કચ્છમાં મળેલી સામૂહિક કબરોનું રહસ્ય શું છે? એકસામટા કોને દફનાવ્યા હશે?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

વિજ્ઞાનીઓએ ભારતમાં એક વિશાળ દફન સ્થળ શોધી કાઢ્યું છે, જે વિશ્વની સૌથી પ્રાચીન શહેરી સંસ્કૃતિ પૈકીનું એક છે. આ કબરો પ્રારંભિક ભારતીયો કેવી રીતે જીવ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા તેના સંકેત આપે છે.

ભારતની પશ્ચિમે ગુજરાત રાજ્યમાં પાકિસ્તાનની સરહદથી થોડે દૂર આવેલા કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના બહુ ઓછી વસ્તીવાળા એક ગામમાં વિજ્ઞાનીઓએ 2019માં રેતાળ માટીના ઢગલા ખોદવાનું શરૂ કર્યું ત્યારે તેમને કલ્પના ન હતી કે એમાં તેમના માટે આશ્ચર્ય છુપાયેલું છે.

આ અભિયાનના વડા અને કેરળ યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદ્ રાજેશ એસવી કહે છે, “અમે ખોદવાનું શરૂ કર્યું ત્યારે એવું લાગ્યું હતું કે આ પ્રાચીન વસાહત છે, પરંતુ એ સપ્તાહમાં અમને સમજાયું હતું કે તે એક કબ્રસ્તાન છે.”

150થી વધુ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓએ 40 એકરમાં પથરાયેલા સાઈટ પર અત્યાર સુધીમાં ત્રણ વખત ઉત્ખનન કાર્ય કર્યું છે.

સંશોધકોનો અંદાજ છે કે ત્યાં સિંધુ સમાજની ઓછીમાં ઓછી 500 કબરો હોવી જોઇએ. સિંધુ સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન શહેરી સંસ્કૃતિઓ પૈકીની એક છે. 500 પૈકીની 200 કબર અત્યાર સુધીમાં શોધી કાઢવામાં આવી છે.

તેને હડપ્પા સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું નામ તેના પહેલા શહેર પરથી રાખવામાં આવ્યું હતું. આ સમાજના પરિશ્રમી ખેડૂતો અને વેપારીઓ પાકી ઈંટના ચાર દીવાલવાળાં મકાનોમાં રહેતા હતા.

લગભગ 5,300 વર્ષ પહેલાં મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ ભારત અને પાકિસ્તાનમાં તેમનો ઉદય થયો હતો. સંસ્કૃતિના પ્રારંભિક શોધ પછીની એક સદીમાં શોધકર્તાઓએ ભારત તથા પાકિસ્તાનમાં 2,000 સાઈટ્સ શોધી કાઢી છે.

હોઈ શકે છે ‘સૌથી મોટું પ્રી-અર્બન કબ્રસ્તાન’

વિજ્ઞાનીઓ માને છે કે ગુજરાતના ખાટિયા ગામ પાસેનું આ દફનસ્થળ અત્યાર સુધીમાં શોધી કાઢવામાં આવેલું કદાચ સૌથી મોટું ‘પ્રી-અર્બન’ કબ્રસ્તાન હોઈ શકે છે. તેનો ઉપયોગ ઈસવી પૂર્વે 3200થી ઈસવી પૂર્વે 2600 સુધી, લગભગ 500 વર્ષ સુધી કરવામાં આવ્યો હતો. એ સંદર્ભમાં અહીંની કબરો લગભગ 5,200 વર્ષ પુરાણી છે.

અત્યાર સુધીના ખોદકામમાં એક અક્ષત માનવકંકાલ, ખોપરીના ટુકડાઓ, હાડકાં અને દાંત સહિતના અવશેષ મળ્યા છે.

અહીંથી સંખ્યાબંધ કળાકૃતિઓ પણ મળી છે, જેમાં 100 વધુ બંગડીઓ અને શંખથી બનાવવામાં આવેલા 27 હારનો સમાવેશ થાય છે.

ચીની માટીનાં વાસણો, કટોરા, ડિશો, ઘડા, નાના કૂંજા, પાણીના ગ્લાસ, બૉટલ્સ અને બરણીઓ પણ મળી આવી છે. નાના ખજાનામાં સેમી-પ્રેશિયસ સ્ટોન લાપીસ લાઝુલી વડે બનાવવામાં આવેલા હારનો સમાવેશ થાય છે.

આ કબરોની વિશેષતા અનોખી છે, જેમાં જુદી-જુદી દિશામાં નિર્દેશ કરતા રેતીના પથ્થરના દફન શાફ્ટ સમાવિષ્ટ છે. કેટલાક અંડાકાર છે, જ્યારે અન્ય લંબચોરસ છે. બાળકોને નાની કબરમાં દફનાવવામાં આવ્યાં હતાં. મૃતદેહોને ચત્તા સુવડાવવામાં આવ્યા હતા, પરંતુ મોટા ભાગનાં હાડકાં એસિડિક માટીને કારણે ઓગળી ગયાં છે.

કબરોમાંથી શું મળી આવ્યું?

મિશિગનની એલ્બિયન કૉલેજના માનવશાસ્ત્રના પ્રોફેસર બ્રાડ ચેઝ કહે છે, “આ ખૂબ જ નોંધપાત્ર શોધ છે.”

“ગુજરાતમાં અનેક પ્રી-અર્બન કબ્રસ્તાનો શોધી કાઢવામાં આવ્યાં છે, પરંતુ કચ્છમાંનું કબ્રસ્તાન અત્યાર સુધીનું સૌથી મોટું છે. તેથી તેમાં કબરોના પ્રકારના વૈવિધ્યને ઉજાગર કરવાની ક્ષમતા છે. તે પુરાતત્ત્વવિદોને આ પ્રદેશના પ્રી-અર્બન સમાજને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થશે,” એમ તેમણે ઉમેર્યું હતું.

આજના પાકિસ્તાનમાંના પંજાબ પ્રદેશની સિંધુ સાઈટ્સ પર અગાઉ કરવામાં આવેલું ખોદકામ સિંધુ સમાજના લોકોની દફનપ્રથા વિશે કેટલાક સંકેતો આપે છે.

ઈજિપ્ત અને મેસોપોટેમિયાના ભદ્ર વર્ગના લોકોથી વિપરીત અહીં અંતિમસંસ્કાર સાદાઈથી કરવામાં આવતા હતા. મૃત્યુ પછીના જીવન માટે મૃતકોની સાથે કોઈ ઝવેરાત અને શસ્ત્રો મૂકવામાં આવતાં ન હતાં. અહીં મોટા ભાગના મૃતદેહ કાપડના કફનમાં લપેટીને લાકડાની લંબચોરસ શબપેટીઓમાં મૂકવામાં આવ્યા હતા.

યુનિવર્સિટી ઑફ વિસ્કોન્સિન-મેડિસનના જોનાથન માર્ક કેનોયર સિંધુ સંસ્કૃતિના વિદ્વાન છે. તેમના જણાવ્યા મુજબ, શબપેટીને નીચે ઉતારવામાં આવે તે પહેલાં માટીનાં વાસણોથી કબરનો ખાડો ભરી દેવામાં આવતો હતો.

કેટલાક લોકોને બંગડીઓ, માળા અને તાવીજ જેવાં અંગત આભૂષણો સાથે દફનાવવામાં આવ્યા હતા. એ આભૂષણો અન્યોને આપી શકાતાં ન હતાં. કેટલીક સ્ત્રીઓને તાંબાના અરીસા સાથે દફનાવવામાં આવી હતી. પુખ્ત વયના લોકોને ભોજન પીરસવા તથા સંગ્રહિત કરવા સાથે સંકળાયેલા વિવિધ પ્રકારનાં વાસણો સાથે દફનાવવામાં આવ્યા હતા, જ્યારે કેટલાકને ચોક્કસ ઘરેણાં સાથે, શંખમાંથી બનાવવામાં આવેલી બંગડીઓ સાથે દફનાવવામાં આવ્યા હતા.

આવી બંગડીઓ સામાન્ય રીતે પુખ્ત સ્ત્રીઓના ડાબા હાથમાં જોવા મળતી હતી. શિશુઓ અને બાળકોને સામાન્ય રીતે માટીના કોઈ પણ પ્રકારનાં વાસણો કે ઘરેણાં સાથે દફનાવવામાં આવતાં ન હતાં.

કબરોમાં નોંધપાત્ર પ્રમાણમાં સંપત્તિ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી અને હેલ્થ પ્રોફાઈલ સૂચવે છે કે મૃત્યુ પામેલા લોકો “સુપોષિત અને સ્વસ્થ હતા. જોકે, કેટલાકમાં સંધિવા તથા શારીરિક તણાવના સંકેતો જોવા મળ્યા હતા.”

જોકે, ગુજરાતમાંની આ વિશાળ દફનભૂમિનું સંપૂર્ણ રહસ્ય ઊઘડવાનું હજી બાકી છે.

વિજ્ઞાનીઓ માટે આ શોધ આકસ્મિક હતી. 2016માં કેરળ યુનિવર્સિટીના પુરાતત્ત્વશાસ્ત્રના વિદ્યાર્થીઓની એક ટીમ કચ્છના પ્રવાસે ગઈ ત્યારે તેમનો ભેટો એક ગામના સરપંચ સાથે થયો હતો. એ સરપંચ તેમની સાથે ડ્રાઈવર તરીકે જોડાયા હતા અને તેમને આ સાઈટ દેખાડી હતી.

‘લોકોને લાગતું કે આ સ્થળે ભૂતોનો વાસ છે’

તે સાઈટ માત્ર 400 લોકોની વસ્તી ધરાવતા ખાટિયા ગામથી માત્ર 300 મીટર દૂર હતી. ખાટિયાના લોકો જીવનનિર્વાહ માટે મગફળી, કપાસ અને એરંડાની વરસાદ આધારિત ખેતી કરતા હતા. એમના પૈકીના કેટલાકનાં ખેતરો તો કબ્રસ્તાનની તદ્દન નજીક હતાં.

ભૂતપૂર્વ સરપંચ નારાયણભાઈ જાલાનીએ કહ્યું હતું, “વરસાદ પડે પછી માટીનાં વાસણોના ટુકડાઓ અને સામાન સપાટી પર તરતો જોવા મળતો હતો. કેટલાક લોકો કહેતા હતા કે અહીં ભૂતનો વાસ છે, પરંતુ અમે આટલા મોટા કબ્રસ્તાનની પડખે રહીએ છીએ તેનો ખ્યાલ ન હતો.”

તેમણે ઉમેર્યું હતું, “હવે દર વર્ષે દુનિયાભરમાંથી વિજ્ઞાનીઓ અમારા ગામની મુલાકાતે આવે છે અને અહીં દફનાવવામાં આવેલા લોકો વિશે વધુને વધુ માહિતી મેળવવાના પ્રયાસ કરે છે.”

કબરોમાં છુપાયેલાં છે કેવાં રહસ્યો?

ગુજરાતમાં મળી આવેલી આ કબરોમાં શું રહસ્ય છુપાયેલું છે? અહીં દફનાવવામાં આવેલા લોકો કોણ હતા?

એક જ સ્થળે આટલા મોટા પ્રમાણમાં મળી આવેલી કબરો આ કબ્રસ્તાનના મહત્ત્વ વિશે પ્રશ્નો ઊભા કરે છે. શું તે નજીકની વસાહતોના લોકોનું સામૂદાયિક આરામ કેન્દ્ર હતું કે પછી તે મોટી વસાહતના અસ્તિત્વનો સંકેત આપે છે?

આ કબરોમાંથી મળી આવેલા લેપિસ લાઝુલીના હારનો સ્રોત દૂરના અફઘાનિસ્તાનમાં જોવા મળે છે તેને ધ્યાનમાં લઈએ તો આ સ્થળ વિચરતા પ્રવાસીઓ માટેનું પવિત્ર કબ્રસ્તાન હતું? કે પછી તે ગૌણ દફનસ્થળ હતું, જ્યાં મૃતકોનાં હાડકાંને અલગથી દફનાવવામાં આવ્યાં હતાં?

કેરળ યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદ્ અભયન જીએસ કહે છે, “એ બાબતે અમે હજુ સુધી કશું જાણતા નથી. અમને પાડોશમાં કોઈ વસાહત મળી નથી. અમે હજુ પણ ખોદકામ કરી રહ્યા છીએ.”

જોનાથન માર્ક કેનોયરે કહે છે, “ત્યાં કબ્રસ્તાન સંબંધિત કેટલીક વસાહતો હોવી જ જોઈએ, પરંતુ તે આધુનિક રહેઠાણોની નીચે દટાયેલી હશે અથવા તેને અત્યાર સુધી શોધી શકાઈ નહીં હોય.”

કબરો સારી રીતે કાપવામાં આવેલા પથ્થરની દીવાલ સાથે બનાવવામાં આવી હતી. તે સૂચવે છે કે લોકો પથ્થરથી બનેલાં મકાનોથી સારી રીતે વાકેફ હતા. આવી પથ્થરની ઇમારતો અને દીવાલોવાળી વસાહતો કબ્રસ્તાનથી 19થી 30 કિલોમીટર વચ્ચેના વિસ્તારમાં આવેલી છે.

માનવ અવશેષોના વધુ રાસાયણિક અભ્યાસ અને ડીએનએ પરીક્ષણથી આપણને, એક સમયે અહીં રહેતા અને મૃત્યુ પામેલા પ્રારંભિક ભારતીયો વિશે વધારે માહિતી મળશે.

સિંધુ સંસ્કૃતિનાં ઘણાં રહસ્ય હજુ વણઉકેલાયેલાં છે. દાખલા તરીકે, લેખન સંબંધે હજુ પણ કોઈ સ્પષ્ટતા મળી નથી. વિજ્ઞાનીઓ સંભવિત વસાહત શોધી કાઢવા આ શિયાળામાં ખાટિયા નજીકના કબ્રસ્તાનની ઉત્તરે એક સાઈટનું ખોદકામ કરવાના છે.

તેમને વસાહત મળી આવશે તો કોયડાનો એક હિસ્સો ઉકેલાશે. જો એવું નહીં થાય તો તેઓ ખોદકામ ચાલુ રાખશે. રાજેશ એસવી કહે છે, “આજે નહીં તો કાલે, પણ કોઈક દિવસે તો અમારી પાસે બધા સવાલના જવાબ હશે, એવી અમને આશા છે.”