બિલકીસબાનો કેસમાં છોડી મુકાયેલા ગુનેગારોની સજામાફી રદ કરવા હજારોએ CJIને પત્ર લખ્યો - પ્રેસ રિવ્યૂ

કર્ણાટકના 29 જિલ્લામાંથી 40 હજાર લોકોએ 'કર્ણાટક વિધ બિલકીસ'ના એક સહી કૅમ્પેન અંતર્ગત ભારતના મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતને આવેદનપત્ર મોકલી આપ્યું છે.

બીબીસીના સહયોગી પત્રકાર સુચિત્ર મોહંતી અનુસાર આ આવેદનપત્રમાં ગુજરાતનાં બિલકીસબાનો પર બળાત્કાર અને તેમના પરિવારજોની હત્યાના કેસમાં સજા ભોગવી રહેલા ગુનેગારોની સજામાફી રદ કરી તેમને ફરીથી આજીવન જેલવાસ માટે મોકલવા અરજી કરાઈ છે.

બીબીસી પાસે આ આવેદનપત્રની કૉપી છે. તે મુજબ "11 દોષિતોને અપાયેલ સજામાફી રદ કરી ગુનેગારોને ફરીથી આજીવન જેલમાં મોકલવામાં આવે. નિર્ભયા કેસ બાદ વર્ષ 2014માં સજામાફીની નીતિમાં થયેલ ફેરફાર અનુસાર બળાત્કાર અને હત્યા જેવા જઘન્ય અપરાધમાં ગુનેગારોને સજામાફીને આપવાની મનાઈ ફરમાવી છે."

મેમૉરેન્ડમમાં આગળ લખાયું છે કે, "બિલકીસબાનો અને તેમના પરિવારને ધાકધમકીઓ સામે રક્ષણ માટે સિક્યૉરિટી આપો. જેથી તેમનાં જીવનોનું પુન:ઘડતર, જીવનમાં શાંતિ સ્થાપવા માટે એ જરૂરી છે. આ સિવાય સાક્ષીઓ અને સહાયકોને પણ પ્રોટેક્શન આપવાની જરૂર છે."

આવેદનપત્રમાં આગળ લખાયું છે કે ગુનેગારોને ફૂલહાર પહેરાવવા અને તેમના નાયક જેવા સ્વાગતથી બિલકીસબાનો અને આપણાં દેશનાં મહિલાઓની વધુ બેઇજ્જતી થઈ છે. આ સિવાય એ પણ ઘણું આશ્ચર્યચકિત કરનારું છે કે આ કેસમાં માત્ર એક જ ગુનેગારે સજામાફીની અરજી કરી હોવા છતાં તમામ 11 ગુનેગારોને સજામાફી આપી દેવાઈ છે. આવું ત્યારે કરાયું છે જ્યારે કાયદામાં સ્પષ્ટપણે એવું લખાયું છે કે દરેક સજામાફીની અરજીનું સ્વતંત્રપણે મૂલ્યાંકન કરવાનું છે.

જમ્મુ-કાશ્મીરના ડીજી (જેલ)ની હત્યા મામલે નોકરની ધરપકડ, ઘરમાંથી મૃતદેહ મળ્યો હતો

જમ્મુથી બીબીસીના સહયોગી પત્રકાર મોહિત કંધારીના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિદેશક (જેલ) હેમંત લોહિયાનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. સંદેહાસ્પદ પરિસ્થિતિમાં મળેલા મૃતદેહ મામલે પોલીસે તેમના નોકરની ધરપકડ કરી છે.

જમ્મુમાં હાજર બીબીસીના સહયોગી પત્રકાર મોહિત કંધારીએ જણાવ્યું કે 23 વર્ષીય નોકરને પકડવા માટે જમ્મુ કાશ્મીર પોલીસે રાતના શોધખોળ ચલાવી હતી.

પોલીસનું કહેવું છે કે આરોપી યાસિર સાથે પૂછપરછ શરૂ કરી દીધી છે. રામબન જિલ્લાના કાન્હાચક વિસ્તારમાંથી યાસિરની ધરપકડ થઈ છે.

સમાચાર સંસ્થા પીટીઆઈના રિપોર્ટ અનુસાર, યાસિર લાહોન રામબન જિલ્લાના હાલ્લા ધાંડરથ ગામના રહેવાસી છે.

અગાઉ એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું હતું કે હેમંત લોહિયાનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો. તેનો ઘરનો નોકર ફરાર છે, તેની શોધ ચાલી રહી છે.

પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હત્યાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આઈપીએસ અધિકારી હેમંત લોહિયાને બે મહિના પહેલા જમ્મુ-કાશ્મીરના જેલ વિભાગના નવા ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા હતા. તે શહેરની સીમમાં આવેલા ઉદયવાલામાં રહેતા હતા.

આ હત્યા એવા સમયે થઈ છે જ્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. આ ઘટનાએ કાશ્મીરમાં સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.

અમિત શાહ જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે છે.

ગુજરાત ભાજપે પંજાબના CM ભગવંત માન સાથેની 'સેલ્ફી' શૅર કરનાર ભાજપ નેતાને સસ્પેન્ડ કર્યા

સોમવારે ગુજરાત ભાજપે પાર્ટીના પૂર્વ પ્રવક્તા કિશનસિંહ સોલંકીને પાર્ટીવિરોધી ગતિવિધિઓ બદલ સસ્પેન્ડ કરી દીધા. તેમણે પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન સાથે લીધેલી એક સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

ગુજરાત ભાજપના નિવેદન અનુસાર અમદાવાદના કિશનસિંહ સોલંકી છ મહિના પહેલાં સુધી ભાજપના પ્રવક્તા હતા. આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન સાથેની સેલ્ફી પોસ્ટ કર્યાના થોડા જ કલાકો બાદ તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

રવિવારે તેમણે પોતાના ફેસબુક પેજ પર સેલ્ફી પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, "જન્મદિવસની શુભેચ્છાઓ માટે આભાર @BhagwantMann ji @CMOPb". તેમણે આ પોસ્ટમાં ભગવંત માન અને પંજાબના મુખ્ય મંત્રી કાર્યાલયને પણ ટૅગ કર્યા હતા.

ઉત્તર કોરિયાએ જાપાનની ઉપરથી મિસાઇલ છોડી, હાઈ એલર્ટ વચ્ચે ટ્રેનો રદ

ઉત્તર કોરિયાએ ઉત્તરી જાપાન પરથી મધ્યવર્તી રેન્જની બેલેસ્ટિક મિસાઇલ છોડી છે.

આ કારણે જાપાન સરકારે હોકાઈડો દ્વીપના લોકોને ઘરની બહાર ન નીકળવા કહ્યું છે. સરકારે કેટલીક ટ્રેનોનું સંચાલન પણ અસ્થાયી ધોરણે બંધ કરી દીધું છે.

2017 પછી આ પ્રથમ વખત છે જ્યારે ઉત્તર કોરિયાએ જાપાન ઉપર મિસાઇલ છોડી છે.

સંયુક્ત રાષ્ટ્રએ ઉત્તર કોરિયા પર બેલેસ્ટિક અને પરમાણુ હથિયારોના પરીક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે.

જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ ઉત્તર કોરિયાના પગલાની સખત નિંદા કરી છે અને તેને "હિંસક વર્તન" ગણાવ્યું છે. જાપાન સરકારે આ અંગે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બોલાવી હતી.

સરકારે કહ્યું કે આ મિસાઇલ જાપાનથી લગભગ 3000 કિલોમિટર દૂર પ્રશાંત મહાસાગરમાં પડી હતી.

દક્ષિણ કોરિયાએ માહિતી આપી હતી કે મિસાઇલ સ્થાનિક સમય અનુસાર લગભગ 7:29 વાગ્યે લૉન્ચ કરવામાં આવી હતી અને તે જાપાની ઍરસ્પેસમાંથી પસાર થઈ હતી.

અમેરિકાએ ઉત્તર કોરિયાના આ પગલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે.

એક સપ્તાહમાં ઉત્તર કોરિયાનું આ પાંચમું મિસાઇલ પરીક્ષણ છે.

શનિવારે જાપાનના ઍક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) પાસે બે રૉકેટ ઉતર્યાં હતાં.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના દબાણ છતાં કિમ જોંગ ઉને તાજેતરમાં મિસાઇલના પરીક્ષણો તેજ કર્યા છે.

સખત પ્રતિબંધો છતાં ઉત્તર કોરિયાએ 2006 થી 2017 વચ્ચે છ પરમાણુ પરીક્ષણો કર્યાં હતાં.

માર્સ ઑર્બિટર મિશન સમાપ્ત, રોવર હવે મેળવી શકાશે નહીં: ઇસરો

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગનાઈઝેશન(ઇસરો)એ સોમવારે જાહેરાત કરી છે કે માર્સ ઑર્બિટર મિશન (એમઓએમ) હવે પાછું મેળવી શકાશે નહીં અને તેનું આયુષ્ય સમાપ્ત થયું છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, માર્સ ઑર્બિટર મિશન 8 વર્ષથી પોતાના મિશનમાં સક્રિય આ અભિયાન અંગે ઇસરોએ નિવેદનમાં જણાવ્યું છે કે ટેકનૉલૉજી નિદર્શન તરીકે મોકલાયેલા માર્સ ઑર્બિટર મિશનની આવરદા 6 મહિનાની આંકવામાં આવી હતી,

તેમ છતાં તે 8 વર્ષ સુધી મંગળની ભ્રમણકક્ષામાં સક્રિય રહ્યું અને અદ્દભુત પરિણામો મેળવ્યાં. એપ્રિલમાં લાંબા ગ્રહણને પરિણામે સ્ટેશન સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો.

આ મિશને ઐતિહાસિક ખગોળીય સિદ્ધિઓ હાંસલ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભારતે સફળતાપૂર્વક મંગળની આસપાસની ભ્રમણકક્ષામાં ઉપગ્રહ મૂક્યો હતો, જે આવું કરનાર ચોથો દેશ અથવા જિયો-બ્લૉક બન્યો હતો.

મંગલયાન રોબૉટિક પ્રોબ, જે અત્યાર સુધીનું સૌથી સસ્તું આંતરગ્રહીય મિશન હતું અને તેણે લાલ ગ્રહના વાતાવરણનો અભ્યાસ કર્યો હતો.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશે "અશક્ય કહી શકાય" તેવી સિદ્ધિ હાંસલ કરી છે.

અગાઉ માત્ર યુએસ, રશિયા અને યુરોપે જ મંગળ પર મિશન મોકલ્યા છે, અને ભારતે તેના પ્રથમ પ્રયાસમાં સફળતા મેળવી છે

ચેતન રાવલ, દલિત લેખક અને અન્ય બે 'આપ'માં જોડાયા

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, કૉંગ્રેસના અમદાવાદ શહેર એકમના પૂર્વ પ્રમુખ ચેતન રાવલ અને મોરબીની હળવદ નગરપાલિકાના પક્ષના પ્રમુખ મનસુખ પટેલની સાથે કૉંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી છબીલદાસ મહેતાનાં પુત્રી નીતા મહેતા અને દલિત લેખક સુનીલ જાદવ સોમવારે આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતાં.

તેઓ 'આપ'ના રાષ્ટ્રીય મહાસચિવ ઈન્દ્રનીલ રાજ્યગુરુની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.

ચેતન રાવલે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું, "કેજરીવાલના સક્ષમ નેતૃત્વ હેઠળ, પાર્ટીએ આરોગ્ય, શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે સારું કામ કર્યું છે.

સુનીલ જાદવ ગુજરાતી વિભાગના એસોસિએટ પ્રોફેસર છે. આ ટ્રસ્ટનું નેતૃત્વ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ કરે છે. તેમણે ઉનામાં દલિતો પરના અત્યાચારનો વિરોધ કરીને રાજ્ય સરકારને મહાત્મા ફૂલે શ્રેષ્ઠ દલિત પત્રકાર ઍવૉર્ડ પરત કર્યો હતો.

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની રાજ્યની તત્કાલીન ભાજપ સરકાર દ્વારા પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ 2011-'12માં તેમને આ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

મુંબઈમાં ગરબા બાદ 35 વર્ષના યુવકનું મોત, આઘાતથી પિતાનું પણ મોત

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, મુંબઈના વિરારમાં રહેતા 35 વર્ષીય મનીષકુમાર જૈનને તેમની સોસાયટીમાં ગરબા રમવા દરમિયાન સ્વાસ્થ્ય લથડતા તેમના 65 વર્ષીય પિતા રિક્ષામાં હૉસ્પિટલ લઈ ગયા.

હૉસ્પિટલના પ્રાંગણમાં જ મનીષને હૃદયરોગનો હુમલો આવતા તેમના પિતાએ તેમનો ઉપચાર કર્યો પરંતુ પુત્રનું મૃત્યુ થયું અને બાદમાં તે જ સ્થળે આઘાતથી પિતાનું પણ મૃત્યુ થયું હતું.

વિરારની ગ્લોબલ સિટીના એવરશાઈન ઍવન્યૂમાં રહેતા મનિષના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા. તેઓ સોસાયટીમાં ગરબા રમતા હતા ત્યારે રાત્રે 11 વાગ્યાના સુમારે તેમને ગભરામણ થઈ અને તેઓ ઘરે પાછા ફર્યા જ્યાં તેમને ઊલટી થઈ હતી. તેમના પિતા અને કાકા મનીષને રિક્ષામાં હૉસ્પિટલ લઈ ગયા હતા.

હૉસ્પિટલના પ્રાંગણમાં પહોંચતા જ મનીષ ફસડાઈ પડ્યા હતા અને પિતા નરપતે જોયું તો પુત્રમાં ચેતન ન હતું. તેમણે મનીષમાં ચેતન લાવવાનો પ્રયાસ કર્યો અને આઘાતમાં એ જ સ્થળે તેમનું પણ મોત થયું.

મનીષને કોઈ આરોગ્યની સમસ્યા નહોતી. બે અઠવાડિયા પહેલાં મનીષના કાકાનું મૃત્યુ થયું હતું. બે મરણને કારણે સોસાયટીમાં ગરબા સમારોહ બંધ રાખવામાં આવ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો