બનાસકાંઠા : પાંજરાપોળને સહાય ન ચૂકવાતા સંચાલકોએ ગાયોને સરકારી કચેરીમાં છોડી મૂકી

  • 500 કરોડની સરકારી સહાય ન ચૂકવાતા પાંજરાપોળના સંચાલકોનો ઉગ્ર વિરોધ
  • સંચાલકોનું કહેવું છે કે અનેક વાર સરકારને રજૂઆત કરવા છતાં હજુ સુધી નિરાકરણ આવ્યું નથી
  • સંચાલકોએ ગાયોને રસ્તા પર અને સરકારી કચેરીમાં છોડી દીધી હતી
  • મીડિયા અહેવાલો પ્રમાણે તેમણે ચૂંટણીમાં ભાજપના બહિષ્કારની ચીમકી પણ આપી હતી

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને એવા સમયે રાજ્યમાં અલગઅલગ આંદોલન પણ ચાલી રહ્યાં છે.

સરકારી કર્મીઓથી માંડીને અલગઅલગ ક્ષેત્રના લોકો તેમની વિવિધ માગણીઓ સાથે આંદોલન કરી રહ્યા છે.

ગાંધીનગરમાં પણ આંદોલનકારીઓએ જમાવડો કર્યો છે. તો રાજ્યના વિસ્તારોમાં પણ આંદોલન ચાલી રહ્યાં છે.

એવા સમયે બનાસકાંઠા જિલ્લામાં પાંજરાપોળના સંચાલકોએ ગાયોને સરકારી કચેરીમાં છોડી મૂકી હતી.

બનાસકાંઠા, પાટણ સહિત સૌરાષ્ટ્રમાં પાંજરાપોળના સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો અને તેમની માગ મીડિયા સમક્ષ મૂકી હતી.

આના વીડિયો પણ સોશિયલ મીડિયા વાઇરલ થઈ રહ્યા છે.

પાંજરાપોળને સહાયપેટે સરકારની ગૌપોષણ યોજના અંતર્ગત 500 કરોડની રકમ નહીં ચૂકવાતા પાંજરાપોળના સંચાલકો રોષે ભરાયા હતા અને આ રીતે વિરોધ કરવાનું શરૂ કર્યું છે.

થરાદ મામલતદાર કચેરીમાં છોડાયાં પશુઓ

બીબીસીના સહયોગી પરેશ પઢિયારના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં અલગઅલગ વિસ્તારોમાંથી ગાયોને છોડી દેવાઈ હતી. કાંટ પાંજરાપોળમાંથી ગાયોને સરકારી કચેરીઓમાં છોડવામાં આવી હતી.

તો લાખણી, થરાદ, ડીસા સહિત વિસ્તારોમાંથી પણ ગાયો સરકારી કચેરીઓમાં છોડવામાં આવી હતી.

ગાયને આ રીતે છોડી દેતા ડીસા ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સંચાલકોની અટકાયત કરી હતી.

સંચાલકોનું કહેવું છે કે અનેક વાર સરકારને રજૂઆત કરવા છતાં હજુ સુધી નિરાકરણ આવ્યું નથી.

જ્યાં સુધી સહાય નહીં આપવામાં આવે ત્યાં સુધી ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

મીડિયા અહેવાલો પ્રમાણે તેમણે ચૂંટણીમાં ભાજપના બહિષ્કારની ચીમકી પણ આપી હતી.

લાખણીમાં ગૌસેવકો ગૌમૂત્ર અને ગાયનું છાણ લઈને તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા.

ડીસા-રાધનપુર હાઇવે બ્લૉક

સંચાલકોએ રસ્તા અને મામલતદાર કચેરીમાં ગાયો છોડીને વિરોધ કર્યો હતો.

એટલું જ નહીં પાંજરાપોળ સંચાલકોએ ડીસા-રાધનપુર નેશનલ હાઇવે થોડા સમય માટે બ્લૉક કર્યો હતો. માલગઢ પાસે નેશનલ હાઇવે પર વાહનોની કતાર જોવા મળી હતી.

રોડ બ્લૉક કરતા અનેક વાહનચાલકો પણ અટવાયા હતા.

તો કેટલીક જગ્યાએ ગાયો છોડવા મુદ્દે ગૌસેવકો અને પોલીસ વચ્ચે રકઝકનાં દૃશ્યો પણ જોવાં મળ્યાં હતાં.

ગુજરાતના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના મંત્રી રાઘવજી પટેલે દાવો કર્યો હતો કે સરકાર "વહીવટી ગૂંચવણો"ને કારણે નાણાં ચૂકવી શકી નથી.

રાઘવજી પટેલે જણાવ્યું હતું કે "મુખ્ય મંત્રી નિષ્ઠાપૂર્વક ઇચ્છે છે કે આ મુદ્દાનો જલદી ઉકેલ આવે. એક-બે દિવસમાં સકારાત્મક ઉકેલ આવશે."

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લમ્પી વાઇરસને લીધે અનેક પશુઓનાં મોત થયાં હતાં. એ સમયે પાંજરાપોળ અને પશુપાલકોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો