You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વનાં સૌથી મોટાં અંડરગ્રાઉન્ડ મંદિરો ક્યાં આવેલાં છે અને તેની વિશેષતા શી છે?
ઉત્તર ઈટાલીમાં ટ્યુરિનથી 50 કિલોમીટરના અંતરે ઉત્તરમાં આવેલા ડામાન્હુર ફેડરેશનમાં વિશ્વનાં સૌથી મોટાં અંડરગ્રાઉન્ડ મંદિર આવેલાં છે.
એલ્પ્સ પવર્તમાળાની તળેટીમાં આવેલાં આ મંદિર ‘તેની અદભુત સ્થાપત્ય કળા અને આધ્યાત્મક કનેક્શન’ સમાન મનાય છે.
મંદિરના પ્રવેશ માટેનો માર્ગ પહાડ કોતરીને કંડારાયો છે.
ડામાન્હુરના ઍમ્બૅસૅડર બેરીસ એલ્લેબોરો મંદિર અને પોતાની કૉમ્યુનિટી અંગે વિગતો આપે છે.
તેઓ કહે છે કે આ મંદિરો ડામાન્હુરની આધ્યાત્મિકતાના મુખ્ય સ્થળનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી એ સંશોધન અને ધ્યાન માટેનાં સ્થળો છે. તેનું નિર્માણ માનવતાની પ્રાર્થના માટેય કરાયું છે.
પર્વતની કોતરીને મંદિરો બનાવાયાં છે. આ મંદિરનું સૌથી નીચું બિંદુ એ સૌથી ઊંચા બિંદુ કરતાં 70 મીટર નીચે છે.
તે ‘માનવતાનાં મંદિર’ તરીકેય ઓળખાય છે.
ડામાન્હુર ફેડરેશન વર્ષ 1979માં રોબર્ટો અરોબ્દી દ્વારા વસાવાયું, જેમણે પોતાનું નામ પાછળથી બદલીને ફાલ્કો તારાસાકો કરી નાખેલું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ ડામાન્હુર ફેડરેશનમાં 600 નાગરિકો છે, તેમજ તેની કૉમ્યુનિટી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે, આમ, ડામાન્હુરિયનોએ જીવવાની નવી આધ્યાત્મિક રીત વિકસિત કરી છે.
સ્થાપત્ય, ચિત્રકામ અને આધ્યાત્મનું મિલન સમાં માનવતાનાં મંદિર
સુંદર કોતરણીકામ, ચિત્રકામથી શણગારેયાલા મરોડદાર સાંકડા રસ્તાથી થઈ આ મંદિરની મુલાકાતે આવેલ વ્યક્તિ માનવ ઇતિહાસ, સંસ્કૃતિ, કળા અને અનુભવોના પડઘા પાડતા ઓરડાઓમાં પ્રવેશે છે.
જ્યાંની કોતરણી, દીવાલ પરની કલા-કારીગરી, બારીક-નિષ્ણાત ચિત્રકામ મુલાકાતીના મનમાં સ્થાપત્યના બેનમૂન વારસો જોયાની લાગણી જન્માવે છે.
માનવની લાગણી, મનના ભાવ અને અનુભવની કલાકૃતિઓ ‘માનવતાના મંદિર’ને વધુ સમૃદ્ધ બનાવે છે.
સુંદરતાના અવલોકનની સાથોસાથ આ મંદિરો આધ્યાત્મનો અહેસાસ કરાવતાં હોવાનું મનાય છે.
શરૂઆતમાં ગુપ્તપણે નિર્માણ કરાયા બાદ આખરે આ મંદિરોનું રહસ્ય વર્ષ 1992માં વિશ્વ સામે ખૂલી ગયેલું. વર્ષ 2001માં તેનું નામ વિશ્વના સૌથી મોટું અંડરગ્રાઉન્ડ મંદિર તરીકે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં નોંધાયું.
બેરીસ કહે છે કે તેઓ ડામાન્હુરમાં જ જન્મ્યા છે અને અહીંની બીજી પેઢી છે.
તેઓ કહે છે કે, “આ ક્ષેત્ર એ ડામાન્હુર કૉમ્યુનિટીનું જન્મસ્થળ છે. અહીં જ આ સમાજના પ્રથમ 20 લોકો વસ્યા હતા. જે હવે પાંચ ઇન્ટરનૅશનલ કૉમ્યુનિટીનું કેન્દ્ર બની ગયું છે.”
તેમનું કહેવું છે કે આ કૉમ્યુનિટીમાં કુલ 1,500 લોકો છે. છતાં આ વિસ્તાર ડામાન્હુરનું ઐતિહાસિક કેન્દ્ર છે.
જે એક પ્રકારે ‘ઇન્ટરનૅશનલ ફેડરેશનનું પાટનગર’ છે.
‘માનવતાનાં મંદિર એક મૅજિકલ મિશન’
સ્ટીફાનિયા પાલ્મીસાનો એ યુનિવર્સિટી ઑફ ટ્યુરિનમાં ધર્મના સમાજશાસ્ત્રનાં પ્રાધ્યાપિકા છે. તેઓ વર્ષોથી ડામાન્હુર કૉમ્યુનિટીનો અભ્યાસ કરી રહ્યાં છે.
તેઓ કહે છે કે, “મને લાગે છે કે ડામાન્હુર એ વિશ્વમાં અજુગતું છે. મારી સામે એવા 600 લોકો હતા જેમણે પોતાની અનુકૂળતા ત્યાગી એક કપરું મિશન હાથમાં લીધું.”
તેઓ કહે છે કે ફાલ્કો પણ આવા જોડાણને પ્રોત્સાહિત કરતા, જેથી તેઓ પોતાના ‘મૅજિકલ મિશન’ને અનુસરી શકે. તેમણે મંદિરો બાંધવાં હતાં.
ફાલ્કોને તેમના મોટા ભાગના અનુયાયી ‘એક અદભુત સર્જન’ ગણે છે. તેઓ માને છે કે ફાલ્કો ટાઇમ ટ્રાવેલ કરીને સમયમાં પાછળ આવ્યા હતા, જેથી તેમનું ‘મૅજિકલ મિશન’ પૂરું કરી શકાય. એ મિશન હતું પૃથ્વી અને તેના રહેવાસીઓનો બચાવ.
ડામાન્હુરનાં એક રહેવાસી એન્ટિલોપ વર્બેના પોતાના અનુભવો વિશે કહે છે કે, “હું 1 એપ્રિલ, 1985માં ડામાન્હુર આવીને વસી. અહીં મારો પ્રથમ દિવસ ખૂબ જ રસપ્રદ રહ્યો, કારણ કે આ એક એવી જગ્યા હતી, જ્યાં તમારે આવવું હોય તો તમારી બધી વસ્તુઓ પાછળ છોડી દેવી પડતી.”
“જે બાદ હકીકતમાં જીવવાની શરૂઆત કરવાની રહેતી, આ જીવન કિબુત્ઝને મળતું આવતું હતું.”
ફાલ્કોની આગેવાની હેઠળ ડેમન્હુરના પ્રથમ નિવાસીઓએ ‘માનવતાનું મંદિર’ બનાવવા માટે ગુપ્ત રીતે ખોદકામની શરૂઆત કરી. જે હાલ સપાટીથી 100 ફૂટ ઊંડે છે.
આ મંદિરો ડામાન્હુરમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે.
એન્ટિલોપ કહે છે કે, “એ વર્ષો દરમિયાન અમે બધાએ મંદિર બાંધવામાં યોગદાન આપ્યું. એ અમારું જીવન હતું.”
‘માનવીય આધ્યાત્મની એન્સાઇક્લોપીડિયા’
બેરીસ કહે છે કે કૉમ્યુનિટીનો વિકાસ થતાં મંદિરો માટે ખોદકામ પણ થતું ગયું. પરંતુ આ નિર્માણકાર્ય પ્રથમ 15 વર્ષ દરમિયાન ગુપ્તપણે ચલાવાયું, કારણ કે ઈટાલીમાં ખાનગી અંડરગ્રાઉન્ડ બાંધકામની પરવાનગી આપતો કોઈ કાયદો નથી.
“એ વિચારવુંય શક્ય નહોતું કે એક અનામી લાકડાના દરવાજા પાછળ એક અદભુત, ક્યારેય ન વિચારાયું હોય એવું વિશ્વ હશે.”
મંદિરનાં કેટલાંક વિશિષ્ટ આકર્ષણોમાં હૉલ ઑફ વિક્ટરી છે. જે જીવનના વિજય અને જટિલતાને સમર્પિત છે.
બેરીસ જણાવે છે કે મંદિરમાં તમામ વસ્તુઓનો એક અથવા વધુ અર્થ છે.
ત્યાંની દીવાલો પર ચિત્રોમાં દેખાતા લોકો અસલી વ્યક્તિ છે, કારણ કે તેનું નિર્માણ માનવતાના પ્રતિનિધિત્વ માટે થયું છે.
બેરીસ પ્રમાણે આ મંદિરોને ‘માનવતાનાં મંદિર’ એટલા માટેય કહે છે, કારણ કે તે માનવ અનુભવનાં તત્ત્વોની શ્રેણી સાથે જોડાયેલાં છે.
“આ મંદિરમાંનો દરેક ઓરડો આપણા જીવનના અલગ-અલગ પ્રકરણ વિશે વાત કરે છે. જેમ કે, આપણી પોતાની સાથે જ વાત કરવાની રીત, વાતાવરણ સાથે સંપર્ક સ્થાપિત કરવાની રીત, સમય અને જીવન-મરણ વગેરે.”
તેઓ કહે છે કે, “તેથી અહીંનાં બધાં તત્ત્વો અમારા મતે માનવીય આધ્યાત્મની એન્સાઇક્લોપીડિયા છે.”
“આ મંદિરોનું નિર્માણ એવી રીતે થયું છે કે જેથી તે તેનો અનુભવ લઈ રહેલા માણસ સાથે વાત કરે. અમે માનીએ છીએ કે જે ક્ષણે વ્યક્તિ રોકાઈ જાય છે અને પોતાની તરફ નજર નાખે છે, ત્યારે આધ્યાત્મિક પ્રશ્નોની આખી શ્રેણી અને જરૂરિયાતોનો અહેસાસ તેને થવા લાગે છે.”