ડૉ. આંબેડકરના નામના વિરોધમાં જ્યારે મરાઠવાડા ભડકે બળ્યું અને હિંસક તોફાનો થયાં

    • લેેખક, મયૂરેશ કોણ્ણૂર
    • પદ, બીબીસી સંવાદદાતા

ગયા અઠવાડિયે આંધ્ર પ્રદેશના અમલાપુરમ શહેરમાં વર્તમાન સમયનાં ભીષણ તોફાન થયાં. એક મંત્રીનું ઘર સળગાવી દેવાયું, 5 બસોને આગ લગાડી દેવાઈ, ઘણાં વાહનોની તોડફોડ કરાઈ અને બરાબરનો પથ્થરમારો થયો.

હિંસક દેખાવકારોને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો અને તોફાનગ્રસ્ત વિસ્તારમાં 144ની કલમ લાગુ કરવી પડી.

કારણ - દેખાવકારો નહોતા ઇચ્છતા કે એમના જિલ્લાનું નામ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના નામે રખાય. ડૉ. આંબેડકરે ભારતમાં શોષિત જાતિસમૂહોને ન્યાય અપાવવા માટે લાંબા ગાળાનું આંદોલન પણ કર્યું હતું, જેના પરિણામે પછાત જાતિના લોકોને સમાનતાનો બંધારણીય અધિકાર મળી શક્યો.

વાસ્તવમાં, વાયએસઆર જગમોહન રેડ્ડીની સરકારે કોનાસીમા જિલ્લાનું નામ બી.આર. આંબેડકરના નામે રાખવાનો નિર્ણય કર્યો હતો. સરકારના આ નિર્ણયનો લોકો વિરોધ કરી રહ્યા હતા.

તોફાનની આ ઘટનાઓએ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં 44 વર્ષ પહેલાં થયેલા નામાંતર (નામ બદલવું) વિવાદની યાદ અપાવી દીધી. આ દરમિયાન મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં ભયંકર તોફાનો થયાં હતાં. ત્યારે પણ વિવાદના મૂળમાં ડૉ. ભીમરાવ આંબેડકરનું નામ જ હતું. ત્યારે મહારાષ્ટ્રની સરકાર યુનિવર્સિટીનું નામ બદલવા માગતી હતી.

મરાઠવાડા યુનિવર્સિટીને ડૉ. ભીમરાવ આંબેડકરનું નામ આપવાના નિર્ણય પછી થયેલાં તોફાનો આજે પણ મહારાષ્ટ્રના સામાજિક ઇતિહાસ પર એક ઘા સમાન છે. બી.આર. આંબેડકર આ યુનિવર્સિટીમાં ભણ્યા હતા, અહીંથી જ સ્નાતક થયા હતા, પોતાની રાજકીય કરિયર બનાવી, સામાજિક આંદોલન કર્યાં અને એ જ એમનું અંતિમ સ્થાન બની.

1978માં કરાયેલા આ નિર્ણયનો અમલ કરવામાં 16 વર્ષ લાગ્યાં, છેવટે 1994માં એનો અમલ થઈ શક્યો. યુનિવર્સિટીનું સંપૂર્ણ નામ તો ના બદલી શકાયું પરંતુ બી.આર. આંબેડકરનું નામ જોડી દેવાયું અને હવે એને 'ડૉ. આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી' કહેવામાં આવે છે.

આખરે સમાજના બધા વર્ગોએ આ નામને સ્વીકારી લીધું. પરંતુ એની પાછળ તોફાની કહાણી પણ નોંધાઈ ગઈ. 1978માં મરાઠવાડાના ઊંચી જાતિના લોકોએ દલિતો પર હુમલા કર્યા, જેમાં ઘણા લોકો મરાયા, ઘણા બેઘર થયા અને સેંકડો લોકોના રોજગાર બંધ થયા.

27 જુલાઈ, 1978એ શું થયું હતું?

આ બધું ત્યારે થયું જ્યારે રાજ્યની વિધાનસભાએ સર્વાનુમતે મરાઠવાડા યુનિવર્સિટીનું નામ બદલીને ડૉ. બાબસાહેબ આંબેડકર યુનિવર્સિટી કરવાનો નિર્ણય કર્યો.

27 જુલાઈ, 1978ના રોજ લેવાયેલા આ નિર્ણય પછી રાજ્યમાં તોફાનો શરૂ થઈ ગયાં.

સાંજે જ્યારે નામ બદલાયાના સમાચાર લોકો સુધી પહોંચ્યા ત્યારે મરાઠવાડાના ઘણા વિસ્તારોમાં તોફાનો શરૂ થઈ ગયાં. નાંદેડ અને પરભાનીના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે અસર થઈ.

જોકે, તોફાનો નામ બદલવાના નિર્ણય પછી શરૂ થયાં હતાં પરંતુ એનું સ્વરૂપ જાતિગત હતું.

વિસ્તારમાં તથાકથિત ઊંચી જાતિઓ અને પછાત જાતિઓના લોકો આમનેસામને આવી ગયા હતા.

તોફાનોની શરૂઆતનો તબક્કો લગભગ બે મહિના સુધી ચાલ્યો, જેમાં ખૂબ મોટું નુકસાન થયું. પરંતુ નાની-મોટી ઘટનાઓ તો લગભગ વર્ષ-દોઢ વર્ષ સુધી થતી રહી અને જે ઘા એણે આપ્યા એને ભરાતાં ઘણાં વરસો લાગ્યાં.

વરિષ્ઠ પત્રકાર નિશિકાંત ભોલેરાવે એ સમયને યાદ કરતાં જણાવ્યું કે, "વિધાનસભામાં સાંજે લગભગ ચાર વાગ્યે પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો અને લોકોને એના સૌથી પહેલા સમાચાર 7 વાગ્યાના પ્રાદેશિક બુલેટિન દ્વારા મળ્યા. તરત જ દેખાવો શરૂ થઈ ગયા હતા. ઔરંગાબાદમાં નામ બદલવાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ડેઇલી મરાઠવાડાની ઓફિસની બહાર પણ પ્રદર્શન કર્યું હતું."

નિશિકાંત ભોલેરાવ તે સમયે યુવા પત્રકાર હતા, જેઓ રાજકીય ઘટનાઓ અને જાતિગત સતામણી વિશેના રિપોર્ટ્સ લખતા હતા.

તેઓ 'ડેઇલી મરાઠવાડા'ના સંપાદક અનંતરાવ ભાલેરાવના પુત્ર છે. આ ક્ષેત્રમાં આ સમાચારપત્રનો ઘણો પ્રભાવ રહ્યો છે.

નિશિકાંતના પિતા નામ બદલવાનો વિરોધ કરી રહ્યા હતા પરંતુ તેઓ પોતે સરકારના આ નિર્ણયની સાથે હતા અને એમણે આંદોલનમાં ભાગ લીધો હતો.

'મરાઠવાડા મુક્તિસંગ્રામ'એ આ પ્રાદેશિક ઓળખને વધારે ઘેરી બનાવી દીધી હતી અને યુનિવર્સિટીના નામમાં એ ઓળખ દેખાતી હતી.

કહેવા માટે ભલે આ તર્ક હોય પરંતુ જાતિગત અને સામાજિક ભાગલાનો એક મજબૂત 'અંડર કરંટ' હતો જેણે આ વિરોધને હિંસક બનાવી દીધો.

મરાઠવાડા યુનિવર્સિટીને આંબેડકરનું નામ આપવાની માંગણી ઘણાં વરસોથી થતી હતી.

આંબેડકર સાથે મરાઠવાડા અને ઔરંગાબાદને ખાસ સંબંધ છે. આંબેડકરે સામાજિક પરિવર્તન માટે સૌથી પહેલાં વર્ષ 1950માં મુંબઈની સિદ્ધાર્થ કૉલેજમાં 'પીપલ્સ ઍજ્યુકેશન સોસાયટી'નો પાયો નાખ્યો હતો અને પછી 1952માં એમણે ઔરંગાબાદમાં મિલિંદ કૉલેજની સ્થાપના કરી હતી.

મરાઠવાડા અને પાસેના વિદર્ભ ક્ષેત્રના હજારો દલિત વિદ્યાર્થીઓએ મિલિંદ કૉલેજમાં ઍડ્‌મિશન લીધું હતું.

એ સમયમાં ઔરંગાબાદ અને મરાઠવાડા દલિત વિદ્યાર્થીઓના આંદોલનની ભૂમિ બની ગયાં હતાં.

મરાઠવાડાના સામાજિક, રાજકીય અને શિક્ષણજગતમાં આંબેડકર આંદોલન એક પ્રભાવક બળ બની ગયું હતું. રાજ્યના બાકીના ભાગોમાં પણ સ્થિત કંઈક આવી જ હતી. આ વર્ગોમાંથી મરાઠવાડા યુનિવર્સિટીનું નામ બદલવાની માગ થવા લાગી હતી.

શરદ પવારે કૉંગ્રેસમાંથી છૂટા પડીને 1978માં 'પ્રોગ્રેસિવ ડેમૉક્રેટિક ફ્રન્ટ '(પીડીએફ)ની સરકાર બનાવ્યા સુધી આ માંગણી અંગે કોઈ પગલાં ભરાયાં નહોતાં.

પીડીએફની સરકારે એકમતે આ પ્રસ્તાવ પારિત કરવાનો નિર્ણય કર્યો અને 27 જુલાઈએ આ પ્રસ્તાવ પાસ થઈ ગયો.

સરકારના નિર્ણયની જાહેરાતના થોડાક જ કલાકોમાં મરાઠવાડા ક્ષેત્રમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ. આખા ક્ષેત્રમાં જાતિગત તોફાનો શરૂ થઈ ગયાં અને દલિત પરિવારોને નિશાન બનાવવામાં આવ્યાં.

શરદ પવારે મરાઠીમાં લખેલી આત્મકથા 'લોક માઝે સંગતિ'માં આ અંગે વિસ્તારથી લખ્યું છે.

27 જુલાઈ, 1978ના ઘટનાક્રમો વિશે પવારે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે :

"જ્યારે પ્રસ્તાવને અંતિમ મંજૂરી આપવાની કૅબિનેટ બેઠક ચાલી રહી હતી ત્યારે જ મરાઠવાડા ક્ષેત્રમાં તણાવ થયાના સમાચારો મળવા લાગ્યા હતા. દલિતો પર હુમલા શરૂ થઈ ગયા હતા. એમનાં ઘર સળગાવાઈ રહ્યાં હતાં."

"પોચીરામ કાંબલે નામના એક દલિત યુવકની હત્યા કરી દેવાઈ. નામાંતર આંદોલન અને એના પછીના દિવસોમાં આવી ઘટનાઓમાં 27 લોકોના જીવ ગયા. ''

''પોચીરામ મતંગ સમુદાયના હતા. તેઓ ગામના ઉપસરપંચ હતા. સંસદમાં પ્રસ્તાવ પાસ થયા પછી દલિત પરિવારોએ દિવાળીની જેમ ઉત્સવ ઊજવ્યો હતો. એનાથી આક્રોશમાં આવી જઈને ઉચ્ચ જાતિના લોકોએ હિંસક માર્ગ અપનાવ્યો અને આગ લગાડવાનું શરૂ કરી દીધું. એવી જ એક ઘટનામાં ટોળાએ પોચીરામના હાથ-પગ કાપીને એમને જીવતા સળગાવી દીધા હતા."

મૃત્યુ થયાં, ઘર સળગી ગયાં

ઘણા દિવસો સુધી તોફાનો થતાં રહ્યાં. હિંસક ટોળાં આમનેસામને હતાં.

જ્યાં ક્યાંય હિંસક ઘટનાઓ બનતી હતી ત્યાં પોલીસ લોઠીચાર્જ કરતી હતી અને ટિયરગૅસના શેલ છોડવામાં આવી રહ્યા હતા.

દલિતો પર થયેલા જુલમો અને એમના નુકસાનના દસ્તાવેજી પુરાવા છે. ઘણી સમિતિની રચના કરવામાં આવી હતી અને ફૅક્ટ ફાઇન્ડિંગ ટીમો (તથ્યોની તપાસ કરનારી ટીમ) ક્ષેત્રમાં મોકલવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે પણ વાસ્તવિક સ્થિતિનો રિપોર્ટ મેળવવા માટે એક ટીમ મોકલી હતી.

વિદ્યાર્થીઓ, શિક્ષક સંગઠનો અને ટ્રેડ યુનિયનોના સંગઠન 'અત્યાચારવિરોધી મંચ'એ પણ આવો જ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો.

એ રિપોર્ટ 'ઇકૉનૉમિક ઍન્ડ પૉલિટિકલ વીકલી'ના મે 1979ના અંકમાં પ્રકાશિત થયો હતો. મરાઠા ક્ષેત્રની મુલાકાત લીધા પછી તૈયાર કરાયેલો આ રિપોર્ટ તે સમયની વાસ્તવિક સ્થિતિ બયાન કરતો હતો.

રિપોર્ટમાં કહેવાયું છે, "ગામડાંમાં દલિતો વિરુદ્ધ ઘણાં સ્વરૂપે તોફાન થયાં. લોકોની હત્યાઓ થઈ, હરિજન સ્ત્રીઓ પર બળાત્કાર અને છેડતી થયાં. ઘર અને ઝૂંપડીઓ સળગાવાઈ દેવાયાં અને સામાન લૂંટી લેવાયો. "

"બેઘર બનેલા દલિતોએ ગામમાંથી પલાયન કરવું પડ્યું. એમના કૂવાને પ્રદૂષિત કરવામાં આવ્યા હતા, પશુઓને મારી નાખવામાં આવ્યાં હતાં અને એમને કામ આપવાનું પણ બંધ કરી દીધું હતું. આ બધું 67 દિવસ સુધી ચાલતું રહ્યું. "

"પીડિતોને નાગરિક અધિકારો અંતર્ગત પ્રાપ્ત સુરક્ષા ના મળી."

આ રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે મરાઠવાડાનાં 9 હજાર ગામોમાંથી 1,200 ગામ આ તોફાનોથી અસરગ્રસ્ત થયાં.

નાંદેડ, પરભાની અને બીડ જિલ્લા તોફાનોથી અસરગ્રસ્ત હતા. આ તોફાનોમાં લગભગ 5 હજાર લોકો બેઘર થયા અને 2,500 દલિત પરિવારોનું મનોબળ તૂટી ગયું અને તેઓ અતિકપરી પરિસ્થિતિમાં આવી ગયા.

2 હજાર લોકોએ ઘર છોડીને જંગલો કે શહેરો તરફ ભાગવું પડ્યું. ભૂખમરો હોવા છતાં ભયને કારણે દલિત પરિવારો પોતાના ગામમાં પાછા આવી શકતા નહોતા.

નિશિકાંત ભોલેરાવે જણાવ્યું કે, "નિઝામના સમયથી જ મરાઠવાડામાં સામંતી વ્યવસ્થા ચલણમાં છે. આ વ્યવસ્થામાં દલિત સૌથી નીચેના સ્તરે હતા. જો તેમની પ્રગતિ થઈ હોત તો આખા ક્ષેત્રનું રાજકારણ જ બદલાઈ જાત. કેટલાક લોકોને આ જ વાતની બીક હતી."

મરાઠવાડા કેમ? દલિત કેમ?

જ્યારે પણ મરાઠવાડાનાં તોફાનોની વાત થાય છે ત્યારે આ સવાલ ઊભો થાય છે. એ સમયખંડમાં રહેનારા લોકો, આંદોલનમાં ભાગ લેનારા લોકો અને આ કાળા અધ્યાયનું અધ્યયન કરનારા લોકો માને છે કે તોફાનો એટલા માટે નહોતાં થયાં કેમ કે, નામ બદલાઈને આંબેડકર થઈ ગયું હતું, બલકે એટલા માટે થયાં હતાં કેમ કે, એનાથી દલિત સમુદાયોનો આત્મવિશ્વાસ વધી રહ્યો હતો.

એ વખતે મરાઠવાડાની વસતિ અંદાજે 80 લાખ હતી, એમાં લગભગ 16.25 ટકા અનુસૂચિત જાતિઓના લોકો હતા.

પત્રકાર અને લેખક શ્રીકાંત ભરાડેએ 2018માં બીબીસીના એક લેખમાં લખેલું કે, "આઝાદી પહેલાંથી જ ઘણા બધા દલિત પરિવાર જીવનનિર્વાહ માટે પલાયન કરી રહ્યા હતા. એક વાર ડૉ. આંબેડકરનું નેતૃત્વ મળવું શરૂ થયું તો આ પ્રક્રિયા વધારે તીવ્ર-ઝડપી થઈ ગઈ. શહેરોમાં શિક્ષણ અને રોજગારની તક હોય છે અને એનાથી ગામડાંનું પારંપરિક માળખું હંમેશ માટે નક્કામું થઈ ગયું."

"કૃષિ અર્થવ્યવસ્થામાં ઊથલપાથલ થઈ ગઈ. જમીનદારોને ખેતરમાં કામ કરવા માટેના મજૂરો નહોતા મળતા. 1956માં આંબેડકરની સાથે ઘણા બધા દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. "

"પહેલાં દલિતોએ પારંપરિક કાર્યો છોડ્યાં હતાં, હવે ધર્મ પણ છોડી દીધો હતો. અત્યાર સુધી ઝૂકીને ચાલનારા દલિત હવે પોતાનું ગૌરવ કરવા લાગ્યા હતા. ઉચ્ચ વર્ગના લોકોને લાગી રહ્યું હતું કે દલિત પોતાની ઓળખ ભૂલી રહ્યા છે અને તેઓ અહંકારી થઈ ગયા છે."

સવર્ણો વિરુદ્ધ દલિતનો તણાવ સ્પષ્ટ દેખાતો હતો. મરાઠવાડામાં બંને પક્ષના વિદ્યાર્થીઓ ખાસ સ્વરૂપે આંદોલિત હતા. આ આક્રોશના કારણે જ સરકારે નામ બદલવાનો નિર્ણય અટકાવી રાખવો પડ્યો જેથી ક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય કરી શકાય.

શરદ પવારે આત્મકથામાં લખ્યું છે, "નિર્ણયનો વિરોધ કરી રહેલા આક્રોશિત યુવાઓની સામે જિલ્લા અને પ્રાદેશિક સ્તરના બધા નેતાઓ ઝૂકી ગયા હતા. "

"અમારા માટે વ્યાવહારિક રીતે પણ દરેક દલિત પરિવારને સુરક્ષા આપવાનું અશક્યવત્ બની રહ્યું હતું. અમે નહોતા ઇચ્છતા કે યુનિવર્સિટીનું નામ બદલવાના પગલે લોકોના જીવ જાય. અમે યુવાઓને સમજાવવામાં અને એમનો ગુસ્સો શાંત કરવામાં નિષ્ફળ થયા. અને છેવટે અમારે નામ બદલવાનો અમારો નિર્ણય પાછો ખેંચી લેવો પડ્યો."

નામાંતરનું રાજકીય પરિણામ અને મરાઠવાડામાં શિવસેનાનો ઉદય

નામાંતર આંદોલન અને એના પછીના જાતિગત વિભાજને મરાઠવાડાના રાજકીય ચિત્રને બદલી નાખ્યું. એ દરમિયાન પડી ગયેલી તિરાડો દાયકાઓ પછીયે દેખાતી રહી.

પરંતુ એનું મહત્ત્વનું એક પરિણામ એ ક્ષેત્રમાં શિવસેનાનો પ્રવેશ અને રાજકીય રીતે મજબૂત થવાનું આવ્યું. શિવસેના અહીં એટલી મજબૂત થઈ કે મરાઠવાડાને હવે શિવસેનાનો ગઢ કહેવામાં આવે છે.

શિવસેના અને એના નેતા બાળાસાહેબ ઠાકરેએ ખુલ્લેઆમ નામાંતરનો વિરોધ કર્યો અને એનાથી તે મરાઠવાડાની અ-દલિત વસ્તીમાં લોકપ્રિય થઈ ગઈ.

પોતાના પુસ્તક 'જય મહારાષ્ટ્ર'માં વરિષ્ઠ પત્રકાર પ્રકાશ આકોલકરે લખ્યું છે કે, "1978 પછી શરૂઆતનાં 7-8 વર્ષ સુધી શિવસેનાએ નામ બદલવાના મુદ્દાની પરવા ના કરી. પરંતુ જ્યારે શિવસેનાએ મરાઠવાડામાં પોતાનો આધાર મજબૂત કરવાની શરૂઆત કરી ત્યારે બહુસંખ્યક હિન્દુઓએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. ક્ષેત્રના અમીર અને ઉચ્ચમધ્યમ વર્ગના મોટા ભાગના ખેડૂતો બહુસંખ્યક હિન્દુ વર્ગના હતા અને એ પરિવારોના યુવા વિદ્યાર્થીઓ નામ બદલવાનો વિરોધ કરતા હતા."

"1974માં વર્લીમાં થયેલાં તોફાનોએ શિવસેનાના દલિતવિરોધી વલણને પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું હતું. "

"એ જ કારણ હતું કે મરાઠવાડાના ખેડૂતો અને વિદ્યાર્થીઓ આસાનીથી શિવસેનામાં જોડાઈ રહ્યા હતા. ઠાકરેને પણ એવી અનુભૂતિ થઈ ગઈ હતી કે યુનિવર્સિટીનું નામ બદલવાનો વિરોધ કરીને તે સરળતાથી મરાઠવાડામાં પોતાનો આધાર મજબૂત કરી શકે છે. ત્યાર બાદ એમણે નામાંતર અને દલિતોનો વિરોધ વધારે તીવ્ર કરી દીધો."

પ્રકાશ આકોલકરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, શિવસેનાએ બીજા ઘણા મુદ્દે ક્ષેત્રના અમીર ખેડૂતોનું સમર્થન કર્યું હતું.

1985-86માં બેરોજગારી જ્યારે જ્વલંત મુદ્દો બની ગઈ હતી અને દલિતોના માલિકી-હક્કવાળી બિનઉપજાઉ જમીનનો મુદ્દો ઊભો થયો હતો ત્યારે સેનાએ એવી જમીનો પરના હુમલાને સમર્થન આપ્યું અને દલિતોનાં ખેતર બરબાદ કરી નાખ્યાં.

એ દરમિયાન દલિતોનાં ઘર સળગાવી નાખવાની પણ ઘણી ઘટનાઓ બની.

1985 પછીથી હિન્દુત્વનો ઍજન્ડા પણ મજબૂતી ધારણ કરી રહ્યો હતો, એની સાથે દલિતવિરોધી ઍજન્ડાએ શિવસેનાને મરાઠવાડામાં ઝડપથી ફેલાવી.

શિવસેના માટે રાજકીય રીતે એ એટલું લાભકારક રહ્યું કે વર્ષ 1995માં જ્યારે સેનાએ ભાજપ સાથે મળીને સરકાર બનાવી ત્યારે શિવસેનાના 15 ધારાસભ્યો એકલા મરાઠવાડા ક્ષેત્રના જ જીત્યા હતા.

એવું માનવામાં આવે છે કે, નામ બદલવાનો ઠાકરેનો સતત વિરોધ એ પણ એનું એક કારણ હતો.

આખરે વર્ષ 1994માં જ્યારે યુનિવર્સિટીનું નામ ફરીથી બદલવામાં આવ્યું ત્યારે બાળાસાહેબ ઠાકરેએ નાંદેડમાં કહેલું, "જો તમારા ઘરમાં ખાવા માટે ભોજન નથી તો તમારે યુનિવર્સિટીની શી જરૂર છે."

છેવટે નામનું વિસ્તરણ થયું

રાજકીય પરિસ્થિતિઓના કારણે નામ બદલવાની માંગણી ભલે પાછી ઠેલાતી ગઈ હોય પરંતુ તે ક્યારેય ધીમી નહોતી પડી.

1992નાં તોફાનો પછી શરદ પવારના કૉંગ્રેસમાં પુનઃપ્રવેશ અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બન્યા બાદ 1994માં યુનિવર્સિટીનું નામ બદલવાની માંગ ફરીથી થવા લાગી.

પવારે આ મુદ્દે ફરીથી રાજકીય સહયોગ મેળવવાનું શરૂ કરી દીધું. નામ બદલવાના વિરોધની પાછળનું એક મોટું કારણ મરાઠવાડા શબ્દ સાથેનો વંશીય પ્રેમ હતું. ત્યારે સૂચન આવ્યું કે નામ બદલવાના બદલે નામનો વિસ્તાર કરી દેવો.

પછી નવું નામ 'ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી' પ્રસ્તાવિત કરવામાં આવ્યું જે બંને વર્ગોની ભાવનાનું સન્માન કરતું હતું.

એની સાથે જ મરાઠવાડાના નાંદેડમાં બીજી એક યુનિવર્સિટી 'સ્વામી રામાનંદ તીર્થ મરાઠવાડા યુનિવર્સિટી'ની સ્થાપના કરવામાં આવી.

આ નિર્ણયો વિશેની આખરી જાહેરાત 14 જાન્યુઆરી, 1994એ કરવામાં આવી અને એ વખતે એનો ક્યાંય કશો વિરોધ ના થયો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો