શિવાજીના વાઘનખ : મહારાષ્ટ્રથી બ્રિટન સુધી પહોંચવાની કહાણી

    • લેેખક, ઓમકાર કરંબેળકર
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

શિવાજી મહારાજના વાઘનખ શુક્રવારે ભારત પહોંચશે તેવી જાહેરાત મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે કરી છે.

અગાઉ સુધીર મુનગંટીવારે જાહેરાત કરી હતી કે “છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખને મહારાષ્ટ્ર લાવવાના પ્રયાસો ચાલુ છે અને હું બ્રિટિશ વહીવટીતંત્ર સાથે સમજૂતી કરાર કરીને નવેમ્બરના અંત સુધીમાં તેને મહારાષ્ટ્ર પાછા લાવીશ.”

તેથી મહારાષ્ટ્રમાં વાઘનખનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો હતો. આમ તો શિવાજી મહારાજની તલવાર, વાઘનખ, ટીપુ સુલતાનની તલવાર, કોહીનૂર હીરો અને મયૂર સિંહાસન વિશેની ચર્ચા પણ થાય છે, પરંતુ આ વખતે પહેલી વાર સરકારના કોઈ પ્રધાને વાઘનખ ભારત ક્યા મહિનામાં પરત લાવવા એ વિશેનું સ્પષ્ટ નિવેદન કર્યું છે.

યુરોપનાં ઘણાં સંગ્રહાલયોમાં વિશ્વભરની અનેક વસ્તુઓનો સંગ્રહ અને પ્રદર્શન જોવા મળે છે. વસાહતી સમયગાળામાં ત્યાં લઈ જવામાં આવેલી વસ્તુઓને પરત મેળવવાના પ્રયાસ ઘણા દેશો કરી રહ્યા છે. એમાંથી કેટલાક પ્રયાસ સફળ થયા હોવાનું પણ તમે વાંચ્યું હશે.

ભારતમાં પણ એવી વસ્તુઓ પરત મેળવવાની માગ અને ચર્ચા શરૂ થઈ છે.

વાઘનખ અને મ્યુઝિયમ રેકૉર્ડ

શિવાજી મહારાજના વાઘનખ લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં છે. આ વાઘનખ પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યા છે. ભારતમાંથી ઇંગ્લૅન્ડ ગયેલા ઘણા લોકોએ મ્યુઝિયમની મુલાકાત દરમિયાન તે વાઘનખ નિહાળ્યા છે.

મ્યુઝિયમમાં દરેક વસ્તુનો રેકૉર્ડ હોય છે. વાઘનખ સંદર્ભે મ્યુઝિયમમાં આ મુજબની નોંધ છેઃ “આ હથિયાર જેમ્સ ગ્રેટ ડફ (1789-1858)ના કબજામાં હતું. તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી હતા અને 1818માં તેઓ સતારા ખાતે રેસિડેન્ટ એટલે કે પૉલિટિકલ એજન્ટ હતા. આ શસ્ત્રની સાથે એક બૉક્સ છે, જેના પર સ્કૉટલૅન્ડમાં કેટલુંક લખાણ છે. આ વાઘનખ શિવાજી મહારાજના છે અને વાઘનખની મદદથી શિવાજી મહારાજે એક મોગલ સરદારને મારી નાખ્યા હતા. આ શસ્ત્ર જેમ્સ ગ્રાન્ટ ઑફ ઇડનને, તેઓ સતારા ખાતે રહેતા હતા ત્યારે મરાઠા વડા પ્રધાન પેશવાએ આપ્યું હતું.”

રેકૉર્ડમાં એવી નોંધ પણ છે કે “બાજીરાવ દ્વિતીયે 1818માં બિઠુર જતાં પહેલાં અંગ્રેજોને કેટલાંક શસ્ત્રો આપ્યાં હોવાની શક્યતા છે. જોકે, 160 વર્ષ પૂર્વે જેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે આ જ વાઘનખ છે કે કેમ તે સાબિત કરવું શક્ય નથી.”

મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે વાઘનખ મહારાષ્ટ્ર પરત લાવવા બાબતે એક પરિપત્ર બહાર પાડ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના મુખ્ય મત્રી અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમના ડિરેક્ટર સાથે 2023ની 3 ઑક્ટોબરે એક બેઠક યોજશે. 2023ની 16 નવેમ્બરે વાઘનખ મહારાષ્ટ્ર પાછા લાવવામાં આવશે.

આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સતારાના પ્રતાપસિંહ મહારાજ વતી કારભાર કરતા ગ્રાન્ટ ડફને આ વાઘનખ પ્રતાપસિંહ મહારાજે આપ્યા હતા અને ગ્રાન્ટ ડફના પૌત્ર એન્ડ્રિન ડફે તે મ્યુઝિયમને આપ્યા હતા.

આ વાઘનખ ત્રણ વર્ષ માટે ભારત પરત લાવવામાં આવશે અને 2026માં તે ફરી ઇંગ્લૅન્ડ મોકલવામાં આવશે. એ સમયગાળા દરમિયાન વાઘનખને મુંબઈ, સતારા, કોલ્હાપુર અને નાગપુરમાં રાખવામાં આવશે.

ઇતિહાસના અભ્યાસુ ઇન્દ્રજિત સાવંતે એસટીટી હિસ્ટ્રી યૂટ્યૂબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાઘનખ વિશે માહિતી આપી છે.

એ મુલાકાતમાં તેમણે કહ્યું હતું, “સતારાના પ્રતાપસિંહ મહારાજે એક વાઘનખ ગ્રાન્ટ ડફને અને બીજો એલફિન્સ્ટનને આપ્યો હતો. એ પછી પણ પ્રતાપસિંહ મહારાજ પાસે વાઘનખ હોવાનો ઉલ્લેખ છે. હાલ મ્યુઝિયમમાં રહેલા વાઘનખનો ઉપયોગ શિવાજી મહારાજે વાસ્તવમાં કર્યો નથી, પરંતુ તે સતારાના રાજવી પરિવારમાંથી ત્યાં પહોંચ્યા હતા.”

વાઘનખનો ઉપયોગ

વાઘનખ ધાતુના હોય છે. એક પટ્ટી પર વાઘના નખની જેમ વળેલું અણીદાર બેન્ડ ફીટ કરેલું હોય છે. તેમાં બંને બાજુથી આંગળા દાખલ કરવા માટે છિદ્રો હોય છે. તેને હાથમાં છુપાવી રાખવામાં આવતું હતું અને તેનો ઉપયોગ નજીક આવી ગયેલા શત્રુને મારવા માટે કરવામાં આવતો હતો.

શિવાજી મહારાજે વાઘનખની મદદથી અફઝલ ખાનને મારી નાખ્યો હતો.

અફઝલ ખાનને કેવી રીતે માર્યો?

શિવાજી મહારાજે 1659ની 10 નવેમ્બરે અફઝલ ખાનને માર્યો હતો.

શિવાજી મહારાજને ઠેકાણે પાડવા માટે આદિલશાહે અફઝન ખાનની પસંદગી કરી હતી. અફઝલ ખાન ભોંસલે પરિવારનો દુશ્મન હતો. તેણે શહાજી મહારાજની ધરપકડ કરી હતી અને શિવાજી મહારાજના ભાઈ સંભાજી મહારાજને કર્ણાટકની લડાઈમાં મારી નાખ્યા હતા. એ જ અફઝલ ખાન શિવાજી મહારાજની ધરપકડ કરવા માટે તેમના પ્રદેશની મુલાકાતે આવવાનો હતો.

બંનેએ શિવાજી મહારાજના પ્રદેશમાં આવેલા પ્રતાપગડ કિલ્લામાં ઊંચાઈ પર મંડપ બાંધીને મળવાનું નક્કી કર્યું હતું. બન્નેની સાથે બે-બે સેવક અને અમુક અંતરે 10 અંગરક્ષકો હશે તેવું નક્કી થયું હતું.

શિવાજી મહારાજે પોતાના રક્ષણ માટે બખ્તર અને શિરસ્ત્રાણ પહેર્યું હતું. તેમની સાથે જીવા મહાલા અને સંભાજી કાવજી નામના બે અંગરક્ષક પણ હતા, જ્યારે ખાનની સાથે સૈયદ બંદા હતા. શિવાજી મહારાજે તેમની સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમને મંડપની બહાર જવાની ફરજ પાડી હતી.

શિવાજી મહારાજ અને અફઝલ ખાન એકમેકની સામે આવ્યા હતા. અફઝલ ખાને શિવાજી મહારાજને ભેટવા પોતાના હાથ ફેલાવ્યા હતા અને શિવાજી મહારાજનું માથું પોતાની બગલમાં દબાવ્યું હતું તથા તેમના પર જમદાડા (કટાર) વડે ઘા કર્યા હતા, પરંતુ શિવાજી મહારાજે બખ્તર પહેર્યું હોવાથી તેમને કંઈ થયું ન હતું.

શિવાજી મહારાજે ખૂબ જ ચતુરાઈથી પરિસ્થિતિનો તાગ મેળવી લીધો હતો અને પોતાના અંગરખામાં છુપાવેલી એક નાની સાબર તથા વાઘનખ વડે અફઝલ ખાનને મારી નાખ્યો હતો.

આ ઘટના બાબતે ‘મરાઠા ઍન્ડ ડક્કની મુસ્લિમ્સ’ પુસ્તકમાં ઇતિહાસકાર આરએમ બેન્થમે લખ્યું છે, “અફઝલ ખાનને મારવાની યોજના ઘડ્યા પછી શિવાજી મહારાજ જીજાઉ માસાહેબના આશીર્વાદ લઈને પ્રતાપગડ આવ્યા હતા. તેમણે સુતરાઉ અંગરખાની નીચે લોખંડનું બખ્તર તથા ટોપી હેઠળ લોખંડની શિરસ્ત્રાણ પહેર્યું હતું. જમણા હાથની બાંયમાં એક નાનું ખંજર છુપાવ્યું હતું, જ્યારે ડાબા હાથની આંગળીઓમાં નાનકડું હથિયાર વાઘનખ પહેર્યા હતા.”

“અફઝલ ખાનને મળવા જતી વખતે શિવાજી મહારાજ, પોતે ગભરાતા હોવાનું દર્શાવવા વારંવાર અટકી જતા હતા. મુલાકાત દરમિયાન અફઝલ ખાન શિવાજી મહારાજની તરફ આગળ વધ્યો હતો. તેણે શિવાજી મહારાજને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શિવાજી મહારાજે વાઘનખની મદદથી તેને મારી નાખ્યો હતો.”

આ ઘટનાને કારણે મહારાષ્ટ્રના ઇતિહાસમાં વાઘનખનું આગવું સ્થાન છે. એવી જ રીતે શિવાજી મહારાજના જીવનની આવી ઘટના અત્યંત ભાવવિભોર કરનારી છે. તેથી તેનું મહત્ત્વ વધ્યું છે.

છત્રપતિ શિવાજી મહારાજ, છત્રપતિ સંભાજી મહારાજ પછી મહારાષ્ટ્ર પર મોગલો તથા અંગ્રેજોના હુમલા, કિલ્લાઓની લૂંટ, સત્તા પરિવર્તન અને અનેક કુદરતી દુર્ઘટનાઓમાં આવી અનેક વસ્તુઓ, દસ્તાવેજો નાશ પામ્યા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

કોણ હતા ગ્રાન્ટ ડફ?

મહારાષ્ટ્રમાં ગ્રાન્ટ ડફ નામે પ્રખ્યાત અંગ્રેજ અધિકારીનું આખું નામ જેમ્સ કનિંગહામ ગ્રાન્ટ ડફ હતું. તેમનો જન્મ 1789ની 8 જુલાઈએ સ્કૉટલૅન્ડના બૉન્ફમાં થયો હતો. તેમનાં માતાની પિયરની અટક ડફ હતી. તેમનાં માતાને પરિવારની બધી સંપત્તિ વારસામાં મળી હતી. તેથી જેમ્સ ગ્રાન્ટે પરિવારની અટક અપનાવી હતી અને જેમ્સ ગ્રાન્ટ ડફ તરીકે પ્રખ્યાત થયા હતા.

તેઓ 1805માં સેનામાં જોડાયા હતા અને બીજા જ વર્ષે મુંબઈ આવ્યા હતા. એ પછી તેઓ પૂણે આવ્યા ત્યારે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચેનો સંબંધ છેલ્લા તબક્કામાં હતો.

તેમણે 1817માં ખડકીની લડાઈમાં ભાગ લીધો હતો. 1818માં મરાઠી સામ્રાજ્યના પતન પછી તેમની નિમણૂક રૂ. 2,000ના પગાર તથા રૂ. 1,500ના ભથ્થાં સાથે સતારાના પૉલિટિકલ એજન્ટ તરીકે કરવામાં આવી હતી. તેમણે 1822 સુધી પૉલિટિકલ એજન્ટ તરીકે કામ કર્યું હતું.

તેઓ ઇતિહાસના લેખન ભણી વળ્યા હતા અને મરાઠાઓનો ઇતિહાસ લખ્યો હતો.

જેમ્સ કનિંગહમ ગ્રાન્ટ પુસ્તકમાં ઇતિહાસના અભ્યાસુ અ.રા. કુલકર્ણીએ લખ્યું છે, “તેઓ સતારામાં સત્તા પર હતા ત્યારે તેમણે મરાઠા ઇતિહાસ માટે જરૂરી સામગ્રી મરાઠી, અંગ્રેજી, ફારસી વગેરે ભાષામાંથી મેળવી હતી. દિવસ દરમિયાન રાજકાજના કામ સંભાળી, રાતે જાગીને તેમણે ઇતિહાસનો એક વૈચારિક મુસદ્દો તૈયાર કર્યો હતો. એલ્ફિન્સ્ટન, બ્રિગ્ઝ તથા વેન્સ કૅનેડી જેવા નિષ્ણાતો પાસે તેની ચકાસણી કરાવી હતી. તેમણે સતારામાં મહેસૂલ ઉઘરાણીની જે પ્રણાલી તૈયાર કરી હતી તે ગ્રાન્ટસાહેબના દસ્તૂર તરીકે ઓળખાય છે.”

તેમણે 1823થી 1826 સુધી સામગ્રી એકત્રિત કરીને ઇતિહાસ લખ્યો હતો. તેનું પ્રકાશન 1826માં લોન્ગમેન કંપનીએ કર્યું હતું. એ બધા કામ માટે ડફે 1700 પાઉન્ડ ખર્ચ્યા હતા. 1823માં સતારામાંથી રવાના થયા બાદ તેઓ ભારત ક્યારેય પાછા આવ્યા ન હતા. તેમણે 1827માં કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું.

ગ્રાન્ટ ડફ અને પ્રતાપસિંહ મહારાજ વચ્ચે બહુ સારો સંબંધ હતો. તેમણે સાથે મળીને શાસન કર્યું હતું. મરાઠી અને સતારા રાજ્ય સાથે બહુ ગાઢ સંબંધ હોવાને લીધે તેમણે આ બધા વિશે પણ લખ્યું હતું. તેમણે એલ્ફિન્સ્ટનને જણાવ્યું હતું કે 1848માં સતારા પર વિજય મેળવ્યા બાદ પ્રતાપસિંહ મહારાજ પાસેથી સત્તા આંચકી લઈને કંપનીએ ભૂલ કરી હતી.

એઆર કુલકર્ણીએ તેમના પુસ્તકમાં ગ્રાન્ટ ડફનાં કેટલાંક અવતરણો પણ નોંધ્યાં છે. એ પૈકીના એકમાં ગ્રાન્ટ ડફે કહ્યું હતું, “લોકો મને મરાઠા કહે છે. મને મરાઠા રિવાજોનું જેટલું જ્ઞાન છે એટલું અહીંના લોકોને ઇંગ્લૅન્ડનું પણ નથી.

કૃષ્ણરાવ રામરાવ ચિટણીસે પ્રતાપસિંહ મહારાજનું જીવનચરિત્ર પદ્યમાં લખ્યું હતું. તેમાં પણ ગ્રાન્ટ સાહેબનો ઉલ્લેખ છે. તેઓ લખે છેઃ

ગ્રાન્ટસાહેબ બડો ઘૂર, સબ રાજનામો મશહૂર

ઉસે રાજા પ્રતાપ ચતુર, મિલાય લિયા અપનેમેં

ચાર બરસ ઉસકે સાથ, બહુત મિઠી બોલત બાત

હા મનજા નોક બહુભાત, સબહી રાજરાજ કી

જૈસા વાત કહત ગ્રાન્ટ, વૈસા દિલમો કરત સાટ

રાજકારન સબહી બાટ, લઈ ધ્યાન આપને

ડોન દીલ કરકે પાખ, મુલુખ કમાય તીસ લાખ

સાહેબ પાસ બડી સાખ પ્રતાપસિંહ રાજ કી.

હિસ્ટ્રી ઑફ મરાઠાઝ પુસ્તકની પછી ચાર-પાંચ આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. હિન્દી અને ગુજરાતીમાં પણ તેનું પ્રકાશન થયું હતું, પરંતુ તેમાં અનેક ખામી હોવાને કારણે ઘણા ઇતિહાસકારોએ તેની ટીકા કરી હતી.

નીલકંઠ કીર્તને, વીએસ રાજવાડે, વાસુદેવ ખરેશાસ્ત્રી અને મહાદેવ ગોંવિદ રાનડે જેવા અનેક લોકોએ તેમાંની ત્રુટિઓ દર્શાવી હતી.

વીએસ રાજવાડે લખે છે, “તેમને મળેલા દસ્તાવેજોનો ઉપયોગ જે રીતે થવો જોઈતો હતો એ રીતે કરવામાં આવ્યો નથી. આ અને અન્ય કારણસર ગ્રાન્ટ ડફના હસ્તે મરાઠા ઇતિહાસની જે ઇમારત મરાઠા દૃષ્ટિથી બનવી જોઈએ તેવી બની નથી. તેનું મુખ્ય કારણ ગ્રાન્ટ ડફે અપનાવેલી પદ્ધતિ અથવા પદ્ધતિનો અભાવ છે”

આ પ્રકારની ટીકા થઈ હોવા છતાં બધાએ ગ્રાન્ટ ડફના જ્ઞાનની પ્રશંસા કરી છે. ઇતિહાસ લખવાની પદ્ધતિ સામે વાંધો હોવા છતાં બધાએ તેમની મહેનતની નોંધ લીધી છે.

વાસુદેવ શાસ્ત્રીએ સાચું જ લખ્યું છે, “વિદેશી માણસની જ્ઞાનની તરસ કેટલી પ્રચંડ છે, તે જુઓ. મરાઠા લોકો સાથે ગ્રાન્ટ ડફને શું લાગે-વળગે, પરંતુ તેમણે મરાઠાઓનો ઇતિહાસ લખવા જૂનાં પુસ્તકો, દસ્તાવેજો શોધ્યા અને ઇતિહાસ પ્રસિદ્ધ કરવા માટે જેટલો ખર્ચ થાય તેટલો ખર્ચ કરતા ખચકાયા નહીં.”

1858ની 28 સપ્ટેબરે ગ્રાન્ટ ડફનું 69 વર્ષની વયે અવસાન થયું હતું.

ઇતિહાસકાર સત્યેન વેલણકરે ગ્રાન્ટ ડફના રેકૉર્ડ વિશે બીબીસી મરાઠી સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે સુરેન્દ્રનાથ સેને ફોરન બાયોગ્રાફિઝ ઑફ શિવાજી પુસ્તકની પ્રસ્તાવનામાં એ વિશેનું અવલોકન નોંધ્યું છે.

તેઓ લખે છે, “ઐતિહાસિક સંશોધનના સૌથી મહત્ત્વપૂર્ણ નિયમો પૈકીને એક નિયમ એ છે કે ઇતિહાસકાર ભલે ગમે તેટલો મહાન હોય, પરંતુ તેનું મૂલ્ય તેણે આપેલા પુરાવા જેટલું જ હોય છે.” તેથી ગ્રાન્ટ ડફ દ્વારા કરવામાં આવેલી નોંધ સાંભળેલી વાતો પર આધારિત છે. તેની સચ્ચાઈ પુરાવાના આધારે જ નક્કી કરી શકાય.

વેલણકરે ઉમેર્યું હતું, “કોઈ વસ્તુ કોઈ ઐતિહાસિક વ્યક્તિની છે કે નહીં તે નક્કી કરવા માટે ત્રણ સરળ નિયમ છે. પહેલો નિયમ એ છે કે ઐતિહાસિક વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમિયાન એ વસ્તુ સંસ્થા અથવા સંગ્રહાલયને સાચવવા માટે આપી હોવી જોઈએ. વસ્તુ ઐતિહાસિક વ્યક્તિએ ન આપી હોય તો તેમની નજીકની કોઈ વ્યક્તિએ સંસ્થા અથવા સંગ્રહાલયને સાચવવા આપી હોવી જોઈએ. સંસ્થા પાસે તેનો લેખિત રેકૉર્ડ હોવો જોઈએ કે તે વસ્તુ ચોક્કસ વ્યક્તિ પાસેથી ચોક્કસ તારીખે સંસ્થા કે સંગ્રહાલયને પ્રાપ્ત થઈ હતી.”

“બીજો નિયમ એ છે કે તે વસ્તુ સંસ્થા કે સંગ્રહાલયમાં આવી તે દિવસથી આજની તારીખ સુધીનો રેકૉર્ડ સંસ્થા કે મ્યુઝિયમના સ્ટોક રજિસ્ટરમાં દર વર્ષે સતત નોંધાયેલો હોવો જોઈએ. ત્રીજો નિયમ એ છે કે વસ્તુની ઓળખ માટે કેટલાંક નિર્વિવાદ ચિહ્ન હોવાં જોઈએ.”