You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ઇઝરાયલમાં ભારતીયોએ લડેલું' એ યુદ્ધ, જેની બહાદુરીની કિસ્સા યહૂદીનાં બાળકોને ભણાવાય છે
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
સ્થાપના સમયથી જ વૈચારિક અને ધાર્મિક રીતે વિરોધી દેશોની વચ્ચે વિશ્વના એકમાત્ર યહૂદી રાષ્ટ્રે તેના આત્મબળ અને સૈન્યબળથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. એટલું જ નહીં, ભૂતકાળમાં થયેલાં યુદ્ધોમાં તેમને કારમો પરાજય પણ આપ્યો છે.
આ પરાક્રમોને કારણે ઇઝરાયલની સેના અને તેના સૈનિકોની બહાદુરીના કિસ્સા ભારત, અમેરિકા, ઇંગ્લૅન્ડ સહિત અનેક દેશોની સૈન્યશાળાઓમાં ભણાવવામાં આવે છે.
જોકે, ઇઝરાયલીઓ ભારતીયો સૈનિકોની બહાદુરીના કિસ્સા પણ ટાંકે છે. ઇઝરાયલના સૈન્ય સંદર્ભગ્રંથો તથા પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાં આ યુદ્ધને ભણાવવામાં આવે છે.
આ યુદ્ધ એટલે હાઇફા પર ફતેહ, જે આજે ઇઝરાયલનું બીજું સૌથી મોટું શહેર છે.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતના ઘોડેસવાર સૈનિકો ઊંચાઈ પર રહેલા દુશ્મનોની મશીનગનો, બંદૂકો અને તોપોના હુમલાની વચ્ચે માત્ર તલવાર અને ભાલાથી લડ્યા અને માત્ર એક કલાકમાં યુદ્ધનું પાસું પલટી નાખ્યું હતું.
ભારતીય સૈન્ય અધિકારી મેજર દલપતસિંહને 'હીરો ઑફ હાઇફા' તરીકે ઓળખવામાં આવે છે, જેમણે અશક્યને શક્ય કરી દેખાડ્યું. છતાં નિર્ણાયક હુમલામાં તેઓ સામેલ થઈ શક્યા ન હતા.
યુદ્ધમાં સામસામે સામ્રાજ્યો
1908માં બોસનિયાનાને સર્બિયામાં જોડાવું હતું, પરંતુ ઑસ્ટ્રિયા-હંગેરીએ તેના પર બળજબરીપૂર્વક કબજો કરી લીધો હતો, જેનો વિરોધ કરવા માટે વર્ષ 1914માં 'બ્લૅક હેન્ડ' નામનું જૂથ અસ્તિત્વમાં આવ્યું.
28મી જૂનના રોજ સારાયેવોમાં ઑસ્ટ્રિયા-હંગેરીના તાજના વારસ ફ્રાન્ઝ ફરદિનાદ તથા તેમનાં પત્ની સોફી પર બૉમ્બથી હુમલો કરવામાં આવ્યો, જેમાં તેઓ બચી ગયા, પરંતુ બીજા કેટલાક લોકો ઘાયલ થયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૉસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લેવાના હેતુથી ફરદિનાદે કારચાલકને ત્યાં જવાના આદેશ આપ્યા. આ વખતે કોઈ ચૂક ન થઈ અને હત્યારાએ ફ્રાન્ઝ તથા તેમનાં પત્ની સોફીની ગોળી મારીને હત્યા કરી નાખી.
ઑસ્ટ્રિયા-હંગેરીના શાસક ફ્રાન્ઝ જોસેફ આનાથી ઉશ્કેરાઈ ગયા. તેમણે સર્બિયાને 10 મુદ્દાનું અલ્ટિમૅટમ આપ્યું, જેમાં સર્બિયા નવ પર સહમત થઈ ગયું. પ્રમાણમાં નવગઠિત રાષ્ટ્ર જર્મનીના રાજા કૈસરે ફ્રાન્ઝ જોસેફ 'જે કોઈ નિર્ણય લે' તેની સાથે રહેવાનું જાહેર કર્યું. આથી, જોસેફ યુદ્ધનો વિકલ્પ વિચારવા માટે પ્રોત્સાહિત થયા.
રશિયાએ સર્બિયાની પડખે રહેવાની જાહેરાત કરી. જર્મનીએ બૅલ્જિયમના માર્ગે ફ્રાન્સ પર હુમલો કરવાની યોજના ઘડી હતી. બૅલ્જિયમ અને યુકેની વચ્ચે પરસ્પર સુરક્ષાના કરાર થયેલા હતા. આમ સમગ્ર વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું.
એક તરફ હતા ઑસ્ટ્રિયા-હંગેરી, જર્મની અને તુર્કીનું ઑટોમન સામ્રાજ્ય. બીજી તરફ હતા યુકે, રશિયા, ઈટાલી, યુએસ અને ફ્રાન્સ. એ સમયે ભારત બ્રિટિશ સરકારને આધીન હતું એટલે તેણે પણ આ યુદ્ધમાં જોડાવું પડ્યું.
1857ના વિપ્લવ પછી અંગ્રેજોની ભારત પર પકડ મજબૂત બની હતી. તેમણે ભારતીય રજવાડાંને કેટલીક છૂટછાટો આપી હતી, જેના બદલામાં યુદ્ધના સમયે જરૂર પડ્યે તેઓ અંગ્રેજોને આર્થિક મદદ કરતા હતા.
1985 આસપાસ તત્કાલીન વાઇસરૉય દ્વારા એક યોજના રજૂ કરવામાં આવી હતી. જે મુજબ, રજવાડું તેના કદ મુજબ સેના ઊભી કરી શકે અને તેની જાળવણી કરી શકે, પરંતુ જ્યારે બ્રિટિશ સરકારને જરૂર પડે ત્યારે યુદ્ધમોરચે સૈનિકો મોકલવા.
અત્રે એ યાદ રાખવું ઘટે કે તે બ્રિટિશ સરકાર હેઠળના સૈનિકોથી ઇતર વધારાનાં સૈન્યબળ હતાં. જોધપુર, મૈસૂર, હૈદરાબાદની જેમ કાશ્મીર, બિકાનેર, ભાવનગર અને અલવરના શાસકોએ પણ પોતાની સૈન્યટુકડીઓ પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન મોકલી હતી.
ભાવનગરના વાર્ષિક અહેવાલ 1919-1920 (પેજ નં. 12) પર આપવામાં આવેલી વિગતો પ્રમાણે, 40થી વધુ સૈનિક ઇજિપ્તના મોરચે તહેનાત હતા. જેમાં તેમને વીરતા બદલ પદક-ઇલકાબ પણ મળ્યાં હતાં.
જોધપુર નહીં, જો-હુકૂમ લાન્સર્સ
યુદ્ધના શરૂઆતના સમયમાં જોધપુર લાન્સર્સને યુરોપના મોરચે તહેનાત કરવામાં આવ્યા હતા. અહીં તેમને જે કોઈ હુકમ આપવામાં આવ્યા, તેનો અક્ષરશઃ અમલ થયો, એટલે તેમને 'જો-હુકુમ લાન્સર્સ'નું ઉપનામ આપવામાં આવ્યું હતું.
'ધ લાઇફ ઑફ લેફ્ટ.- જનરલ એચએચ સર પ્રતાપસિંહ'માં આર. બી. વાન વર્ટે એક પ્રકરણ 'ધ ગ્રૅટ વોર'ના નામથી (200-218) પ્રથમ વિશ્વયુદ્ધની જાહેરાત થતા જ જોધપુરના શાસક સર પ્રતાપે જાહેરાત કરી હતી કે તેમની સૈન્યટુકડી જોધપુર લાન્સર્સ, તેઓ પોતે અને તેમના પુત્રો આ યુદ્ધમોરચે જવા માગે છે. તેમની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી.
તેઓ 69 વર્ષના હોવા છતાં યુદ્ધમોરચે ગયા હતા અને એક તબક્કે તેમણે લગભગ 24 કલાક સુધી ઘોડેસવારી કરી હોવાનું પણ નોંધ્યું છે.
એક તબક્કે ભારતીય સૈનિકોને ટીનમાં ભરેલું માંસ પીરસવામાં આવ્યું, જેની ઉપર ગાયનું ચિત્ર દોરેલું હતું. આથી, તેમણે એ ખાવાનો ઇન્કાર કરી દીધો.
તેમને લાગ્યું હતું કે એ 'ગૌમાંસ' છે. અંગ્રેજ અધિકારીઓએ સર પ્રતાપને આ વાત સૈનિકોને સમજાવવા કહ્યું. જ્યારે સર પ્રતાપે પોતે એ ડબ્બામાંથી માંસ ખાધું, ત્યારે સૈનિકોને વિશ્વાસ બેઠો.
