You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુપ્રીમ કોર્ટનો ગર્ભપાત અંગેનો નિર્ણય લગ્નસંબંધી બળાત્કાર સામેની લડાઈને એક ડગલું આગળ લઈ જશે?
- લેેખક, સુશીલાસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
- સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક કેસની સુનાવણીમાં મહિલાઓ માટે ગર્ભપાત કરાવવાની વ્યાખ્યાને વિસ્તારતાં કહ્યું છે કે અપરિણીત મહિલા 24 અઠવાડિયાં સુધી ગર્ભપાત કરાવી શકે છે
- એક અપરિણીત મહિલાએ કોર્ટમાં કોર્ટમાં ગર્ભપાત કરાવવા માટેની અરજી દાખલ કરી હતી અને અરજીની વિગતો મુજબ, તેઓ લિવ-ઇન-રિલેશનમાં હતાં અને એમણે પોતાની મરજીથી સંબંધ બાંધ્યા હતાં, પરંતુ આ સંબંધને લીધે તેઓ ગર્ભવતી થયાં હતાં
- મૅરિટલ રેપને ગુનો ગણવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજીઓ થઈ હતી, ત્યાર બાદ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ખૂબ સારો છે અને લગ્નસંબંધિત બળાત્કાર અંગેની ચાલી રહેલી લડાઈમાં તે એક આગળનું પગલું છે. - કામિની જયસ્વાલ, સુપ્રીમ કોર્ટનાં વકીલ
પરિણીતા પણ સેક્સુઅલ અસૉલ્ટ એટલે કે બળાત્કારની સર્વાઇવર હોઈ શકે છે. એક મહિલા એના પતિ દ્વારા પોતાની મરજી વગર બંધાયેલા સંબંધથી ગર્ભવતી થઈ શકે છે. આપણે પાર્ટનર દ્વારા કરાયેલી આ પ્રકારની હિંસા સામે આંખ આડા કાન કરીએ છીએ, જે એક સચ્ચાઈ છે અને બળાત્કારનું રૂપ લઈ શકે છે. - સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક કેસની સુનાવણીમાં મહિલાઓ માટે ગર્ભપાત કરાવવાની વ્યાખ્યાને વિસ્તારતાં કહ્યું છે કે અપરિણીત મહિલા 24 અઠવાડિયાં સુધી ગર્ભપાત કરાવી શકે છે.
એક અપરિણીત મહિલાએ કોર્ટમાં આ મામલે અરજી કરી હતી.
અરજી મુજબ, આ મહિલા લિવ-ઇન-રિલેશનમાં હતાં અને એમણે પોતાની મરજીથી સંબંધ બાંધ્યા હતા. પરંતુ આ સંબંધને લીધે તેઓ ગર્ભવતી થયાં અને પછી કોર્ટમાં ગર્ભપાત કરાવવા માટેની અરજી દાખલ કરી હતી.
એક આશા બંધાઈ
આ કેસ પછી લગ્નસંબંધિત બળાત્કારને ગુનો ગણવા માટે આખા દેશમાં ચાલી રહેલી દલીલો પાછી વધી ગઈ.
જોકે આ કેસનો, સુપ્રીમ કોર્ટમાં મૅરિટલ રેપ અંગે દાખલ કરાયેલી અરજીઓ કોઈ સાથે સંબંધ નથી, પરંતુ જાણકારોનું કહેવું છે કે એનાથી એવી આશા બંધાઈ છે કે જજ અને કોર્ટ એ દિશામાં વિચારી રહ્યાં છે.
બીબીસી સાથેની વાતચીતમાં સુપ્રીમ કોર્ટનાં વકીલ કામિની જયસ્વાલે કહ્યું કે, "આ કેસમાં કોર્ટે મહિલાના બોલવાના કાયદેસર હક્કને મજબૂત કર્યો છે. આ કેસમાં જે ચુકાદો આવ્યો તે ન આવ્યો હોત તો મૅરિટલ રેપ સામે ચાલી રહેલી લડાઈમાં કશો લાભ ન થાત."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "આવો નિર્ણય આવવાના લીધે મહિલાઓ સાથે સંબંધમાં જોર-જબરજસ્તી નહીં કરી શકાય. જોકે કેટલાક લોકોનું માનવું છે કે મૅરિટલ રેપને ગુનો ગણી લેવાય તો લગ્ન પર અસર થશે એવું નથી. કાયદાનો દુરુપયોગ થાય છે, પરંતુ એકાદ કેસ સામે આવવાથી એવું નથી કે દરેક કાયદાને એ જ દૃષ્ટિકોણથી જોવો અને હક્ક ન આપવો."
સુપ્રીમ કોર્ટ મૅરિટલ રેપ અંગે કરાયેલી અરજીઓની સુનાવણી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં કરશે.
વાસ્તવમાં આ પહેલાં હાઈકોર્ટે મૅરિટલ રેપ અંગે ખંડિત ચુકાદો આપ્યો હતો. એ નિર્ણયમાં એક જજે કહ્યું કે પોતાની પત્નીની સંમતિ વગર બળજબરીથી સંબંધ બાંધવો તે બંધારણની કલમ-14નું ઉલ્લંઘન છે, તો બીજા એક જજ એમની સાથે સંમત નહોતા.
શું છે મૅરિટલ રેપનો મામલો?
મૅરિટલ રેપને ગુનો ગણવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજીઓ થઈ હતી, ત્યાર બાદ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો.
ભારતીય દંડ સંહિતાની કલમ 375માં બળાત્કારની વ્યાખ્યા/પરિભાષા અપાઈ છે અને એને ગુનો ગણાવ્યો છે. કોર્ટમાં નોંધાયેલી અરજીઓમાં આ કલમના અપવાદ-2 સામે વાંધો દર્શાવાયો છે.
તે અપવાદ એમ કહે છે કે જો લગ્ન કરેલા કોઈ પુરુષ પોતાની 15 વર્ષ કે એથી વધારે ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધે તો તે બળાત્કાર નહીં ગણાય, ભલે ને તેણે તે સંબંધ પત્નીની સંમતિ વગર જ બાંધ્યો હોય.
જોકે, ઈ.સ. 2017માં સુપ્રીમ કોર્ટે મહિલાની વયમર્યાદા 18 વર્ષ કરી દીધી હતી.
આ કાયદાના પક્ષમાંના લોકો મૅરિટલ રેપને ગુના ગણાવા માટે ભાર મૂકી રહ્યા છે, તો બીજી તરફનો પક્ષ કહે છે કે એનાથી લગ્નો તૂટી જવા (છૂટાછેડા)નો ડર છે. સાથે જ કોર્ટમાં ખોટા કેસનો ઢગલો થઈ જશે.
આ કેસમાં શું હતું?
સુપ્રીમ કોર્ટમાં સિંગલ મહિલાએ મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (એમટીપી) સુધારા બિલ, 2021ની જોગવાઈઓ અંતર્ગત સ્પષ્ટતા બાબતે એક અરજી કરી હતી.
કોર્ટે આ કેસમાં કહ્યું કે દરેક મહિલા, ભલે એનું મૅરિટલ સ્ટેટસ (વૈવાહિક સ્થિત) જે કંઈ હોય, એટલે કે તે પરિણીત હોય કે અપરિણીત, એને સુરક્ષિત અને કાયદેસર રીતે ગર્ભપાત કરાવવાનો હક્ક છે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, એએસ બોપન્ના અને જેબી પારડીવાલાની બેન્ચે કહ્યું કે એક મહિલાનું મૅરિટલ સ્ટેટસ એના ગર્ભપાત કરાવવાના હક્કનો આધાર ના બની શકે.
વકીલ સોનાલી કડવાસરાનું કહેવું છે કે, બદલાતા પરિવેશમાં કાયદામાં પરિવર્તન મહત્ત્વનું થઈ જાય છે. સાથે જ પરિણીત મહિલાને અબૉર્શનનો હક્ક આપવો અને અપરિણીતને ન આપવો તે કઈ રીતે બંને મહિલાઓને સમાન ન્યાય આપશે?
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "એવું જોવા મળ્યું છે કે જ્યારે આવા કેસ આવતા હતા ત્યારે ડૉક્ટર ગર્ભપાત કરવા માટે અચકાતા હતા, કેમ કે એમને ડર રહેતો હતો કે તેઓ કોઈ કાયદાકીય કાર્યવાહીમાં ફસાઈ શકે છે."
"એ પરિસ્થિતિમાં મહિલાઓ એવી ક્લિનિકમાં જતી હતી જે એમને ગર્ભપાત કરાવવાનું કોઈ કારણ ન પૂછે. એવી ક્લિનિક્સ નોંધાયેલી નહોતી અને ના તો ત્યાં સાફસફાઈનું ધ્યાન રાખવામાં આવતું. આવી સ્થિતિમાં એમના જીવને જોખમ રહેતું હતું, કેટલાક કેસમાં એમનું મૃત્યુ પણ થઈ જતું હતું."
જાણકારો એક મહિલાના પોતાના શરીર પરના હક્કનો સવાલ પણ ઉઠાવે છે.
ગર્ભપાત બાબતે ભારતમાં કાયદો શું કહે છે?
મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (સુધારો) બિલ 2021 અનુસાર જિલ્લા સ્તરની સમિતિઓ, મેડિકલ બોર્ડ અને જ્યાં ગર્ભપાત થઈ શકે, એમણે નક્કી કરાયેલા નિયમોનું પાલન કરવાનું રહેશે.
પરંતુ ગર્ભપાતનો કાયદો કઈ મહિલાઓને લાગુ પડશે-
- મહિલા 20 અઠવાડિયાં સુધીમાં ગર્ભપાત કરાવી શકશે, પરંતુ એ સમયગાળો 24 અઠવાડિયાંથી વધવો જોઈએ નહીં
- એવાં મહિલા જે સેક્સુઅલ અસૉલ્ટ, રેપ કે ઇનસેસ્ટની સર્વાઇવર હોય
- સગીર હોય
- ગર્ભધારણ પછી વૈવાહિક સ્થિતિમાં ફેરફાર થયો હોય (વિધવા થવું કે છૂટાછેડા લેવા)
- એવાં મહિલા જે શારીરિક રીતે અક્ષમ હોય
- માનસિક રીતે બીમાર હોય તેવાં મહિલા
- જો ભ્રૂણ વિકૃત હોય અને જન્મ્યા પછી સામાન્ય જીવન ન જીવી શકે અથવા બાળકના જન્મ પછી શારીરિક અને માનસિક અક્ષમતાઓ આવે
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો