એડોલ્ફ હિટલરની એ દસ ભૂલો જેણે બીજા વિશ્વયુદ્ધનું પાસું પલટી કાઢ્યું

નાઝી જર્મનીએ 1941ની 22 જૂને ઓપરેશન બારબરોસા શરૂ કર્યું હતું, જે સોવિયત સંઘ વિરુદ્ધની એક મોટી આક્રમક કાર્યવાહી હતી. એ સમયે સોવિયત સંઘનું નેતૃત્વ જોસેફ સ્ટાલિનના હાથમાં હતું.

તે વિશ્વના ઇતિહાસનું સૌથી મોટું સૈન્ય આક્રમણ હતું. એ જોખમનો ખેલ હતો, જે એડોલ્ફ હિટલરે દ્વિતિય વિશ્વ યુદ્ધના પ્રવાહને પોતાની તરફેણમાં નિર્ણાયક રીતે વાળવા માટે ખેલ્યો હતો.

અલબત, જર્મનીના નેતા હિટલર ઇચ્છતા હતા એવી રીતે ઘટનાઓ બની ન હતી. ઇતિહાસકારો તે સૈન્ય કાર્યવાહીની નિષ્ફળતાને દ્વિતિય વિશ્વ યુદ્ધનો એક ટર્નિંગ પૉઇન્ટ અને જર્મન શ્રેષ્ઠતાના અંતનો આરંભ પણ ગણે છે.

ઑપરેશન બારબરોસાએ લીધે બે સર્વસત્તાવાદી મહાસત્તાઓ વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું હતું, જે છ મહિના સુધી ચાલ્યું હતું. તે એક એવી સ્પર્ધા હતી, જે દ્વિતિય વિશ્વ યુદ્ધનું નિર્ણાયક પરિણામ લાવવાની હતી.

ઑપરેશન બારબરોસા નામ બારમી સદીના પવિત્ર રોમન સમ્રાટ ફ્રેડરિક બારબરોસાના નામ પરથી પસંદ કરવામાં આવ્યું હતું. સોવિયત સંઘ પર જર્મનીના આક્રમણની સાથે 1939માં થયેલો જર્મન-સોવિયત કરાર પણ તૂટી ગયો હતો.

મિત્ર દેશોની સેનાઓએ 30 લાખ લોકોને ત્રણ જૂથોમાં વહેંચીને લેનિનગ્રાદ, કિએફ અને મૉસ્કોને નિશાન બનાવ્યાં હતાં.

અચાનક કરવામાં આવેલા આ હુમલાથી સોવિયત સૈન્ય ડઘાઈ ગયું હતું અને પહેલી લડાઈમાં તેને મોટું નુકસાન થયું હતું. લાખો લોકો મૃત્યુ પામ્યાં હોવાનું માનવામાં આવે છે. કિએફ સ્મોલેન્સ્ક અને વિયાઝમા જેવાં શહેરો પર નાઝીઓએ વિજય મેળવ્યો હતો.

જોકે, એ માટે એમને મોટી કિંમત ચૂકવવી પડી હતી. સોવિયત સંઘની સલામતી વ્યવસ્થામાં ધીમી ગતિએ કરવામાં આવેલા સુધારા અને રશિયાની કાતિલ ઠંડીને કારણે ડિસેમ્બરમાં જર્મનીનું સૈન્ય પગપાળા આગળ વધતું અટકી ગયું હતું.

જર્મન સૈન્ય ત્યાં સુધીમાં મૉસ્કો સુધી પહોંચી ગયું હતું. એ દરમિયાન હિટલરે નિર્ણય કર્યો હતો કે જર્મનીનું સૈન્ય લેનિનગ્રાદ પર આક્રમક કાર્યવાહી નહીં કરે, પરંતુ તેને લાંબા સમય સુધી ઘેરી રાખશે.

સોવિયત સૈન્ય પ્રારંભિક હુમલાઓમાંથી બચી ગયું હતું, પણ જર્મન સૈન્યએ 1942માં નવેસરથી હુમલો શરૂ કર્યો હતો અને સોવિયત સંઘની અંદરના વિસ્તારો સુધી પ્રવેશી ગયું હતું.

1942 અને 1943 દરમિયાન સ્ટાલિનગ્રાદની લડાઈએ પરિસ્થિતિ બદલી નાખી હતી અને આખરે જર્મન સેનાએ પારોઠના પગલાં ભરવાં પડ્યાં હતાં.

જર્મન હુમલાની સાથેસાથે સોવિયત સંઘના નાગરિકોને વ્યાપક સ્તરે ત્રાસ આપવામાં આવ્યો હતો.

તેમાં સૌથી માઠી અસર યહૂદીઓને થઈ હતી. 10 લાખથી વધારે યહૂદીઓ માર્યા ગયા હતા.

હિટલરે યહૂદીઓનો સંપૂર્ણ વિનાશ કરવાની યોજના ઘડી હતી.

સૈનિક ઇતિહાસ અને દ્વિતિય વિશ્વ યુદ્ધના નિષ્ણાત બ્રિટિશ ઇતિહાસકાર એન્ટની બીવરે એ યુદ્ધના લગભગ 80 વર્ષ પછી હવે બીબીસી હિસ્ટ્રીના 10 સવાલોના જવાબ આપ્યા છે અને હિટલરની મોટી ભૂલોને સમજવાનો પ્રયાસ કર્યો છે.

1. હિટલર પાસે સોવિયત સંઘ પર હુમલો કરવાની લાંબા ગાળાની કોઈ યોજના હતી?

એડોલ્ફ હિટલરે મોટા વ્યવસાયો પ્રત્યેનો પોતાનો દૃષ્ટિકોણ ઝડપભેર બદલ્યો હતો, પણ મને લાગે છે કે સોવિયત સંઘ પરનું તેમનું આક્રમણ કંઈક એવું હતું, જે પ્રથમ વિશ્વ યુદ્ધનાં અંત સુધી પહોંચે છે.

બોલ્શેવિઝમ પ્રત્યે તેમના લાંબા સમયથી ઘૃણા હતી, પણ 1918માં યુક્રેન પર જર્મનીના કબજાને કારણે અને ભવિષ્યમાં બોલ્શેવિઝમ બળવતર બની શકે છે એવી ધારણાને કારણે એ ઘૃણા વધારે ઉગ્ર થઈ હતી.

એક અનુમાન એવું પણ હતું કે આ ક્ષેત્ર પર નિયંત્રણ મેળવી લેવાથી બ્રિટનની નાકાબંધીને રોકી શકાશે.

એ નાકાબંધીને કારણે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મનીમાં દુકાળ પડ્યો હતો. તેથી એ નિર્ણય વ્યૂહાત્મક હોવાની સાથે સ્વાભાવિક પણ હતો.

વાસ્તવિકતા એ હતી કે ડિસેમ્બર-1940 સુધી આ યોજના સંપૂર્ણપણે તૈયાર થઈ ન હતી. રોચક વાત એ પણ છે કે સોવિયત સંઘ પરના હુમલાને પોતાના સૈન્ય વડાઓ સામે વાજબી ઠેરવતાં એડોલ્ફ હિટલરે કહ્યું હતું કે બ્રિટનને યુદ્ધમાંથી હઠાવવાનો આ એકમાત્ર માર્ગ છે.

સોવિયત સંઘ હારી જશે તો બ્રિટન પાસે આત્મસમર્પણ સિવાયનો બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં. આ એ સમયની પરિસ્થિતિનું એક વિશિષ્ટ નિરીક્ષણ હતું.

2. શું જર્મન-સોવિયત કરાર હિટલર માટે એક અસ્થાયી સમાધાનથી કંઈક વિશેષ હતો?

એ કરાર જાણીજોઈને કરવામાં આવ્યો હતો. એડોલ્ફ હિટલર સમજી ગયા હતા કે તેમણે પશ્ચિમી ગઠબંધનને પહેલાં હરાવવાનું છે. એ સમયે ફ્રાન્સનું સૈન્ય સૌથી શક્તિશાળી ગણાતું હતું. એ સંદર્ભમાં આ બાબત હિટલરનો અસાધારણ આત્મવિશ્વાસ દર્શાવે છે.

નાઝીઓ અને સોવિયત સંઘ વચ્ચે રિબેનત્રોપ-મોલોતોવ સંધિને કારણે અડધાથી વધુ યુરોપે દાયકાઓ સુધી તકલીફ સહન કરવી પડી હતી.

જોસેફ સ્ટાલિનને એવી જોરદાર અપેક્ષા હતી કે મૂડીવાદી દેશ અને નાઝીઓ અંદરોઅંદરના ખૂનખરાબામાં ખતમ થઈ જશે.

જોસેફ સ્ટાલિન માટે પણ જર્મન-સોવિયત કરાર જરૂરી હતો, કારણ કે તેમણે તેમની રેડ આર્મીને થોડા સમય પહેલાં જ વિખેરી નાખી હતી અને તેમણે જર્મની સાથેની કોઈ પણ સંભવિત ટક્કરને પણ રોકવાની હતી.

3. જર્મનીએ હુમલો કરતાં પહેલાં લાંબો સમય રાહ જોઈ હોવાની ટીકા કરવામાં આવે છે. આપ આ વાત સાથે સહમત છો?

ઑપરેશન બારબરોસા બહુ વિલંબ બાદ શરૂ થયું હતું એમાં કોઈ શંકા નથી અને તેમાં વિલંબ શા માટે થયો હતો તેની વ્યાપક ચર્ચા પણ કરવામાં આવે છે.

એક જૂની ધારણા એવી છે કે એપ્રિલ 1941માં ગ્રીસ પર કરાયેલા હુમલાને કારણે ઑપરેશન બારબરોસા રોકવું પડ્યું હતું, પણ ત્યાં સુધીમાં ખબર પડી ગઈ હતી કે તેનું મુખ્ય કારણ સમય હતો.

1940-41ના શિયાળા દરમિયાન જોરદાર વરસાદ પડ્યો હતો. તેને કારણે બે સમસ્યા સર્જાઈ હતી.

પહેલી સમસ્યા એ હતી કે જર્મન મિલિટરી એવિશેશન લુફ્ટવાકેના ફોરવર્ડ ઍરફિલ્ડમાં પાણી ભરાઈ ગયું હતું. તે ઍરફિલ્ડ સંપૂર્ણપણે સૂકાઈ ન જાય ત્યાં સુધી ત્યાંથી વિમાનોનું અવકાશગમન કે ઉતરાણ શક્ય ન હતું.

બીજી સમસ્યા એ હતી કે ખરાબ હવામાનને કારણે પૂર્વના મોરચે ટ્રાન્સપોર્ટ વાહનો તહેનાત કરવામાં વિલંબ થયો હતો. અન્ય એક રોચક વાત એ છે કે જર્મનીના મોટર ટ્રાન્સપોર્ટ ડિવિઝનના 80 ટકા કર્મચારીઓ તેમની સામે હારેલા ફ્રાન્સના લશ્કરના હતા.

જોસેફ સ્ટાલિને આ જ કારણસર ફ્રાન્સના લોકો પ્રત્યે નફરત હતી. સ્ટાલિને 1943માં તહેરાન કૉન્ફરન્સમાં એવી દલીલ કરી હતી કે તેમણે ગદ્દાર અને સહયોગીઓના સ્વરૂપે વ્યવહાર કરવો જોઈએ.

હકીકત એ છે કે તેમણે આત્મસમર્પણ તો કર્યું હતું, પણ તેમના વાહનોને નષ્ટ કર્યા ન હતાં. સ્ટાલિનને મતે એ બાબત ફ્રાન્સની વિરુદ્ધની હતી અને ઘણી ગંભીર હતી.

4. જોસેફ સ્ટાલિન એક ઉન્માદી વ્યક્તિ હતા એ બધા જાણે છે. તેમણે જર્મનીના હુમલા સંબંધિ ચેતવણી પ્રત્યે પૂરતું ધ્યાન કેમ આપ્યું ન હતું?

આ બાબત ઇતિહાસના સૌથી મોટા વિરોધાભાસો પૈકીની એક છે. દરેક બાબતમાં શંકા કરનાર સ્ટાલિન હિટલરની બાબતમાં છેતરાઈ ગયા હતા.

એ કારણે ઘણી વાતો પ્રસરી હતી. એ પૈકીની એકમાં જણાવવામાં આવ્યું હતું કે સ્ટાલિન જર્મની પર પહેલાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.

જોકે, આ વાતમાં કોઈ માલ નથી. વાસ્તવમાં એ વાત સોવિયત સંઘના 11 મે, 1941ના ઇમર્જન્સી દસ્તાવેજ પર આધારિત છે. નાઝી હુમલાની યોજના બાબતે માહિતગાર જનરલ ઝુખોવ અને અન્ય લોકોએ સંભવિત વળતા હુમલા બાબતે વિચારણા કરી હોવાની વાત એ દસ્તાવેજમાં છે.

તેમણે જે મુદ્દાઓની વિચારણા કરી હતી તેમાં એક મુદ્દો પહેલાં જ હુમલો કરવાનો હતો, પરંતુ સ્ટાલિનની રેડ આર્મી એ સમયે હુમલો કરવાની સ્થિતિમાં જ ન હતી. એક સમસ્યા એ પણ હતી કે તેમની તોપોના વહન માટે જે ટ્રૅકટરોનો ઉપયોગ કરવામાં આવતો હતો એ ટ્રૅકટરો વાસ્તવમાં ખેતીકામ માટેનાં હતાં.

તેમ છતાં સ્ટાલિને દરેક ચેતવણીને કઈ રીતે ફગાવી દીધી હતી એ જાણવું ઘણું રોચક છે. એ ચેતવણી તેમને માત્ર બ્રિટન તરફથી જ નહીં, પરંતુ તેમના પોતાના રાજદ્વારી અધિકારીઓ અને જાસૂસો મારફત પણ મળી હતી.

કદાચ તેનું કારણ એ હશે કે સ્પેનના આંતરવિગ્રહના સમયથી જ સ્ટાલિન એવું ભારપૂર્વક માનતા થઈ ગયા હતા કે વિદેશમાં રહેતી દરેક વ્યક્તિ ભ્રષ્ટ અને સોવિયેતવિરોધી છે.

તેથી તેમને બર્લિનમાંથી માહિતી મળી ત્યારે તેમણે તેની અવગણના કરી હતી. એટલું જ નહીં, જર્મન સૈનિકોને એક નાનકડી ડિક્શનરી મોકલવામાં આવી હતી, જેમાં 'મને પોતાના સાંપ્રદાયિક સ્વરૂપમાં લઈ જાઓ' જેવી લાગણી નોંધવામાં આવી હતી. તેમ છતાં સ્ટાલિનને ખાતરી હતી કે તે સોવિયત સંઘને જર્મની સાથે લડાઈ છેડવા માટે મજબૂર કરવાની અંગ્રેજોની ઉશ્કેરણી હતી.

આમ છતાં એ ઉલ્લેખનીય છે કે સંખ્યાબંધ સૈનિકોને બ્રિટિશ બૉમ્બર્સની પહોંચથી દૂર પૂર્વની તરફ લઈ જવામાં આવી રહ્યા હોવાની એડોલ્ફ હિટલરે આપેલી ધરપતને પણ જોસેફ સ્ટાલિને સ્વીકારી લીધી હતી. જોકે, એ સમયે તેઓ એટલા નિર્બળ હતા કે વિરોધી સૈન્યમાં છીંડુ પાડી શકે તેમ ન હતા.

5. જર્મનીનો ઉદ્દેશ શું હતો? શું જર્મની ખરેખર સોવિયત સંઘ પર વિજય મેળવવા ઈચ્છતું હતું?

અર્ખંગેલથી અસ્ત્રખાન સુધીની એએ લાઇન આગળ ધપાવવાની યોજના હતી. એવું થઈ શકે તો જર્મન સૈનિકોને મોસ્કો તથા વોલ્ગા તરફ આગળ વધવામાં મદદ મળી શકે તેમ હતું.

તેથી સ્ટાલિનગ્રાદની લડાઈની વાત આવી ત્યારે અનેક જર્મન સૈનિકોએ એવું વિચાર્યું હતું કે માત્ર એ શહેર કબજે કરી અને વોલ્ગા સુધી પહોંચીશું એટલે લડાઈ જીતી જઈશું.

સોવિયત સંઘના જે સૈનિકો આક્રમણની શરૂઆતમાં મોટી લડાઈમાંથી બચી ગયા હતા તેઓ અલગ-અલગ ઠેકાણે હશે અને બૉમ્બમારો કરીને તેમને એક જગ્યાએ ઘેરી લેવામાં આવશે, એવો પ્લાન હતો.

એ દરમિયાન રશિયા અને યુક્રેનના જીતેલા વિસ્તારોને જર્મન કૉલોનીઓ તથા વસાહતો માટે ખોલી નાખવામાં આવશે.

જર્મન હંગર યોજના મુજબ, મોખરાના શહેરોનાં લોકો ભૂખને કારણે મરી જશે. લગભગ સાડા ત્રણ કરોડ લોકો આ રીતે મૃત્યુ પામશે એવો અંદાજ પણ બાંધવામાં આવ્યો હતો.

આ સમગ્ર પ્લાનનો આધાર એએ લાઈન તરફ ઝડપભેર આગળ વધવા પર હતો અને વ્યાપક ઘેરાબંધી વડે રેડ આર્મીનો સંપૂર્ણ ખાત્મો કરવો એ સૌથી મોટી વાત હતી.

એમાંથી કેટલુંક થઈ શક્યું હતું. દાખલા તરીકે કિએફનું યુદ્ધ, માનવ ઇતિહાસમાં પકડવામાં આવેલા કેદીઓની બાબતમાં વિશ્વના સૌથી મોટા યુદ્ધો પૈકીનું એક સાબિત થયું હતું.

6. શું જર્મની પાસે સફળતા મેળવવાની કોઈ તક હતી?

1941ના અંતભાગમાં ગભરાટની એક ક્ષણે જોસેફ સ્ટાલિને બુલ્ગારિયાના રાજદૂતને જણાવ્યું હતું કે જર્મનો કદાચ મૉસ્કો કબજે કરશે અને બધું વિખેરાઈ જશે એવું મેં વિચાર્યું હતું.

તેના જવાબમાં રાજદૂત સ્ટૈમેનોવે કહ્યું હતું કે "તેઓ સનકી છે. તેઓ પીછેહઠ કરીને યૂરાલ્સ તરફ ચાલ્યા જશે તો તેમનો વિજય થશે."

મારા માટે આ પ્રસંગ, ઑપરેશન બારબરોસા નિષ્ફળતા તરફ શા માટે આગળ ધપી રહ્યું હતું એ જણાવતો મહત્વનો સંકેત છે. દેશના આકારને ધ્યાનમાં લેતાં એ તો સ્પષ્ટ હતું કે જર્મન સૈન્ય અને તેના સહયોગીઓ રોમાનિયા તથા હંગેરી પાસે એટલા સૈનિકો ન હતા કે તેઓ સોવિયત સંઘ જેવો મોટા વિસ્તારવાળો દેશ જીતી શકે અને તેને કબજે કરી શકે.

બીજી વાત એ કે જાપાને ચીન પર કરેલા આક્રમણમાંથી હિટલર કોઈ પાઠ ભણ્યા ન હતા. એ ઘટનામાં ટેક્નૉલૉજીની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ દેશે એક એવે દેશ પર હુમલો કર્યો હતો, જે ક્ષેત્રફળની રીતે અત્યંત વિશાળ હતો.

એ ઘટનાથી સમજાયું કે તમે શરૂઆતમાં કદાચ જીતી શકો, પણ હિટલરે સોવિયત સંઘ વિરુદ્ધ જે ક્રૂરતા આચરી હતી, તેના પરિણામરૂપ આઘાત અને આતંકે એવો પ્રતિભાવ જન્માવ્યો હતો, જેવો આતંક અને અરાજકતાને લીધે સર્જાતો હોય છે.

હિટલરે આ બાબતે ક્યારેય વિચાર કર્યો ન હતો. "દરવાજા પર લાત મારશો તો આખી ઇમારત તૂટી પડશે," એવું તેઓ હંમેશા કહેતા રહ્યા હતા, પરંતુ તેમણે સોવિયત સંઘના મોટાભાગના લોકોની દેશભક્તિ, તેમની વય અને યુદ્ધ ચાલુ રાખવાની તેમની પ્રતિબદ્ધતાનું મૂલ્ય ઓછું આંક્યુ હતું.

7. સોવિયત સંઘની સલામતીના માર્ગમાં સ્ટાલિન અડચણ હતા, એવું કહેવું યોગ્ય છે?

ખાસ કરીને કિએફની ઘેરાબંધીથી હઠવાની પરવાનગી ન આપવાને કારણે લાખો લોકોના મોત થયાં હતાં. તે જીવસટોસટના સંઘર્ષનો આદેશ હતો. એ આદેશમાં ફેરફારની ગુંજાશ બહુ ઓછી હતી.

મૉસ્કો તરફ પીછેહઠના અંતિમ તબક્કમાં જ સ્ટાલિને થોડી છૂટ આપી હતી. તેમણે એવું કર્યું એ પણ યોગ્ય હતું, કારણ કે તે છૂટને કારણે શહેરના રક્ષણ માટે પૂરતા પ્રમાણમાં સૈનિકોને બચાવી શકાયા હતા.

8. આક્રમણના પ્રારંભિક તબક્કામાં સોવિયત શાસનના પતનનું કોઈ જોખમ હતું?

સોવિયત શાસનના પતન માટે કોઈ વિદ્રોહ કે એવું કશું થવાની કોઈ શક્યતા ન હતી.

વાસ્તવમાં સોવિયત શાસનની કોઈ ટીકા પણ કરતું ન હતું, કારણ કે વાસ્તવમાં શું થઈ રહ્યું છે એ કોઈ જાણતું ન હતું. એ સમયે લોકો જર્મની પર અને જર્મન-સોવિયેત કરાર બાબતે કરવામાં આવેલા વિશ્વાસઘાત પર ક્રોધે ભરાયેલા હતા.

એક સમય એવો હતો ત્યારે કેટલાક સોવિયત નેતાઓ તેમને મળવા ગયા હતા. એ સમયે તેઓ હતાશામાં ડૂબેલા હતા અને તેમની કોટેજમાં રહેતા હતા.

સ્ટાલિને સોવિયત નેતાઓને તેમના તરફ આવતા જોયા ત્યારે તેમણે એવું ધાર્યું હતું કે એ નેતાઓ તેમની ધરપકડ કરવા આવી રહ્યા છે, પરંતુ ગણતરીની પળોમાં તેમને સમજાઈ ગયું હતું કે નેતાઓ પણ તેમની માફક જ ડરેલા છે. નેતાઓએ સ્ટાલિનને ધરપત આપી હતી કે તેમણે આગળ વધવાનું છે.

9. મૉસ્કોની લડાઈમાં રશિયાનો શિયાળો કેટલો નિર્ણાયક હતો?

કાતિલ ઠંડી બહુ મહત્વની સાબિત થઈ હતી તેમાં કોઈ શંકા જ નથી.

એ સમયે જોરદાર ઠંડી પડી રહી હતી અને ક્યારેક તો તાપમાનનો પારો શૂન્યથી 40 ડિગ્રી નીચે સુધી પહોંચી જતો હતો. એ પરિસ્થિતિના સામના માટે જર્મન સૈનિકો તૈયાર ન હતા. તેમના હથિયાર અને કપડાં પણ આ વાતાવરણને અનુરૂપ ન હતાં.

દાખલા તરીકે, જર્મન મશીનગનો જામ થઈ જતી હતી. મશીનગનને ઉપયોગ લાયક બનાવવા માટે જર્મન સૈનિકોએ તેના પર પેશાબ કરવો પડતો હતો.

પૈન્જર ટેન્ક્સનો ટ્રેક બહુ નાનો હતો અને એ કારણે તેને બરફમાં સારી રીતે ચલાવી શકાતી ન હતી. બીજી તરફ સોવિયત સંઘ પાસે ટી-34 ટેન્ક્સ હતી અને એ કારણે લડાઈમાં તેમનો હાથ ઉપર રહેતો હતો.

રશિયાના કડકડતી ઠંડીએ જર્મનીની પાયદળની આગળ વધવાની ગતિને ધીમી પાડી દીધી હતી. જર્મન સૈનિકોની આગળ વધવાની ગતિ પહેલાંથી જ જોરદાર વરસાદને કારણે ધીમી પડેલી હતી. તેમાં ઠંડીને કારણે પરિસ્થિતિ બદતર થઈ ગઈ હતી.

તેમણે વિમાનના એન્જિન હેઠળ આખી રાત આગ સળગાવી રાખવી પડતી હતી, જેથી આગલી સવારે તેઓ ત્યાં પહોંચે ત્યારે કામ કરી શકે.

10. શું સોવિયત સંઘ પરનું આક્રમણ હિટલરની સૌથી મોટી ભૂલ હતું?

તેમાં કોઈ શંકા નથી. ફ્રાન્સની સામે હાર્યા બાદ જર્મનીએ યથાસ્થિતિ જાળવી રાખી હોત અને એ દેશોના સંસાધનો વડે પોતાના સૈન્યને મજબૂત કર્યું હોત તો જર્મનીની સ્થિતિ ઘણી સારી હોત.

તેથી સ્ટાલિને 1942 અને 1943માં પહેલાં હુમલો કર્યો હોત તો એ સોવિયત સંઘ માટે ઘણું વિનાશકારી સાબિત થયું હોત.

આ યુદ્ધ ટર્નિંગ પૉઇન્ટ હતું તેમાં કોઈ શંકા જ નથી. જર્મનીના સૈન્યને 80 ટકા નુકસાન પૂર્વના મોરચે થયું હતું. એ ઑપરેશન બારબરોસા જ હતું, જેણે જર્મન સૈન્યની કરોડરજ્જૂ તોડી નાખી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો