માઇન કમ્ફ: હિટલરના મોત પછી તેની કરોડોની સંપત્તિ કોના હાથમાં પડી?

    • લેેખક, ડેલિયા વેન્ચુરા
    • પદ, બીબીસી વર્લ્ડ

જર્મન યહૂદી હર્મન રોથમૅન બ્રિટિશ ઇન્ટેલિજન્સ સર્વિસ સાથે કામ કરતા હતા. 1945ની એક સવારે તેઓ જાગ્યા ત્યારે તેમને અંદાજ નહોતો કે કેવી ખુફિયા કામગીરી કરવા માટે તેમણે જવાનું થશે.

તેમને ખ્યાલ હતો કે બ્રિટીશ અધિકારીઓએ હેન્ઝ લોરેન્ઝ નામના એક નાઝી અધિકારીને પકડી પાડ્યો હતો. નાઝી સરકારના પ્રચારમંત્રીજોસેફ ગોબેલ્સના પ્રેસ સેક્રેટરી તરીકે તેઓ કામ કરતા હતા. પોતાની ઓળખના નકલી દસ્તાવેજો તૈયાર કરવા બદલ તેમની ધરપકડ કરાઈ હતી.

1945માં હિટલરના મોતની ઘટનાની તપાસ કરવા મિત્ર દળોએ એક ઇન્ટેલિજન્સ સમિતિ બેસાડી હતી. તેમાં કામ કરતા કૅપ્ટન હ્યુજ ટ્રેવર-રોપરના જણાવ્યા અનુસાર ગાર્ડે જ્યારે લોરેન્ઝને ગરદનથી પકડ્યા ત્યારે ત્યાં કેટલાક કાગળિયાં હોવાનું લાગેલું.

તેમના જાકીટની પણ તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી પણ કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. હિટલરના સેક્રેટરી માર્ટિન બોરમૅને આ દસ્તાવેજો લોરેન્ઝને આપેલા, જેથી તેઓ બર્લિનની બહાર નીકળી શકે.

આ દસ્તાવેજોમાં એડોલ્ફ હિટલરનું છેલ્લું વસિયતનામું અને તેમનું સોગંદનામું પણ હતું.

રોથમૅન અને બીજા ચારને જવાબદારી સોંપાઈ કે તેમણે આ દસ્તાવેજોનું ટૉપ સિક્રેટ જાળવીને તેનો અનુવાદ કરવો. 2014માં તેમણે "હિટલર્સ વીલ" પુસ્તક લખ્યું અને તેનું વિમોચન કર્યું ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આ બધી વાતો જણાવી હતી.

આ અનુવાદ કરનારા બધા યહૂદીઓ હતા અને તેમના માટે વક્રતા એ હતી કે તેમણે હિટલર તેના મોતની અંતિમ ઘડીએ શું વિચારી રહ્યો હતો તે જાણવાનું આવ્યું હતું. યહૂદીઓનું નિકંદન કાઢી નાખવા પ્રયાસ કરનારા માણસના અંતિમ વિચારો તેમણે અનુવાદિત કરવાના હતા.

વિલાપનો વારસો

પોતાના છેલ્લા રાજકીય વિચારોમાં હિટલરે ખુલાસો કરવાની કોશિશ કરી હતી કે શા માટે તેણે આજ સુધીનાં કાર્યો હાથ ધર્યાં હતાં અને આગળ માટેની તેની શી યોજના છે. આ બધાની વચ્ચે હંમેશની જેમ યહૂદીઓ માટેનો તેનો ધિક્કાર વારંવાર દેખાઈ આવતો હતો. પોતાના અનુગામી તરીકે કેવી સરકાર આવશે તેની રૂપરેખા પણ આપેલી અને તેમાં નવા પ્રધાનોની નિમણૂક પણ કરી દીધેલી.

જોકે આ બધામાં હિટલરે પોતાની સંપત્તિ વિશે ખાસ કંઈ લખ્યું નહોતું.

"મારી જે પણ કંઈ મિલકતો હોય અને તેનું જે કંઈ થોડું ઘણું મૂલ્ય હોય તે બધું પક્ષને આપું છું. જો પક્ષ ના હોય ત્યારે તે રાષ્ટ્રને મળશે અને રાષ્ટ્ર પણ ખતમ જઈ જવાનું હોય તો પછી મારે કોઈ નિર્ણય લેવાનો આવતો નથી."

હિટલરે પોતાનું છેલ્લી વસિયત તૈયાર કરાવી ત્યારે પણ તેમણે આવી જ ઇચ્છા વ્યક્ત કરી હતી. 29 એપ્રિલ, 1945ના રોજ સાંજે ચાર વાગ્યે તેમણે બર્લિનમાં આ વસિયતનામું તૈયાર કરાવ્યું હતું અને તેની સાથે પોતાની રાજકીય વિચારધારાને પણ લખી હતી. તે પછીના દિવસે તેમણે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

હિટલરે લખાવ્યું હતું કે તેમની પાસે જે ચિત્રો છે, "તે ખાનગી સંગ્રહ માટે ક્યારેય નહોતાં. તે ચિત્રોને મારા ડેન્યુબ નદી કિનારે આવેલા વતન લિન્ઝમાં ગૅલેરીમાં પ્રદશિત કરવા માટે છે."

"સાદગીભર્યું અને સરળ જીવન જીવવાનું લક્ષ્ય" પોતાનું છે તે પોતાનો પરિવાર અને વફાદાર કાર્યકરો તથા મિસિસ એની વિન્ટર જેવાં ઘરની સંભાળ લેનારા લોકો પાર પાડશે એમ તેમણે લખ્યું હતું.

આના પરથી એવું લાગે કે એક દાયકા કરતાંય વધુ સમય નાઝી જર્મનીમાં એકહથ્થુ સત્તા ચલાવનારા આ માણસે પોતાની જનમાનસમાં છાપ હતી તે રીતે પાછળ એક વારસો છોડ્યો, પણ ભાગ્યે જ કોઈ સંપત્તિ એકઠી કરી હતી.

સાદગીપૂર્ણ?

પોતે બહુ સાદગીપૂર્ણ જીવન જીવે છે એવી છાપ હિટલરે ઊભી કરી હતી. 1930ના દાયકામાં અને બીજા વિશ્વ યુદ્ધ વખતે ઊભી થયેલી ફાસીવાદી વિચારધારામાં આવી રીતે સાદાઈને બહુ મહત્ત્વ અપાતું હતું.

લોકોમાં એવી છાપ હતી કે હિટલરને પૈસાની કંઈ પડી નથી, અને તે પોતે પણ વૈભવી જીવન જીવે છે તેવી છાપ ના પડે તેની કાળજી લેતો હતો.

આવી સ્થિતિ વચ્ચેય હિટલર પાસે ભાગ્યે જ કોઈ સંપત્તિ આ દસ્તાવેજોમાં દેખાતી હતી તેની નવાઈ અનુવાદકોને લાગી હતી.

રોથમૅન કહે છે, "અમને એવી કલ્પના હતી કે તેણે અઢળક સંપત્તિ એકઠી કરી હશે."

જોકે તેમની કલ્પના પાછળથી સાચી પણ પડી હતી.

પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલાં વિયેનામાં એક કલાકાર તરીકે કામ કરતી વખતે પોતે ગરીબી જોઈ હતી અને હાડમારીભર્યું જીવન જીવ્યું હતું તેનું વર્ણન કાયમ હિટલર કરતો હતો. પરંતુ તે પછી સત્તા પર આવ્યા બાદ હિટલરે સારી એવી સંપત્તિ પણ એકઠી કરી હતી.

કરોડોની સંપત્તિ

હિટલરે ખરેખર કેટલી સંપત્તિ એકઠી કરી હતી તેનો આંકડો કાઢવો મુશ્કેલ છે.

જુદી જુદી તપાસ, ડૉક્યુમૅન્ટરી અને અહેવાલોમાં આનો અંદાજ મુકાતો રહ્યો છે. આવકના કયા કયા સ્રોત હતા તેની યાદીમાં પોતાની તસવીર પોસ્ટલ સ્ટૅમ્પમાં વાપરવા માટેના હકની કમાણીનો તથા કંપનીઓ અને ઉદ્યોગપતિઓ તરફથી મળતા ફાળાની રકમનો સમાવેશ થતો હતો.

ક્રિસ વૅટને 2005માં આ વિષય પર "હિટલર્સ ફોર્ચ્યુન" નામનું પુસ્તક લખ્યું હતું અને આવકનાં સાધનો વિશે તપાસ કરી હતી. તેમનું પણ કહેવું છે કે અંદાજ લગાવવો મુશ્કેલ છે, કેમ કે રેઇકમાર્ક્સનું મૂલ્ય યુરો કે ડૉલરમાં ગણવું તેમાં પણ મુશ્કેલી છે.

તેમણે હિટલરની સંપત્તિના અંદાજ માટે તેની સાથે સંકળાયેલી બે મહત્ત્વની ઐતિહાસિક ઘટનાના ખર્ચની સરખામણી કરી હતી.

તેઓ જણાવે છે કે: "હિટલરે બર્લિનમાં આત્મહત્યા કરીને તેના છ દિવસ પહેલાં 24 એપ્રિલ, 1945ના રોજ હિટલર કદાચ યુરોપનો સૌથી ધનવાન માણસ હતો અને તેની સંપત્તિ અંદાજ 2003ના વર્ષના મૂલ્યાંકન પ્રમાણે 1,350 મિલિયન અથવા 43,500 મિલિયન યુરો જેટલી હતી."

યુરો અને ડૉલરમાં સંપત્તિનું મૂલ્ય આંકવામાં આવે એટલે તે વધારે લાગતી હોય છે અને બીજું કે આ બે રકમ વચ્ચે બહુ મોટું અંતર છે એટલે ખરેખર હિટલરની મિલકતોનો અંદાજ મુશ્કેલ જ છે.

પાકી માહિતીના અભાવ ઉપરાંત એક બીજો મુદ્દો પણ જાગ્યો હતો. તે હતો 350 મિલિયન ડૉલરની રકમનો, જે જુદાં જુદાં ખાતાંમાં જમા હતી. અમેરિકાની ઑફિસ ઓફ સ્ટ્રેટેજિક સર્વિસીઝની તપાસમાં આ ખાતાં મળી આવ્યાં હતાં. આ સંસ્થા જ આગળ જતા સીઆઈએ બની હતી અને તેના દસ્તાવેજો દાયકા બાદ ડિક્લાસિફાઈ કરાયા ત્યારે આ માહિતી જાહેર થઈ હતી.

સ્વિટ્ઝર્લૅન્ડ સહિતના દેશોમાં પણ ખાતાં હોવાની માહિતી પછીનાં વર્ષોમાં બહાર આવતી રહી હતી.

જોકે વર્ષો સુધી આ રકમ માટે દાવો ના થયો હોય ત્યારે તે પછી સ્વિસ સરકારે જપ્ત કરી લીધી હોય.

જોકે હિટલરની કેટલીક સંપત્તિઓ વિશે મોટા ભાગના સ્રોતો સહમત થાય છે.

હિટલરની સંપત્તિ

હિટલરની જાણીતી મિલકતોમાં બેવેરિયન આલ્પ્સમાં આવેલું તેમનું મકાન અને મ્યુનિકમાં એક ઍપાર્ટમૅન્ટ હતું.

જોકે હિટલરને ખરી કમાણી તેના પુસ્તકમાંથી થઈ હતી. કસ્ટમ અધિકારીનો આ પુત્ર કલાકાર બનવા માગતો હતો અને આખરે પુસ્તકમાંથી જ તેને કમાણી થઈ હતી.

હિટલર 1924માં બળવાના આરોપસર જેલમાં હતો ત્યારે પુસ્તક લખવાનું શરૂ કર્યું હતું. પોતાની સાથે રહેલા (અને બાદમાં નાઝી સરકારમાં બીજા નંબરનું સ્થાન મેળવનારા) રુડોલ્ફ હેસને ડિક્ટેશન આપીને તેણે વિચારો નોંધવાનું શરૂ કર્યું હતું.

'માઇન કમ્ફ' પુસ્તક લખવા પાછળનો હિટલરનો એક હેતુ તેના વેચાણમાંથી થતી આવકમાંથી પોતાની કાનૂની લડાઈનો ખર્ચ કાઢવાનો પણ હતો.

મૂળ આ પુસ્તકનું મથાળું જુદું વિચારેલું, જે બહુ લાંબું હતું "અ ફોર ઍન્ડ અ હાફ યર સ્ટ્રગલ અગેઇન્સ્ટ લાઈઝ, સ્ટુપિડીટી, અને કાવર્ડીઝ: સેટલિંગ અકાઉન્ટ્સ વિથ ધ ડિસ્ટ્રોયર્સ ઑફ ધ નેશનલ સોશિયાલિસ્ટ મૂવમૅન્ટ."

આ પુસ્તકનું પ્રકાશન હિટલરના વિશ્વાસુ અને મ્યુનિકની પ્રકાશક કંપનીના ડિરેક્ટર મેક્સ એમને કર્યું હતું. તેમણે આટલું લાંબું મથાળું રાખવાને બદલે પુસ્તકનું નામ ટૂંકું અને સચોટ રાખવાનું સૂચવેલું "માઇન કમ્ફ" જેનો અર્થ થાય છે "મારો સંઘર્ષ."

આ પ્રકાશકે 18 જુલાઈ, 1925ના રોજ પ્રથમવાર 400 પાનાંનું આ પુસ્તક ભાગ-1 તરીકે પ્રગટ કર્યું હતું. તેની સાથે સબટાઇટલ હતું "રિટ્રોસ્પેક્શન." તે પછી 10 ડિસેમ્બર, 1926માં ભાગ-2 પ્રગટ થયો હતો, જેનું નામ હતું "ધ નેશનલ સોશિયલિસ્ટ મૂવમૅન્ટ".

આગળ જતાં મે 1930માં બંને ભાગને ભેગા કરીને એક જ આખરી પુસ્તક પ્રગટ થયું હતું.

લગ્નની ભેટ

પ્રારંભમાં માઇન કમ્ફનું વેચાણ સામાન્ય જ રહ્યું હતું. 1925માં તેની માત્ર 9,000 નકલ વેચાઈ હતી.

જોકે રાજકારણી તરીકે એડોલ્ફ હિટલર જાણીતો થવા લાગ્યો તે સાથે લેખક તરીકેની તેની લોકપ્રિયતા પણ વધવા લાગી.

1930 સુધીમાં જર્મનમાં હિટલરની નાઝી પાર્ટી બીજા નંબરનો સૌથી મોટો રાજકીય પક્ષ બની ગયો હતો. તે વર્ષે હવે હિટલરના પુસ્તકની 50,000 નકલો વેચાઈ હતી.

આગળ જતા સત્તા મળી એટલે દરેક શાળામાં માઇન કમ્ફ પુસ્તકનો અભ્યાસ ફરજિયાત કરાયો હતો. એવી પણ રીત પ્રચલિત બની કે પાલિકા સત્તાધીશો માઇન કમ્ફની કૉપીઓ ખરીદીને રાખતા અને દરેક નવપરણિત યુગલને તેની ભેટ આપતા.

1933ના એક જ વર્ષમાં માઇન કમ્ફની દસ લાખથી વધારે નકલોનું વેચાણ થયું હતું, કેમ કે જર્મનીના દરેક નાગરિક પર તે પુસ્તક ખરીદવા માટેનું દબાણ થવા લાગ્યું હતું.

મ્યુનિકના આર્કાઇવ્ઝમાં રહેલા દસ્તાવેજો અનુસાર તે વર્ષે પુસ્તકના વેચાણમાંથી હિટલરને 1,232 મિલિયનની કમાણી થઈ હતી. તે વખતે જર્મનીમાં શિક્ષકનો આખા વર્ષનો પગાર 4,800 રેઇકમાર્ક્સ હતો તેની સામે આ કમાણી બહુ જ જંગી કમાણી ગણાય.

વેરાનો મામલો

પુસ્તકમાંથી આટલી જંગી કમાણી થતી હોય એટલે હવે તેના પર ટૅક્સ પણ લાગે. હિટલર હવે ચાન્સેલરના હોદ્દા પર હતો, પણ કોઈ માથાફરેલા કે મૂરખ કર્મચારીએ પુસ્તકની કમાણી પર વેરાનું બિલ તૈયાર કરીને મોકલી દીધું. 4,05,494 રેઇકમાર્ક્સનો વેરો ભરવાનું બિલ મોકલી અપાયું હતું.

આ બિલ નાણાખાતાને મોકલી અપાયું એટલે અધિકારીઓએ ફેંસલો આપી દીધો કે: "નેતાએ વેરો ભરવાનો થતો નથી".

માઇન કમ્ફ પુસ્તકનો અનુવાદ 16 ભાષાઓમાં થયો હતો અને તેના કારણે પણ જંગી કમાણી થઈ હતી. પ્રકાશક મેક્સ એમન હવે હિટલરના બિઝનેસ મૅનૅજર તરીકે કામ કરતા હતા અને આ બધી કમાણીનો હિસાબ રાખતા હતા. તેમનું પ્રકાશન ગૃહ નાઝી જર્મનીનું સૌથી પ્રભાવી અને ધનિક પ્રકાશન ગૃહ બની ગયું હતું.

"પક્ષ અને રાષ્ટ્રને સમર્પિત"

હિટલરે આત્મહત્યા કરી અને નાઝીઓને પરભ્રષ્ટ કરી દેવાયા તે પછી આ તેની સંપત્તિ હવે મિત્ર દેશોના હાથમાં આવી હતી.

તેની છેલ્લી વસિયતમાં હિટલરે લખેલું કે "મારું જે કંઈ છે તે પક્ષને આપી દેવું" પણ તેનો અમલ થઈ શકે તેમ નહોતો. તેમણે એવું પણ લખેલું કે કદાચ પક્ષનું અસ્તિત્વ ના રહે તો... ખરેખર એવું જ થયું હતું અને નાઝી પક્ષને વિખેરી નાખવામાં આવ્યો હતો.

પક્ષ ના રહે તો રાષ્ટ્રને સમર્પિત કરવું એવું પણ લખેલું, પરંતુ નાઝી રાષ્ટ્રને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું.

"રાષ્ટ્ર પણ ખતમ થઈ જાય, તો પછી મારે બીજો કોઈ નિર્ણય કરવાનો રહેતો નથી."

વિજેતા મિત્ર દેશોએ જ આખરે હિટલરની સંપત્તિનો નિર્ણય કરવાનો હતો. બેવરિયા સ્ટેટમાં નાગરિક તરીકે હિટલરનું નામ નોંધાયેલું હતું એટલે તે સંપત્તિ તેને સોંપી દેવામાં આવી હતી.

પહાડો પર બનેલું તેનું મકાન બૉમ્બમારામાં પડી ભાંગ્યું હતું અને બાદમાં સૈનિકોએ તેની અંદરની વસ્તુઓ લૂંટી લીધી હતી.

અવશેષો બચ્યા હતા તેને પણ 1952માં બેવરિયાની સરકારે ખતમ કરી નાખ્યા, જેથી પ્રવાસીઓ માટે આ ખંડિયેર આકર્ષણનું કેન્દ્ર ના બને.

હિટલરનું મકાન શહેરમાં હતું ત્યાં પોલીસ સ્ટેશન બનાવી દેવાયું હતું.

પુસ્તકના કૉપીરાઇટ બેવરિયા સરકારે લઈ લીધા અને જર્મન ભાષી પ્રાંતોમાં તેનું પ્રકાશન બંધ કરાવી દીધું હતું. જોકે તેમાં બહુ સફળતા મળી નહોતી અને અન્યત્ર તે છપાતું રહ્યું હતું. હિટલરના મોતનાં 70 વર્ષ પછી 30 એપ્રિલ, 2015માં તેના કૉપીરાઇટનો પણ અંત આવી ગયો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો