You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન પર અંકુશ લગાવવા માટે ભારત આર્મેનિયાને હથિયારો આપવા માગે છે?
- લેેખક, દીપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત આર્મેનિયાને 2000 કરોડ રૂપિયાનાં શસ્ત્રો વેચશે. 2020માં આર્મેનિયા તેના પાડોશી દેશ અઝરબૈજાન સાથે યુદ્ધ કરી ચૂક્યું છે. પરંતુ ફરી એક વાર બંને વચ્ચે તણાવ વધવા લાગ્યો છે.
આથી ભારત સાથે કરવામાં આવેલી આ ડીલ આર્મેનિયા માટે ખૂબ મહત્ત્વની છે.
રક્ષા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, 2000 કરોડ રૂપિયાની આ ડીલ હેઠળ ભારત સૌથી પહેલા તેને પિનાકા મલ્ટી બેરલ રૉકેટ લૉન્ચર સપ્લાય કરશે. આ મલ્ટી-બેરલ રૉકેટ લૉન્ચર સિસ્ટમ ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે અને ભારત તેને ચીન અને પાકિસ્તાનની સરહદ પર પહેલાથી જ તહેનાત કરી ચૂક્યું છે. પિનાકાનો આ પહેલો આંતરરાષ્ટ્રીય ઑર્ડર છે.
અઝરબૈજાન, તુર્કી અને પાકિસ્તાનની ત્રિપુટી
અઝરબૈજાનને પાકિસ્તાન અને તુર્કીના ઉભરતા જોડાણના ભાગ તરીકે જોવામાં આવે છે. અઝરબૈજાને આર્મેનિયા સામેના યુદ્ધમાં ભારે નુકસાન પહોંચાડવા માટે તુર્કીના ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
હવે અઝરબૈજાન પાકિસ્તાન પાસેથી ચીનમાં બનેલા જેએફ-1 ફાઈટર એરક્રાફ્ટ ખરીદવા માગે છે.
વિશ્લેષકો માને છે કે ભૌગોલિક અંતર હોવા છતાં આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેનો મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટના પ્રતિરૂપમાં સામે આવી રહી છે.
2017માં તુર્કી અઝરબૈજાન અને પાકિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેણે ત્રણેય વચ્ચે સુરક્ષા સહયોગનો પાયો નાખ્યો હતો. આમાં ત્રણેય વચ્ચે પહેલેથી ચાલી રહેલા સંરક્ષણ કરારોને આગળ વધારવા પર વાતચીત થઈ હતી.
2020માં 44 દિવસની લડાઈમાં આર્મેનિયાને હરાવ્યા બાદ ગયા વર્ષે અઝરબૈજાને તુર્કી અને પાકિસ્તાન સાથે મળીને 'થ્રી બ્રધર્સ' લશ્કરી કવાયત હાથ ધરી હતી. તુર્કી-પાકિસ્તાન અને અઝરબૈજાનની ત્રિપુટી વધુને વધુ ભારતવિરોધી વલણ અપનાવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાશ્મીર પર પાકિસ્તાનનું વલણ જગજાહેર છે, જેમાં તુર્કીએ પણ અહીં કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો હતો. અઝરબૈજાન અને તુર્કી બંનેએ કાશ્મીર પર પાકિસ્તાનના વલણને સમર્થન આપ્યું છે.
ઈકૉનૉમિક ટાઇમ્સના એક લેખ મુજબ, અઝરબૈજાન હાલમાં બિન-જોડાણયુક્ત દેશોના સંગઠનનું અધ્યક્ષ છે.
અઝરબૈજાનનું ભારતવિરોધી વલણ
આર્મેનિયાનું સૌથી મોટું સમર્થક રશિયા હાલમાં યુક્રેન યુદ્ધમાં ફસાયેલું છે. તાજેતરમાં એવું પણ જોવા મળ્યું હતું કે તુર્કીએ યુક્રેનને કોઈ કારણ વગર ટીબી-2 ડ્રોન આપ્યા હતા, તેણે ઘણી રશિયન ટેન્કોને નષ્ટ કરી હતી. આ ડ્રોનની ઘણી વાહવાહી થઈ હતી.
તુર્કી નાટોનો સભ્ય દેશ છે. અઝરબૈજાન ગેસ સપ્લાય કરતો મોટો દેશ છે. તુર્કી પણ રશિયન ગેસના વિકલ્પ તરીકે અઝરબૈજાનના ગેસ સપ્લાયને જોઈ રહ્યું છે.
અઝરબૈજાન સાથે ભારતના આર્મેનિયા કરતાં વધુ મજબૂત આર્થિક સંબંધો છે. ત્યાંના ઘણા ગેસ વિસ્તારોમાં ઓએનજીસીનું રોકાણ છે. પરંતુ અઝરબૈજાનના તુર્કી અને પાકિસ્તાનના પક્ષમાં બેસવાને કારણે ભારતે આર્મેનિયાની મદદથી વ્યૂહાત્મક સંતુલન જાળવવાની પહેલ કરવી પડી છે.
હાલમાં અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચેના સંઘર્ષથી ભારતને કોઈ સીધો ખતરો નથી, પરંતુ તે તુર્કી અને પાકિસ્તાન વચ્ચેના જોડાણને મજબૂત કરી રહ્યું છે.
તુર્કી-અઝરબૈજાન-પાકિસ્તાનનું જોડાણ ઇસ્લામિક આધાર ધરાવે છે. મુસ્લિમ દેશોના સંગઠન ઓઆઈસીમાં આ ગઠબંધન ભારત વિરુદ્ધ પગલાં લઈ શકે છે.
આર્મેનિયાનું સૌથી મોટું સમર્થક રશિયા હાલમાં યુક્રેન યુદ્ધમાં વ્યસ્ત છે. તેથી, તે ક્ષેત્રમાં વ્યૂહાત્મક સંતુલન માટે ભારત આર્મેનિયાને શસ્ત્રો વેચવા માગે છે.
ભારત આર્મેનિયાને શસ્ત્રો કેમ વેચી રહ્યું છે?
આર્મેનિયાને હથિયાર સપ્લાય કરવાના ભારતના નિર્ણયને સમજવા માટે બીબીસીએ વરિષ્ઠ વ્યૂહાત્મક અને સુરક્ષા વિશ્લેષક મેજર જનરલ એસ.બી. અસ્થાના સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, "ભારતનો નિર્ણય આર્થિક અને વ્યૂહાત્મક બંને દૃષ્ટિકોણથી મહત્ત્વનો છે. અગાઉ ભારત શસ્ત્રો બનાવતું ન હતું. શસ્ત્રોના ઉત્પાદનમાં શૂન્યથી શરૂ કરીને ભારત હવે તેની નિકાસ કરવાની સ્થિતિમાં પહોંચી ગયું છે."
"દેખીતી રીતે, શસ્ત્રોની નિકાસથી ભારતનો ડિફેન્સ ઉદ્યોગ મજબૂત થશે. વિદેશી હૂંડિયામણ મળશે અને વર્ચસ્વ પણ વધશે.
મેજર જનરલ અસ્થાના કહે છે, "શસ્ત્ર ઉદ્યોગ ભારે નફો આપતો ઉદ્યોગ છે. આમાં ઘણી તકો છે, કારણ કે અમેરિકન શસ્ત્રો ઘણાં મોંઘાં છે. રશિયાનું ઉત્પાદન હાલમાં નબળું છે અને ચીનનાં શસ્ત્રોની વિશ્વસનીયતાની સમસ્યા છે."
"જો ભારત ખાનગી અને જાહેર ભાગીદારી દ્વારા શસ્ત્રોના ઉત્પાદન પર ભાર મૂકે તો તેની પાસે આ માટે ઘણી સારી સંભાવનાઓ છે."
તેઓ કહે છે, "પાકિસ્તાન અને તુર્કીએ મળીને અઝરબૈજાનને ઘણી મદદ કરી છે. આ દેશો સમયાંતરે ભારતવિરોધી વલણ અપનાવતા આવ્યા છે. બીજી તરફ, આર્મેનિયાને મદદ કરતા ઘણા ઓછા દેશો છે. અત્યારે તે દબાણ હેઠળ છે. જો ભારત આર્મેનિયાને મદદ કરશે તો તેનું વર્ચસ્વ વધશે અને તેની વ્યૂહાત્મક હાજરીમાં વધારો થશે."
"આ સ્થિતિમાં ભારત એક વિશ્વાસપાત્ર વ્યૂહાત્મક મિત્ર તરીકે ઊભરી આવશે જે તેની છાપને મજબૂત કરશે. આર્મેનિયાને હથિયાર આપવાનો નિર્ણય ભારત માટે આર્થિક અને વ્યૂહાત્મક બંને રીતે મહત્ત્વપૂર્ણ છે.
- પિનાકી ડીઆરડીઓએ વિકસિત કરી છે
- આને પહેલી વાર કોઈ દેશને વેચવામાં આવી રહી છે
- 2021-22 દરમિયાન ભારતની શસ્ત્રો અને લશ્કરી સાધનોની નિકાસ 13,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે
- પાંચ વર્ષમાં 35,000 કરોડ રૂપિયાનાં શસ્ત્રો અને લશ્કરી સાધનોની નિકાસ કરવાનો લક્ષ્યાંક છે
- સરકાર 2025 સુધીમાં ડિફેન્સ મૅન્યુફૅક્ચરિંગને 1.75 લાખ કરોડ રૂપિયા સુધી લઈ જવા માગે છે
- હાલમાં ભારત વિશ્વના 75 દેશોને સૈન્ય ઉપકરણોનું વેચાણ કરે છે
પાંચ વર્ષમાં 35 હજાર કરોડનાં શસ્ત્રો વેચવાનું લક્ષ્ય
પિનાકા પહેલી વાર કોઈ પણ દેશને વેચવામાં આવી રહી છે. જોકે આર્મેનિયા ભૂતકાળમાં પણ ભારત પાસેથી સૈન્ય સાધનો ખરીદતું આવ્યું છે.
2020માં આર્મેનિયાએ અઝરબૈજાન સાથેના યુદ્ધમાં ભારત પાસેથી શસ્ત્રો શોધવાનું રડાર સ્વાતિ ખરીદ્યું હતું.
પાછલા નાણાકીય વર્ષ (2021-22) દરમિયાન ભારતની શસ્ત્રો અને લશ્કરી સાધનોની નિકાસ વધીને રેકૉર્ડ 13,000 કરોડ રૂપિયાની થઈ ગઈ છે.
વર્ષ 2020માં મોદી સરકારે પાંચ વર્ષ દરમિયાન 35,000 કરોડ રૂપિયાના શસ્ત્રો અને લશ્કરી સાધનોની નિકાસ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. સરકાર 2025 સુધીમાં ડિફેન્સ મૅન્યુફૅક્ચરિંગને 1.75 લાખ કરોડ રૂપિયા સુધી લઈ જવા માગે છે.
આ વર્ષે જાન્યુઆરીમાં ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ વેચવાની ડીલ કરી હતી. હાલમાં ભારત વિશ્વના 75 દેશને સૈન્ય ઉપકરણોનું વેચાણ કરી રહ્યું છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો