You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી : અરવિંદ કેજરીવાલનું દલિત પરિવારને ઘરે જમવા બોલાવવું શું સૂચવે છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, બીબીસી ગુજરાતી
- ગુજરાતમાં દલિતોની વસતી અંદાજે સાત ટકા છે અને દલિતો ગુજરાતમાં 34 જેટલી પેટાજ્ઞાતિઓમાં વહેંચાયેલા છે.
- ગુજરાતમાં દલિતોના રાજકીય પ્રતિનિધિત્વની વાત કરવામાં આવે તો 13 બેઠકો દલિતો માટે અનામત છે.
- આમ આદમી પાર્ટી દલિત પ્રતીકોનો ઉપયોગ કરતી આવી છે.
- એવામાં અરવિંદ કેજરીવાલે એક દલિત પરિવારને પોતાના ઘરે જમાડ્યો એ શું સૂચવે છે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આ વખતે ગુજરાતમાં ભાજપ, કૉંગ્રેસ સહિતની એક પાર્ટીની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે અને એ છે આમ આદમી પાર્ટી(આપ).
ચૂંટણીપ્રચારના ભાગરૂપે આપના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે.
અગાઉ અમદાવાદમાં રિક્ષાચાલકને ઘરે ભોજન લઈ ચૂકેલા અરવિંદ કેજરીવાલએ તાજેતરમાં વાલ્મીકિ સમાજના એક પરિવારને પોતાના ઘરે (દિલ્હી) ભોજનનું આમંત્રણ આપ્યું હતું.
ગાંધીનગરમાં રહેતા હર્ષ સોલંકી 27 તારીખે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા અને તેમની સાથે ભોજન લીધું હતું.
આ ઘટનાને રાજકીય વિશ્લેષકો ચૂંટણીના ટાણે અરવિંદ કેજરીવાલ દ્વારા દલિત પરિવારને પોતાના ઘરે બોલાવાની ભોજન લેવાની આ ઘટનાને દલિતોને આકર્ષવાનો સૂચક પ્રયાસ ગણી રહ્યા છે.
નોંધનીય છે કે આ પંજાબમાં આપની સરકાર બની છે અને મુખ્ય મંત્રી ભગવંત માન પોતાના કાર્યાલયમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ભગતસિંહની તસવીરો રાખે છે.
દિલ્હીમાં પણ અરવિંદ કેજરીવાલની સરકારે ડૉ. આંબેડકરજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી ચૂકી છે.
ગુજરાતમાં દલિત ધારાસભ્યો
- ગાંધીધામ- માલતી મહેશ્વરી (ભાજપ)
- કડી- કરસન સોલંકી (ભાજપ)
- ઈડર- હિતુ કનોડિયા (ભાજપ)
- અસારવા- પ્રદીપ પરમાર (ભાજપ)
- રાજકોટ ગ્રામ્ય- લાખાભાઈ સાગઠિયા (ભાજપ)
- ગઢડા- આત્મરામ પરમાર (ભાજપ)
- વડોદરા સિટી- મનીષા વકીલ (ભાજપ)
- બારડોલી- ઈશ્વરભાઈ પરમાર (ભાજપ)
- દાણીલીમડા- શૈલેશ પરમાર (કૉંગ્રેસ)
- દસાડા- નૌશાદ સોલંકી (કૉંગ્રેસ)
- કાલાવડ- પ્રવીણ મુસડિયા (કૉંગ્રેસ)
- કોડિનાર- મોહનલાલ વાળા (કૉંગ્રેસ)
- વડગામ- જિજ્ઞેશ મેવાણી, અપક્ષ (હવે કૉંગ્રેસ)
'આ રાજકારણથી વિશેષ કશું નથી'
હર્ષ સોલંકીએ દિલ્હીમાં મુલાકાત કરી એ બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું, "અમે રાજનીતિ કરતા નથી, લોકોની સમસ્યાઓની વાત કરીએ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકીય વિશ્લેષકો આને દલિતમતોને આકર્ષવાનો પ્રયાસ માને છે.
દલિત સમાજકારણ અને રાજકારણના અભ્યાસુ કર્મશીલ ચંદુ મહેરિયા કહે છે કે "આવુ અરવિંદ કેજરીવાલ એકલા કરે છે, એવું નથી. અમિત શાહ પણ દલિતના ઘરે જમ્યા છે અને નરેન્દ્ર મોદીએ પણ સફાઈકામદારોના પગ ધોયા છે. આ નર્યું રાજકારણ છે, એનાથી વિશેષ કશું નથી."
તેઓ વધુમાં કહે છે, "તેમને (નેતાઓ) લાગે એમને વોટ માટે વટાવે છે. એ આંબેડકર પણ હોય અને ગાંધી પણ હોય. આથી એમને આંબેડકર પ્રત્યે પ્રેમ છે એવું નથી."
તો દલિત કર્મશીલ અને સામાજિક આગેવાન કાંતિ પરમાર કહે છે કે આના (દલિતના કેજરીવાલને ઘરે જમવાથી)થી દલિતોની સ્થિતિમાં કોઈ ફેર પડવાનો નથી.
તેઓ કહે છે કે "અમારી માગ છે 'આભડછેટમુક્ત ભારત' બનાવો, દરેક પક્ષ તેના ચૂંટણીઢંઢેરામાં આના માટે નક્કર આયોજન કરે. એ વાત પડતી મૂકીને ચૂંટણી આવે ત્યારે દેખાડા પૂરતું આ બધું કરવામાં આવે છે. ખાલી ખવડાવવાથી કે ફોટો પડાવવાથી દલિતોની જિંદગીમાં કોઈ ફેર પડવાનો નથી. આ લોકોને ભ્રમિત કરવાના કાર્યક્રમ છે."
ચૂંટણી પૂરતા યાદ રહેતા દલિતોની અવગણના દરેક પક્ષમાં થતી હોવાનું કાંતિ પરમારનું માનવું છે અને ચંદુ મહેરિયા પણ એ વાતમાં સૂર પૂરાવે છે.
'ચૂંટણી બાદ પણ આવું વર્તન જળવાઈ રહેવું જોઈએ'
દિલ્હીમાં હર્ષ સોલંકીના પરિવારે ગોપાલ ઈટાલિયા સાથે મહોલ્લા ક્લિનિકની અને સરકારી શાળાની મુલાકાત લીધી હતી.
હર્ષે અરવિંદ કેજરીવાલને બાબાસાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધની તસવીર પણ ભેટ ધરી હતી.
રાજકીય વિશ્લેષક અજય ઉમટ કહે છે કે "ચૂંટણી આવે ત્યારે અરવિંદ કેજરીવાલ હોય કે ભાજપ-કૉંગ્રેસ કે અન્ય કોઈ પણ પક્ષના નેતા હોય- તેમનો દલિતો પ્રત્યેનો પ્રેમ ઉભરાઈ જાય છે. આ પ્રતીકાત્મક રીતે દર્શાવવાની કોશિશ છે કે તેમને દલિતો પ્રત્યે પ્રેમ છે. જો ખરેખર તમને દલિતો પ્રત્યે પ્રેમ હોય તો તેમના સર્વાંગી વિકાસ માટે તેઓ શું કરી રહ્યા છો એ જોવું જોઈએ. આ કેજરીવાલ જ કરે છે, એવું નથી, બધા જ રાજકારણીઓ આવું કરતા હોય છે."
તેઓ ઉમેરે છે, "એવું નિરૂપણ કરવાની કોશિશ કરવામાં આવે છે કે અમે દલિતો સાથે છીએ, પણ ચૂંટણી સિવાયનાં એમનાં વાણી-વર્તન અને વ્યવહાર જુઓ તો એનો તંતુ બેસતો નથી."
"તમે જે ચૂંટણી સમયે ભાવના દર્શાવો છો એ કાયમી દર્શાવતા હો તો હું એનું ચોક્કસ એવું સ્વાગત કરું છું."
"દલિતને જમવા બોલાવવાની નહીં, કાયમી જમવાનું મળે તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે."
ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ આમ આદમી પાર્ટી પર 'દેખાડો કરવાનો' આરોપ લગાવે છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી જે કંઈ કર્યું છે, એ બધું જ દેખાડો છે. તેમણે કરેલા વાયદા પણ પૂરા કર્યા નથી. અમારા કાર્યકરો વર્ષોથી દલિત યુવકો સાથે એક જ ટેબલ પર બેસીને જમતા આવ્યા છે. આ માત્ર નાટકીય પ્રવૃત્તિ છે. જે ખાલી ચૂંટણી વખતે જ કરવામાં આવે છે. ચૂંટણી બાદ એ ભાઈ (હર્ષ સોલંકી)ને કોઈ પૂછશે પણ નહીં."
ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી કેજરીવાલ પણ આને 'દેખાડો' ગણાવે છે.
તેઓ કહે છે, "નથી તમે સફાઈકર્મીને શિક્ષણ આપતા, નથી તમે તેમને નોકરી આપતા, નથી તમે એમને પૂરતો પગાર આપતા. ઊલટાનું એમના વેતનમાં કાપ મૂકો છો, એને કાઢી મૂકો છો અને એક દિવસ માટે જમવા બોલાવીને ફોટો ફંક્શન કરો છો? ભાજપ અને આપની નીતિ પણ સરખી જ છે, માત્ર દેખાડો કરવાની."
તેઓ વધુમાં આરોપ મૂકે છે, "દલિત છોકરાને જમવા બોલાવવાની જરૂર નથી, દલિતને કાયમી જમવાનું મળી રહે તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે."
જોકે, આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણી આ ઘટનાને ચૂંટણીલક્ષી ગણાવતા નથી અને તમામ આરોપો ફગાવે છે.
તેઓ કહે છે, "પહેલી વાર એવું થયું છે કે 70-75 વર્ષના ઇતિહાસમાં કોઈ મુખ્ય મંત્રીએ એક વાલ્મીકિ પરિવારને પોતાના ઘરે જમવા માટે બોલાવ્યો છે. જે સમાજ આજે પણ આખા દેશમાં મેલું ઉપાડવાથી લઈને ગટરમાં ઊતરવાનું કામ કરે છે એમને આટલાં માન-સન્માન આપ્યાં છે."
"આ એક ભારતીય તરીકે ગૌરવ લેવા જેવી બાબત છે. ચૂંટણી ચૂંટણીની જગ્યાએ છે. આરોપ-પ્રતિઆરોપો એની જગ્યાએ છે. આને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી."
ગુજરાતમાં દલિતોનું પ્રતિનિધિત્વ
ગુજરાતમાં દલિતોની વસતી અંદાજે સાત ટકા છે અને દલિતો ગુજરાતમાં 34 જેટલી પેટાજ્ઞાતિઓમાં વહેંચાયેલા છે.
ગુજરાતમાં દલિતોના રાજકીય પ્રતિનિધિત્વની વાત કરવામાં આવે તો 13 બેઠકો દલિતો માટે અનામત છે.
2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપમાંથી સાત દલિત ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા, પાંચ ધારાસભ્યો કૉંગ્રેસમાંથી ચૂંટાઈને આવ્યા હતા. જ્યારે એક ધારાસભ્ય અપક્ષ તરીકે ચૂંટાઈને આવ્યા હતા.
જોકે બાદમાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી અગાઉ ગઢડાના કૉંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મારુએ રાજીનામું આપ્યું હતું અને એના કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
પ્રવીણ મારુએ પેટાચૂંટણી લડવાનું ટાળ્યું હતું. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગઢડા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર પ્રવીણ મારુએ ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારને હરાવ્યા હતા.
જોકે ભાજપે અહીં આત્મારામ પરમારને ફરી ટિકિટ આપી હતી અને આત્મરામ પરમાર વિજયી થયા હતા.
એ રીતે ભાજપના સાત ધારાસભ્યોમાંથી વધીને આઠ થયા હતા અને કૉંગ્રેસના એક ધારાસભ્ય ઓછા થયા હતા.
તો જિજ્ઞેશ મેવાણી વડગામ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાઈને આવ્યા હતા. જોકે બાદમાં તેઓ કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ ગયા હતા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો