે? શરીરમાં વધુ પડતા સેલિનિયમની શું અસરો થાય છે? અને તેના ઉકેલો શું છે?

સેલિનિયમ શું છે? શરીરને તેની જરૂર કેમ પડે છે?

સેલિનિયમ એ જમીનમાંથી મળતું એક ખનિજ છે. સેલિનિયમ કુદરતી રીતે પાણી અને કેટલાક ખોરાકમાં જોવા મળે છે. આપણા શરીરને ચોક્કસ માત્રામાં સેલિનિયમની જરૂર હોય છે.

માનવ શરીરને સેલિનિયમની જરૂર કેમ છે તે અંગે ન્યૂટ્રિશિયનિસ્ટ ડૉ. રેણુકા મેંડે કહે છે કે સેલિનિયમ ડીએનએ સંશ્લેષણનું કામ કરે છે.

વધુમાં જ્યારે આપણે બીમાર થયા પછી ચોક્કસ ઍન્ટિબાયોટિક્સ લઈએ છીએ ત્યારે શરીરમાં ઑક્સિડેશન વધે છે. સેલિનિયમ આને રોકવાનું કામ પણ કરે છે.

પ્રદૂષણ, ખરાબ આહાર કે વૃદ્ધત્વ શરીરના કોષોને નુકસાન પહોંચાડે છે. સેલિનિયમના ઍન્ટિઑકિસડન્ટ ગુણધર્મો કોષોના થતા આ નુકસાનને બચાવવા માટે મહત્ત્વપૂર્ણ છે.

એકંદરે સેલિનિયમ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. થાઇરોઇડ ગ્રંથિની યોગ્ય કામગીરી માટે પણ સેલિનિયમ મહત્ત્વપૂર્ણ છે.

સેલિનિયમ માટીમાં જોવા મળતું હોવાથી તે અનાજમાં પણ પહોંચે છે. અનાજમાં સેલિનિયમનું પ્રમાણ જમીનમાં તેની માત્રા પર આધાર રાખે છે. તેથી વિવિધ પ્રદેશોના અનાજમાં સેલિનિયમનું પ્રમાણ વધુ કે ઓછું હોઈ શકે છે.

પરંતુ શું સેલિનિયમ ઝેરી છે? ડૉ. રેણુકા એમ પણ કહે છે કે આ અંગે વધુ અભ્યાસની જરૂર છે.

શરીરને કેટલી સેલિનિયમની જરૂર છે?

આપણા દેશમાં સેલિનિયમનો સૌથી મોટો સ્રોત માંસ અને મરઘાં છે. આમાં શરીરની જરૂરિયાત મુજબ સેલિનિયમ હોય છે. જે લોકો માંસાહારી ખોરાક ખાય છે તેમને આમાંથી સેલિનિયમ મળી શકે છે.

સેલિનિયમ ચોખા અને ઘઉં જેવા અનાજમાં પણ જોવા મળે છે. આ અનાજમાંથી આપણા શરીરને સેલિનિયમ પણ મળી શકે છે.

તમે તમારા શરીરને જરૂરી સેલિનિયમ ઈંડાં અને સીફૂડમાંથી પણ મેળવી શકો છો.

જોકે, ભારતીય તબીબી સંશોધન પરિષદે શરીરમાં સેલિનિયમની દૈનિક ભલામણ કરેલ માત્રા નક્કી કરી છે. ICMRના રિપોર્ટમાં દરરોજ લગભગ 40 માઇક્રોગ્રામ સેલિનિયમ લેવાનું સૂચન કરવામાં આવ્યું છે.

વધુમાં ઉંમર સાથે સેલિનિયમની માત્રા પણ બદલાય છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ અનુસાર કોઈ પણ ઉંમરના વ્યક્તિએ કેટલું સેલિનિયમ લેવું જોઈએ તેનો ડેટા પણ છે.

જોકે ICMR રિપોર્ટમાં આ મર્યાદા ફક્ત 40 માઇક્રૉગ્રામ જ જણાવવામાં આવી છે.

શરીરમાં સેલિનિયમના સ્તરમાં વધારો થવાથી શું અસર થાય?

આ અંગે દિલ્હીના ઍઇમ્સના ત્વચાના રોગ વિભાગના વડા ડૉ. સોમેશ ગુપ્તા કહે છે, "સેલિનિયમ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જોકે તેના વધુ પડતા સેવનથી ઊબકાં, વાળ ખરવા, થાક અને ચેતાતંત્રને નુકસાન જેવી આડઅસરો થઈ શકે છે."

ડૉ. સોમેશ ગુપ્તા ઉમેરે છે, "જો તમે લાંબા સમય સુધી વધુ પડતું સેલિનિયમ લો છો તો તે સેલેનોસિસ નામની ગંભીર સ્થિતિનું કારણ બની શકે છે. આનાથી નબળા નખ, વાળ ખરવા અને ટાલ પડવી, શ્વાસની દુર્ગંધ અને પાચન સમસ્યાઓ થઈ શકે છે."

પરંતુ જો શરીરને આ સેલિનિયમ ન મળે અથવા શરીરની સેલિનિયમની જરૂરિયાતો પૂરી ન થાય તો શું થાય? આ વિશે ડૉક્ટરો પણ માહિતી આપે છે.

ડૉ. ગુપ્તા કહે છે કે શરીરમાં સેલિનિયમનું ઓછું સ્તર ઊબકાં, સ્નાયુઓની નબળાઈ અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડાનું કારણ બની શકે છે.

આનાથી હૃદયરોગ પણ થઈ શકે છે અથવા થાઇરોઇડ ગ્રંથિની કામગીરીમાં વિક્ષેપ પડી શકે છે. ક્યારેક વંધ્યત્વ પણ થઈ શકે છે.

શરીરમાં વધી ગયેલા સેલિનિયમને કેવી રીતે ઘટાડવું? ઉકેલો શું છે?

જો શરીરમાં સેલિનિયમનું સ્તર ખૂબ વધી જાય તો તેને કેવી રીતે ઘટાડવું? સારવાર શું છે?

આ અંગે ડૉ. સોમેશ ગુપ્તા કહે છે કે, શરીરમાં સેલિનિયમનું પ્રમાણ ઘટાડવા માટે કોઈ ચોક્કસ સારવાર નથી.

જોકે શરીરમાં સેલિનિયમનું પ્રમાણ જે સ્રોતથી વધી રહ્યું છે તેને રોકવું મહત્ત્વનું બને છે. જે ખોરાક દ્વારા સેલિનિયમ શરીરમાં પ્રવેશી રહ્યું હોય તો તેનું સેવન બંધ કરવું જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.