You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જેમના ઘરે કેજરીવાલે ભોજન લીધું એ રિક્ષાચાલક વિક્રમ આખરે કોના ચાહક નીકળ્યા?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
- જનતાના મનને કળવું રાજનેતાઓ માટે સહેલું નથી એ વાતની પ્રતીતિ ચૂંટણી ટાણે થાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આવું જ એક ઉદાહરણ સામે આવ્યું છે
- 12 સપ્ટેમ્બરના ગુજરાતના એક રિક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે અરવિંદ કેજરીવાલ જમવા ગયા હતા અને વિક્રમે પોતાને કેજરીવાલના મોટા ફૅન ગણાવ્યા હતા, કેજરીવાલે ઉપહારમાં તેમનાં પત્નીને સાડી અને દીકરીને ડ્રેસ આપ્યો હતો
- આ રિક્ષાચાલક 30 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં પણ જોવા મળ્યા હતા અને પોતાને ભાજપના મતદાર ગણાવ્યા હતા
જનતાના મનને કળવું રાજનેતાઓ માટે સહેલું નથી એ વાતની પ્રતિતિ ચૂંટણી ટાણે થાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આવું જ એક ઉદાહરણ સામે આવ્યું છે.
બન્યુ હતું એમ કે 12 સપ્ટેમ્બરના ગુજરાતના એક રિક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે અરવિંદ કેજરીવાલ જમવા ગયા હતા અને વિક્રમે પોતાને કેજરીવાલના મોટા ફૅન ગણાવ્યા હતા.
આ રિક્ષાચાલક 30 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં પણ જોવા મળ્યા હતા અને પોતાને ભાજપના મતદાર ગણાવ્યા હતા.
બીબીસી સાથે વાતચીતમાં વિક્રમ દંતાણી કહે છે કે તેમણે તો માત્ર અરવિંદ કેજરીવાલને નિમંત્રણ આપ્યું હતું, તેમને ભરોસો નહોતો કે કેજરીવાલ તેમના ઘરે જમવા આવશે. સાથે જ તેઓ કહે છે કે તેઓ હંમેશાં ભાજપના સમર્થક રહ્યા છે અને આગળ પણ રહેશે.
વિક્રમ કહે છે કે, '' હું પહેલાંથી જ ભાજપનો સમર્થક છું. ભાજપને સમર્થન આપતો રહ્યો છું અને આગળ પણ આપતો રહીશ. કેજરીવાલજીને નિમંત્રણ એટલે આપ્યું હતું કે કારણ કે મેં એક વીડિયો જોયો હતો. મને નહોતું કે તેઓ આવશે. પરંતુ તેઓ આવ્યા. ગુજરાતનો કોઈ પણ માણસ હોય તેના ઘરે જો કોઈ મહેમાન આવે તો અમે તેમનો આદર સત્કાર કરીએ છીએ, જમાડીને જ મોકલીએ છીએ.''
વિક્રમે કહ્યું કે કેજરીવાલે ઉપહારમાં તેમનાં પત્નીને સાડી અને દીકરીને ડ્રેસ આપ્યો હતો.
12 સપ્ટેમ્બરે વિક્રમના ઘરે કેજરીવાલ જમ્યા હતા
આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે અને બધી પાર્ટીઓ પુરા જુસ્સાથી મેદાનમાં ઊતરી છે. આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ સહિત કેટલાક નેતાઓ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ માટે જ 12 સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલ ગુજરાત પહોંચ્યા હતા.
એક કાર્યક્રમમાં રિક્ષાચાલક વિક્રમ દંતાણીએ પોતાને અરવિંદ કેજરીવાલના બહુ મોટા ફૅન ગણાવીને તેમને પોતાના ઘર જમવાનું આમંત્રણ આપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમંત્રણના જવાબમાં કેજરીવાલ કહેતા સંભળાય છે, ''જરૂર આવીશ, પંજાબમાં ઑટોવાળાના ઘરે ગયો હતો, ગુજરાતના ઑટોવાળા પણ પ્રેમ કરે છે તો આજે સાંજે મને લેવા આવશોને મારી હોટલ પર.''
આ સમાચાર ચર્ચામાં રહ્યા અને 12 સપ્ટેમ્બરની રાતે જ અરવિંદ કેજરીવાલ ઑટોમાં બેસીને વિક્રમ દંતાણીના ઘરે પહોંચ્યા. ઑટોમાં પ્રવાસને લઈને ગુજરાત પોલીસ સાથે માથાકૂટ થઈ હતી. પોલીસે તેમને ઑટોચાલકના ઘરે જમવા તા અટકાવવાની કોશિશ કરી હતી.
'આપ'ના ટ્વિટર પર ટ્વીટ થયા
'દુનિયાએ લાખ રોકવાની કોશિશ કરી પણ બંદા ન રોકાયા. ભાજપની ગુજરાત પોલીસે કલાકો સુધી રોક્યા પછી પણ અરવિંદ કેજરીવાલજી ઑટો ડ્રાઇવરની સાથે તેમના ઘરે ડિનર માટે ગયા.'
અરવિંદ કેજરીવાલ જ્યારે વિક્રમના ઘરે પહોંચ્યા તે પ્રસંગે ચર્ચા જગાવી હતી.
વિક્રમના ઘરે જમવાની કેટલીક તસવીરો પણ અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર શૅર કરી હતી.
આ જ ક્રમમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતના એક સફાઈકર્મી અને તેમના પરિવારને પોતાના ઘરે દિલ્હી બોલાવ્યા હતા અને જમાડ્યા હતા.
કોના ફૅન છે વિક્રમ દંતાણી?
હવે સવાલ એ થાય છે કે વિક્રમ આખરે કોના ફૅન છે. તેઓ એક ન્યૂઝ ચૅનલ સાથેની વાતચીતમાં કહી ચૂક્યા છે કે ભાજપના સમર્થક છે.
જ્યારે બીબીસીએ તેમને પૂછ્યું કે આખરે તેઓ કોના ફૅન છે?
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ બધાના ફૅન છે. વિક્રમનું કહેવું છે કે, ''હું ફૅન તો બધાનો છું. હું નરેન્દ્ર મોદીનો પણ ફૅન છું અને બધાનો ફૅન છું.''
કેજરીવાલ અને ઑટોરિક્ષા
અંતતોગત્વા સ્થિતિ એ છે કે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલના ઑટો ડ્રાઇવર સાથેના પ્રસંગની ચર્ચા ચોમેર ચાલી રહી છે. અને એવું પ્રથમ વખત નથી કે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી હોય અને રિક્ષાચાલક ચર્ચામાં હોય.
દિલ્હી, પંજાબ અને હવે ગુજરાત આ ત્રણેય રાજ્યોમાં રિક્ષાચાલક અને તેમના મુદ્દા ચૂંટણીમાં કેજરીવાલ લઈ જ આવે છે. આની શરૂઆત 2014માં થઈ હતી જ્યારે અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી ચૂંટણીની રાજનીતિમાં નવી હતી. એક રોડશો દરમિયાન એક રિક્ષાચાલકે તેમને થપ્પડ મારી હતી. ત્યાર બાદ કેજરીવાલ એ રિક્ષાચાલકના ઘરે ગયા હતા અને એ રિક્ષાચાલક લાલીએ કેજરીવાલને પગે લાગીને માફી માગી હતી.
કેજરીવાલ અને રિક્ષાચાલક વચ્ચેનો આ પ્રસંગ ચર્ચામાં રહ્યો હતો. પછી દિલ્હીની ચૂંટણીમાં કેજરીવાલે રિક્ષાચાલકોને કેટલાક વાયદા કર્યા હતા. પ્રચાર-પ્રસારમાં પણ આમ આમદી પાર્ટીએ રિક્ષાચાલકોનો ઉપયોગ કર્યો હતો.
આ વર્ષે થયેલી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પણ અરવિંદ કેજરીવાલ રિક્ષાચાલકોના ઘરે જમવા જતા જોવા મળ્યા હતા. તે પછી બીજી પાર્ટીઓ પણ રિક્ષાચાલકોના મુદ્દે સક્રિય થઈ હતી.
વિક્રમ દંતાણીની જેમ જ દિલીપ તિવારી નામના એક રિક્ષાચાલકે એક સભામાં જ અરવિંદ કેજરીવાલને ઘરે જમવા આવવાનું નિમંત્રણ આપ્યું હતું. કેજરીવાલે નિમંત્રણ સ્વીકારી પણ લીધું હતું.
આ જ ક્રમમાં હવે ગુજરાતનો વારો છે જ્યાં ફરી એકવાર રાજકીય પક્ષો રિક્ષાચાલકો પર રાજકારણ કરતા જોવા મળી રહ્યા છે.
અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયન અનુસાર રાજ્યમાં લગભગ 15 લાખ રિક્ષાચાલકો છે, તેમાંથી લગભગ 2.5 લાખ અમદાવાદમાં છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો