ઈરાનની એ ઇસ્લામિક ક્રાંતિ જેણે એક આધુનિક દેશને 'કટ્ટરવાદી' બનાવી દીધો

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ઈરાનની સરકારી ટીવીની માહિતી પ્રમાણે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીનું હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.

આ દુર્ઘટનામાં ઈરાનના વિદેશમંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયન સહિત હેલિકૉપ્ટરમાં સવાર અન્ય લોકોનું પણ મૃત્યુ નીપજ્યું છે.

સમાચાર એજન્સી એએફપીના અહેવાલ પ્રમાણે, હેલિકૉપ્ટરમાં બૉડીગાર્ડ, પાઇલટ, કો-પાઇલટ, સુરક્ષા પ્રમુખ જેવા અધિકારીઓ પણ હતા.

બચાવદળના કર્મચારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા પછી આ જાણકારી સામે આવી છે.

સમાચાર એજન્સી રૉયટર્સના અહેવાલ પ્રમાણે ઈરાનના એક અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત હેલિકૉપ્ટર સંપૂર્ણપણે બળી ગયું છે.

વર્ષ 2022ના અંતમાં મહસાન અમીની નામક યુવતીનું 'ઇસ્લામિક નિયમો અનુસાર કપડાં ન પહેરાવાના કારણે ધાર્મિક બાબતોની પોલીસે અત્યાચાર ગુજારતાં મૃત્યુ થયું હતું.'

જોકે, આ ઘટના બાદ 'મહિલા અધિકારો પર તરાપ' અને 'ઇસ્લામિક નિયમોના પાલન' માટે 'કડક વલણ'ને કારણે ઈરાન સરકારની નીતિઓની વ્યાપક પ્રમાણમાં ટીકા થઈ હતી અને સરકારની નીતિઓ સામે 'લોકાક્રોશ' ફાટી નીકળેલો.

જોકે, ઈરાનમાં હંમેશાં આવી સ્થિતિ નહોતી. એક સમય હતો કે જ્યારે ઈરાનમાં મહિલાઓ નાઇટ લાઇફ ઍન્જૉય કરી શકતી. તે ટૂંકી બાંયનાં કપડાં, સ્કર્ટ અને ટૉપ પહેરી શકતી. મહિલાઓ જાહેરમાં હરીફરી શકતી.

1979માં ઈરાનમાં એક રાજકીય વળાંક આવ્યો અને મહિલાઓની સ્થિતિ હંમેશાંને માટે બદલાઈ ગઈ.

સંક્ષિપ્તમાં: 1979ની એ ક્રાંતિ જે આધુનિક ઈરાનને કટ્ટરવાદ તરફ દોરી ગઈ

  • 1951માં ઈરાનના રાષ્ટ્રવાદી વડા પ્રધાન મોહમ્મદ મોસાદેક ઈરાનના ઑઈલ વેપારનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું
  • મોહમ્મદ રઝા પહેલવીએ જાન્યુઆરી-1963માં 'શ્વેત ક્રાંતિ'ની શરૂઆત કરી અને જમીન, સમાજ તથા આર્થિકબાબતોમાં આધુનિકરણની શરૂઆત કરી. શાહને સતત કટ્ટરવાદીઓનો સામનો કરવો પડતો હતો
  • પશ્ચિમીકરણ માટેના શાહના પ્રયાસોના વિરોધનું નેતૃત્વ રુહોલ્લા ખુમૈનીએ લીધું. શિયા વિદ્વાન હોવાને કારણે 1920ના દાયકાની શરૂઆતમાં તેમને 'આયાતોલ્લાહ' નામ આપવામાં આવ્યું હતું,1962માં આયાતોલ્લાહની ધરપકડ કરવામાં આવી, જેના કારણે તેઓ રાતોરાત જનનાયક બની ગયા હતા, પહેલી ફેબ્રુઆરીના રોજ 14 વર્ષના નિર્વાસન બાદ તેમનું ઈરાનમાં પુનરાગમન થયું
  • સત્તામાં આગમન બાદ ખુમૈનીના વર્તનમાં પરિવર્તન આવી ગયું. તેમણે ડાબેરી આંદોલનોથી ખુદને અલગ કરી લીધા, એટલું જ નહીં તેમને કચડી નાખ્યા. શાહના સમયના કેટલાક સૈન્ય અધિકારીઓને હાઈસ્કૂલની છત પર સરાજાહેર ગોળીએ દઈ દેવામાં આવ્યા
  • ગણતરીના મહિનાઓમાં ઈરાનને 'ઇસ્લામિક રાષ્ટ્ર' જાહેર કરવામાં આવ્યું. તેઓ ઈરાનના 'સર્વોચ્ચ નેતા' બન્યા, જેની પાસે સશસ્ત્ર બળોની કમાન પણ હતી. મહિલાઓ માટે ઇસ્લામિક પદ્ધતિ મુજબ કપડાં પહેરવાનો નિયમ લાદવામાં આવ્યો. જેનો મહિલાઓએ વ્યાપક વિરોધ કર્યો
  • અમેરિકાના સહકારથી સત્તામાં આવેલા ખુમૈની હવે તેને 'સૌથી મોટો શયતાન' કહેતા હતા તથા અન્ય દેશોમાં 'ક્રાંતિ' નહીં ફેલાવવાના વચનનો ભંગ કરીને લેબનન, ઇઝરાયલ તથા પેલેસ્ટાઇનની બાબતોમાં દખલ શરૂ કરી હતી. એટલું નહીં હિઝબુલ્લાહ નામના ઉગ્રવાદી સંગઠનને ઈરાનનો ટેકો હતો, સમગ્ર ઘટના ક્રમને જાણવા માટે વાંચો આખો અહેવાલ...

ઈરાનની ગઈકાલ

ઈરાનની વર્તમાન સ્થિતિને સમજતાં પહેલાં તેની રાજકીય પૃષ્ઠભૂમિને સમજવી રહી. 1907માં ઈરાનમાં બંધારણ અમલમાં આવ્યું, જે શાસકોની અમર્યાદ સત્તા ઉપર લગામ મૂકતું હતું.

ફેબ્રુઆરી-1921માં સૈન્ય અધિકારી રઝા ખાને કઝાર વંશના અહમદશાહને સત્તા પર કબજો કરી લીધો અને એપ્રિલ-1926માં તેઓ પોતે શાહ બન્યા અને પહેલવી વંશની સ્થાપના કરી. તેમણે રઝાશાહ પહેલવી નામ ધારણ કર્યું. 1935માં 'ઈરાન'નો દેશના નામ તરીકે સત્તાવાર રીતે સ્વીકાર થયો.

રઝા પહેલવીએ ઈરાનમાં આર્થિક, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોમાં અનેક પરિવર્તન લાગુ કર્યાં, જેના કારણે તેમને 'આધુનિક ઈરાનના પિતામહ' કહેવામાં આવે છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રઝા પહેલવીએ ઇટાલી, જર્મની અને જાપાનની તરફે રહેવાનું વલણ દાખવ્યું હતું, જેના કારણે બ્રિટન તથા રશિયાએ ઈરાન પર કબજો કર્યો. 1941માં રઝા પહેલવીના સ્થાને તેમના દીકરા મહમદ રઝા પહેલવીને બેસાડવામાં આવ્યા.

ઈરાન, આધુનિકરણ અને ઇસ્લામ

1951માં રાષ્ટ્રવાદી વડા પ્રધાન મહમદ મોસાદેકે ઈરાનના ઑઈલવેપારનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. આ ઍંગ્લો ઈરાનિયન ઑઈલ કંપનીની માલિકી બ્રિટિશરોની હતી.

બ્રિટને ઈરાનની ઉપર નિયંત્રણો લાદ્યાં, જેના કારણે શાહ તથા મોસાદેક વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો.

1953માં અમેરિકા તથા બ્રિટને મળીને ઈરાનમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા મોસાદેકને હઠાવીને પહેલવીને સત્તા સોંપી દીધી. પ્રથમ વખત શાંતિકાળમાં વિદેશીનેતાને હઠાવવામાં આવ્યા હતા, જોકે તે છેલ્લીવાર ન હતું. સત્તા પર પહેલીનું પુનરાગમન થયું અને તેઓ વતન પરત ફર્યા.

મહમદ રઝા પહેલવીએ જાન્યુઆરી-1963માં 'શ્વેત ક્રાંતિ'ની શરૂઆત કરી અને જમીન, સમાજ તથા આર્થિક બાબતોમાં આધુનિકરણની શરૂઆત કરી. શાહને સતત કટ્ટરવાદીઓનો સામનો કરવો પડતો હતો.

આને પહોંચી વળવા માટે મહમદ રઝા પહેલવીએ સમાજમાંથી ઇસ્લામની ભૂમિકાને ઘટાડવા માટે ઇસ્લામના આગમન પૂર્વેની ઈરાની સભ્યતાઓની સિદ્ધિઓને ગણાવવી શરૂ કરી.

તેઓ ઈરાનને આધુનિક રાષ્ટ્ર બનાવવા માગતા હતા એટલે કટ્ટરવાદીઓ તેમની સામે ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે પહેલવીને 'અમેરિકાના પિઠ્ઠુ' કહેવા શરૂ કરી દીધા હતા.

ખુમૈની અને આધુનિકરણ

આ દરમિયાન પશ્ચિમીકરણ માટેના શાહના પ્રયાસોના વિરોધનું નેતૃત્વ રુહોલ્લા ખોમૈનીએ લીધું. શિયા વિદ્વાન હોવાને કારણે 1920ના દાયકાની શરૂઆતમાં તેમને 'આયાતોલ્લાહ' નામ આપવામાં આવ્યું હતું.

1962માં આયાતોલ્લાહની ધરપકડ કરવામાં આવી, જેના કારણે તેઓ રાતોરાત જનનાયક બની ગયા હતા.

1964માં તેમને દેશનિકાલ આપવામાં આવ્યો, જે પછી તેમણે તુર્કી, ઇરાકન અને ફ્રાન્સમાં આશરો લીધો.

આ અરસા દરમિયાન તેઓ પોતાના સમર્થકોને ઈરાનમાંથી શાહને હઠાવી દેવાનું આહ્વન કરતા રહ્યા.

પોતાના હેતુને પાર પાડવા માટે તેમણે ઇશ્વરમાં નહીં માનતા ડાબેરી પરિબળોનો પણ સાથ લીધો. બીજી બાજુ, ઈરાનના શાહ ગુપ્ત પોલીસ (સાવાક) ઉપર આધારિત થઈ ગયા હતા, જેનું મુખ્ય કામ વિરોધીઓ ઉપર નજર રાખવાનું હતું. જનતા સાથેનો તેમનો સીધો સંપર્ક કપાઈ ગયો હતો.

1970ના દાયકામાં પહેલવી શાસકની લોકપ્રિયતા ઘટી રહી હતી. દેશમાં રમખાણો ફાટી નીકળ્યાં અને પ્રદર્શનો તથા હડતાલો થવાં લાગ્યાં. દેશમાં માર્શલ લૉ લાગુ કરવામાં આવ્યો.

1979ના શરૂઆતના બે અઠવાડિયા દરમિયાન અમેરિકા અને ફ્રાન્સમાં સ્વૈચ્છિક નિર્વાસન ભોગવી રહેલા ખોમૈનીની વચ્ચે પાછલા બારણે સંવાદ શરૂ થયો. ખોમૈનીએ ઈરાનમાં વસતા અમેરિકનો, અમેરિકાના સૈન્યહિતોને જાળવવાની અને ઑઈલનો પુરવઠો અબાધિત રીતે ચાલુ રાખવાની ખાતરી આપી.

રાષ્ટ્રપતિ જિમ્મી કાર્ટર શાહને બચાવવા માગતા હતા, પરંતુ ગુપ્તચર તંત્ર તથા રાજદ્વારીઓ દ્વારા આપવામાં આવેલા અહેવાલોથી સ્પષ્ટ હતું કે ઈરાનના શાહ જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. એટલે અમેરિકાએ ખોમૈનીના ઈરાનમાં શાંતિપૂર્ણ પુનરાગમન માટે સૈન્યઅધિકારીઓને મનાવી લીધા, જેઓ શાહને વફાદાર હતા.

બીજી બાજુ, શાહ અને તેમનો પરિવાર દેશ છોડી ગયો અને અમેરિકામાં આશરો લીધો.

અંધાધૂંધીની વચ્ચે પહેલી ફેબ્રુઆરીના રોજ 14 વર્ષના નિર્વાસન બાદ તેમનું ઈરાનમાં પુનરાગમન થયું.

જે વિમાનમાં ખોમૈનીનું સ્વદેશાગમન થયું, તેમાં બીબીસીના પત્રકાર જોન સિમ્પસન પણ સામેલ હતા. વર્ષો પછી તેમણે બીબીસીના એક લેખમાં લખ્યું કે લાખો લોકોની ભીડ ખોમૈનીના આગમનને વધાવવા માટે તહેરાનમાં એકઠી થઈ હતી. હજારો લોકો તેમને આવકારવા માટે ઍરપૉર્ટ પર આવ્યા હતા.

સત્તામાં આગમન બાદ ખોમૈનીના વર્તનમાં પરિવર્તન આવી ગયું. તેમણે ડાબેરી આંદોલનોથી ખુદને અલગ કરી લીધા, એટલું જ નહીં તેને કચડી પણ નાખ્યાં. શાહના સમયના કેટલાક સૈન્યઅધિકારીઓને હાઈસ્કૂલની છત પર સરાજાહેર ગોળીએ દઈ દેવામાં આવ્યા.

ગણતરીના મહિનાઓમાં ઈરાનને 'ઇસ્લામિક રાષ્ટ્ર' જાહેર કરવામાં આવ્યું. તેઓ ઈરાનના 'સર્વોચ્ચ નેતા' બન્યા, જેની પાસે સશસ્ત્ર બળોની કમાન પણ હતી. મહિલાઓ માટે ઇસ્લામિક પદ્ધતિ મુજબ કપડાં પહેરવાનો નિયમ લાદવામાં આવ્યો. જેનો મહિલાઓએ વ્યાપક વિરોધ કર્યો.

ખોમૈનીએ હવે તેમનો આંચળો ઉતારી દીધો હતો. આવનારાં વર્ષો દરમિયાન હજારો વિરોધીઓને કાયદાકીય રીતે કચડી નાખવામાં આવ્યા.

તહેરાનમાં વિદ્યાર્થીઓએ 52 અમેરિકનોને 444 દિવસ સુધી ગોંધી રાખ્યા હતા. આ આંદોલનકારીઓ પર ખોમૈનીનો હાથ હતો. જેમાં અહેમદિનેજાદ નામના વિદ્યાર્થી પણ હતા, જેઓ આગળ જતા દેશના રાષ્ટ્રપતિ પણ બન્યા.

આંદોલનકારીઓની માગ હતી કે શાહની ઈરાનને સોંપણી કરવામાં આવે. જુલાઈ-1980માં શાહના મૃત્યુ પછી પણ આંદોલનકારીઓએ અમેરિકનોને બંધક બનાવી રાખ્યા અને જાન્યુઆરી-1981માં નવા રાષ્ટ્રપતિના આગમન પછી તેમની મુક્તિ શક્ય બની હતી.

બંધકોને છોડાવા માટે અમેરિકાએ ઈરાનને હથિયાર આપ્યાં હતાં, જ્યારે ઔપચારિક રીતે તે ઇરાકનું સમર્થન કરી રહ્યું હતું.

અમેરિકાના સહકારથી સત્તામાં આવેલા ખોમૈની હવે તેને 'સૌથી મોટો શયતાન' કહેતા હતા તથા અન્ય દેશોમાં 'ક્રાંતિ' નહીં ફેલાવવાના વચનનો ભંગ કરીને લેબનન, ઇઝરાયલ તથા પેલેસ્ટાઇનની બાબતોમાં દખલ શરૂ કરી હતી. એટલું નહીં 'હિઝબુલ્લાહ' નામના ઉગ્રવાદી સંગઠનને પણ ઈરાનનો ટેકો હતો.

આઠ વર્ષનું યુદ્ધ

ખોમૈનીના આગમન પૂર્વે અમેરિકાએ ચેતવણી આપી હતી કે ઇરાકના શાસક સદ્દામ હુસૈન તેમના દેશ ઉપર હુમલો કરી શકે છે. એવું જ થયું અને 1980માં યુદ્ધની શરૂઆત થઈ. જે આઠ વર્ષ સુધી ચાલ્યું.

બીજા વિશ્વયુદ્ધ પછી કોઈ બે દેશ વચ્ચે ચાલેલું આ સૌથી લાંબું યુદ્ધ હતું. એક આકલન પ્રમાણે, આ યુદ્ધમાં પાંચ લાખ ઇરાકી-ઈરાની માર્યા ગયા હતા.

યુએનની દખલથી બંને દેશોની વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થયું અને ઈરાને સંઘર્ષવિરામનો સ્વીકાર કરવો પડ્યો. આ યુદ્ધ દરમિયાન ઇરાક પર ઈરાનમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાના આરોપ લાગ્યા. એટલે જ ઈરાને 'યેનકેન પ્રકારેણ' અણુહથિયાર વિકસાવવા માટે પ્રયાસ શરૂ કર્યા.

આ યુદ્ધ દરમિયન ઈરાનના દરેક ઘરમાંથી એક કે બે લોકોનાં મૃત્યુ થયાં હતાં. બેકારી, ભૂખમરો અને તબાહીને કારણે લોકોનો ક્રાંતિ પરથી મોહભંગ થઈ ગયો હતો. આ તકે તેમને સત્તા પર ટકી રહેવા માટે કોઈ મુદ્દાની જરૂર હતી, જે તેમને ભારતમાંથી મળ્યો.

ભારતીયમાં મળ્યો મુદ્દો

ભારતીય મૂળના નવલકથાકાર સલમાન રશદીને 1981માં 'મિડનાઈટ ચિલ્ડ્રન'થી ખ્યાતિ મળી હતી.

માત્ર યુકેમાં તેની 10 લાખથી વધુ નકલો વેચાઈ હતી. 1988માં રશ્દીનું ચોથું પુસ્તક 'ધ સેતાનિક વર્સિસ' પ્રકાશિત થયું હતું. આ નવલકથાથી કેટલાક મુસલમાનોમાં આક્રોશ પેદા થયો હતો.

તેમણે પુસ્તકની કથાવસ્તુને ઇશનિંદા ગણાવી હતી. કેટલાક દેશોમાં તેના પર પ્રતિબંધ હતો.

પુસ્તકના પ્રકાશનના એક વર્ષ પછી ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખોમૈનીએ રશ્દી વિરુદ્ધ મોતનો ફતવો બહાર પાડ્યો હતો અને મુસ્લિમોને આદેશ કર્યો હતો કે રશ્દીને મારી નાખવામાં આવે.

જૂન 1989માં ખોમૈનીનું અવસાન થયું અને આયાતોલ્લાહ અલી ખામેનેઈ ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા. તેમણે પોતાના પૂરોગામીની કટ્ટરવાદી નીતિઓ ચાલુ રાખી.

વર્ષ 1999, 2003, 2009, 2017, 2019માં ખામેનેઈ વિરૂદ્ધ દેખાવો થયા, પરંતુ તેઓ સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યા.

આ દરમિયાન મહિલાઓએ પણ દેખાવો કર્યા છે અને અગાઉ પણ હિજાબ-બુરખા ઉતારી દેવાના પ્રયાસ કર્યા છે, પરંતુ તેમને સફળતા નથી મળી. તેમને વારસામાં, સમાજમાં, કામના સ્થળે તથા અન્ય બાબતોમાં અન્યાયનો સામનો કરવો પડે છે.

જોકે, સાઉદી અરેબિયાથી વિપરીત ઈરાનમાં મહિલાઓ મહેરમ (પુરુષ સગાં) વગર ફરી શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો