નિએન્ડરથલનાં રહસ્યો: 75,000 વર્ષ પહેલાંની મહિલાના ચહેરાનું રહસ્ય ઉજાગર

    • લેેખક, જોનાથન ઍમૉસ, રેબેકા મોરેલ અને એલિસન ફ્રાન્સિસ
    • પદ, બીબીસી વિજ્ઞાન સંવાદદાતા

75,000 વર્ષ પહેલાં આપણા સૌથી નજીક માનવીય સંબંધીઓને મળવાનો મોકો મળે તો કેવું લાગશે?

વૈજ્ઞાનિકોએ નિએન્ડરથલ મહિલાઓ જો જીવતી હોત તો કેવી દેખાય તેનું પુન:નિર્માણ કર્યું છે અને થ્રીડી મૉડલ તૈયાર કર્યું છે.

તેનો આધાર એક ખોપડીના તૂટેલા અને ચપટા અવશેષો છે, જેના હાડકાં એટલાં નરમ હતાં કે જાણે ચામાં ડુબાડેલાં બિસ્કિટ હોય.

શોધકર્તાઓને આ ટુકડાઓને ફરીથી જોડતા પહેલાં તેમને મજબૂત કરવા પડ્યાં હતાં.

ત્યારબાદ નિષ્ણાત પેલેઓઆર્ટિસ્ટોએ 3ડી મૉડલ બનાવ્યું.

બીબીસી સ્ટુડિયોની નેટફ્લિક્સ પર રજૂ થનારી એક ડૉક્યૂમેન્ટરી "સીક્રેટ્સ ઑફ ધી નિએન્ડરથલ્સ"માં તેનો ઉલ્લેખ છે. આ ડૉક્યૂમેન્ટરીમાં શોધકર્તાઓ તપાસે છે કે આપણા લાંબા સમયથી ખોવાયેલા ઉત્ક્રાંતિવાદી પિતરાઈ ભાઈઓ વિશે આપણે શું જાણીએ છીએ, જે લગભગ 40,000 વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયા હતા.

શોધકર્તાઓ દ્વારા તૈયાર કરેલ 3ડી શિલ્પથી એ સમયના લોકોને ચહેરો આપે છે.

યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજનાં પેલેઓઍન્થ્રોપોલૉજિસ્ટ ડૉ. એમા પોમેરૉયે કહ્યું, "આપણે આ શિલ્પની મદદ થકી જાણી શકીશું કે તેઓ કોણ હતા."

તેમણે બીબીસી ન્યૂઝને જણાવ્યું, "કોઈપણ વ્યક્તિના અવશેષો સાથે કામ કરવાની તક એકદમ રોમાંચક છે, ખાસ કરીને આ 3ડી શિલ્પ સાથે."

આ 3ડી મૉડલ જે ખોપડી પર આધારિત છે તે ખોપડી ઇરાકના કુર્દિસ્તાનની ગુફામાંથી મળી આવી હતી. આ એક પ્રતિષ્ઠિત જગ્યા છે જ્યાં 1950ના દાયકામાં ઓછામાં ઓછા 10 નિએન્ડરથલ પુરુષો, મહિલાઓ અને બાળકોના અવશેષો મળ્યા હતા.

કુર્દિશ તંત્રએ જ્યારે બ્રિટિશ ગ્રૂપને 2015માં આમંત્રિત કર્યા ત્યારે તેમને 2015માં મળી આવેલા એક હાડપિંજર પર સંશોધન કરવાનો મોકો મળ્યો. આ હાડપિંજરને શેનિડર ઝેડ કહેવામાં આવ્યું, જેમાં કરોડરજ્જુ, ખભા, હાથ અને વ્યક્તિના શરીરનો ઉપરનો ભાગ સામેલ હતો.

શેનિડર ઝેડની ખોપડી પિત્ઝા જેવી સપાટ હતી

અવશેષોમાં ખોપડી મોટે ભાગે હાજર હતી. જોકે, કોઈ ચટાન ગુફા પરથી પડી હશે તેને કારણે તે બે સેન્ટિ મીટર (0.7 ઇંચ) મોટી પરત હેઠળ કચડાઈ ગઈ હતી.

શેનિડરમાં નવા અવશેષ શોધવા માટે ચાલી રહેલા ખોદકામનું નેતૃત્વ કરી રહેલા કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર ગ્રીમ બાર્કરે કહ્યું કે ખોપડી મૂળરૂપે પિત્ઝા જેવી સપાટ હતી.

"આ ખોપડીના અવશેષો મળવાથી અહીંયા સુધીની પ્રગતિ એક અદ્ભુત યાત્રા છે. પુરાતત્ત્વવિદ્ તરીકે, તમે જે કરી રહ્યા છો તે વિશે તમની ક્યારેક ટીકા થઈ શકે છે. પરંતુ સમયાંતરે તમે અનુભવો છો કે તમે ભૂતકાળને સ્પર્શી રહ્યા છો. આપણે ભૂલીએ છીએ કે આ કેટલી અસાધારણ વાત છે."

સ્થાનિક પુરાવશેષ વિભાગની મંજૂરી પછી ખોપડીના ટુકડના બ્લૉકમાં બ્રિટન લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સ્થિર કરીને ફરીથી જોડવાની ખૂબ જ જટિલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ જટિલ પ્રક્રિયાને પૂરી કરવા માટે એક વર્ષથી વધારે સમય લાગ્યો હતો.

ત્યારબાદ બનેલી ખોપડીને સ્કૅન કરવામાં આવી અને ડચ કલાકારો ઍડ્રી અને અલ્ફોંસ કેનિસને એક 3ડી પ્રિન્ટ આપવામા આવી હતી. બંને ડચ કલાકારો હાડકાં અને અવશેષોમાંથી પ્રાચીન લોકોના શરીરની રચનાની વિશ્વાસુ રજૂઆતો બનાવવાની તેમની કુશળતા માટે પ્રખ્યાત છે.

આ ચિંતનશીલ અભિવ્યક્તિ ધરાવતા શિલ્પ જેટલું રસપ્રદ છે, પરંતુ તે અસલ હાડપિંજર છે જે વાસ્તવિક મૂલ્ય ધરાવે છે.

ટીમને ખાતરી છે કે આ શિલ્પ મહિલાનું છે.

પેઢુનાં હાડકાઓ આ વાતની ખાતરી કરી શક્યાં હોત, પરંતુ તે શરીરના ઉપરના ભાગના અવશેષોની સાથે ન મળી શક્યા.

શોધકર્તાએ તેના બદલે દાંતના ઇનેમલમાં મળી આવતા કેટલાક ખાસ પ્રોટીન પર ભરોસો કર્યો જે મહિલા આનુવંશિકી સાથે જોડાયેલ છે. હાડપિંજરનું હળવું કદ પણ આ વાતનું સમર્થન કરે છે.

તેઓ કેટલું જીવ્યા? તેમનું મૃત્યુ કદાચ 40થી 50 વર્ષ વચ્ચે થયું હતું. આ સંકેત તેમના દાંતની સ્થિતિ પરથી મળી આવે છે, જે જડમાંથી ઘસાઈ ગયા છે.

ડૉ. પોમેરૉયે જણાવ્યું, "જ્યારે દાંત ખરાબ થઈ જાય છે ત્યારે લોકો એટલી સરળતાથી ખોરાક ચાવી શકતા નથી. આ કારણે તેઓ વ્યવસ્થિત રીતે ભોજન કરી શકતા નહોતા."

"ખરાબ દાંત સ્વાસ્થ્યને લગતા અન્ય સંકેતો પણ આપે છે. જેમ કે, કેટલાક પ્રકારના સંક્રમણો અને પેઢાંની બીમારી. મને લાગે છે કે તેઓ જીવનનાં સ્વાભાવિક અંત તરફ આગળ વધી રહ્યાં હતાં."

નિએન્ડરથલને ક્રૂર અને અસંસ્કારી માનવામાં આવતા હતા

વૈજ્ઞાનિકો લાંબા સમય સુધી માનવ પ્રજાતિની તુલનામાં નિએન્ડરથલને ક્રૂર અને અસંસ્કારી માનતા હતા.

જોકે, શનિદરમાં થયેલી શોધ પછી આ દૃષ્ટીકોણમાં બદલાવ આવ્યો છે.

આ ગુફા લોકોને દફનાવવાની એક પ્રકારની પ્રથાને દર્શાવવા માટે પ્રખ્યાત છે. એક વિશાળ પથ્થરની બાજુમાં મૃતદેહોને સાવધાનીપૂર્વક ગોઠવવામાં આવતા હતા. મૃતદેહોને જે રીતે રાખવામાં આવ્યા હતા તેમા એક સમાનતા હતી.

એક હાડપિંજર પર મળી આવેલા પરાગને કારણે કેટલાક એવી દલીલ કરે છે કે આ નિએન્ડરથલ્સને ફૂલો સાથે દફનાવવામાં આવ્યા હોઈ શકે છે, જે કદાચ આધ્યાત્મિક જાગૃતિ અને ધર્મની હાજરીનો પણ સંકેત આપે છે.

જોકે, બ્રિટિશ ટીમ માને છે કે પરાગ પાછળથી મધમાખીઓ દ્વારા અથવા કદાચ ફૂલોની શાખાઓમાંથી છોડવામાં આવી હતી જે શરીરની ટોચ પર મૂકવામાં આવી હતી.

લિવરપૂલ જ્હોન મૂર્સ યુનિવર્સિટીના પ્રોફેસર ક્રિસ હંટે જણાવ્યું હતું કે, "ડાળીઓ પરનાં ફૂલોને કારણે નહીં પરંતુ શાખાઓ પોતે જ શરીર પર આવતા અટકાવી શકી હોત."

"હું 'દફન' શબ્દનો ઉપયોગ કરવામાં સંકોચ અનુભવીશ; મને લાગે છે કે હું પાદરી અને ચર્ચના વિચારથી દૂર જવા માટે 'પ્લેસમેન્ટ' શબ્દનો ઉપયોગ કરીશ. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે તેઓએ આની પરંપરા જાળવી રાખી છે જ્યાં તમે દાદીમાને મૂકો."