વડનગરમાં 2800 વર્ષ જૂની વસાહતો મળી આવી, આટલાં વર્ષો સુધી આ શહેર કઈ રીતે ટકી શક્યું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અર્વાચીન ઓળખ તરીકે વડા પ્રધાન મોદીના વતન એવા વડનગરમાંથી 2800 વર્ષ જૂની વસાહતોના અવશેષો મળી આવ્યા હોવાનો દાવો કરાયો છે.

તાજેતરના ખોદકામમાં સદીઓથી પ્રસ્થાપિત અતૂટ સાંસ્કૃતિક સાતત્યના પુરાવા મળ્યા છે. મળી આવેલા પુરાવાઓ હડપ્પન સંસ્કૃતિના પતન પછી ‘અંધકાર યુગ’ ની લાંબા સમયથી ચાલતી આવેલી માન્યતાને પડકારે છે. આ મળી આવેલા પુરાવાઓ વડનગરના ઇતિહાસનું વધુ સૂક્ષ્મ ચિત્ર સૂચવે છે.

આઇઆઇટી ખડગપુરના વિશેષજ્ઞો, ભારતીય પુરાત્ત્વ વિભાગ, અમદાવાદસ્થિત ફિઝિકલ રીસર્ચ લેબોરેટરી, જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય અને ડેક્કન કૉલેજની ટીમો મળીને અહીં પુરાતત્વીય ખનન અને સંશોધન કરી રહી હતી. તેમના સંશોધનમાં એ વાત સામે આવી છે કે વડનગરમાં માનવવસાહતો અંદાજે 2800 વર્ષ પહેલાં અસ્તિત્ત્વ ધરાવતી હતી.

સંશોધનમાં શું સામે આવ્યું?

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી (આઇઆઇટી), ખડગપુર દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદન પ્રમાણે વડનગરમાં પુરાતત્વીય ખનન પરના વ્યાપક અભ્યાસ બાદ મળેલાં પરિણામોએ વડનગરની જટિલતા અને તેની સમય સાથેની ગતિશીલતા પર પ્રકાશ પાડ્યો છે.

‘ક્લાઇમેટ, હ્યુમન સેટલમેન્ટ ઍન્ડ માઇગ્રેશન ઇન સાઉથ એશિયા ફ્રૉમ અર્લી હિસ્ટોરિક ટુ મેડીઇવલ પીરિયડ: ઍવિડન્સ ફ્રૉમ ન્યૂ આર્કિયોલૉજિકલ ઍક્સકેવેશન એટ વડનગર, વેસ્ટર્ન ઈન્ડિયા’ નામે પ્રકાશિત રિસર્ચ પેપરમાં વડનગરના આ પ્રાચીન અવશેષો વિશે વિસ્તૃત તારણો રજૂ કરવામાં આવ્યાં છે.

આ ખનનનું નેતૃત્વ એએસઆઈની ટીમો કરી રહી હતી જ્યારે સંશોધનનું ફન્ડિંગ ગુજરાત સરકારના ડિરેક્ટોરેટ ઑફ આર્કિયોલોજી ઍન્ડ મ્યુઝિયમ દ્વારા કરવામાં આવ્યું છે.

આ અભ્યાસ 3000 વર્ષના સમયગાળામાં વડનગરમાં વિવિધ રાજાઓનાં ઉદય અને પતન વિશે માહિતી આપે છે અને સાથે જ મધ્ય એશિયાના આક્રમણખોરો દ્વારા અહીં થયેલા વારંવાર આક્રમણનો પણ પુરાવો આપે છે. આ સંશોધન પ્રમાણે આ ઐતિહાસિક ઘટનાઓ પાછળનું પ્રેરક બળ- એટલે કે વડનગર આટલા સમય સુધી ગતિશીલ કેમ રહ્યું તે પાછળનાં કારણો, આબોહવામાં નોંધપાત્ર ફેરફારો, જેમ કે વરસાદમાં વધઘટ અથવા દુષ્કાળ જેવી ઘટનાઓ છે.

વધુમાં આ અભ્યાસ વડનગરના સાત સાંસ્કૃતિક કાળખંડો જેવા કે વૈદિક-બૌદ્ધ કાળ, મૌર્યયુગ, ઇન્ડો-ગ્રીક, શક-ક્ષત્રપ કાળ, હિન્દુ સોલંકી યુગ, મોગલ સલ્તનત-ઇસ્લામિક યુગ અને ગાયકવાડ-બ્રિટિશ શાસનથી અત્યાર સુધીના કાલખંડોની સતત માનવીય વસાહતો વિશે વાત કરે છે.

સંશોધનો એવા સ્પષ્ટ સંકેતો આપે છે કે વડનગરની આટલા વર્ષો સુધીની ગતિશીલતામાં આબોહવાનો મોટો ફાળો રહેલો છે.

વડનગર કેટલું પ્રાચીન હોઈ શકે?

આઇઆઇટી ખડગપુરના ભૂસ્તરશાસ્ત્ર અને ભૂ-ભૌતિકવિજ્ઞાનનાં પ્રોફેસર ડૉ. આનિંદ્યા સરકારે વડનગરમાંથી મળી આવેલા અવશેષો અંગે સમાચાર ઍજન્સી એએનઆઇને માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, “ અમે આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા(એએસઆઈ) સાથે મળીને છેલ્લાં ચાર-પાંચ વર્ષથી અહીં કામ કરી રહ્યાં હતાં. પ્રાચીન સમયમાં અહીં કેટલા પ્રકારની અને કેવી વસાહતો રહી હશે એ શોધવાનો એએસઆઈ પ્રયત્ન કરી રહી હતી કે આ સિવાય પીઆરએલ- અમદાવાદ, જેએનયુ, ડેક્કન કૉલેજ જેવી સંસ્થાઓ પણ વડનગરમાં ઘણા સમયથી સંશોધન કરી રહી હતી.”

તેઓ ઉમેરે છે, “અહીં ખૂબ પ્રાચીન એવો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. વર્ષ 2016થી એએસઆઈએ અહીં ઊંડું ખનન કરવાનું નક્કી કર્યું અને લગભગ 20 મીટર જેટલું ઊંડું ખોદકામ કર્યું હતું. જેમાં સાત કાળખંડોની હાજરી પુરાવતા સાત સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. અનુમાન પ્રમાણે સૌથી જૂના અવશેષો 2800 વર્ષ જૂના એટલે કે ઇ.સ.પૂર્વે 800ના છે. અમારાં પ્રાથમિક અનુમાનો એવાં તારણો પણ આપે છે કે વડનગર અંદાજે 3500 વર્ષ પુરાણું શહેર હોઈ શકે છે.”

આર્કિયોલૉજિકલ સુપરવાઇઝર મુકેશ ઠાકોર એએનઆઈ સાથે વાત કરતા જણાવે છે કે, “વડા પ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારનું એટલે કે 2005થી વડનગરમાં પુરાતત્વીય ખનન અને સંશોધન ચાલે છે. એક લાખથી વધુ અવનવા અવશેષો અત્યાર સુધીમાં મળી આવ્યા છે.”

તેઓ કહે છે કે, “આ શહેર આટલો લાંબો સમય જીવંત રહ્યું હોવાનું કારણ એ છે કે તેની વૉટર મૅનેજમૅન્ટ સિસ્ટમ અને જમીનમાં પાણીનું સ્તર ખૂબ સારું છે. સમયાંતરે અહીં એટલે જ ખેતીવાડી વગેરે વ્યવસાયો વિકસતા રહ્યા છે. અત્યાર સુધીમાં વડનગરમાં 30 જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે. અવશેષો એ વાતની સાબિતી આપે છે કે બૌદ્ધ, જૈન અને હિન્દુ તમામ ધર્મોના લોકો અહીં હળીમળીને રહેતા હતા.”

વડનગરમાં ક્યારે ખોદકામ શરૂ થયું? અત્યાર સુધી શું-શું મળ્યું?

ભારત-પાકિસ્તાનના વિભાજન પછી હડપ્પા, મોંહે-જો-દડો, તક્ષશિલા અને પુષકલાવતી જેવા પુરાતત્વીય વારસા પાકિસ્તાનમાં જતા રહ્યા હતા. વર્ષ 1953 આસપાસ ડૉ. બી. સુબ્બારાવના નેતૃત્ત્વમાં વડનગરમાં ઉત્ખનન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક ખોદકામમાં ખાસ્સા અવશેષ મળ્યા, જે અહીં બૌદ્ધધર્મના અનુયાયીઓની વસતિ હોવાના અણસાર આપતા હતા.

જોકે, ગીચ વસતિ હોવાને કારણે ત્યારે ખોદકામ શક્ય ન બન્યું. વર્ષ 1992માં વડનગરના માલવડી તળાવ પાસે ખેતર ખેડતી વેળાએ બૌદ્ધિસત્વની મૂર્તી મળી, જેના કારણે પેટાળમાં ઇતિહાસ છુપાયો હોવાની આશા જાગી, પરંતુ તેમાં સફળતા ન મળી.

પહેલી મે-1949માં તત્કાલીન વડોદરા રાજનું મુંબઈમાં વિલીનીકરણ થયું એટલે મહેસાણા જિલ્લો અને વડનગર તત્કાલીન બૉમ્બે રાજ્યને અધીન થયાં. 1 મે-1960ના રોજ ભાષાના આધારે મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યમાં બૉમ્બે રાજ્યનું વિભાજન થયું ત્યારે ગુજરાતી ભાષા બોલાતી હોવાને કારણે વડનગરનો ગુજરાતમાં સમાવેશ કરવામાં આવ્યો.

એ પછી વર્ષ 2006થી 2012 દરમિયાન રાજ્ય સરકારના આર્કિયૉલૉજિકલ સર્વે વિભાગ દ્વારા વડનગરમાં ખોદકામ કરવામાં આવ્યું. વર્ષ 2003થી વડનગરમાં 'તાના-રીરી' સંગીતમહોત્સવ યોજાય છે. આ સિવાય અહીં નિયમિત રીતે પુરાતત્વીય ઉત્ખનન અને સંશોધન માટેના પરિસંવાદો પણ યોજવામાં આવે છે.

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા, એ પછી વર્ષ 2014થી 2021 દરમિયાન એએસઆઈ દ્વારા વડનગર ખાતે ફરી નગરની અંદર અને બહાર ખોદકામ કર્યું. આ અંગે એએસઆઈના પુરાતત્ત્વવિદ અભિજિત આંબેકરે જણાવે છે :

"ઉત્ખનનના સ્થળ ઉપર 20 મીટરની ઊંડાઈએ પહોંચ્યા ત્યારે ત્યાં પાણી દેખાવા લાગ્યું હતું. મોટર વડે પાણી બહાર કાઢીને ત્યાં ખોદકામ આગળ વધી શકાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યા. પરંતુ સેક્શન ધસી પડવાને કારણે કામ આગળ ન વધી શકે તેમ ન હતું.

વિજ્ઞાનીઓને જ્યારે 'વર્જિન સૉઇલ' મળે એટલે તે સૌ પહેલી માનવવસતિ હશે એમ માનવામાં આવે છે અને તે સંશોધનપાત્ર ચીજવસ્તુઓ મળવા માટેનું છેલ્લું સ્તર હોય છે. આ માટે વિજ્ઞાનીઓએ કૉર-સૅમ્પલ બૉરિંગ કરવાનો નિર્ણય કર્યો."

આંબેકર ઉમેરે છે, "વડનગરના સૌથી ઊંચાણવાળા વિસ્તાર મનાતા દરબારગઢ પાસે જ્યારે સૉઇલ ટેસ્ટિંગ માટે ડ્રિલિંગ કરવામાં આવ્યું અને અલગ-અલગ સ્તરનાં સૅમ્પલ લેવામાં આવ્યાં. ત્યારે પાણીથી નીચે 24 મીટરની ઊંડાઈએ વાસણ અને ઇંટના નમૂના મળ્યા. એ પછી 25 મીટરની ઊંડાઈએથી મનુષ્યનિર્મિત કોઈ અવશેષ ન મળ્યા અને વર્જિન સૉઇલ મળી. જેમાં વડનગરનો ઇતિહાસ લગભગ બે હજાર 750 વર્ષ પહેલાંનો હતો."

હાલનું વડનગર અંગ્રેજી મૂળાક્ષર 'L' આકારમાં વસેલું છે. તેની બાંધણી અને હવેલીઓમાં મધ્યકાલીન અસર સ્પષ્ટ જોવા મળે છે. તેના પૂર્વોત્તરે શર્મિષ્ઠા તળાવ આવેલું છે. પ્રમાણમાં ઊંચાઈએ વસેલા નગરના પેટાળમાં પ્રાચીન નગરના સ્તરીય અવશેષો પ્રચૂર માત્રામાં હશે એવું માનવામાં આવે છે.

અર્જુનબારી, નડિયોલ, અમતોલ, ઘાસકોલ, પથોરી અને અમરથોલ એમ નગરના છ દરવાજા હતા. જેમાંથી ચાર એએસઆઈ દ્વારા સંરક્ષિત છે. એએસઆઈ દ્વારા ઉત્ખનનસ્થળોને જનતા માટે ખુલ્લા મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે.