'રાજ્યમાં એમની સરકાર અને કેન્દ્રમાં પણ', ખેડૂતોને કચડી નાખવાની ઘટનાના એક વર્ષ બાદ પીડિતોને ન્યાયની કેવી આશા?

    • લેેખક, પ્રશાંત પાંડેય
    • પદ, બીબીસી, લખીમપુર ખીરીથી

"સર, શું કહું એ મંત્રી, અમે નાના ખેડૂત. ત્યારે તો કચડી નખાયા છીએ, મારી નખાયા છીએ. આશાનું શું કહું તમને, હવે તો આશા ત્યારે જ હશે જ્યારે ન્યાય મળશે."

એમ કહેતાં-કહેતાં પરમજિતકોરની આંખો ભરાઈ જાય છે. પોતાના દુપટ્ટાથી આંખો લૂછીને કહે છે, "ત્રણ તારીખ આવી રહી છે, ખૂબ દુઃખ થઈ રહ્યું છે."

દલજિત એ ચાર ખેડૂતો અને પત્રકારોમાંના એક હતા જેમને ગયા વર્ષે ત્રીજી ઑક્ટોબરે યુપીના લખીમપુર ખીરીમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થાર વડે કચડી નાખવામાં આવ્યા હતા.

બહરાઇચ જિલ્લાના બંજારા ટાંડા ગામની બહારની બાજુ એક ઘર દલજિતસિંહનું પણ છે.

દલજિતના પરિવારમાં પત્ની ઉપરાંત એક પુત્ર અને એક પુત્રી છે. થાર દ્વારા કચડાયેલા પિતાનું દર્દનાક મૃત્યુ પુત્ર રાજદીપે પોતાની આંખે જોયું હતું.

એ દૃશ્ય યાદ કરીને રાજદીપ આજે પણ કંપી ઊઠે છે.

તેમણે કહ્યું, "ડૅડીને કચડીને થાર જીપ દૂર સુધી ઘસડી ગઈ. સમજાયું નહીં કે અચાનક શું થયું? બસ, બધી બાજુ ચીસો-અવાજ હતાં. ત્યાર બાદ લોહીલુહાણ પિતાને લઈને તે લોકો હૉસ્પિટલ ભાગ્યા, પરંતુ પિતા જીવતા ના બચ્યા."

પરમજિતકોર એ દિવસને યાદ કરે છે, "એક વર્ષમાં અમારી દુનિયા બદલાઈ ગઈ. એવો એક પણ દિવસ નથી ગયો જેમાં એમની યાદ ના આવી હોય. હવે તો બસ ન્યાય જોઈએ."

જોકે, દલજિતકોરના પરિવારનું ઠીકઠાક મકાન ઊભું થઈ ગયું છે.

પરમજિતકોરે કહ્યું, "જે મદદ મળી હતી, કૉંગ્રેસ અને યોગીજી દ્વારા, એનાથી ઘર બનાવડાવી લીધું છે. એ જ કમાનાર હતા, એ તો જતા રહ્યા. હવે પૈસાથી શું થાય છે. પૈસા, અમને બે કરોડ આપી દો, કોઈ એમને પાછા લાવી આપી શકશે?"

દલજિતના કાકા ચરનજિતસિંહે કહ્યું કે, "તે દિવસ કઈ રીતે ભૂલી શકીએ. હવે બસ ન્યાયની અપેક્ષા છે, પરંતુ જ્યાં સુધી મંત્રી પોતાની ખુરશી પર બેઠા છે, ન્યાય મળતો નથી દેખાતો. પાવરનો ઉપયોગ થઈ રહ્યો છે. અમે ઇચ્છીએ છીએ, ફાંસી થાય એવા લોકોને. એનાથી ઓછું કશું નહીં."

શું થયું હતું 3 ઑક્ટોબર, 2021ના રોજ

  • 3 ઑક્ટોબર, 2021ના રોજ લખીમપુર ખીરીના તિકુનિયામાં ખેડૂત આંદોલન અંતર્ગત વિરોધ-પ્રદર્શન
  • કેટલાક લોકો પર મહિન્દ્રાની થાર ગાડી ચઢાવી દેવાઈ, ઘટનામાં ચાર ખેડૂત અને એક પત્રકારનાં મૃત્યુ
  • મૃતકોમાં બહરાઇચના દલજિતસિંહ, મોહર્નિયાનિવાસી ગુરવિંદરસિંહ, પલિયાના ચૌખડા ફાર્મનિવાસી લવપ્રીતસિંહ, ધૌરહકા તાલુકાના નક્ષત્રસિંહ
  • નિધાસનનિવાસી પત્રકાર રમન કશ્યપનું પણ મૃત્યુ થયું હતું
  • ઘટનાસ્થળે હાજર ભીડે કારોમાં સવાર 3 લોકોની મારી મારીને હત્યા કરી
  • ટોળાની મારપીટથી મરનારા હતા - ભાજપાના મંડલ અધ્યક્ષ રહેલા શ્યામસુંદર, લખીમપુર ખીરીના ભાજપ અધ્યક્ષ શુભમ્ મિશ્રા અને ડ્રાઇવર હરિઓમ મિશ્ર
  • બંને પક્ષ તરફથી તિકુનિયામાં એફઆઇઆર દાખલ કરાવવામાં આવી
  • ખેડૂતોની એફઆઇઆરમાં મુખ્ય આરોપી કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રીના પુત્ર આશિષ મિશ્ર મોનુ સમેત 13 આરોપી જેલમાં બંધ છે
  • આશિષ મિશ્રના સાથી સુમિત જયસ્વાલની એફઆઇઆરથી ચાર ખેડૂતો જેલમાં બંધ છે
  • કેસમાં કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અને લખીમપુર ખીરીના સાંસદ અજય મિશ્રના પુત્ર આશિષ મિશ્રને મુખ્ય આરોપી બનાવાયા
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી અખિલેશ દાસના ભત્રીજા અંકિત દાસ ઉપરાંત અન્ય 12 સહ-આરોપી
  • ઉત્તર પ્રદેશ પોલીસની એસઆઇટીએ આ કેસમાં પાંચ હજાર પાનાંની ચાર્જશીટ દાખલ કરી. એસઆઇટીએ ઘટનાને એક 'પૂર્વનિયોજિત કાવતરું' ગણાવી

ગુરવિંદના પિતાનો વિશ્વાસ

બહરાઇચ જિલ્લાના બંજારા ટાંડા ગામની આગળ જ લખનૌ રોડની પાસે હાઈવેથી લગભગ બે કિલોમીટર દૂર છે મોહર્નિયા ગામ.

ગુરવિંદર 18 વર્ષના હતા. ગયા વર્ષે 3 ઑક્ટોબરે ખેડૂતોના પ્રદર્શનમાં ગુરવિંદર પણ જોડાયા હતા.

ગુરવિંદરને યાદ કરતાં પિતા સુખવિંદરે નિસાસો નાખીને કહ્યું, "હવે તો યાદો જ રહી ગઈ છે. અમારી આશાઓ તો કોર્ટ પાસે છે. એ લોકો પાસેથી તો નથી. ભાઈ, રાજ્યમાં પણ એમની સરકાર અને કેન્દ્રમાં પણ એમની છે. અને તે ગૃહમંત્રી. ક્યાંક ને ક્યાંક પ્રેશર તો છે જ. અમે લોકો તો કોર્ટ પર જ વિશ્વાસ રાખીશું."

ઘરથી થોડે દૂર પુત્રની યાદમાં બનાવાયેલા સ્મારકને બતાવતાં સુખવિંદરે કહ્યું, "અમે પુત્રની શહીદીને યાદગાર બનાવી દીધી. પરંતુ સરકારે હજુ સુધી કોઈ વાયદો પૂરો નથી કર્યો. ન સરકારી નોકરી આપી, ન એમએસપી કાયદો લાગુ કર્યો અને ન તો હજુ સુધી અમારા લોકોનાં હથિયાર લાઇસન્સ બન્યાં."

નક્ષત્રસિંહના ઘરમાં પણ માતમ

નામદાર પુરવાના રહેવાસી 60 વર્ષના ખેડૂત નક્ષત્રસિંહ પણ તિકુનિયામાં 3 ઑક્ટબર, 2021ના દિવસે મંત્રીને કાળો ઝંડો બતાવવા ગયા હતા, પરંતુ જીવતા ઘરે પાછા ના આવ્યા.

એક વર્ષમાં નક્ષત્રસિંહના ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. ગેટ પર બંદોબસ્ત પણ મુકાયો છે. નક્ષત્રસિંહને યાદ કરતાં એમનાં પત્ની જશવંતકોર રડવા લાગ્યાં.

હીબકતાં કહ્યું, "જે દિવસે તેઓ આંદોલનમાં ગયા હતા, એ જ દિવસે એમનો જન્મદિવસ પણ હતો. વર્ષ પૂરું થઈ ગયા પછી પણ ન્યાય નથી મળ્યો. મંત્રી હજુ પણ પદ પર છે."

આમ બોલીને તેઓ ચૂપ થઈ જાય છે. થોડું અટકીને કહ્યું, "અમને છત્તીસગઢ અને પંજાબ સરકાર તરફથી તે સમયે 50-50 લાખ રૂપિયા મળ્યા હતા. 40 લાખ યોગીજીએ પણ આપ્યા હતા. પાંચ લાખ ખેડૂત દુર્ઘટના વીમાના મળ્યા."

એક વર્ષ પછી કેસની સ્થિતિ વિશે જગદીપે કહ્યું, "આખું વર્ષ વીતી ગયું, પરંતુ આખા વર્ષમાં કેટલી વાર જીવતા રહ્યા, કેટલી વાર મર્યા છીએ, એ શબ્દોમાં વર્ણવવું ખૂબ મુશ્કેલ છે મારા માટે."

એમણે કહ્યું કે કેસ ત્યાંનો ત્યાં જ છે. આજ સુધી કોઈ પ્રકારની કશી કાર્યવાહી નથી થઈ શકી. તેમણે કહ્યું, અમારા કેસમાં આજ સુધી ટ્રાયલ પણ શરૂ નથી થઈ. માત્ર જામીન-જામીન હજુ સુધી રમાઈ રહ્યું છે.

જગદીપે કહ્યું કે, "મંત્રીજીને હજુ સુધી પદ પરથી નથી હટાવાયા. મોદીજી એમને ફૂલ આપે છે, તેઓ એમની પાસેથી ફૂલ લે છે, તેઓ જન્મદિવસની શુભેચ્છા આપે છે, તેઓ એમને આપે છે. કેસ આ જ કારણથી ત્યાંનો ત્યાં અટકેલો છે. અમારા ચાર-પાંચ ખેડૂતો માર્યા ગયા, પરંતુ ન મોદીજીના કે ના યોગીજીના મોંએથી નીકળ્યું કે દુઃખદ ઘટના બની. આજ સુધી અમે લોકો એની જ રાહ જોઈ રહ્યા છીએ કે એમના મોંએથી આ શબ્દ નીકળી શકશે કે નહીં?"

ન્યાયની આશાના સવાલ પર જગદીપે કહ્યું કે સુપ્રીમ કોર્ટ પાસેથી જ આશા રહી છે.

લવપ્રીતના પિતા: હવે બદનામ કરવાનાં કાવતરાં પણ ચાલી રહ્યાં છે

તિકુનિયા હિંસામાં પોતાના 18 વર્ષના એકમાત્ર પુત્ર લવપ્રીતને ગુમાવનારા સતનામસિંહે કહ્યું, "અમારું જીવન તો 3 ઑક્ટોબર પછી ખૂબ બદલાઈ ગયું, પરંતુ જે ન્યાયની અપેક્ષા છે, તે નથી મળ્યો. એક વર્ષ થઈ ગયું."

સતનામસિંહે થોડાક દિવસ પહેલાં પલિયા થાણામાં આઇટી ઍક્ટ અંતર્ગત અજ્ઞાત લોકો સામે એક કેસ દાખલ કરાવ્યો છે. એમાં એમની પુત્રીઓ અંગે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

સતનામસિંહે આગળ કહ્યું કે, "હવે અમને બદનામ કરવા સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. એની પાછળ પણ એમના જ લોકો છે. હજુ સુધી નોકરી પણ નથી મળી સરકારી, જેની વાત થઈ હતી. ન્યાયની અપેક્ષા રાખીએ છીએ."

રમન કશ્યપના પરિવારની શી સ્થિતિ છે?

તિકુનિયામાં હિંસામાં મૃત્યુ પામેલા પત્રકાર રમન કશ્યપના ભાઈ પવન કશ્યપે કહ્યું કે ઘટના પછીથી ક્યારેક કોર્ટ-કચેરી તો ક્યારેક ક્યાંક બીજે, ચક્કર જ મારવાં પડે છે.

પવને કહ્યું કે સંયુક્ત ખેડૂત મોરચો પૂરી મદદ કરી રહ્યો છે અને મુશ્કેલીઓ એવી આવી રહી છે કે હજુ સુધી તેઓ મંત્રી પદ પર છે, ત્યાં સુધી ન્યાયની આશા નથી.

રમન કશ્યપના પિતા રામ દુલારેએ ભાવુક થઈને કહ્યું, "કહીને ગયો હતો કે કવરેજ કરવા જાઉં છું. 18-20 કલાક બાદ હૉસ્પિટલથી માહિતી મળી કે અજ્ઞાત મૃતદેહ પડ્યો છે. ન્યાય કઈ રીતે મળશે, મંત્રીપદનો પ્રભાવ તો છે જ. પ્રભાવ ના હોત તો એમને હટાવી દેવાતા."

રૅશનકાર્ડ માટે તરસી રહ્યો છે શ્યામસુંદરનો પરિવાર

તિકુડિયાકાંડમાં ખેડૂતો પર થાર ચઢાવી દીધા પછી હિંસામાં માર્યા ગયેલા ભાજપા કાર્યકર્તા શ્યામસુંદર નિષાદનો પરિવાર એક રૅશનકાર્ડ માટે પણ તરસી રહ્યો છે.

શ્યામસુંદરનાં માતા ફૂલમતી પુત્રની તસવીર જોઈને રડવા લાગે છે.

એમણે જણાવ્યું, "કાળજાનો કટકો હતો, જતો રહ્યો. વહુના નામનો 45 લાખનો ચેક મળ્યો હતો. પરંતુ વહુ ચેક લઈને પિયર જતી રહી. દિવાળીથી પાછી નથી આવી."

જયપરા ગામમાં શ્યામસુંદરના ઘર સુધી જતો રસ્તો ઇન્ટરલૉકિંગ જરૂર થઈ ગયો છે. રસ્તા પર અજય મિશ્ર ટેનીનું નામ છે.

માએ કહ્યું કે રસ્તો તો બની ગયો છે પરંતુ ના તો રૅશનકાર્ડ છે કે ના તો કોઈ નોકરી મળી, અને વહુ બધા પૈસા લઈને જતી રહી. હીબકાં ભરતાં તેમણે કહ્યું કે મદદ ના મળી તો દીકરીનાં લગ્ન કઈ રીતે થશે.

શુભમ્‌ના પિતા બોલ્યા, અમિત શાહ કે યોગીજી આવે ઘરે, હાલ જુએ

શુભમ્‌નો આખો પરિવાર ભાજપમાં જોડાયેલો છે. શુભમ્ જ ઘરમાં કમાનાર હતા. તેઓ એક ફર્મ ચલાવતા હતા.

પરંતુ એક વર્ષ પછી એમના પિતાએ એમને યાદ કરતાં કહ્યું, "એક પણ દિવસ એવો નથી જતો જેમાં એને યાદ ના કરતા હોઈએ."

તેઓ ભાજપના શીર્ષ નેતૃત્વના ઉદાસીન વલણથી થોડાક ઘવાયા છે, કહ્યું કે, "શુભમ્ ભાજપનો જ કાર્યકર્તા હતો. એ દિવસે પણ એના માટે જ ગયો હતો. એના મર્યા પછી લોકલ નેતા તો આવ્યા, મંત્રીજી પણ આવ્યા, પરંતુ ભાજપનું શીર્ષ નેતૃત્વ જો સંવેદના દર્શાવતું તો એમને ખુશી થતી. અમે જાણીએ છીએ કે શીર્ષ નેતાઓની પાસે સમય ઓછો હોય છે, પરંતુ એ જાણવું જરૂરી છે કે પરિવાર કઈ હાલતમાં છે, બાળકો કેમ છે, ભરણપોષણ કઈ રીતે થાય છે."

શુભમ્‌ના પિતા વિજય મિશ્રએ કહ્યું કે, નોકરી માટે બે વાર ડીએમને મળી ચૂક્યા છીએ, પરંતુ ડીએમસાહેબે કહ્યું કે નોકરીનો કોઈ આદેશ નથી આવ્યો.

તેમણે કહ્યું, "અમે તો કોઈ પણ રીતે જીવન પસાર કરી લઈશું, પરંતુ વહુ છે, જો એને નોકરી મળી જાય તો એનું જીવન પસાર થઈ જશે. એક વર્ષની છોકરી છે, એની જવાબદારી તો પૂરી થઈ જશે."

હરિઓમ જતા રહ્યા, માને દીકરીનાં લગ્નની ચિંતા

3 ઑક્ટોબરે હરિઓમ દુનિયામાંથી ગયાને પણ એક વર્ષ થઈ ગયું. હરિઓમ કેન્દ્રીય મંત્રી અજય મિશ્ર ટેનીના ડ્રાઇવર હતા. ભીડે હરિઓમને ઢીકાપાટૂથી મારી નાખ્યા હતા.

ફરધાન પોલીસચોકી અંતર્ગત આવતા વિસ્તારના પરસેહરા ગામમાં એક સામાન્ય જેવા મકાનની બહારનો ટિનનો દરવાજો ખખડાવ્યો તો હરિઓમનાં ઘરડાં મા બહાર આવ્યાં.

ત્રણ બહેનો અને બે ભાઈઓવાળા પરિવારે ગયા વર્ષે હરિઓમને ગુમાવ્યા, તો થોડાક મહિના પહેલાં જે પિતાની દવા પુત્રની કમાણીમાંથી થતી હતી તે પણ દુનિયા છોડી ગયા.

હરિઓમનાં માતાએ કહ્યું, "બીમાર પિતાની સેવા એ જ સે કરતો હતો. જ્યારે આવતો, દાઢી કરી આપતો હતો, ખાવાનું ખવડાવી દેતો હતો. પિતા ઘણાં વરસોથી બીમાર હતા. હરિઓમના મૃત્યુના સમાચાર પિતાને એમના મૃત્યુ સુધી ના અપાયા. તેઓ પૂછતા કે ક્યાં છે, તો આડોઅવળો જવાબ આપી દેતા હતા."

હરિઓમનાં માતાએ કહ્યું, "હવે દીકરીનાં લગ્નની જવાબદારી છે. કમાનાર જતા રહ્યા."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો