You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : PM મોદી બે દિવસમાં 29 હજાર કરોડનાં કામોનું લોકાર્પણ કરશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે થોડા જ મહિનાનો સમય બાકી છે. ત્યારે રાજ્યમાં રાજકીય પક્ષો અને નેતાઓની હલચલ વધી ગઈ છે.
અહીં તમે ગુજરાત ચૂંટણી અંગે અનેક અપડેટ્સ વાંચી શકશો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારથી બે દિવસની યાત્રા પર ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 36મા રાષ્ટ્રીય રમતોત્સવને ખુલ્લો મૂકશે. સરકારી વિજ્ઞપ્તિ પ્રમાણે, મોદી ગુજરાતમાં 29 હજાર કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરશે.
વડા પ્રધાન અમદાવાદ મેટ્રોના પહેલા ફેઝનું ઉદ્ઘાટન કરશે અને તેમાં મુસાફરી પણ કરશે. તેઓ ગાંધીનગર-મુંબઈ વચ્ચેની 'વંદે ભારત ટ્રેન'ને લીલીઝંડી દેખાડશે અને તેમાં જ મુસાફરી કરીને કાલુપુર રેલવેસ્ટેશન સુધી પહોંચશે. અમદાવાદમાં તેઓ જીએમડીસી ખાતેના ગરબાકાર્યક્રમની આરતી પણ કરશે.
વડા પ્રધાન ભાવનગરમાં રૂપિયા 1,300 કરોડનાં કામોનું ઉદ્ધાટન/ખાતમૂહુર્ત કરશે, જેમાં રિજિયનલ સાયન્સ સેન્ટર, પાલીતાણામાં સોલાર પ્લાન્ટ તથા સૌની યોજના લિંક મુખ્ય છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં રૂ. પાંચ હજાર કરોડનાં કામોનું લોકાર્પણ કરશે. જેમાં મુખ્યત્વે પાલનપુર-મહેસાણા રોડ, તારંગા-અંબાજી-આબુરોડ રેલવેલાઇન (ખાતમૂહુર્ત) તથા મીઠા-ડીસા વચ્ચેના પહોળા બનાવાયેલા રોડનો સમાવેશ થાય છે.
દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લગભગ રૂ. ત્રણ હજાર કરોડનાં કામોનું લોકાર્પણ કરશે. જેમાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા નિર્મિત વોટ પ્રોજેક્ટ, ડ્રેઇનેજ પ્રોજેક્ટ. બાયૉ ડાયવર્સિટી પાર્ક, ડ્રીમ સિટી તથા હજીરામાં રોપેક્ષ ટર્મિનલનો સમાવેશ થાય છે.
આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં વડા પ્રધાનના આ કાર્યક્રમનને ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.
ગુજરાત કૉંગ્રેસે ચૂંટણી પહેલાં 'ચલો મા કે દ્વાર' રેલીનું આયોજન કેમ કર્યું?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય હલચલ વધી રહી છે ત્યારે કૉંગ્રેસ પાર્ટીએ 'ચલો કૉંગ્રેસ કે સાથ મા કે દ્વાર' યાત્રાનું આયોજન કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક તરફ કૉંગ્રેસ પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે દક્ષિણથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરી જેમાં ગુજરાતનો સમાવેશ નથી કરવામાં આવ્યો ત્યારે 28 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસે 'ચલો કૉંગ્રેસ કે સાથ મા કે દ્વાર' યાત્રાનું આયોજન કરીને ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યુ છે.
વિધાનસભા ચૂંટણી પહેલાં વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વારંવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી વેગીલો પ્રચાર ચલાવી રહી છે.
ત્યારે કૉંગ્રેસે સૌરાષ્ટ્રમાં એક દિવસીય યાત્રાનું આયોજન કર્યું છે જેમાં કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા, ગુજરાત કૉંગ્રેસ પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોર સહિત અનેક નેતાઓ સામેલ થયા હતા.
રાજકોટમાં સવારે રેસકોર્ષ ગ્રાઉન્ડથી 500થી વધુ બાઇક અને કાર સાથે નીકળી આ યાત્રા ગોંડલ અને વિરપુરથી થઈને ખોડલધામ પહોંચશે જ્યાં નરેશ પટેલ આ યાત્રાનું સ્વાગત કરશે.
ગુજરાક કૉંગ્રેસ પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોરે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, આગામી ચૂંટણીમાં કૉંગ્રેસ 125થી વધુ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહી છે તેના ભાજરૂપે આ કાર્યક્રમો થઈ રહ્યા છે.
ત્યારે કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ગુજરાતમાં અનેક લોકપ્રશ્નો છે, દરેક વર્ગ, ખેડૂતો, સરકારી કર્મચારી હોય કે મજૂર હોય, દરેક જ્ઞાતિ, ધર્મના લોકો નારાજ છે. તેમના પ્રશ્નોને વાચા આપવા માટે યાત્રા યોજાઈ છે.
મુખ્ય ચૂંટણી કમિશનરનો પાટીલ પર કટાક્ષ 'કેટલાક 'સ્વઘોષિત જ્યોતિષીઓ' જાતે જ ચૂંટણીની તારીખ જાહેર કરે છે'
મંગળવારે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ બે દિવસ માટે ગુજરાત મુલાકાતે હતી. આ મુલાકાત અને રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓને લઈને મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકારપરિષદ યોજી હતી.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, તેમણે ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલ પર કટાક્ષ કરતા કહ્યું, "અમારી આ મુલાકાત પહેલાં કેટલાક સ્વઘોષિત જ્યોતિષીઓ' જાતે જ ચૂંટણીની તારીખ જાહેર કરી દે છે."
તેમનું આ કહેવા પાછળનું કારણ એ હતું કે તાજેતરમાં જ આણંદ જિલ્લામાં એક કાર્યક્રમમાં સીઆર પાટીલે નવેમ્બર મહિના સુધીમાં ચૂંટણીપ્રક્રિયા પૂરી થઈ જવાની શક્યતા વ્યક્ત કરી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વધુમાં કહ્યું, "તમામ પાસાની ચકાસણી કર્યા બાદ ચૂંટણી ક્યારે યોજવી, તેનો નિર્ણય અમે લેતા હોઈએ છીએ અને જ્યારે પણ તેનો સમય આવે ત્યારે એ વિશે મીડિયા સિવાય બીજા કોઈને જાણ કરતા નથી. એ વાત જુદી છે કે કેટલાક સ્વઘોષિત જ્યોતિષીઓ અમારી ગુજરાતમુલાકાત પહેલાં જાતે જ ચૂંટણીની તારીખો જાહેર કરી દે છે."
'કૉંગ્રેસના સમયમાં એટલાં રમખાણો થતાં કે ઘરે અનાજ, શાકભાજી ભરી રાખવું પડે'- અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગરના કલોલમાં 750 બેડની આધુનિક હૉસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું.
તેમણે અગાઉ અમદાવાદના જોધપુરમાં અંદાજે 237 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો.
તેમણે પોતાના મતવિસ્તાર ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ભાડજ ગામે ફ્લાઇઓવરનું ઉદ્ઘાટન કર્યું. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર મુખ્ય મંત્રીકાર્યાલયે કહ્યું કે આ છ લેનનો ફ્લાઇઓવર 73 કરોડના ખર્ચે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા બનાવવામાં આવ્યો છે.
તેમણે કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, "મેં ગુજરાતને કૉંગ્રેસના સમયમાં પણ જોયું છે, એટલાં રમખાણો થતાં કે ઘરે અનાજ અને શાકભાજી ભરી રાખવું પડે. બૅન્કો એક કલાક માટે ખૂલે તો કામ પૂરું ન થઈ શકે એટલી ભીડ થઈ જાય. કોટ વિસ્તારમાં તો ઘરની માતાઓ-બહેનો માળા કરતી હતી કે જલદી પાછા આવી જાય તો સારું. 20 વર્ષથી ગુજરાતે કર્ફ્યૂ નથી જોયો."
"કોઈની કોમી રમખાણ કરવાની હિંમત નથી. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ગુજરાતના સીમાડાઓ સુરક્ષિત થયા. પોરબંદર અને કચ્છથી દાણચોરી કરવાવાળાઓની હિંમત નથી કે પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી કરી શકે."
"ગુજરાતને સલામત બનાવવાનું કામ ભાજપની સરકારે કર્યું છે."
"નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દરેક ક્ષેત્રમાં આગળ વધવાના બધા રૅકૉર્ડ તોડી રહ્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી પહેલી વખત વડા પ્રધાન બન્યા ત્યારે ભારત દુનિયામાં 11મું સૌથી મોટું અર્થતંત્ર હતું. અટલ બિહારી વાજપેયી 11મા નંબર પર મૂકીને ગયા હતા, કૉંગ્રેસનો ઉપકાર કે તેઓ 10 મા નબંર પર ન લઈ ગયા. નરેન્દ્ર મોદીએ દુનિયામાં પાંચમા નંબરનું અર્થતંત્ર બનાવ્યું."
તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, "નરેન્દ્ર મોદી જો ગુજરાતમાં નર્મદાનું પાણી અહીંયા ન લાવ્યા હોત. 1964થી કૉંગ્રેસના લોકોએ નર્મદા યોજનાને ઠેલે ચડાવી હતી. મોદીએ ગુજરાતના ભગીરથ તરીકે કામ કરીને નર્મદા યોજનાને અમદાવાદ જિલ્લા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. "
ગુજરાતમાં ચૂંટણી ક્યારે પૂરી થશે? પાટીલે વ્યક્ત કરી શક્યતા
ભાજપ દ્વારા આણંદ જિલ્લામાં તૈયાર કરાયેલા નવા કાર્યાલયના ઉદ્ધાટન કાર્યક્રમ અને પેજસમિતિ સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યકર્તાઓને સંબોધતી વખતે સી. આર. પાટીલે શક્યતા વ્યક્ત કરી હતી કે નવેમ્બર મહિનાના અંત સુધીમાં તો ચૂંટણી પૂરી થઈ શકે છે.
તેમણે કહ્યું, "2012 અને 2017માં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી પૂરી થઈ ગઈ હતી. આ વખતે 15-20 દિવસ વહેલી ચૂંટણી યોજાય તેમ લાગે છે."
જોકે, અનિશ્ચિતતા વ્યક્ત કરતા તેમણે એમ પણ કહ્યું, "મને કોઈએ તારીખ કહી નથી. આ તો મને લાગી રહ્યું છે કે આવું થઈ શકે છે. મારી પાસે તારીખ જાહેર કરવાની કોઈ સત્તા નથી."
આ સાથે સી. આર. પાટીલે આગામી દિવસોમાં દિવાળી અને ચૂંટણી બંને આવી રહી હોવાથી કાર્યકર્તાઓને સક્રિય રહેવા અને પૂરજોશમાં કામ યથાવત્ રાખવા સૂચના આપી હતી.
ગુજરાતના સફાઈકર્મી દિલ્હીના CMને મળ્યા, કહ્યું - 'આશા છે કે અમારી અને સમાજની સમસ્યાઓ દૂર કરશે'
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતો વધી રહી છે.
આ દરમિયાન અરવિંદ કેજરીવાલે એક સફાઈ કર્મચારી હર્ષ સોલંકીને દિલ્હીમાં તેમના નિવાસસ્થાને જમવાનું નિમંત્રણ આપ્યું હતું.
હર્ષ સોલંકી અને એમના પરિવારે એ જમવાનું આમંત્રણ સ્વીકાર્યું હતું અને તેઓ દિલ્હી પહોંચી ગયા છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા હર્ષ સોલંકી અને એમના પરિવારને અમદાવાદ ઍરપૉર્ટ સુધી સાથે મૂકવા ગયા હતા.
દિલ્હી ખાતે હર્ષ સોલંકી અને પરિવારે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને તેમની મુલાકાત લીધી હતી.
દિલ્હી પહોંચ્યા બાદ હર્ષ સોલંકીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે આવું કંઇક થશે. "લાગી રહ્યું છે કે ખુલ્લી આંખોથી સપનું જોઈ રહ્યો છું."
તેમણે વધુમાં કહ્યું, "મને પ્રબળ આશા છે કે આમ આદમી પાર્ટી ગુજરાતના વાલ્મીકિ સમાજની સમસ્યાઓ દૂર કરશે."
બિલકીસબાનોના સમર્થનમાં આયોજિત પદયાત્રા પહેલાં જ સંદીપ પાંડે સહિત ત્રણ કાર્યકર્તાઓની અટકાયત
રેમન મૅગ્સેસે પુરસ્કાર પ્રાપ્તકર્તા સંદીપ પાંડે અને અન્ય કાર્યકર્તાઓએ બિલકીસબાનોના સમર્થનમાં એક પદયાત્રાનું આયોજન કર્યું હતું. આ રેલી પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી છે.
ધ હિંદુના અહેવાલ પ્રમાણે, સંદીપ પાંડેએ બિલકીસબાનોના સમર્થનમાં સોમવારથી દાહોદ જિલ્લામાં આવેલા પોતાના પૈતૃક ગામ રણધીકપુરથી અમદાવાદ સુધી પદયાત્રાનું આયોજન કર્યું હતું.
જોકે, તેમની પદયાત્રા શરૂ થાય તે પહેલાં જ રવિવારે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી તેમની અને અન્ય ત્રણ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.
આ લોકો દાહોદથી અમદાવાદ સુધી 'બિલકિસબાનોનની માફી' નામથી પદયાત્રા યોજવાના હતા. જેનું ચાર ઑક્ટોબરે અમદાવાદમાં સમાપન થવાનું હતું.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો