You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શિવાજી મહારાજે અફઝલ ખાનનો કેવી રીતે વધ કર્યો હતો?
મહારાષ્ટ્રમાંના પ્રતાપગઢની તળેટીમાં બીજાપુરના આદિલશાહી સરદાર અને શિવાજી મહારાજ વચ્ચે 1659ની 10 નવેમ્બરે અથડામણ થઈ હતી. એ અથડામણમાં શિવાજી મહારાજે અફઝલ ખાનનો વધ કર્યો હતો.
એ દિવસની સ્મૃતિમાં મહારાષ્ટ્રમાં આજે પણ શિવ પ્રતાપ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
29 વર્ષના શિવાજીએ વાઘનખ વડે અફઝલ ખાનનો વધ કર્યો હતો. હજારો સૈનિકોની ફોજ લઈને આવેલા અફઝલ ખાનને શિવાજી મહારાજે મુઠ્ઠીભર સાથીઓની મદદથી મારી નાખ્યો હતો એ અત્યંત આશ્ચર્યજનક ઘટના છે.
તેની સાથે મહત્ત્વનું એ પણ છે કે તે ઘટનાને કારણે શિવાજી મહારાજના કર્તૃત્વની ચમક સમગ્ર દેશે જાણી હતી.
સ્વરાજ્યના નિર્માણ માટે અ ઘટના અત્યંત મહત્ત્વની હતી. શિવાજી મહારાજે સ્વરાજ્યના વિસ્તારને અટકાવવાના જે પ્રયાસો ચાલતા હતા, તેને સીધો પડકાર ફેંક્યો હતો અને સ્વરાજ્યનું વિસ્તરણ સફળતાપૂર્વક ચાલુ રાખ્યું હતું.
સ્વરાજના વિસ્તાર સંબંધે અત્યંત મહત્ત્વનો પ્રસંગ
શિવાજી મહારાજની ઇચ્છા હતી કે તેમની જનતાનું પોતાનું રાજ્ય હોવું જોઈએ, રૈયતનું રાજ હોવું જોઈએ, તેનો સ્વતંત્ર, સાર્વભૌમ પ્રદેશ હોવો જોઈએ.
મહારાષ્ટ્ર સરકારના સ્ટેટ બોર્ડ ઑફ લિટરેચર ઍન્ડ કલ્ચર દ્વારા પ્રકાશિત શિવાજી મહારાજના જીવનચરિત્રમાં સમગ્ર ઘટનાક્રમનો ઉલ્લેખ છે.
તેમણે જાવલીનો પ્રદેશ હસ્તગત કર્યો હતો અને સ્વરાજ્યના વિસ્તરણનો આરંભ કર્યો હતો. જાવલી પ્રદેશમાં મોરે પરિવારનો દબદબો હતો અને મોરે પરિવાર સરદારોના કુળનો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોરે પરિવારના પુરુષોને ચંદ્રરાવ એવો ખિતાબ આપવામાં આવ્યો હતો. યશવંતરાવ મોરેના કાર્યકાળ દરમિયાન લોકોએ અધિકારીઓની પૂછપરછનો સામનો કરવો પડ્યો હતો.
તેનો બંદોબસ્ત કરીને શિવાજી મહારાજે તે પ્રદેશને સ્વ-શાસિત રાજ્યનો હિસ્સો બનાવવાનું નક્કી કર્યું હતું.
શિવાજી મહારાજે જાવલીના યુદ્ધમાં યશવંતરાવ મોરેને હરાવીને 1656ની 27 ઑગસ્ટે તેમની હત્યા કરી હતી.
એ વિજય શિવાજી મહારાજના જીવનમાં મહત્ત્વપૂર્ણ વિજય સાબિત થયો હતો. તેનાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો હતો અને સ્વરાજ્યની સ્થાપના માટે અનુકૂળ પાર્શ્વભૂમિ તૈયાર થઈ હતી.
જાવલીમાં વિજયને કારણે પશ્ચિમ ઘાટ અને કોંકણ પ્રદેશમાં શિવાજી મહારાજની લોકપ્રિયતામાં વધારો થવાની સાથે પાડોશી રાજ્યો સાવધ થઈ ગયાં હતાં.
શિવાજી મહારાજ આદિલશાહીનાં કેન્દ્રો પર હુમલા કરતા હતા. એ વખતે તેમણે મોગલોના કબજા હેઠળના જુન્નર પર પણ હુમલો કર્યો હતો. એ વખતે ઔરંગઝેબ દક્ષિણનો સુબેદાર હતો. મોગલ સમ્રાટના પુત્ર ઔરંગઝેબ પર શિવાજીને ખતમ કરવાનું દબાણ હતું.
શિવાજી આદિલશાહી પ્રદેશને કેટલાક વિસ્તારો પર વારંવાર હુમલા કરતા હતા. તેથી આદિલશાહને લાગ્યું હતું કે શિવાજી મહારાજનો કાયમી બંદોબસ્ત કરવો જોઈએ.
આ બધું થઈ રહ્યું હતું ત્યારે ઔરંગઝેબ દિલ્હી પાછો ફર્યો હતો અને તેણે શાહજહાંને નજરકેદ કરીને પોતાને દિલ્હીનો બાદશાહ જાહેર કર્યો હતો.
શિવાજી મહારાજે તેના સન્માન સ્વરૂપે વસ્ત્રો મોકલ્યાં હતાં અને ઔરંગઝેબે પણ શિવાજી મહારાજને વળતી ભેટ તરીકે વસ્ત્રો મોકલ્યા હતાં.
શિવાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચે સમાધાન થયું હોવાનું ચિત્ર ઊપસ્યું હતું, પરંતુ શિવાજી મહારાજની ગતિવિધિમાં સતત વધારો થતો હતો. તેને રોકવા માટે દિલ્હીએ બીજાપુર પર દબાણ કર્યું હતું.
અફઝલ ખાનની પસંદગી
શિવાજી મહારાજનો બંદોબસ્ત કરવા માટે આદિલશાહે અફઝલ ખાનની પસંદગી કરી હતી. અફઝલ ખાન ભોસલે પરિવારનો દુશ્મન હતો. તેમણે શહાજી મહારાજની ધરપકડ કરી હતી અને શિવાજી મહારાજના ભાઈ સંભાજી મહારાજને કર્ણાટકના યુદ્ધમાં મારી નાખ્યા હતા. એ જ અફઝલ ખાન શિવાજીને પકડવા માટે તેમના પોતાના પ્રદેશમાં આવવાનો હતો.
અફઝલ ખાને શિવાજી મહારાજને પકડીને દિલ્હીના દરબારમાં લાવવાનું બીડું ઝડપ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે શિવાજી મહારાજને ઘોડા પર જીવતા કેદી તરીકે લાવીશ. એટલે કે તેઓ એવું માનતા હતા કે શિવાજી મહારાજની ધરપકડ તે આસાનીથી કરી શકશે.
ખરી વાત એ હતી કે બીજાપુરના રાજાએ અફઝલ ખાનને સ્પષ્ટ કહ્યું હતું કે શિવાજી મહારાજનો સંપૂર્ણ ખાતમો થવો જોઈએ. અફઝલ ખાન મોટું સૈન્ય લઈને સ્વરાજ્ય પ્રદેશની મુલાકાતે આવ્યો હતો. તેમણે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, જેથી શિવાજી મહારાજ આગળ આવે અને તેમને પકડીને કેદી બનાવી શકાય.
અફઝલ ખાન પાસે 12,000 ઘોડેસવાર, 10,000 સૈનિકોનું પાયદળ, 75 મોટી તોપ અને 450 પહાડી તોપ હતી. આ બધાને ભોજન પૂરું પાડવાની સમસ્યા દિવસે ને દિવસે વકરતી જતી હતી.
એ વખતે શિવાજી મહારાજના અને અફઝલ ખાનના વિષ્ટિકારો વચ્ચે મંત્રણા ચાલી રહી હતી. તેમાં બન્ને પક્ષોએ જણાવ્યું હતું કે શિવાજી મહારાજ અને અફઝલ ખાને રૂબરૂ મળીને સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ.
અફઝલ ખાન માર્યા ગયા
બંનેએ શિવાજી મહારાજના પ્રદેશમાં આવેલા પ્રતાપગઢમાં મંડપ બાંધેલા સ્થળે મળવાનું નક્કી કર્યું હતું. એવું પણ નક્કી થયું હતું કે મુલાકાત વખતે બન્નેની સાથે બે-બે નોકર અને થોડા અંતરે 10 અંગરક્ષકો હશે.
શિવાજી મહારાજે પોતાના રક્ષણ માટે બખ્તર અને શિરત્રાણ પહેર્યું હતું. તેમની સાથે જીવા મહાલા અને સંભાજી કાવજી નામના બે અંગરક્ષકો હતા. અફઝલ ખાનની સાથે સૈયદ બંદા હતા. શિવાજી મહારાજે તેની સામે વાંધો લીધો હતો અને તેમના પર મંડપની બહાર જવા દબાણ કર્યું હતું.
શિવાજી મહારાજ અને અફઝલ ખાન સામસામે આવી ગયા હતા. અફઝલ ખાને શિવાજી મહારાજને આલિંગન આપવા માટે પોતાના બન્ને હાથ ફેલાવ્યા. તેમનું માથું બગલમાં દબાવીને તેમના પર ખંજરના ઘા માર્યા હતા, પરંતુ શિવાજી મહારાજે બખ્તર પહેર્યું હોવાથી તેમને કશું થયું ન હતું.
શિવાજી અત્યંત ચપળતાપૂર્વક સંપૂર્ણ પરિસ્થિતિને સમજી ગયા હતા અને તેમણે પોતાના અંગરખામાંથી વાઘનખ કાઢીને અફઝલ ખાનનો વધ કર્યો હતો.
આ બધું કઈ રીતે બન્યું હતું તેની વિગત ઇતિહાસકાર આર એમ બેંથમે ‘મરાઠા ઍન્ડ ડેક્કન મુસ્લિમ્સ’ પુસ્તકમાં આપી છે.
તેમણે લખ્યું છે કે “અફઝલ ખાનને મારી નાખવાની યોજના બનાવ્યા પછી છત્રપતિ શિવાજી મહારાજે તેમના માતા જીજાબાઈના આશીર્વાદ લઈને પ્રતાપગઢ આવ્યા હતા. તેમણે તેમના સુતરાઉ અંગરખાની નીચે લોખંડનું બખ્તર અને લોખંડની શિરત્રાણ પહેરી હતી. જમણા હાથ પાસે એક નાની કટાર છુપાવી હતી અને ડાબા હાથની આંગળીઓ વચ્ચે નાનકડું હથિયાર વાઘનખ છુપાવ્યું હતું.”
“અફઝલ ખાનને મળવા જતી વખતે પોતે ગભરાઈ રહ્યા છે એવું દર્શાવવા માટે શિવાજી મહારાજ વારંવાર કોઈ કારણ દેખાડીને અટકી જતા હતા. મુલાકાત વખતે અફઝલ ખાન શિવાજી મહારાજ તરફ આવ્યો હતો. એકમેકને ભેટતી વખતે અફઝલ ખાને શિવાજી મહારાજને ભીંસી નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે શિવાજી મહારાજે વાઘનખ વડે તેને ચીરી નાખ્યો હતો.”
અફઝલ ખાનના મોત પછી શું થયું?
અફઝલ ખાન માર્યા ગયા એ પછી તેમના સેવકોએ શિવાજી મહારાજ પર હુમલો કર્યો હતો. તેમને પણ શિવાજીએ ખતમ કર્યા હતા. સૈયદ બંદા તરત અંદર આવ્યા હતા અને તેમને જીવા મહાલે મારી નાખ્યા હતા.
એ પછી અફઝલ ખાનનું શું કરવું તે મહત્ત્વનું હતું. તેમનું સૈન્ય બહુ મોટું હતું. તેમાં અનેક સરદારો હતા. તેમને હરાવવા જરૂરી હતું.
શિવાજી મહારાજને આદેશને પગલે તોપો સંકેત આપવામાં આવ્યો હતો. અફઝલ ખાનની છાવણી પર હુમલો કરવા શિવાજી મહારાજે બનાવેલી યોજના અનુસાર પ્રતાપગઢની તળેટી તેમજ જંગલ વિસ્તારમાં જોરદાર લડાઈ થઈ હતી. તેમાં કાન્હોજી જેધે, સિમ્બિલકર દેશમુખ અને બાજી સર્જેરાવે અફઝલ ખાનની સેનાને પરાજિત કરી હતી.
અફઝલ ખાનના ઘણા સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું. તેમને શિવાજી મહારાજે અભયદાન આપ્યું હતું. અફઝલ ખાનના ખજાનામાંથી હીરા-ઝવેરાત અને બીજા દાગીના સ્વરાજ્યના ખજાનામાં લાવવામાં આવ્યા હતા.
એ વિજય પછી જાવલી ક્ષેત્ર અને માવળ ક્ષેત્ર સંપૂર્ણપણે શિવાજી મહારાજના તાબામાં આવી ગયાં હતાં. જાગીરદારોના જુલમથી કંટાળેલી પ્રજાએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ રીતે શિવાજી મહારાજે સ્વરાજ્યના નિર્માણના ઇતિહાસમાં 1659ની 10 નવેમ્બરે સુવર્ણ પાને આલેખ્યું હતું.
એ પછીની અશ્વદોડ
અફઝલ ખાનને માર્યા પછી બીજાપુરના સૈન્યનો પરાજય થયો હતો અને શિવાજી મહારાજના સૈન્યને મોટો માલ મળ્યો હતો.
નેતાજી પાલકરના નેતૃત્વ હેઠળ શિવાજી મહારાજે આદિલશાહી પ્રદેશ અને કોંકણમાં આગેકૂચ શરૂ કરી હતી. અફઝલ ખાનના મોતના થોડા દિવસોમાં જ શિવાજી મહારાજે કોલ્હાપુર, પન્હાલા અને કોંકણના મોટા પ્રદેશો કબજે કર્યા હતા.
શિવાજી મહારાજે જીતેલો પ્રદેશ તથા લૂંટેલી સામગ્રી પાછી મેળવવા માટે આદિલશાહીએ રુસ્તમ-એ-ઝમાન અને અફઝલ ખાનના પુત્ર ફઝલ ખાનને મોકલ્યા હતા. તેમને પણ શિવાજી મહારાજે હરાવ્યા હતા.