ઇન્ડોનેશિયા : ફૂટબૉલ મૅચમાં ઘર્ષણથી 125નાં મોત, પ્રત્યક્ષદર્શીએ શું જોયું અને કેવી રીતે હિંસા ભડકી?

    • લેેખક, જ્યોર્જ રાઈટ
    • પદ, બીબીસી ન્યૂઝ માટે
  • ઇન્ડોનેશિયમાં શનિવારની રાતે એક ફૂટબૉલ મૅચ દરમિયાન હિંસા અને નાસભાગની ઘટના ઘટી
  • અરેમા એફસી અને પર્સેબાયા સુરબાયા વચ્ચેની મૅચમાં અરેમા એફસીને હારતી ભાળી પ્રશંસકો મેદાનમાં આવી ગયા
  • આ દરમિયાન થયેલી હિંસામાં કેટલાય લોકોનાં મૃત્યુ થયાં અને અસંખ્ય લોકોને ઈજા પહોંચી

ઇન્ડોનેશિયામાં ફૂટબૉલ મૅચ દરમિયાન થયેલી હિંસા અને નાસભાગમાં અત્યાર સુધીમાં 125 લોકોનાં મોત થયાં છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ વિશ્વની અત્યાર સુધીની સૌથી મોટી સ્ટેડિયમ દુર્ઘટનાઓમાંની એક ગણવામાં આવે છે.

આ હિંસા ત્યારે ફાટી નીકળી જ્યારે મૅચ હારનારી ટીમના પ્રશંસકો ઉશ્કેરાઈ ગયા અને તેમણે મેદાન પર આગ લગાડી દીધી.

ઈસ્ટ જાવા પ્રાંતમાં અરેમા એફસી અને પર્સેબાયા સુરબાયા વચ્ચે મૅચ ચાલી રહી હતી. અરેમા એફસીને હારતાં ભાળી એના પ્રશંસકો મેદાનમાં ઘૂસી ગયા હતા.

એ બાદ અનિયંત્રિત થઈ ગયેલી ભીડને કાબૂ કરવા માટે આંસૂ ગૅસના ગોળા છોડવામાં આવ્યા હતા અને અફરાતફરીના માહોલ વચ્ચે સ્ટેડિયમમાં નાસભાગ થવા લાગી હતી.

સમાચાર સંસ્થા એએફપીના મતે ઇન્ડોનેશિયાના ઇસ્ટ જાવા પ્રાંતના પોલીસ પ્રમુખ નિકો અફિન્ટોએ જણાવ્યું છે કે પોતાની ટીમને હારતી ભાળી કેટલાક લોકો ફૂટબૉલ પીચ તરફ દોડ્યા અને એને રોકવાના પ્રયાસ દરમિયાન સ્થિતિ કાબૂની બહાર જતી રહી.

તેમણે ઉમેર્યું, "સ્ટેડિયમમાં મારપીટ અને અફરાતરફરીની સ્થિતિ હતી. 34 લોકોનાં મૃત્યુ સ્ટેડિયમમાં થયાં જ્યારે બાકીના લોકોનાં મૃત્યુ હૉસ્પિટલમાં થયાં. મૃતકોમાં બે પોલીસકર્મીઓ પણ સામેલ છે. "

સોશિયલ મીડિયામાં આ ઘટનાના કેટલાય વીડિયો શૅર કરાયા છે.

પ્રત્યક્ષદર્શીએ શું જોયું?

મૅચ જોઈ રહેલા 21 વર્ષીય મહમદ દિપો મૌલાનાએ બીબીસી ઇન્ડોનેશિયાને જણાવ્યું કે મૅચ બાદ અરેમાના કેટલાક પ્રશંસકો ઘરેલુ ટીમના ખેલાડીઓ સામે પોતાનો વિરોધ કરવા મેદાનમાં ગયા હતા, જેમને પોલીસે તરત જ અટકાવ્યા અને 'માર મારવામાં' આવ્યો હતો.

"પછી વધુ કેટલાક દર્શકો વિરોધમાં મેદાનમાં ઊતરી આવ્યા અને બાદ આખા સ્ટેડિયમમાં તણાવનું વાતાવરણ પેદા થઈ ગયું. બાદ ત્યાં પોલીસ કર્મચારીઓની સંખ્યા વધી ગઈ. તેઓ શીલ્ડ અને કૂતરાં સાથે ત્યાં આવ્યા હતા."

દિપો કહે છે કે તેમણે સ્ટેડિયમમાં દર્શકો પર ઓછામાં ઓછા 20 ટીયરગૅસના શેલ છોડવાના અવાજ સાંભળ્યા હતા.

તેઓ કહે છે, "ઘણા ગોળા વારંવાર ફાયર કરવામાં આવી રહ્યા હતા. તેમનો અવાજ સતત અને જોરથી આવી રહ્યો હતો. અવાજ ખરેખર મોટો હતો અને તે બધા સ્ટેડિયમમાં દર્શકો પર ફાયર કરવામાં આવી રહ્યા હતા."

પ્રત્યક્ષદર્શી દિપોએ કહ્યું, "સ્ટેડિયમમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા લોકો અસ્તવ્યસ્ત હતા અને તેમને ગૂંગળામણ થઈ રહી હતી. ત્યાં એવાં ઘણાં બાળકો અને વૃદ્ધો હતાં, જેમના પર ટીયરગૅસની અસર સ્પષ્ટપણે જોઈ શકાતી હતી."

ઍમનેસ્ટી અને ફિફાએ શું કહ્યું?

ઍૅમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડોનેશિયાના કાર્યકારી નિદેશક ઉસ્માન હામિદે આ મામલે દુખ વ્યક્ત કર્યું હતું.

તેમણે કહ્યું, "અમે પોલીસને ટીયરગૅસ અને અન્ય ઓછાં ઘાતક શસ્ત્રોના ઉપયોગ અંગેની તેમની નીતિઓની સમીક્ષાની અપીલ કરીએ છીએ, જેથી આવી હચમચાવી નાખતી ભયાનક ઘટના ફરી ક્યારેય ન બને."

ફૂટબૉલની આંતરરાષ્ટ્રીય નિયામક સંસ્થા FIFAએ કહ્યું છે કે પોલીસે મૅચમાં બેકાબૂ ભીડને નિયંત્રિતમાં લેવા ગૅસનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

FIFA પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ કહ્યું, "ફૂટબૉલ સાથે સંકળાયેલા તમામ લોકો માટે આ કાળો દિવસ છે અને આ ઘટના સમજની બહાર છે. હું આ દુ:ખદ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારો અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું."

તપાસ માટે ટીમ પહોંચી, અરેમા એફસી પર પ્રતિબંધ

ઇન્ડોનેશિયાના ફૂટબૉલ ઍસોસિયેશન (પીએસએસઆઈ)એ શનિવારે મોડી રાતે જાહેર કરેલા નિવેદનમાં આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની તપાસ માટે એક ટીમને મલંગ મોકલવામાં આવી છે.

નિવેદન અનુસાર, "કંજરુહાન સ્ટેડિયમમાં અરેમાના સમર્થકોએ જે કર્યું એના પર પીએસએસઆઈને ખેદ છે. અમે મૃતકોના પરિવારજનો અને આ ઘટનાથી પ્રભાવિત થયેલા લોકોની માફી માગીએ છીએ. પીએસએસઆઈએ તત્કાલ આની તપાસ માટે ટીમની રચના કરી છે, જે મલંગ માટે રવાના થઈ ચૂકી છે."

ફૂટબૉલ લીગે રમખાણ જેવી સ્થિતિને જોતાં હાલ એક સપ્તાહ માટે મૅચો સ્થગિત કરી દીધી છે. આ ઘટનાક્રમમાં 180 લોકોને ઈજા પહોંચી છે. અરેમા એફસી પર આ સીઝન દરમિયાન પ્રતિબંધ પણ લગાવી દેવાયો છે.

સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા

સમાચાર સંસ્થા રૉયટર્સના મતે ઝૈનુદ્દીન અમાલીએ શનિવારે કહ્યું કે અધિકારીઓને ફૂટબૉલ મૅચ દરમિયાન સુરક્ષાબંદોબસ્તની સમિક્ષા કરવાના આદેશ આપ્યા છે. હાલમાં દર્શકોને મૅચના સ્થળે જવાની મંજૂરી નથી અપાઈ.

ઇન્ડોનેશિયન ફૂટબૉલ ઍસોસિયેશને કહ્યું છે કે તેણે પણ આ ઘટનાની તપાસ આરંભી દીધી છે. તેમણે કહ્યું, "આ ઘટનાથી ઇન્ડોનેશિયા ફૂટબૉલની તસવીરને નુકસાન પહોંચ્યું છે."

આ દરમિયાન ઇન્ડોનેશિયન ફૂટબૉલની ટૉપ લીગ 'બીઆરઆઈ લીગ' એક સપ્તાહ માટે સ્થગિત કરી દેવાઈ છે.

નોંધનીય છે કે ઇન્ડોનેશિયામાં આ પહેલાં પણ ફૂટબૉલ મૅચ દરમિયાન અલગઅલગ ક્લબના સમર્થકો વચ્ચે હિંસક ઘર્ષણની ઘટનાઓ ઘટી છે.

ફૂટબૉલની આંતરિક પ્રતિદ્વંદ્વિંતા અહીં ઘણી વખત હિંસક રૂપ લઈ લેતી હોય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો