તૈમૂર લંગ : એ ક્રૂર સુલતાન જેણે દિલ્હીમાં કપાયેલાં 'માથાંનો મિનાર' ખડક્યો હતો

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હી પર હુમલો કરવાના ઇરાદે તૈમૂર લંગના 90 હજાર સૈનિકો જ્યારે સમરકંદમાં એકઠા થયા ત્યારે એમના એક જ સ્થળે એકઠા થવાના કારણે શહેરમાં ધૂળિયું વાતાવરણ થઈ ગયું. દિલ્હી સમરકંદની દક્ષિણ-પૂર્વ દિશામાં હતું, ત્યાંથી લગભગ 1 હજાર માઈલ દૂર.

દિલ્હી સુધી પહોંચવાનો રસ્તો કદાચ દુનિયાનો સૌથી કઠિન માર્ગ હતો જે હિન્દુકુશની પર્વતમાળા પર થઈને પસાર થતો હતો, જેની આસપાસ એવા લોકો રહેતા હતા જેમને હરાવવામાં મહાન સિકંદર પણ કામિયાબ નહોતા થયા.

વચ્ચે અનેક નદીઓ, પથરાળ રસ્તા અને રણ હતાં, જે દિલ્હી પહોંચતા રસ્તાને અતિ દુર્ગમ બનાવતાં હતાં. જો એને પાર કરી પણ લેવાય તો તૈમૂરની સેનાનો સામનો ભીમકાય હાથીઓ સામે થવાનો હતો જેને તૈમૂર અને એની સેનાએ પહેલાં ક્યારેય જોયા નહોતા. એમના વિશે એમણે વાર્તાઓ જરૂર સાંભળી હતી કે તેઓ ઝપાટામાં માત્ર ઘર અને ઝાડ જ નથી ઉખેડી ફેંકતા બલકે સામેની દીવાલને પણ પાડી-કચડીને જતા રહે છે. એમની સૂંઢોમાં એટલી તાકાત હતી કે તેઓ કોઈ પણ સૈનિકને લપેટીને નીચે પટકીને પોતાના પગથી કચડી શકતા હતા.

દિલ્હીમાં તૈમૂર લંગના આક્રમણ દરમિયાન અસંખ્ય લોકોના સંહારની વાતની શું છે હકીકત?

  • સમરકંદના સુલતાન તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણની યોજના બનાવી
  • તેમની પાસે 90 હજાર સૈનિકો અને તેનાથી બમણા ઘોડા હતા
  • રસ્તામાં પકડાયેલા એક લાખ હિંદુઓને વિદ્રોહની બીકે તૈમૂર લંગે મારી નાખવાનો હુકમ આપ્યો હોવાનું નોંધાયું છે
  • દિલ્હીમાં નરસંહારની સાથોસાથ તેમણે એટલી લૂંટફાટ કરી કે પાછી ફરતી વખતે તૈમૂરના સૈન્યને એક દિવસમાં માત્ર ચાર માઈલ જ કાપવાની ફરજ પડી
  • તૈમૂરના એક એક સૈનિક પાછળ 150 કેદીઓ દિલ્હીથી પકડીને સમરકંદ લઈ જવાયા
  • આ સંહારથી બહાર આવવા અને ફરી પગભર થવા માટે દિલ્હીને પૂરાં 100 વર્ષ લાગ્યાં હોવાનું નોંધાયું છે

અશાંત દિલ્હીએ તૈમૂરને નોતરું આપ્યું

એ વખતે દિલ્હીની સ્થિતિ ઠીક નહોતી. ઈ.સ. 1338માં ફિરોઝશાહ તુગલકના મૃત્યુ પછી સંપૂર્ણ ભારત બંગાળ, કાશ્મીર અને દક્ષિણ જાણે કે પ્રદેશોમાં વહેંચાઈ ગયાં હતાં.

પ્રખ્યાત ઇતિહાસકાર સર જૉર્જ ડનબરે પોતાના પુસ્તક 'ધ હિસ્ટરી ઑફ ઇન્ડિયા'માં લખ્યું છે, "ફિરોઝના મૃત્યુનાં દસ વર્ષમાં દિલ્હીમાં એક પછી એક એમ પાંચ બાદશાહો, એમના પૌત્રો અને એમના નાના પુત્રોએ રાજ કરેલું. દિલ્હીની આંતરિક સ્થિતિ એવી હતી કે તે જાણે કે એક રીતે કોઈક બહારના આક્રમકોને હુમલો કરવાનું આમંત્રણ આપી રહી હતી."

સમરકંદમાંથી બહાર નીકળ્યા પછી તરત જ ચઢાણ શરૂ થઈ ગયું હતું. તૈમૂરની સમક્ષ સૌથી મોટો પડકાર પોતાના 90 હજાર સૈનિકોની સાથે એમના કરતાં બે ગણા ઘોડાને કોઈક રીતે દુનિયાના છાપરાની પાર લઈ જવાનો હતો.

જસ્ટિન મરોઝીએ પોતાના પુસ્તક 'ટૅમરલેન, સ્વૉર્ડ ઑફ ઇસ્લામ, કૉન્કરર ઑફ ધ વર્લ્ડ'માં લખ્યું છે, "તૈમૂરની સેનાએ જાતજાતના વિસ્તારોમાંથી પસાર થવાનું હતું, જેનું વાતાવરણ એકસમાન નહોતું. તૈમૂર કરતાં ઓછી નેતૃત્વશક્તિ ધરાવનાર કોઈ પણ વ્યક્તિને બરબાદ કરવા માટે આટલું પૂરતું હતું."

"સમરકંદ અને દિલ્હીની વચ્ચે બરફથી ઢંકાયેલા ખડકો, ગરમીથી શેકી નાખતાં રણ અને ઉજ્જડ જમીનના મોટા વિસ્તારો હતા, જ્યાં સૈનિકોના ભોજન માટે એક દાણો પણ ઉગાડી શકાય તેમ નહોતો."

"તૈમૂરના સૈનિકોની બધી ભોજન સામગ્રી લગભગ દોઢ લાખ ઘોડા પર લાદેલી હતી. આ અભિયાનનાં 600 વર્ષ પછી આજે પણ આ વિસ્તારમાંથી પસાર થતા ટૅક્સી ડ્રાઇવર બર્ફીલા પાસના ખરાબ હવામાન વિશે ફરિયાદ કર્યા વગર નથી રહેતા."

લોની પાસે તૈમૂરે પોતાની શિબિર નાખી

તૈમૂરના સૈનિકો આમ તો મોટી કહેવાય એવી ઘણી લડાઈઓ લડી ચૂક્યા હતા પરંતુ એમને આવી પરિસ્થિતિઓમાં આગળ વધવાનો કશો અનુભવ નહોતો. રસ્તો એટલો ખતરનાક હતો કે ઘણા ઘોડા ત્યાંથી લપસી પડીને મૃત્યુ પામ્યા હતા. એક સમય એવો પણ આવ્યો હતો કે ઘણી લડાઈઓ જીતી ચૂકેલા તૈમૂરે ઘોડા પરથી ઊતરીને એક સામાન્ય સિપાઈની જેમ પગપાળા ચાલવું પડ્યું.

એમનું અનુસરણ કરીને બધા જ સૈનિકો પણ પગપાળા ચાલવા લાગ્યા. ઑગસ્ટ આવતાં પહેલાં તો તૈમૂરની સેના કાબુલ પહોંચી ગઈ હતી. ઑક્ટોબરમાં તૈમૂર સતલજ નદી પાસે આવીને અટક્યા જ્યાં સારંગખાંએ એમનો માર્ગ રોક્યો પરંતુ તૈમૂર એમને જીતવામાં સફળ રહ્યો. દિલ્હી પહોંચ્યા પહેલાં રસ્તામાં તૈમૂરે લગભગ એક લાખ હિન્દુ લોકોને કેદ કરી લીધા. દિલ્હી પહોંચીને તૈમૂરે લોનીમાં પોતાની છાવણી નાખી અને યમુના નદીની પાસે એક ટેકરી પર ઊભા રહીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું.

જોકે, ત્યાં સુધીમાં આંતરિક લડાઈના કારણે દિલ્હીની તાકાત ખૂબ ઘટી ગઈ હતી. પરંતુ એવી સ્થિતિમાં પણ એની ચાર દીવાલની અંદર (કોટની અંદર) દસ હજાર ઘોડેસવાર, 25થી 40 હજાર સૈનિક અને 120 હાથી તૈમૂરની સેનાનો સામનો કરવા તૈયાર હતાં.

જસ્ટિન મરોઝીએ લખ્યું છે, "તૈમૂર અને દિલ્હીના સૈનિકોની પહેલી અથડામણ ત્યારે થઈ જ્યારે તૈમૂરના 700 સૈનિકની અગ્રિમ ટુકડી પર મલ્લુખાંના સૈનિકોએ હુમલો કર્યો. એ વખતે દિલ્હી પર સુલતાન મોહમ્મદશાહ રાજ કરતા હતા, પરંતુ વાસ્તવિક વહીવટ મલ્લુખાંના નિયંત્રણમાં હતો."

સાથે ચાલી રહેલા એક લાખ કેદીઓને મારી નાખવાનો આદેશ

તૈમૂરને બીક હતી કે જો મલ્લુખાંના સૈનિકો એમના પર હુમલો કરે તો એમની સાથે ચાલી રહેલા એક લાખ હિન્દુ કેદીઓ એમનો જુસ્સો વધારશે અને એમના સમર્થનમાં ઊભા રહેશે.

જસ્ટિન મરોઝીએ લખ્યું છે, "તૈમૂરને પોતાની સેનાની પાછળ ચાલી રહેલા આ કેદીઓના વિદ્રોહનો એટલો બધો ડર હતો કે એણે એ જ જગ્યાએ એક એક કેદીને મારવાનો આદેશ આપી દીધો. તૈમૂરની સાથે ચાલી રહેલા ધાર્મિક મૌલાનાઓને પણ કામગીરી સોંપી દેવાઈ કે તેઓ આ કેદીઓની પોતાના હાથે હત્યા કરે."

પછીથી સર ડેવિડ પ્રાઇસે પોતાના પુસ્તક 'મેમૉએર્સ ઑફ ધ પ્રિન્સિપલ ઇવેન્ટ્સ ઑફ મોહમડન હિસ્ટરી'માં લખ્યું કે, "માનવતાના ઇતિહાસમાં આ પ્રકારની ક્રૂરતાનું બીજું એકે ઉદાહરણ નથી મળતું."

એ સમયે તૈમૂરને બીજી એક ચિંતા પણ પરેશાન કરતી હતી. એણે આત્મકથા 'મુલફિઝત તિમૂરી'માં લખ્યું, "મારી સૌથી મોટી ચિંતા હતી શક્તિશાળી ભારતીય હાથી. અમે સમરકંદમાં એમના વિશે કહાણીઓ સાંભળી હતી અને પહેલી અથડામણમાં અમે એ શું કરી શકે છે એ પણ જોઈ લીધું હતું. એમની ચારેબાજુ સાંકળોનું બખ્તર રહેતું હતું અને એમની પીઠ પર અંબાડીમાં મશાલ ફેંકનારા લોકો, તીરંદાજો અને મહાવત બેઠેલા રહેતા. એવી અફવાઓ હતી કે હાથીના બહારના દાંત પર ઝેર લગાડેલું હતું, જેને તે લોકોના પેટમાં ઘુસાડી દેતા હતા. એમના પર તીરો અને બરછીઓની કશી અસર નહોતી થતી."

શરૂઆતથી જ તૈમૂરના સૈનિકો હાવી થયા

હવે જરૂર હતી ભારતીય હાથીઓથી છુટકારો મેળવવાની નક્કર યોજનાની. તૈમૂરે પોતાના સૈનિકોને પોતાની સામે ઊંડા ખાડા ખોદવાનો આદેશ આપ્યો. એ ખાડાઓની આગળ બળદોને પગ અને ગળામાં ચામડાના પટ્ટા બાંધીને ઊભા રાખી દીધા. પછી, ઊંટોને પણ એમની પીઠ પર લાકડાં અને સૂકું ઘાસ લાદીને એકસાથે બાંધી દીધાં. તીર છોડાનારાઓને આદેશ આપવામાં આવ્યો કે તેઓ હાથીઓના મહાવતને પોતાના તીરનું નિશાન બનાવે.

17 ડિસેમ્બર, 1398એ મલ્લુખાં અને સુલતાન મહમૂદની સેના તૈમૂરની સેના સામે લડવા માટે દિલ્હી ગેટની બહાર નીકળી. એમણે હાથીઓને વચ્ચે રાખ્યા. એ હાથીઓ પર શસ્ત્રોથી સજ્જ સૈનિકો સવાર હતા. તૈમૂર એક ઊંચી ટેકરી પર હતો, જ્યાંથી તે લડાઈનાં બધાં દૃશ્ય જોઈ શકાતો હતો. લડાઈ શરૂ થઈ એની થોડી વાર પહેલાં તૈમૂરે ઘોડા પરથી નીચે ઊતરીને જમીન પર સજદા કરીને જીત માટે દુઆ માગી હતી. લડાઈ શરૂ થતાં જ તૈમૂરના તીરંદાજોએ મલ્લુખાંની સેનાની જમણી બાજુને પોતાનું નિશાન બનાવી.

એના જવાબમાં મલ્લુખાંએ ડાબી તરફના પોતાના સૈનિકોને તૈમૂરની ડાબી બાજુના સૈનિકો પણ દાબ વધારવાનું શરૂ કર્યું. પરંતુ, તૈમૂરના સૈનિકોએ મલ્લુખાંના બહારની તરફ રહેલા સૈનિકો પર હુમલા કરીને એમને ખતમ કરવાનું શરૂ કરી દીધું.

ઊંટોની પીઠ પર સૂકું ઘાસ મૂકી આગ લગાડી દેવાઈ

એવામાં તૈમૂરે જોયું કે એક ભાગમાં હાથીઓના કારણે એમના સૈનિકોમાં નાસભાગ થઈ ગઈ છે. એ માટે એણે પહેલેથી જ યોજના ઘડી રાખી હતી. હવે એને અમલમાં મૂકવાનો સમય આવી ગયો હતો. એણે પોતાના સૈનિકોને કહ્યું કે તેઓ પીઠ પર લાકડાં અને ઘાસ લાદેલાં ઊંટોને આગળ કરે. હાથીઓ જેવા એની સામે આવ્યા કે ઊંટોની પીઠ પર રાખેલાં ઘાસ અને લાકડાંમાં આગ ચાંપી દેવાઈ.

જસ્ટિન મરોઝીએ લખ્યું છે કે, "પીઠ પર સળગતા ઘાસ સાથેનાં ઊંટ અચાનક હાથીઓ સામે આવી ગયાં. ડરીને હાથીઓ પોતાના જ સૈનિકો બાજુ ફરી ગયા અને એમણે પોતાના જ સૈનિકોને કચડવાનું શરૂ કરી દીધું." પરિણામ એ આવ્યું કે મલ્લુખાંના સૈનિકો નાસભાગ કરવા લાગ્યા. ઇતિહાસકાર ખ્વાનદામીરે પોતાના પુસ્તક 'હબીબ-ઉસ-સિયાર'માં લખ્યું છે, "અચાનક યુદ્ધસ્થળમાં ઝાડ પરથી પડેલાં નારિયેળની જેમ ભારતીય સૈનિકોનાં માથાં દેખાવા લાગ્યાં."

"જમણી બાજુથી તૈમૂરના સિપાહસાલાર પીર મોહંમદે એમનો પીછો કર્યો અને દિલ્હીના કોટમાં એમને અંદર ખદેડીને જ શ્વાસ લીધો. દરમિયાન, તૈમૂરના 15 વર્ષના પૌત્ર ખલીલે એક હાથીને એના પર સવાર સૈનિકો સાથે પકડી લીધો અને પોતાના દાદા સમક્ષ લઈ આવ્યો."

તૈમૂરના હાથ-પગ ઘવાયા

એ જ સમયે લડાઈનું નેતૃત્વ કુર્રાખાંને સોંપીને તૈમૂર પોતે લડાઈમાં કૂદી પડ્યો. તૈમૂરે આત્મકથામાં લખ્યું છે, "મેં એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુહાડી પકડી લીધી. હું ડાબે-જમણે તલવાર અને કુહાડી ફેરવતો જતો હતો. મેં બે વાર હાથીઓની સૂંઢ કાપી નાખી અને જેમની સૂંઢ કાપી એ હાથી ઘૂંટણિયે પડી આડા પડી ગયા અને એની અંબાડીમાં બેઠેલા સૈનિકો જમીન પર પડી ગયા. એવામાં શહેરમાંથી નીકળેલા મોટી મોટી મૂછોવાળા હિન્દી સિપાઈઓએ અમારો માર્ગ રોકવાની કોશિશ કરી."

"મારા બંને હાથ એટલી ઝડપથી વાર કરતા હતા કે મને પોતાને મારી તાકાત અને સ્ફૂર્તિ માટે આશ્ચર્ય થતું હતું. મોટી મોટી મૂછોવાળા સિપાઈઓ મારી આગળ ઢગલો થતા જતા હતા અને અમે ધીમે ધીમે શહેરના દરવાજા નજીક પહોંચી રહ્યા હતા." દરમિયાનમાં, તૈમૂર ફરી ઘોડા પર સવાર થઈ ગયો. જ્યારે તે એક ખાલી જગ્યાએ પહોંચ્યો ત્યારે એના હાથમાંથી ઘોડાની લગામ છૂટી ગઈ.

તૈમૂરે આત્મકથામાં લખ્યું છે, "મેં આશ્ચર્યથી મશાલના અજવાળામાં મારા હાથ જોયા. ખબર પડી કે લગામ હાથમાંથી છૂટી જવાનું કારણ મારું પોતાનું લોહી હતું, જેનાથી મારો હાથ પલળી ગયો હતો. મેં મારા શરીર પર નજર નાખી તો મારાં કપડાં લોહીથી તરબોળ હતાં. મને લાગ્યું, જાણે કોઈ રક્ત તળાવમાં ફેંકીને મને બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે મેં મારા શરીરને ધ્યાનથી જોયું ત્યારે ખબર પડી કે મારાં બંને કાંડાં ઘાયલ થઈ ગયાં છે અને મારા બંને પગમાં પાંચ જગ્યાએ ઘા થયા હતા."

બચી ગયેલા હાથીઓએ તૈમૂર સમક્ષ માથું નમાવ્યું

પરંતુ ત્યાં સુધીમાં તો તૈમૂરના સૈનિકો દિલ્હીમાં દાખલ થઈ ગયા હતા. એના એક દિવસ પછી તૈમૂર એક વિજેતાની જેમ દિલ્હીમાં પ્રવેશ્યો. દિલ્હીના કોટમાં એક તંબુ નાખીને ખૂબ ઝડપથી તૈમૂરનો દરબાર બનાવાયો. એની સામેથી સુલતાન મહમૂદના દરબારના લોકો અને દિલ્હીના હતપ્રભ લોકોને પસાર કરાવાયા. આ એ વાતનું પ્રતીક હતું કે દિલ્હી પર તૈમૂર લંગનું સંપૂર્ણ નિયંત્રણ થઈ ગયું હતું.

દિલ્હીના સુલતાન મહમૂદ અને મલ્લુખાં પોતાના માણસોને આક્રમકોની દયાદૃષ્ટિ પર છોડીને યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયા.

જસ્ટિન મરોઝીએ લખ્યું છે, "એક એક કરીને લગભગ 100 જેટલા બચી ગયેલા હાથીઓને તૈમૂર સમક્ષ લાવવામાં આવ્યા. એમણે ઘૂંટણિયે બેસીને પોતાની સૂંઢ ઊંચી કરીને દિલ્હીના નવા માલિક તૈમૂરને સલામી આપી. તૈમૂરે નક્કી કર્યું કે તે આ હાથીઓને તબરીઝ, શીરાઝ, અર્ઝિનજાન અને શિરવાનના રાજકુમારોને ભેટ તરીકે મોકલશે. એની સાથે એમણે પોતાના સંદેશવાહકને પણ મોકલ્યા જેથી આખા એશિયામાં સમાચાર પહોંચી જાય કે દિલ્હી તૈમૂરના કબજામાં આવી ગયું છે.

દિલ્હીમાં તૈમૂરના સૈનિકોએ કર્યો જનસંહાર

લડાઈ પૂરી થયા પછી તૈમૂરે જેના કારણે દિલ્હી પર હુમલો કર્યો હતો એ બાબત પર ધ્યાન આપ્યું. એણે અનુમાન બાંધવાનું શરૂ કર્યું કે દિલ્હીનો ખજાનો કેટલો મોટો છે અને અહીંથી શું શું લૂંટીને લઈ જઈ શકે છે. એના સૈનિકોએ ઘરે ઘરે જઈને એવું કહેવાનું શરૂ કરી દીધું કે એમણે કેટલો દંડ ભરવો પડશે.

કેટલાક સૈનિકો પોતાના સાથીઓ માટે શહેરમાંની અનાજની દુકાનોની લૂંટ કરવા લાગ્યા. અલી યાઝદીનું માનવું છે કે એ સમયે દિલ્હી શહેરની સીમામાં તૈમૂર લંગના 15 હજાર સૈનિકો પહોંચી ચૂક્યા હતા. એવામાં તૈમૂરના સૈનિકો અને દિલ્હીવાસીઓ વચ્ચે હુંસાતુંસી થઈ.

મોહમ્મદ કાસિમ ફેરિશ્તાએ પોતાના પુસ્તક 'હિસ્ટરી ઑફ ધ રાઇઝ ઑફ મોહમડન પાવર ઇન ઇન્ડિયા'માં લખ્યું છે, "હિન્દુઓએ જ્યારે જોયું કે એમની મહિલાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને એમના ધનને લૂંટવામાં આવી રહ્યું છે ત્યારે એમણે દરવાજા બંધ કરીને પોતાનાં ઘરોમાં આગ લગાડી દીધી. એટલું જ નહીં, તેઓ પોતાની પત્ની અને બાળકોની હત્યા કરીને તૈમૂરના સૈનિકો પર તૂટી પડ્યા. ત્યાર બાદ તો દિલ્હીમાં એવો નરસંહાર જોવા મળ્યો કે માર્ગો પર મૃતદેહોના ઢગલા થઈ ગયા. તૈમૂરની આખી સેના દિલ્હીમાં ઘૂસી ગઈ. થોડીક જ વારમાં દિલ્હીવાસીઓએ પોતાનાં હથિયાર હેઠાં મૂકી દીધાં."

દિલ્હીમાં કત્લેઆમ

મંગોલોએ દિલ્હીવાસીઓને પુરાની દિલ્હી સુધી ખદેડી મૂક્યા, જ્યાં એમણે એક મસ્જિદના પ્રાંગણમાં શરણ લીધું. જસ્ટિન મરોઝીએ લખ્યું છે, "તૈમૂરના 500 સૈનિકો અને બે અમીરોએ મસ્જિદ પર હુમલો કરીને ત્યાં શરણમાં રહેલા એકેએક વ્યક્તિને મારી નાખ્યા. એમણે એમનાં કપાયેલાં મસ્તકોનો જાણે કે એક મિનાર બનાવી નાખ્યો અને એમનાં કપાયેલાં શરીર સમડી-કાગડા ખાય તે માટે પડ્યાં રહેવા દીધાં. સતત ત્રણ દિવસ સુધી આ કત્લેઆમ ચાલતો રહ્યો."

ગિયાથ અદ્દીન અલીએ પોતાના પુસ્તક 'ડાયરી ઑફ તેમૂર્સ કૅમ્પેન ઇન ઇન્ડિયા'માં એ સમયની ઘટનાઓ પર પ્રકાશ પાડતાં લખ્યું, "તાતાર સૈનિકો દિલ્હીવાસીઓ પર એ રીતે તૂટી પડ્યા જેવી રીતે ભૂખ્યા વરુઓનું ઝુંડ ઘેટાંના ટોળા પર તૂટી પડે છે." પરિણામ એ આવ્યું કે પોતાની ધનસંપત્તિ, ઝવેરાત અને અત્તર માટે પ્રખ્યાત દિલ્હી સળગતા નરકમાં ફેરવાઈ ગયું, જેના ખૂણે ખૂણેથી સડી રહેલા મૃતદેહોની વાસ આવતી હતી.

પોતાના શામિયાનામાં આરામ કરી રહેલા તૈમૂર લંગને દિલ્હીમાં ચાલી રહેલા આ કત્લેઆમની કશી ખબર નહોતી. તૈમૂરના સિપાહસાલાર દિલ્હીની જનતા પર જુલમ કરીને એમના પર નિયંત્રણ કરવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ એમના સાથીઓ વિશે તૈમૂરને જાણ કરવાની હિંમત ના કરી શક્યા. પરંતુ કેટલાક ઇતિહાસકારોને શંકા છે કે તૈમૂરને આ જનસંહારની સહેજ પણ ખબર નહોતી. તૈમૂરની સેના પોતાના અનુશાસન માટે ખ્યાતનામ હતી. ઉપરના આદેશ વગર તે આ રીતે લૂંટફાટ અને કત્લેઆમ કરી શકે એમ નહોતી.

શાસન કરવામાં તૈમૂરને સહેજ પણ રસ નહોતો

એમને લૂંટફાટ કરવા માટે તૈમૂરનો હુકમ મળ્યો હોય કે ન મળ્યો હોય પરંતુ તૈમૂરના સૈનિકો દિલ્હીની સમૃદ્ધિથી હતપ્રભ હતા.

યાઝદીનું કહેવું છે કે "ચારેબાજુ સોનું, ચાંદી, ઘરેણાં, મોતી, કીમતી પથ્થર, સિક્કા અને કીમતી વસ્ત્રો વેરાયેલાં હતાં. આ બધાંથી વધીને તો દિલ્હીના આમ નાગરિકો હતા, જેમની પાસે તૈમૂરના સૈનિકો મનમરજીનું કામ કરાવતા હતા. તૈમૂરના સૈનિકો જ્યારે પાછા જવા માટે દિલ્હીની બહાર નીકળ્યા ત્યારે દરેક સૈનિકની પાછળ સરેરાશ 150 આમલોકો ચાલી રહ્યા હતા."

તૈમૂર દિલ્હીમાં માત્ર બે અઠવાડિયાં રહ્યા. એ સમય દરમિયાન એમણે સ્થાનિક શાહજાદાઓનું આત્મસમર્પણ અને ભેટસોગાદો સ્વીકાર્યાં. દિલ્હીના ઘણા હસ્ત-શિલ્પકારીગરોને હાથમાં સાંકળો બાંધીને તે પોતાની સાથે સમરકંદ લઈ ગયો. જતાં પહેલાં તૈમૂર લંગે ખિઝ્રખાંને આજના પંજાબ અને ઉપરના સિંધના ગવર્નર નિયુક્ત કર્યા. જાણીબૂઝીને એણે દિલ્હીમાં કોઈ શાસક નિયુક્ત કર્યા નહીં. ત્યાંના શાસન માટે બચી ગયેલા શાહજાદાઓ વચ્ચે ઘણાં વર્ષો સુધી સંઘર્ષ થતા રહ્યા.

થોડાક સમય બાદ મલ્લુખાં સુલતાનશાહ પણ પાછા આવીને આ સંઘર્ષમાં સામેલ થઈ ગયા. તૈમૂરને ક્યારેય શાસન કરવામાં રસ નહોતો. રાજ્યોને જીતવાનું જ એને ઝનૂન હતું. એ માટે ઘણા ઇતિહાસકારોએ એની ટીકા પણ કરી હતી.

દિલ્હીના લૂંટેલા ખજાના સાથે તૈમૂરની સેનાએ પાછા પોતાના દેશ જવાની સફર શરૂ કરી. એમની પાસે એટલો બધો સામાન હતો કે તેઓ એક દિવસમાં માત્ર ચાર માઈલની મુસાફરી જ કરી શકતા હતા. પાછા વળતી વખતે પણ તૈમૂરે રસ્તામાં લગભગ 20 જેટલી નાની-મોટી લડાઈઓ લડવી પડી. જ્યાં પણ તક મળી એમણે વધારે લૂંટફાટ કરી.

100 વર્ષ સુધી દિલ્હી એ હુમલામાંથી બહાર નીકળી શક્યું નહીં

કાશ્મીર સુધી પહોંચતાં પહેલાં તો તૈમૂરના હાથમાં ફોલ્લા થઈ ગયા. જ્યારે એમણે કાબુલ પાર કર્યું ત્યારે એમના બંને હાથ અને પગમાં છાલાં પડી ગયાં. એમની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેઓ ઘોડાની પીઠ પર બેસવાને લાયક પણ ના રહ્યા.

એમણે હિન્દુકુશના પહાડોની સફર એક વછેરાની પીઠ પર બેસીને કરી. આ આખો રસ્તો એટલો ચક્રાકાર હતો કે શાહી બેડાને એક દિવસમાં એક નદી 48 વાર પાર કરવી પડી.

સમરકંદમાં પ્રવેશતાં પહેલાં તૈમૂરે પોતાના પિતાની કબર પર માથું નમાવ્યું. બીજી બાજુ, સમરકંદથી એક હજાર માઈલ દૂર દિલ્હી ખંડિયેરમાં બદલાઈ ગઈ.

ભારતીય સુલતાનોની ઘણી પેઢીઓએ જમા કરેલી અઢળક સંપત્તિ થોડાક જ દિવસોમાં એમના હાથમાંથી જતી રહી. એટલું જ નહીં, સલ્તનતના અનાજ ભંડાર અને ઊભા પાક પણ નષ્ટ થઈ ગયા. દિલ્હી સંપૂર્ણ બરબાદ થઈ ગઈ. ત્યાં બચી ગયેલા લોકો ભૂખમરાથી મરવા લાગ્યા અને લગભગ બે મહિના સુધી પક્ષીઓ સુધ્ધાંએ દિલ્હીની દિશામાં જોયું નહીં.

દિલ્હીને આવી હાલતમાંથી બહાર નીકળતાં પૂરાં સો વરસનો સમય લાગ્યો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો