You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા અને ભારત ખરેખર વૈશ્વિક તાકાત બની રહ્યું છે?
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
મોદી શાસનમાં ભારતનો ઉદય
- ભારત બ્રિટનને પાછળ છોડીને પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું
- યુએન સુરક્ષા પરિષદમાં સુધારાની માગનું રશિયા અને અમેરિકા દ્વારા સમર્થન
- ભારત પાસે જી-20, એસસીઓની અધ્યક્ષતા
- ભારત યુએન સુરક્ષા પરિષદમાં અસ્થાયી સદસ્ય
- પશ્ચિમી દેશોના વિરોધ વચ્ચે રશિયા પાસેથી ઑઇલ ખરીદવા અડગ
- ભારતે રશિયા પાસેથી એસ-400 ખરીદ્યા, પણ અમેરિકાએ સીએએટીએસએ અંતર્ગત પ્રતિબંધ ન લગાવ્યા
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂન મહિનાના અંતિમ અઠવાડિયામાં જર્મનીમાં જી-7ની બેઠકમાં અતિથિ તરીકે આમંત્રિત હતા.
જી-7 વિશ્વના સાત સૌથી મોટા ઔદ્યોગીકૃત દેશોનો સમૂહ છે. આ સમિટમાં વડા પ્રધાન મોદી કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે પાછળથી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન આવ્યા અને તેમણે વડા પ્રધાન મોદીના ખભે હાથ મૂક્યો. મોદીએ બાઇડન તરફ જોયું અને બંને નેતાઓ હોંશભેર મળ્યા.
સમાચાર એજન્સી રૉયટર્સની આ વીડિયો ક્લિપને ભારતીય ન્યૂઝ એજન્સી એએનઆઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લખ્યું કે રાષ્ટ્રપતિ બાઇડન ખુદ વડા પ્રધાન મોદીનો હાથ મિલાવવા માટે આવ્યા.
આ વીડિયો ક્લિપ ગણતરીના કલાકોમાં વાયરલ થઈ ગઈ. વડા પ્રધાન મોદીના સમર્થકોએ તેને ભારતના વધી રહેલા વૈશ્વિક પ્રભાવ તરીકે રજૂ કરી. મોદી સમર્થક એક પત્રકારે લખ્યું કે આ બાબતો વામપંથીઓને હેરાન કરે છે.
જી-7 પહેલાં જી-8 હતું, પરંતુ 2014માં રશિયાએ યુક્રેનના ક્રાઇમિયા પર કબજો કરતા તેને આ ગ્રૂપમાંથી બહાર કરી દેવાયું હતું.
હવે કહેવામાં આવી રહ્યું છે કે આ ગ્રૂપમાં રશિયાની જગ્યા ભારત લઈ શકે છે. જી-7 સમિટના ઠીક ત્રણ મહિના બાદ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઇઝેશન એટલે કે એસસીઓની બેઠક યોજાઈ હતી.
મોદીનું નિવેદન આંતરરાષ્ટ્રીય મીડિયામાં છપાયું
ચીનની આગેવાનીવાળા આ સંગઠનના ભારત, રશિયા અને પાકિસ્તાન પણ સભ્યો છે. 16 સપ્ટેમ્બરે એસસીઓ સમિટથી અલગ પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મુલાકાતમાં પીએમ મોદીએ કૅમેરા સામે પુતિનને કહ્યું હતું કે આ સમય ડેમોક્રેસી, ડિપ્લોમેસી અને ડાયલૉગનો છે, ન કે યુદ્ધનો. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને આ વાત યુક્રેન પર હુમલા સંદર્ભે કહી હતી.
પીએમ મોદીની આ ટિપ્પણીને પશ્ચિમી દેશોના નેતાઓએ હાથોહાથ લીધી. આ એવા સમયે થયું, જ્યારે રશિયા યુક્રેન યુદ્ધ પર ભારતના વલણને લઈને પશ્ચિમી દેશો ખુશ નહોતા.
ભારત સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેનને લઈને રશિયા વિરુદ્ધ તમામ મોટા પ્રસ્તાવો પર વોટિંગથી બહાર રહ્યું હતું. અમેરિકા અને યુરોપના મોટા દેશો ઇચ્છતા હતા કે ભારત રશિયા વિરુદ્ધ વોટ કરે.
બીજી બાજુ 24 ફેબ્રુઆરીએ પુતિને યુક્રેન પર હુમલાની જાહેરાત કરી ત્યારથી પશ્ચિમી દેશોએ રશિયાની આર્થિક ગતિવિધિઓ રોકવા માટે તેમના પર પ્રતિબંધો લાદવાના શરૂ કર્યા હતા પણ ભારતે રશિયા પાસેથી ઑઇલ ખરીદીમાં વધારો કર્યો છે.
આ મહિને 13 સપ્ટેમ્બરથી સંયુક્ત રાષ્ટ્રની 77મી મહાસભાની શરૂઆત થઈ. યુએનની મહાસભામાં વિશ્વના દેશોના પ્રતિનિધિ સંબોધિત કરે છે.
મૅક્રોંએ વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી
77મી મહાસભામાં પણ યુક્રેન અને રશિયાનો મુદ્દો છવાયેલો રહ્યો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રોંએ 20 સપ્ટેમ્બર એટલે કે યુએનની સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ સામે બિલકુલ સાચું કહ્યું હતું કે આ સમય યુદ્ધનો નથી.
મૅક્રોએ પીએમ મોદીનું નામ લેતા કહ્યું હતું, "નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ સામે બિલકુલ સાચું કહ્યું હતું. આ સમય પશ્ચિમ વિરુદ્ધ પ્રતિશોધ અને તેનો વિરોધ કરવાનો નથી. આ સમય છે કે આપણે સૌ સાથે મળીને વૈશ્વિક પડકારોનો સામનો કરીએ."
ફ્રાન્સ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય છે અને યુએનની સામાન્ય સભામાં રાષ્ટ્રપતિ મૅક્રો તરફથી વડા પ્રધાન મોદીના વખાણ કરવા એક મહત્ત્વપૂર્ણ ઘટના હતી.
મોદી સરકારના મંત્રી અનુરાગ ઠાકુર અને કિરન રિજિજૂએ મૅક્રોની આ વીડિયોક્લિપને ટ્વીટ કરી. આ મંત્રીઓ કહેવા માગતા હતા કે ભારત હવે વૈશ્વિક સ્તરે પોતાની જગ્યા બનાવી રહ્યું છે.
યુએનજીએમાં ભારતનું નામ ઘણા દેશોએ લીધું. બ્રિટનના વડા પ્રધાન લિઝ ટ્રસે પણ યુએનજીએમાં ભારતનું નામ લીધું અને કહ્યું કે બ્રિટન ભારત સાથે સંબંધને મજબૂત કરી રહ્યું છે.
ફ્રાન્સ અને બ્રિટનના રાષ્ટ્રાધ્યક્ષો સિવાય જર્મન ચાન્સેલર, પૉર્ટુગલના પીએમ, યુક્રેનના રાષ્ટ્રપતિ, ગુયાનાના રાષ્ટ્રપતિ, તુર્કીના રાષ્ટ્રપતિ સહિત મેક્સિકો અને વેનેઝુએલાના પ્રતિનિધિઓએ પણ યુએનજીએમાં ભારતનું નામ લીધું હતું.
મેક્સિકોના વિદેશમંત્રી લુઇસ ઇબ્રાર્ડ કૈસાઉબોને તો રશિયા-યુક્રેન વચ્ચે શાંતિવાર્તા માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. જેમાં પીએમ મોદી, પોપ ફ્રાન્સિસ અને સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ ઍન્ટોનિયો ગુટેરેસને રાખવાની સલાહ આપી હતી.
મેક્સિકોના આ પ્રસ્તાવને વેનેઝુએલાએ પણ સમર્થન આપ્યું હતું. બીજી બાજુ રશિયાએ યુએનજીએમાં ભારત માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી. રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું કે તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત અને બ્રાઝિલની સ્થાયી સદસ્યતાને સમર્થન આપે છે.
રશિયા અને અમેરિકા પ્રતિદ્વંદી, પણ બંને ભારત સાથે
એસ. જયશંકર વિદેશમંત્રી બન્યા બાદ પહેલી વખત 10 સપ્ટેમ્બરે સાઉદી અરેબિયા ગયા હતા. આ મુલાકાતમાં તેમણે સાઉદી ગૅજેટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ સિવાય પરંપરાગત રીતે વૈશ્વિક મામલાઓમાં ભારત સક્રિય રહ્યું છે. આ તમામ બાબતો ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય બનવા માટે યોગ્ય બનાવે છે."
જયશંકરે આ કહ્યું તેના એક અઠવાડિયા બાદ જ અમેરિકન રાષ્ટ્રપતિનું યુએન સુરક્ષા પરિષદમાં સુધારાને સમર્થન કરવું અને રશિયાનું એમ કહેવું કે તેઓ સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સદસ્યતાને સમર્થન કરે છે, મહત્ત્વપૂર્ણ છે.
કહેવામાં આવે છે કે પશ્ચિમી દેશો હાલ જળવાયુ પરિવર્તન અને ચીનને કાઉન્ટર કરવા માટે સપ્લાય ચેઇનને બદલવા માગે છે. એવામાં ભારત એક મહત્ત્વપૂર્ણ દેશ બની ગયો છે.
24 સપ્ટેમ્બરે અમેરિકન અખબાર ન્યૂયૉર્ક ટાઇમ્સમાં એક અહેવાલ છપાયો કે ભારતનો પ્રભાવ વૈશ્વિક મંચમાં વધી રહ્યો છે, પરંતુ દેશમાં લોકતંત્ર કમજોર થઈ રહ્યું છે. આ અહેવાલ ન્યૂયૉર્ક ટાઇમ્સના સાઉથ એશિયાના બ્યૂરો ચીફ મુજિબ મશાલે લખ્યો હતો.
ભારતનો પ્રભાવ વધવાનું કારણ જણાવતા મુજિબ મશાલે લખ્યું, "મોદી ભારતની મજબૂતીનો ફાયદો ઉઠાવવા પર ધ્યાન આપી રહ્યા છે. કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ અને ચીનના વિસ્તારવાદને કારણે વર્લ્ડ ઑર્ડર બાધિત થયો છે. મોદી તેને એક તક તરીકે લઈ રહ્યા છે અને ભારતને પોતાની શરતો પર સ્થાપિત કરવામાં લાગી ગયા છે."
"બ્રિટનને પાછળ છોડીને ભારત વિશ્વની પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. ઘણા દેશો સાથે ભારત ટ્રેડ ડીલ કરી રહ્યું છે. ભારત પાસે મોટી યુવા વસતી છે. આ સાથે જ ભારતમાં ટૅક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે. ભારતને ચીનના કાઉન્ટર તરીકે પણ જોવામાં આવી રહ્યું છે."
તકનો ફાયદો ઉઠાવી રહ્યું છે ભારત?
મુજિબ મશાલ લખે છે, "રશિયા અને અમેરિકા બંને સાથે ભારત સૈન્યઅભ્યાસ કરે છે. આ સિવાય અમેરિકા અને યુરોપનું દબાણ હોવા છતાં રશિયા પાસેથી ઑઇલ ખરીદી રહ્યું છે. ભારતમાં લોકતાંત્રિક મૂલ્યોને લઈને ઘણા ગંભીર સવાલો ઊભા થયા છે, પરંતુ પશ્ચિમી દેશો તેને પડકારી રહ્યા નથી. વિશ્લેષકો અને રાજનૈતિકોનું માનવું છે કે ટ્રેડ અને જિયોપૉલિટિક્સ પર જ્યારે પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે ત્યારે માનવાધિકારોને કિનારે કરી દેવામાં આવે છે. નવી દિલ્હીના એક યુરોપિયન ડિપ્લોમૅટે કહ્યું કે યુરોપિયન યુનિયન ભારત સાથે માત્ર ટ્રેડ ડીલ જ ઇચ્છે છે."
ભારતના ઉદય અને મોદી સરકારની ઉપલબ્ધિઓમાં વિશ્વનું પાંચમું મોટું અર્થતંત્ર બનલું પ્રમુખતાથી જણાવવામાં આવે છે. પરંતુ તેની સાથે કેટલાક વિરોધાભાસ પણ જોડાયેલા છે.
સંયુક્ત રાષ્ટ્ર ડૅવલપમેન્ટ પ્રોગ્રામે માનવ વિકાસ સૂચકાંક એટલે કે એચડીઆર રિપોર્ટ 2021-22 જાહેર કર્યો છે. એચડીઆરના વૈશ્વિક રૅન્કિંગમાં ભારત 2020માં 130મા ક્રમાંકે હતું અને 2021માં 132મા ક્રમાંકે આવી ગયું હતું.
માનવ વિકાસ સૂચકાંકનું આકલન સરેરાશ આયુષ્ય, અભ્યાસ અને પ્રતિ વ્યક્તિ આવકના આધારે થાય છે. કોરોના મહામારીમાં ભારતનું પાછળ જવું કોઈ હેરાન કરનારી બાબત નથી, પણ વૈશ્વિક સ્તર પર એચડીઆરમાં જે ઘટાડો નોંધાયો, તેની સરખામણીએ ભારત ઘણું પાછળ રહી ગયું છે.
2021માં ભારતના એચડીઆરમાં 1.4 ટકાનો ઘટાડો નોંધાયો. જ્યારે વૈશ્વિક સ્તર પર આ 0.4 ટકા હતો. 2015થી 2021 વચ્ચે ભારત એચડીઆર રૅન્કિંગમાં સતત નીચે ગયું. જ્યારે આ સમય દરમિયાન ચીન, શ્રીલંકા, માલદિવ્સ, બાંગ્લાદેશ, યુએઈ, ભૂટાન જેવા દેશો ઉપર જઈ રહ્યા હતા.
ભારત, જાપાન, અમેરિકા અને ઇન્ડોનેશિયામાં ઑસ્ટ્રેલિયાના રાજદૂત રહેલા જૉન મૅકાર્થીએ 21 સપ્ટેમ્બરે ફાઇનાન્શિયલ રિવ્યૂમાં લખેલા એક લેખમાં કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભારતનો એક વૈશ્વિક શક્તિ તરીકે ઉદય થઈ રહ્યો છે.
જૉન મૅકાર્થીએ લખ્યું, "જ્યારે મોદીએ પુતિનને કહ્યું કે હાલ યુદ્ધનો સમય નથી તો તેમણે ઘણા આરામથી રશિયન રાષ્ટ્રપતિથી અંતર કેળવી લીધું હતું. શીત યુદ્ધ દરમિયાન ચીન પાકિસ્તાન સાથે મળેલું હતું. બીજી બાજું રશિયાને ભારતના મજબૂત રણનૈતિક ભાગીદાર તરીકે જોવામાં આવતું હતું, પણ હવે તે સમય જતો રહ્યો છે."
"ભારતીયોના મનમાં ઐતિહાસિક રીતે કેટલાક મામલે રશિયાને લઈને આદર છે. તેની સાથે જ નેટોના વિસ્તારને લઈને પણ વિચાર છે. સમરકંદમાં મોદી વિજયી બનીને નીકળ્યા છે. તમે તેમને નાપસંદ કરતા હોવ તો કરો પણ જિયોપૉલિટિક્સની સમજના આધારે કહી રહ્યો છું કે તેમને હરાવવા મુશ્કેલ છે. મોદીએ સમરકંદમાં શી જિનપિંગને ઇગ્નોર કર્યા ત્યારે તેમને ખ્યાલ હતો કે તેમના મતદારો તેનાંથી નારાજ નહીં થાય અને ક્વૉડના પાર્ટનર પણ તેનાથી સહમત રહેશે. ભારતની બહુસંખ્યક વસતી ચીનને પસંદ કરતી નથી."
શું નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ભારતનો વૈશ્વિક મોરચે એક તાકાત તરીકે ઉદય થયો છે? દિલ્હીસ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં મધ્ય એશિયા અને રશિયન અધ્યયન કેન્દ્રમાં ઍસોસિયેટ પ્રોફૅસર રાજન કુમાર કહે છે કે કોઈ પણ દેશ વૈશ્વિક તાકાત મોટી અને મજબૂત અર્થવ્યવસ્થાના આધારે બને છે.
રાજન કુમાર કહે છે, "ભારતની અર્થવ્યવસ્થા 2003થી સતત વધી રહી છે. મનમોહન સિંહના સમયે પણ ભારતનો વૃદ્ધિદર આઠ ટકા રહ્યો હતો. 2014 બાદ ભારતનો વૃદ્ધિદર ધીમો થયો હતો. તો આપણે એમ ન કહી શકીએ કે માત્ર આ સરકારમાં ભારતનું મહત્ત્વ વધ્યું છે. હાં, એ વાત જરૂર છે કે મોદીનો બીજો કાર્યકાળ વિદેશનીતિની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ રહ્યો. એસ. જયશંકર વિદેશમંત્રી બન્યા બાદ ભારતની વિદેશનિતિમાં ઠોસ પરિવર્તન કરવામાં આવ્યા હતા."
ભારતને આગામી વર્ષે ઘણી આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ મળવા જઈ રહી છે. જી-20ની અધ્યક્ષતા ઇંડોનેશિયાથી ભારત પાસે આવી રહી છે અને આવતા વર્ષે ભારતમાં જ જી-20 સમિટ થશે. એસસીઓની અધ્યક્ષતા પણ ભારતને મળી ગઈ છે અને આવતા વર્ષનું સમિટ પણ ભારતમાં જ યોજાશે. આ વર્ષે ડિસેમ્બરમાં ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા એક મહિના માટે મળવા જઈ રહી છે. તેને ભારતના ઉદય તરીકે જોવામાં આવી રહ્યું છે.
રવિવારે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે વૉશિંગ્ટનમાં કહ્યું કે હવે ભારતને સાંભળવામાં આવે છે. તેમણે કહ્યું, "અમારી વાત હવે મહત્ત્વ ધરાવે છે. મને લાગે છે કે છેલ્લાં છ વર્ષમાં તે અમારી ઉપલબ્ધિ છે. આમ વડા પ્રધાન મોદીના કારણે થયું છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો