You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સંભાજીની હત્યા કરનાર ઔરંગઝેબનું મોત કેવી રીતે થયું હતું અને તેમના છેલ્લા દિવસો કેવી રીતે પસાર થયા હતા?
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી ન્યૂઝ
ઈ.સ. 1680માં ઔરંગઝેબે સંપૂર્ણ લાવલશ્કર સાથે દક્ષિણ ભારત તરફ કૂચ કરી હતી. વિશાળ સેના, સમગ્ર સ્ત્રીવૃંદ અને એક પુત્રને બાદ કરતાં ત્રણેય પુત્ર તેમની સાથે ગયા હતા.
ઔરંગઝેબના જીવનચરિત્ર 'ઔરંગઝેબ મૅન ઍન્ડ મિથ'માં લેખિકા ઑડ્રી ટ્રુશ્કેએ લખ્યું છે, "શામિયાણાની સાથે આગળ વધતું લશ્કર, બજાર, બાદશાહનો કાફલો, તેમની સાથે ચાલતા ઑફિસરો અને નોકરોનાં ટોળાં, આ એક જોવાલાયક દૃશ્ય હતું."
"ઔરંગઝેબ જૂની મુગલ પરંપરાનું પાલન કરતા હતા, જેના અનુસાર, રાજધાની હંમેશાં બાદશાહની સાથે ચાલતી હતી. પરંતુ, ઔરંગઝેબ બીજા મુગલ બાદશાહો કરતાં આ બાબતમાં જુદા હતા કે એક વાર દક્ષિણમાં ગયા પછી તેઓ ફરી ક્યારેય દિલ્હી પાછા ન ફર્યા."
તેમના ગયા પછી દિલ્હી ઉજ્જડ–વેરાન થઈ ગયું. લાલ કિલ્લાની દીવાલો પર ધૂળનું આવરણ જામી ગયું.
વૃદ્ધાવસ્થામાં એકલતાનો શિકાર
ઔરંગઝેબે પોતાના જીવનના છેલ્લા ત્રણ દાયકા દક્ષિણ ભારતમાં વિતાવ્યા અને તેમણે મોટા ભાગની લડાઈઓ અને ઘેરાબંધીઓનું જાતે નેતૃત્વ કર્યું.
ઔરંગઝેબની સેનાના એક હિંદુ સિપાહી ભીમસેન સક્સેનાએ ફારસીમાં પોતાની આત્મકથા 'તારીખ-એ-દિલકુશા'માં લખ્યું છે, "મેં દુનિયામાં લોકોને બહુ લાલચુ જોયા છે. એટલી હદે કે ઔરંગઝેબ આલમગીર જેવા બાદશાહ, જેમની પાસે કોઈ વસ્તુની ખોટ નથી, કિલ્લાને જીતવા માટે લોભ કરતા હતા, કેટલાક પથ્થરો પર અધિકાર જમાવવાની એમની ચાહત એટલી મોટી હતી કે તેના માટે તેઓ જાતે ભાગદોડ કરતા હતા."
ઔરંગઝેબના શાસનનો છેલ્લો તબક્કો તેમના માટે સુખરૂપ નહોતો. તેમને લાગતું હતું કે, ભારત પર દૃઢતાથી શાસન કરવાની તેમની ઇચ્છા ધૂળમાં રગદોળાઈ ગઈ હતી.
ઇતિહાસકાર જદુનાથ સરકારે પોતાના પુસ્તક 'ધ શૉર્ટ હિસ્ટરી ઑફ ઔરંગઝેબ'માં લખ્યું છે, "ઔરંગઝેબ પોતાની વૃદ્ધાવસ્થામાં એકલતાનો શિકાર થઈ ગયા હતા. એક પછી એક, તેમના બધા વિશ્વાસુ સાથીઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. તેમની યુવાનીના માત્ર એક સાથી તેમના વજીર અસદખાં જ જીવિત હતા. જ્યારે તેઓ પોતાના દરબાર પર એક નજર ફેરવતા હતા ત્યારે તેમને બધી બાજુ ડરપોક, ઇર્ષાળુ અને ચાપલૂસ યુવા દરબારી દેખાતા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પુત્રોમાં પ્રતિભાનો અભાવ
ઔરંગઝેબના મૃત્યુના સમયે તેમના ત્રણ પુત્ર જીવતા હતા. એ પહેલાં તેમના બે પુત્રોનાં મૃત્યુ થઈ ગયાં હતાં. તેમાંના એકમાં પણ ભારતના બાદશાહ બનવાની ન તો શક્તિ હતી, ન તો ક્ષમતા.
18મી સદીની શરૂઆતમાં લખેલા એક પત્રમાં ઔરંગઝેબે પોતાના બીજા પુત્ર મુઅઝ્ઝમને કંદહાર ન જીતી શક્યા બદલ ઠપકો આપ્યો હતો. ઔરંગઝેબનો આ પત્ર 'રૂકાયતે આલમગીરી'માં સંકલિત છે, તેમાં તેમણે લખ્યું હતું, 'એક નાલાયક પુત્ર હોય તેના કરતાં એક પુત્રી હોય એ સારું.'
તેમણે પત્રના અંતમાં પોતાના પુત્રોને ખખડાવતાં લખ્યું હતું, "તમે આ દુનિયામાં પોતાના હરીફો અને ખુદાને પોતાનું મોં કઈ રીતે બતાવશો?"
ઔરંગઝેબને એ વાતનો ખ્યાલ નહોતો કે, તેમના પુત્રોમાં તેમના વારસ બનવાની ક્ષમતા ન હોવા માટે તેઓ પોતે જવાબદાર હતા.
ઇતિહાસકાર મૂનિસ ફારૂકીએ પોતાના પુસ્તક 'ધ પ્રિન્સેસ ઑફ ધ મુગલ ઍમ્પાયર'માં લખ્યું છે કે, ઔરંગઝેબે શાહજાદાઓના અંગત જીવનમાં દખલ કરીને તેમની સ્વાયત્તતાને નબળી પાડી હતી.
ઑડ્રી ટ્રુશ્કેએ લખ્યું છે, "1700નું વર્ષ શરૂ થાય તે પહેલાં ઔરંગઝેબ પોતાના પૌત્રોને પોતાના પુત્રો કરતાં વધારે મહત્ત્વ આપવા લાગ્યા હતા. તેનાથી તેમની સ્થિતિ વધારે નબળી થઈ હતી. ક્યારેક ક્યારેક તો ઔરંગઝેબ પોતાના દરબારીઓને પોતાના પુત્રો કરતાં વધારે મહત્ત્વ આપતા હતા. તેનું સૌથી મોટું ઉદાહરણ તેમના મુખ્ય વજીર અસદખાં અને સૈન્ય કમાન્ડર ઝુલ્ફીકારખાંએ તેમના સૌથી નાના પુત્ર કામબક્ષની ધરપકડ કરી તે હતું."
કામબક્ષનો ગુનો એ હતો કે, તેમણે ઔરંગઝેબની મંજૂરી વગર મરાઠા રાજા રાજારામ સાથે સંપર્ક સ્થાપવાની કોશિશ કરી હતી. રાજારામ શિવાજી મહારાજના પુત્ર અને છત્રપતિ સંભાજી મહારાજના સાવકા ભાઈ હતા.
ઔરંગઝેબના પરિજનોનાં મોત કેવી રીતે થયાં
વૃદ્ધાવસ્થા હાવી થતી જતી હતી અને ઔરંગઝેબનું અંગત જીવન અંધકારમય બનતું જતું હતું.
તેમનાં પુત્રવધૂ જહાનઝેબબાનોનું માર્ચ 1705માં ગુજરાતમાં અવસાન થયું હતું. તેમના વિદ્રોહી પુત્ર અકબર–બીજાનું પણ ઈ.સ. 1704માં ઈરાનમાં મૃત્યુ થયું હતું.
એ પહેલાં 1702માં તેમનાં કવિયેત્રી પુત્રી ઝેબ-ઉન-નિસાં પણ મૃત્યુ પામ્યાં હતાં. ત્યાર પછી ઔરંગઝેબનાં ભાઈબહેનોમાં એકલાં જીવિત બચેલાં ગૌહર-આરાનું મૃત્યુ થઈ ગયું.
ઔરંગઝેબને તેમનાં મૃત્યુનો ખૂબ જ આઘાત લાગ્યો. તેમણે કહ્યું, "શાહજહાંનાં બાળકોમાં માત્ર તે અને હું જ જીવિત બચ્યાં હતાં."
ઔરંગઝેબનાં દુઃખોનો એટલે જ અંત નહોતો આવ્યો. ઈ.સ. 1706માં તેમનાં પુત્રી મેહર-ઉન-નિસાં અને જમાઈ ઇઝીદ બક્ષનું પણ દિલ્હીમાં મૃત્યુ થઈ ગયું.
ઔરંગઝેબના મૃત્યુના થોડા સમય પહેલાં તેમના પૌત્ર બુલંદ અખ્તરે પણ આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. તેમના બીજા બે પૌત્રનાં મૃત્યુ થયાં, પરંતુ, તેમના દરબારીઓએ એ સમાચાર એવું વિચારીને તેમના સુધી ન પહોંચાડ્યા કે તેનાથી ઔરંગઝેબને ખૂબ આઘાત લાગશે.
ઔરંગઝેબની મુશ્કેલીમાં કેમ વધારો થયો?
આ ઉપરાંત, દક્ષિણમાં તે દરમિયાન પડેલા દુકાળે પણ ઔરંગઝેબની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો.
ઔરંગઝેબના સમયમાં ભારત આવેલા ઇટાલિયન મુસાફર નિકોલાવ મનુચીએ પોતાના પુસ્તક 'સ્ટોરિયા ધો મોગોર'માં લખ્યું છે, "દક્ષિણમાં 1702થી 1704 દરમિયાન બિલકુલ વરસાદ ન પડ્યો. અધૂરામાં પૂરું પ્લેગની મહામારી પણ ફેલાઈ ગઈ. બે વર્ષમાં લગભગ 20 લાખ લોકોનાં મૃત્યુ થયાં. ભૂખમરાથી પરેશાન લોકો ચાર આનીના બદલામાં પોતાનાં બાળકોને વેચવા પણ તૈયાર થઈ ગયાં હતાં, પરંતુ તેનાં પણ કોઈ ખરીદદાર નહોતા."
"સામાન્ય લોકોને મર્યા પછી ઢોરની જેમ દફનાવવામાં આવતા હતા. દફનાવતાં પહેલાં તેમનાં કપડાં તપાસવામાં આવતાં હતાં, એટલા માટે કે તેમાં કંઈ પૈસા તો નથી ને! પછી તેમના પગમાં દોરડું બાંધીને મૃતદેહને ખેંચવામાં આવતો હતો અને સામે આવતા કોઈ પણ ખાડામાં દફનાવી દેવામાં આવતા હતા."
મનુચીએ લખ્યું છે, "ઘણી વાર તેનાથી ફેલાતી દુર્ગંધથી મને ઊલટી થતી. ચારે બાજુ એટલી બધી માખીઓ ઊડતી કે ખાવાનું પણ અધરું થઈ જતું હતું."
મનુચીના શબ્દોમાં કહીએ તો, "તેઓ પોતાની પાછળ ઝાડ અને પાક વિનાનાં ખેતર છોડી ગયા. તેની જગ્યા માણસો અને પ્રાણીઓનાં હાડકાંએ લઈ લીધી. સમગ્ર વિસ્તારની વસ્તી એટલી બધી ઘટી ગઈ કે ત્રણ કે ચાર દિવસની મુસાફરીમાં ક્યાંય પણ આગ કે દીવા બળતા જોવા નહોતા મળતા."
ઔરંગઝેબનો તેમની હિંદુ પત્ની પ્રત્યેનો પ્રેમ
પોતાના અંતિમ દિવસોમાં ઔરંગઝેબને પોતાના સૌથી નાના પુત્ર કામબક્ષનાં માતા ઉદયપુરીનું સાંનિધ્ય ખૂબ ગમતું હતું.
પોતાની મૃત્યુશય્યા પરથી કામબક્ષને લખેલા પત્રમાં તેમણે લખ્યું હતું કે, તેમની બીમારીમાં ઉદયપુરીએ તેમનો સાથ નથી છોડ્યો. મૃત્યુમાં પણ તે તેમની સાથે જશે.
અને થયું પણ એવું જ. ઔરંગઝેબના મૃત્યુના થોડાક મહિનામાં જ ઉદયપુરીએ પણ આ દુનિયાને અલવિદા કહી દીધી.
ઔરંગઝેબ સામે વિદ્રોહ
અંત સમયે ઔરંગઝેબે અહમદનગરમાં પોતનો પડાવ નાખ્યો.
સ્ટેન્લી લેન-પૂલે પોતાના પુસ્તક 'ઔરંગઝેબ ઍન્ડ ધ ડિકે ઑફ ધ મુગલ ઍમ્પાયર'માં લખ્યું છે, "ઔરંગઝેબની લાંબી ગેરહાજરીએ ઉત્તરમાં અવ્યવસ્થા ઊભી કરી હતી. રાજપૂતો ખુલ્લો વિદ્રોહ કરવા લાગ્યા હતા, આગરા નજીક જાટ પોતાનું માથું ઊંચકી રહ્યા હતા અને મુલતાનની આસપાસ શીખો પણ મુગલ સામ્રાજ્યને પડકારવા લાગ્યા. મુગલ સેના પોતાને હતોત્સાહિત થવા લાગી હતી. મરાઠાઓમાં પણ મુગલ સેના પર સંતાઈને વાર કરવાની હિંમત આવી ગઈ."
ઔરંગઝેબે પોતાના બધા પુત્રોને એ બીકથી દૂર મોકલી દીધા હતા કે ક્યાંક તેઓ તેમની પોતાની હાલત પણ એવી ન કરે જેવી તેમણે પોતાના પિતા શાહજહાંની કરી હતી.
બીજા એક ઇતિહાસકાર અબ્રાહમ ઇરાલીએ પોતાના પુસ્તક 'ધ મુગલ થ્રોન ધ સાગા ઑફ ઇન્ડિયાઝ ગ્રેટ ઍમ્પરર્સ'માં લખ્યું છે, "ઔરંગઝેબના શાસનમાં ક્ષેત્રીય વિસ્તારે મુગલ શક્તિને પ્રોત્સાહન આપવાના બદલે નબળી કરી દીધી. તેમના શાસનમાં સામ્રાજ્યનો વિસ્તાર એટલો વધી ગયો કે તેના પર શાસન કરવું લગભગ અશક્ય થઈ ગયું. સામ્રાજ્ય પોતાના જ ભાર હેઠળ દબાવા લાગ્યું. એટલે સુધી કે, ઔરંગઝેબે પોતે કહ્યું, અજમા-સ્ત હમાહ ફસાદ-એ-બાકી (મારા પછી અરાજકતા).
ઔરંગઝેબને કઈ બીમારી થઈ હતી?
આ બધા ઉપરાંત, ઔરંગઝેબની સામે સૌથી મોટી સમસ્યા હતી તેમના ઉત્તરાધિકારીની.
મનુચીએ લખ્યું છે, "ગાદીના દાવેદારોમાં બાદશાહના પુત્ર હતા, જે પોતે ઘરડા થઈ ગયા હતા. ત્યાર પછી તેમના પૌત્રોનો નંબર આવતો હતો, જેમની દાઢી પણ સફેદ થઈ ગઈ હતી અને તેમણે 45ની ઉંમર વટાવી દીધી હતી. દાવેદારોમાં ઔરંગઝેબના પ્રપૌત્ર પણ હતા, જેમની ઉંમર 25 કે 27 વર્ષ આસપાસ હશે. તેમાંથી માત્ર એક જ ઔરંગઝેબના ઉત્તરાધિકારી બની શકતા હતા. સત્તાના સંઘર્ષમાં બાકીના લોકોએ કાં તો પોતાના હાથપગ કપાવવા પડતા અથવા તો પોતાનો જીવ ગુમાવવો પડતો."
ઈ.સ. 1705માં ઔરંગઝેબે મરાઠા કિલ્લા વાગિનજેરા પર જીત મેળવી લીધા પછી કૃષ્ણા નદી પાસે એક ગામમાં પોતાની છાવણી નાખી, જેથી તેમના સૈનિકોને થોડો આરામ મળી શકે.
અહીં જ ઔરંગઝેબ બીમાર પડી ગયા. એ જ વર્ષે ઑક્ટોબરમાં દિલ્હી જવાના ઇરાદાથી તેઓ અહમદનગર તરફ આગળ વધ્યા, પરંતુ, આ તેમનો અંતિમ પડાવ સાબિત થયો.
14 જાન્યુઆરી 1707એ 89 વર્ષીય બાદશાહ ફરી એક વાર બીમાર પડ્યા. થોડાક દિવસોમાં તેમની તબિયત સુધરી ગઈ અને તેઓ ફરીથી પોતાનો દરબાર ભરવા લાગ્યા. પરંતુ, આ વખતે તેમને અંદાજ આવી ગયો કે હવે તેમની પાસે વધારે સમય નથી બચ્યો. તેમના પુત્ર આઝમની વધતી અધીરતા તેમને પરેશાન કરતી હતી.
ઔરંગઝેબે અંતિમ સમયમાં તેમના પુત્રોને શું લખ્યું?
જદુનાથ સરકારે લખ્યું છે, "ચાર દિવસ પછી તેમણે આઝમને માળવાના ગવર્નર બનાવીને મોકલી દીધા. પરંતુ ચાલાક શાહજાદાએ, એ જાણતા છતાં કે તેમના પિતાનો અંત નજીક છે, જવામાં ખૂબ ઉતાવળ ન કરી અને ઘણી જગ્યાએ રોકાતા રોકાતા આગળ વધ્યા. પોતાના પુત્રને મોકલ્યાના ચાર દિવસ પછી બાદશાહને ખૂબ જ તાવ ચડ્યો, તેમ છતાં, તેઓ જીદ કરીને દરબારમાં આવ્યા અને તેમણે એવી હાલતમાં પણ દરરોજ પાંચે ટાઇમની નમાજ પઢી."
પોતાના અંતિમ સમયમાં તેમણે પોતાના પુત્રોને બે પત્ર લખ્યા. જેમાં તેમણે લખ્યું કે, "હું ઇચ્છું છું કે, સત્તા માટે તમારા બંને વચ્ચે લડાઈ ન થાય. તેમ છતાં, હું જોઈ શકું છું કે મારા ગયા પછી ઘણું લોહી રડાશે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ તમારી અંદર પોતાની પ્રજા માટે કામ કરવાની ઇચ્છા પેદા કરે અને શાસન કરવાની ક્ષમતા ઊભી કરે."
ત્રણ માર્ચ 1707એ ઔરંગઝેબ પોતાના શયનકક્ષમાંથી બહાર નીકળ્યા.
જદુનાથ સરકારે લખ્યું છે, "ઔરંગઝેબે સવારની નમાજ પઢી અને પોતાની તસબીહના મણકા ગણવા લાગ્યા. ધીરે-ધીરે તેઓ બેભાન થતા ગયા અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. પરંતુ, શરીર કમજોર હોવા છતાં તેમની આંગળીઓમાંથી તસબીહના મણકા છૂટ્યા નહીં. તેમની અંતિમ ઇચ્છા હતી કે જુમ્માનો દિવસ તેમના જીવનનો અંતિમ દિવસ હોય. આખરે તેમની આ ઇચ્છા પણ પૂરી થઈ."
મરતાં પહેલાં ઔરંગઝેબે વસિયત કરી હતી કે, તેમના મૃતદેહને નજીકની કોઈ જગ્યાએ તાબૂત વગર જ દફનાવવામાં આવે.
ઔરંગઝેબના મૃત્યુના બે દિવસ પછી તેમના પુત્ર આઝમ ત્યાં પહોંચ્યા હતા. શોક મનાવીને અને પોતાની બહેન ઝીનત-ઉન-નિસાં બેગમને સાંત્વના આપ્યા પછી તેઓ પોતાના પિતાના પાર્થિવ શરીરને થોડે દૂર લઈ ગયા.
ત્યાર પછી ઔરંગઝેબના મૃતદેહને દોલતાબાદ પાસે ખુલ્દાબાદમાં સૂફી સંત શેખ ઝૈન-ઉદ-દિનની કબરની બાજુમાં દફનાવવામાં આવ્યો.
ઔરંગઝેબ 89 વર્ષની ઉંમર સુધી જીવિત રહ્યા. જદુનાથ સરકારે લખ્યું છે, "ઔરંગઝેબની યાદદાસ્ત ગજબની હતી. જો એક વાર તેઓ કોઈનો ચહેરો જોઈ લે, તો ક્યારેય ભૂલતા નહોતા. એટલું જ નહીં, તેમને લોકોએ કહેલા એકેએક શબ્દ યાદ રહેતા હતા. અંતિમ સમયે તેમના એક કાનમાં થોડુંક ઓછું સંભળાવા લાગ્યું હતું અને તેમના જમણા પગમાં પણ થોડીક મુશ્કેલી થઈ ગઈ હતી, જેના કારણે તેમની ચાલ થોડીક ડગુમગુ થઈ ગઈ હતી."
ઔરંગઝેબના પુત્રો વચ્ચે યુદ્ધ
જોકે, ઔરંગઝેબે શાહ આલમ એટલે કે મુઅઝ્ઝમને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતા, જે તે સમયે પંજાબના ગવર્નર હતા; પરંતુ, આઝમ શાહ ઔરંગઝેબના મૃત્યુ પછી તરત જ ત્યાં પહોંચી ગયા, તેમણે પોતાને બાદશાહ જાહેર કરી દીધા.
પછી તેઓ આગરા તરફ આગળ વધ્યા, જેથી તેમની બાદશાહતને વિધિવત્ માન્યતા મળી શકે.
મનુચીએ લખ્યું છે, "બીજી તરફ શાહ આલમે પણ પોતાના પિતાના અવસાનના સમાચાર સાંભળ્યા પછી આગરા તરફ કૂચ કરી. તેઓ પોતાના ભાઈ આઝમ કરતાં પહેલા આગરા પહોંચી ગયા. ત્યાંના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. જાજઉમાં બંને ભાઈઓની સેના વચ્ચે અથડામણ થઈ. આ જ જગ્યાએ વર્ષો પહેલાં ઔરંગઝેબ અને તેમના ભાઈ દારા શિકોહ વચ્ચે યુદ્ધ થયું હતું. આ લડાઈમાં શાહ આલમ જીતી ગયા અને બીજા દિવસે 20 જૂને તેમણે પોતાના પિતાની ગાદી સંભાળી."
ઔરંગઝેબ બાદ મુગલ સામ્રાજ્યનું પતન કેવી રીતે થયું?
હારી ગયેલા આઝમ શાહે, પોતાના ભાઈ શાહ આલમના હાથમાં આવે તે પહેલાં, એક કટારથી આત્મહત્યા કરી લીધી હતી.
ઔરંગઝેબના મૃત્યુનાં પાંચ વર્ષ પછી ઈ.સ. 1712માં શાહ આલમનું પણ મૃત્યુ થઈ ગયું.
ઈ.સ. 1712થી 1719નાં 7 વર્ષ દરમિયાન એક પછી એક ચાર મુગલ બાદશાહ ભારતની ગાદીએ બેઠા, જ્યારે છેલ્લાં 150 વર્ષમાં માત્ર ચાર મુગલ બાદશાહોએ ભારત પર રાજ કર્યું હતું.
ધીમે ધીમે મુગલ વંશનો જૂનો ઠાઠ જતો રહ્યો.
જદુનાથ સરકારે લખ્યું છે કે, "પોતાની તમામ ઉપલબ્ધિઓ છતાં ઔરંગઝેબ રાજકીયરૂપે નિષ્ફળ બાદશાહ હતા. તેમના પછી મુગલ સામ્રાજ્યના પતનનું કારણ માત્ર તેમનું અંગત વ્યક્તિત્વ નહોતું. એવું કહેવું પણ કદાચ યોગ્ય નથી કે માત્ર તેમના કારણે મુગલોનું પતન થયું. પરંતુ, એ પણ હકીકત છે કે, તેમણે (મુગલોએ) એ પતનને રોકવા માટે કશું જ ન કર્યું."
1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી મુગલ સામ્રાજ્ય પોતાના જૂના સમયનાં સપનાંમાં જ જીવતું રહ્યું અને લગભગ 150 વર્ષ સુધી કોઈક રીતે ચાલ્યા પછી 1857માં બહાદુરશાહ ઝફરની સાથે તેનો અંત આવ્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન