શિવાજી સામેના યુદ્ધ પહેલાં અફઝલ ખાને પોતાની 63 પત્નીની હત્યા કરી હતી?

    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, સંશોધક

કર્ણાટકના બીજાપુરમાં એક ચબૂતરા પર કબરોની સાત કતાર છે. પહેલી ચાર કતારમાં અગિયાર, પાંચમી કતારમાં પાંચ અને છઠ્ઠી તથા સાતમી કતારમાં સાત કબરો છે.

આમ કુલ 63 કબરો છે. તેમનાં આકાર અને ડિઝાઇનથી લાગે છે કે આ કબરો એવા લોકોની છે કે જેમનાં મૃત્યુ એક જ સમયે થયાં હશે.

કબરની ઉપરનો ચપટો ભાગ એવું દર્શાવે છે કે આ બધી કબરો મહિલાઓની છે.

કર્ણાટકના બીજાપુરનું નામ વર્ષ 2014માં બદલીને વિજયપુર કરી દેવામાં આવ્યું હતું.

શહેરના એક ખૂણામાં છુપાયેલા આ ‘પર્યટનસ્થળ’ને ‘સાઠ કબરો’ના નામે પણ ઓળખવામાં આવે છે.

આ શહેર 1668 સુધી આદિલશાહી શાસકોની રાજધાની ગણાતું હતું.

બીજાપુર સલ્તનતના સેનાપતિ અફઝલ ખાને બીજાપુર સામ્રાજ્યને દક્ષિણ તરફ ફેલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આ એ જ અફઝલ ખાન હતા જેમને મરાઠા સેનાપતિ શિવાજીએ વાઘ-નખથી મારી નાખ્યા હતા.

અફઝલ ખાનને જ્યોતિષીઓ પર આંધળો વિશ્વાસ હતો

વર્ષ 1659માં બીજાપુરના તત્કાલીન સુલતાન અલી આદિલશાહ દ્વિતીયે અફઝલ ખાનને શિવાજી સાથે યુદ્ધ કરવા માટે મોકલ્યા હતા.

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના હૅનરી કઝિન્સ અનુસાર, આ અભિયાન પર જતાં પહેલાં જ્યોતિષીઓએ અફઝલ ખાનને કહ્યું હતું કે તેઓ યુદ્ધમાંથી જીવતા પરત નહીં ફરે.

કઝિન્સે તેમના પુસ્તક ‘બીજાપુર: ધી ઑલ્ડ કૅપિટલ ઑફ આદિલશાહી કિંગ્સ’માં લખ્યું છે કે અફઝલ ખાનને ભવિષ્યવાણીઓ પર એટલો ભરોસો હતો કે તેઓ દરેક પગલું તેને ધ્યાનમાં રાખીને જ ભરતા હતા.

હૅનરી કઝિન્સ 1891થી 1910 દરમિયાન ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના વેસ્ટ ડિવિઝનમાં સુપરિન્ટેન્ડેન્ટ હતા.

વર્ષ 1905માં છપાયેલા આ પુસ્તકમાં નોંધવામાં આવ્યું છે કે અફઝલ ખાન તેમના મહેલ પાસે જ પોતાની કબર અને એક મસ્જિદનું નિર્માણ કરી રહ્યા હતા.

એ બે માળની ઇમારત 1653માં બંધાઈને તૈયાર થઈ હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે સૌથી ઉપરનો માળ કદાચ મહિલાઓ માટે રાખવામાં આવ્યો હશે.

આ તારીખ મસ્જિદના મેહરાબમાં અફઝલ ખાનના નામ સાથે નોંધાયેલી છે.

જ્યારે અફઝલ ખાનને શિવાજી સામે અભિયાન છેડવાનો આદેશ આપવામાં આવ્યો હતો ત્યારે આ મકબરાનું નિર્માણ અધૂરું હતું.

‘પત્નીઓને ડુબાડીને મારી નાખવાનો નિર્ણય’

અફઝલ ખાન જ્યોતિષીઓની ભવિષ્યવાણીથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે કબરોના પથ્થર પર પોતાના મૃત્યુની તારીખ તરીકે પોતાનું પ્રસ્થાન વર્ષ પણ અંકિત કરી દીધું હતું.

એ જ કારણ હતું કે બીજાપુર છોડતા સમયે અફઝલ ખાન અને તેમના સાથીઓ એ જ વિચારીને નીકળ્યા હતા કે તેઓ પાછા નહીં ફરે.

પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, “એ જ કારણ હતું કે તેમની પત્નીઓને તેમણે ડુબાડીને મારી નાખવાનો નિર્ણય કર્યો હતો.”

ઇતિહાસકાર લક્ષ્મી શરતે ‘ધી હિંદુ’માં લખ્યું હતું કે અફઝલ ખાને તેમની તમામ પત્નીઓને એક પછી એક કરીને કૂવામાં ધકેલી દીધી હતી, જેથી કરીને યુદ્ધમાં મર્યા બાદ તે કોઈ બીજાના હાથમાં ન આવી જાય.

તેઓ લખે છે, “તેમની એક પત્નીએ ભાગવાની કોશિશ કરી હતી પરંતુ એ પછી પકડાઈ ગઈ હતી અને તેને પણ મારી નાખવામાં આવી હતી.”

હેનરી કઝિન્સ પ્રમાણે, આ પરિસરમાં 63 મહિલાઓની કબરો સિવાય એક અન્ય કબર પણ છે જે ખાલી પડી છે.

તેઓ લખે છે કે કદાચ એક કે બે મહિલાઓ બચી ગઈ હતી અને ખાલી કબર એ જ ઇશારો કરે છે.

ઇતિહાસકાર જદુનાથ સરકાર અનુસાર, “અફઝલ ખાનના આ અભિયાન વિશે અનેક કિસ્સા એ પછીનાં વર્ષોમાં મશહૂર થયા હતા.”

યુદ્ધ પહેલાં જ હત્યા

જદુનાથ સરકાર લખે છે, “આ પણ તે જ કહાણીઓમાંથી એક છે. એવું કહેવાય છે કે અફઝલ ખાન શિવાજી સામેના અભિયાન પર નીકળ્યા તે પહેલાં એક જ્યોતિષીએ આગાહી કરી હતી કે તેઓ યુદ્ધમાંથી જીવતા પાછા નહીં આવે. તેથી તેમણે બીજાપુર નજીક અફઝલપુરા ખાતે તેમની 63 પત્નીની હત્યા કરી હતી, જેથી કરીને તે સુનિશ્ચિત કરી શકાય કે તેમના મૃત્યુ પછી તેમની પત્નીઓ અન્ય કોઈ પુરુષને મળી ન જાય."

સંશોધક મુહમ્મદ અનીસુર રહેમાન ખાનના જણાવ્યા અનુસાર, “કર્ણાટકના બીજાપુરમાં અલામિન મેડિકલ કૉલેજ પાસે એક જૂની ઇમારતની મધ્યમાં એક પ્લૅટફૉર્મ પર સાત હરોળમાં ઘણી એકસમાન કબરો છે. સ્થાનિક લોકો તેને 'સાઠ કબર' તરીકે ઓળખે છે.”

અનીસુર રહેમાન ખાનના સંશોધન મુજબ, "આ તમામ કબરો અફઝલ ખાનની પત્નીઓની છે, જેમની તેમણે શિવાજી સાથેના યુદ્ધ પહેલાં હત્યા કરી હતી જેથી અફઝલ ખાનના મૃત્યુ પછી, તેમની પત્નીઓ સાથે અન્ય કોઈ લગ્ન ન કરે."

અફઝલ ખાનની ઇચ્છા હતી કે તેમને પત્નીઓની બાજુમાં જ દફનાવવામાં આવે પરંતુ તેઓ યુદ્ધમાંથી પાછા જ ફરી ન શક્યા.

અનીસુર રહેમાન ખાન મુહમ્મદ શેખ ઇકબાલ ચિશ્તીને ટાંકીને લખે છે કે "લોકોમાં એ વાત પ્રચલિત છે કે અહીં 60 કબરો છે પણ આ સત્ય નથી, કારણ કે અહીં કુલ 64 કબરો છે. તેમાંથી એક ખાલી છે."

અનીસુર રહેમાન ખાન લખે છે, "આ કબ્રસ્તાન શાહી પરિવારની મહિલાઓ માટે આરક્ષિત હશે તેવું લાગે છે. તે સમયમાં યુદ્ધો સામાન્ય હતાં. તેમ છતાં એક સેનાપતિ અજ્ઞાનતાથી ભરેલું આટલું કાયરતાપૂર્ણ પગલું કેવી રીતે ભરી શકે?”

લક્ષ્મી શરત પણ આ કબરોની પાછળ રહેલી કહાણી પર વિશ્વાસ વ્યક્ત કરે છે.

કબ્રસ્તાનને જોયા પછી લક્ષ્મી શરતે લખ્યું હતું કે, “કાળા પથ્થરોની બનેલી આ કબરો સહી સલામત છે. તેમાંથી કેટલીક કબરોના પથ્થરો તૂટી ગયા છે. ત્યાં ગજબનો સન્નાટો છે, જે એ મહિલાઓની છેલ્લી ચીસોથી ગૂંજી રહ્યો છે જેમને મોતના મુખમાં ધકેલી દેવાઈ હતી. મને ત્યાં કંપારી છૂટી ગઈ હતી.”

તેઓ આગળ લખે છે, “સ્પષ્ટપણે અફઝલ ખાન ઇચ્છતા હતા કે તેમને તેમની પત્નીઓની બાજુમાં જ દફનાવવામાં આવે પરંતુ તેઓ યુદ્ધના મેદાનમાંથી ક્યારેય પાછા જ ન ફર્યા.”

કઝિન્સ અનુસાર, “અફઝલ ખાનના મહેલના ખંડેરોની ઉત્તર દિશામાં આવેલી તેમની કબર ખાલી જ રહી ગઈ હતી.”

કઝિન્સ લખે છે, “અફઝલ ખાનને પ્રતાપગઢમાં અંદાજે એ જ જગ્યાની નજીક દફનાવવામાં આવ્યા છે જ્યાં શિવાજીએ તેમને મારી નાખ્યા હતા. તેમના મૃતદેહને બીજાપુરમાં બનેલા મકબરા સુધી લઈ જવામાં આવ્યો ન હતો.”

શિવાજીના હાથે અફઝલ ખાનનું મૃત્યુ ભારતીય ઇતિહાસનો એક રસપ્રદ અધ્યાય છે. શિવાજીએ અફઝલ ખાનને વાઘનખથી પ્રહાર કરીને મારી નાખ્યા હતા. એ ઘટના વિશે વિસ્તારથી અહીં વાંચો.