સૈન્ય વ્યૂહરચનાકારો દ્વારા ફેબ્રુઆરી-1918માં ભારતીય સૈન્યટુકડીઓને ઇજિપ્ત-પેલેસ્ટાઇનના મોરચે મોકલવાનું નક્કી થયું. જે પાંચમી કૅવેલરી ડિવિઝનની 15મી ઇમ્પિરિયલ સર્વિસ કૅવેલરી બ્રિગેડના ભાગરૂપ હતા.
અહીં જોધપુર લાન્સર્સના સૈનિકો તથા ઘોડાઓને પોતીકું લાગ્યું. ફ્રાન્સ જેવી ઠંડી ન હતી. ખુલ્લાં રણમેદાનો હતાં, જે તેમના વતનની યાદ અપાવે તેવાં હતાં. વધુમાં બરછીધારક ઘોડેસવારો માટે આ પ્રકારનાં મેદાન વધુ માફક આવે તેવાં હતાં. તેમણે અનેક પરાક્રમો કર્યાં, પરંતુ હાઇફાનો મોરચો તેમને ઇતિહાસમાં સ્થાન અપાવવાનો હતો.
હાઈટ પર હાઇફા
એ સમયે ઇઝરાયલનું સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વ ન હતું, પરંતુ હાઇફાનો વિસ્તાર પેલેસ્ટાઇન તરીકે ચિહ્નિત હતો, જેની ઉપર તુર્કીના તાકતવર ઑટોમન સામ્રાજ્યનું શાસન હતું.
આ વિસ્તાર લગભગ 400 વર્ષથી તેમના કબજામાં હતો અને તેની ઉપર કબજો કરવા માટે અગાઉ અનેક વખત પ્રયાસ થયા હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.
વ્યૂહાત્મક રીતે હાઇફા મહત્ત્વપૂર્ણ બંદર હતું. આથી, જર્મન, ઑસ્ટ્રિયન અને તુર્કી ટુકડીઓ તેની સુરક્ષા કરી રહી હતી. જો આ બંદર પર કબજો થઈ જાય તો યુરોપના દરિયાઈમાર્ગે મધ્ય-પૂર્વમાં તહેનાત સૈનિકોને સામાન અને હથિયાર ગોળા-બારૂદ પહોંચાડવા સરળ બની જાય. જેના કારણે પેલેસ્ટાઇન તથા સિરિયાના મોરચે મિત્રરાષ્ટ્રોને નિર્ણાયક સરસાઈ મળે તેમ હતી.
મેજર દલપતસિંહ જોધપુર લાન્સર્સની કમાન સંભાળી રહ્યા હતા. તેમને મધ્યપૂર્વમાં બહાદુરી દેખાડવા બદલ મિલિટરી ક્રૉસથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બ્રિટિશશાસિત ભારતમાં કોઈ ભારતીય સૈન્ય અધિકારીને આ સન્માન મળે તે બહુ મોટી વાત હતી. તેઓ નેતૃત્વક્ષમતાને કારણે જોધપુર લાન્સર્સના સૈનિકોમાં લોકપ્રિય હતા.
લગભગ 1500 ફૂટ ઊંચો કાર્મેલ નામનો પહાડ તેના કુદરતી સંરક્ષક તરીકે ભૂમિકા ભજવતો હતો. પહાડની વચ્ચેથી એક રસ્તો હાઇફા જતો હતો, જે સૌથી સરળ પણ જોખમી હતો.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીની પાસે બંદૂકો ઉપરાંત મશીનગન હતી, જે સમગ્ર રેજિમૅન્ટને રોકી રાખવા માટે સક્ષમ હતી. આવી મશીનગનો હાઇફાનું રક્ષણ કરતી હતી. આ સિવાય બંદૂકો-તોપો પણ ત્યાં હતી. પાસેથી જ કિશોન નદી વહેતી હતી.
કલાકમાં લખાયો ઇતિહાસ
23 સપ્ટેમ્બર, 1918ના દિવસે જોધપુર લાન્સર્સને હાઇફા ઉપર હુમલો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે મૈસૂર લાન્સર્સની બે ટુકડીનું કામ પહાડની પાછળથી હુમલો કરવાનું અને ત્યાં તહેનાત ટુકડીઓને શાંત કરવાનું હતું. જેથી જોધપુર લાન્સર્સ હુમલો કરે, ત્યારે તેમણે પહાડ પરથી ગોળીબારનો સામનો ન કરવો પડે.
જ્યારે હૈદરાબાદની ટુકડીને અન્ય કેટલાક યુદ્ધકેદીઓને ખસેડવા માટે મોકલવામાં આવી હતી.
મૈસૂર લાન્સર્સ બંદૂકધારીઓને કાબૂમાં લે ત્યાં સુધીમાં જોધપુર લાન્સર્સ નીચેના રસ્તે પહોંચી ગયા હોય તેવી ગણતરી હતી. આ સિવાય બંને ટુકડી ફરતેથી હુમલો કરે તો દુશ્મનની શક્તિ વહેંચાઈ જાય અને અચાનક થયેલા હુમલાથી તેનું મનોબળ ધ્વસ્ત થઈ જાય.
નિર્ધારિત દિવસે મૈસૂર લાન્સર્સની ટુકડી સવારે 10 વાગ્યે રવાના થઈ, જ્યારે જોધપુર લાન્સર્સની ટુકડી હાઇફાથી સાત કિલોમીટર દૂર બલદ-અલ-શેખ કૅમ્પ ખાતે પહોંચી. જોકે સીધાં ચઢાળ અને પથરાળ રસ્તાને કારણે મૈસૂર લાન્સર્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તેમના ઘોડા આગળ વધી શકતા ન હતા.
મૈસૂર લાન્સર્સ તરફથી સિગ્નલ ન મળવા છતાં જોધપુર લાન્સર્સને આગળ વધવાનો આદેશ આપવામાં આવ્યો. સાંકળા રસ્તાને ટાળવા માટે તેઓ કિશોન નદીના છીછરા પાણીમાં આગળ વધવા લાગ્યા. અચાનક તેમની ઉપર ગોળીબાર થવા લાગ્યો. રેતાળ જમીનને કારણે ઘોડેસવાર પણ તેમાં ધસી રહ્યા હતા.
મેજર દલપતસિંહે તેમના સાથીઓને નદીના પાણીમાંથી બહાર નીકળી જવા અને પાછા વળવાના આદેશ આપ્યા. એવામાં એક ગોળી આવી અને તેઓ ઘાયલ થઈ ગયા. તેઓ પોતાના ઘોડા પરથી ફસડાઈ પડ્યા. જોધપુર લાન્સર્સના સૈનિકોએ તેમને સંભાળ્યા અને ઉઠાવ્યા.
આને કારણે ઘોડેસવારોની ટુકડીમાં દુશ્મનો પ્રત્યે આક્રોશ ફેલાઈ ગયો. ટુકડીમાં સેકન્ડ-ઇન-કમાન અમનસિંહ જોધાએ નેતૃત્વ લીધું. તેમણે સાંકળા અને મુશ્કેલ માર્ગે આગળ વધવાનું નક્કી કર્યું. દુશ્મનોના ભારે ગોળીબારે તેમનું સ્વાગત કર્યું. આમ છતાં જોધપુર લાન્સર્સ તેની અવગણના કરીને સતત આગળ વધતા રહ્યા.
જ્યારે કેટલાક સૈનિકોએ સાંકળો માર્ગ પાર કરી લીધો ત્યારે તુર્કોમાં ફફડાટ ફેલાઈ ગયો. તેઓ નાસવા લાગ્યા. બીજી બાજુ, મૈસૂર લાન્સર્સ પણ દુશ્મનોને શાંત કરવામાં સફળ થયા. તેઓ સામૂહિક રીતે હાઇફા તરફ આગળ વધ્યા.
લગભગ એક કલાકમાં મિશન પૂર્ણ થઈ ગયું. 1350 તુર્કીઓને યુદ્ધબંધી તરીકે પકડવામાં આવ્યા. આ સિવાય બંદૂકો અને મશીનગનો જપ્ત કરી.
રાત્રે ઑપરેશન દરમિયાન મેજર દલપતસિંહનું મૃત્યુ થયું. મિશન દરમિયાન સાત અન્ય પણ મૃત્યુ પામ્યા, જ્યારે 34 અન્ય ઘાયલ થયા હતા. 60 ઘોડા મૃત્યુ પામ્યા અને 83 ઘાયલ થયા હતા. જે દુશ્મનો દ્વારા કરવામાં આવેલા હુમલાની તીવ્રતા છતી કરે છે.
ઘોડેસવારો દ્વારા સફળ હુમલાનો આ છેલ્લો નોંધપાત્ર હુમલો હતો. એ પછી યુદ્ધક્ષેત્રે મોટરગાડી, ટ્રક, ટેન્કોનું મહત્ત્વ વધી ગયું. મશીનગનો અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હવાઈ હુમલાએ સ્થિતિને બદલી નાખી.
આગળ જતાં અમનસિંહ જોધાના પુત્ર અને પછી પણ ભારતીય સેનામાં જોડાયા. તેમના પૌત્ર મહેન્દ્રસિંહ બ્રિગેડિયરના પદ સુધી પહોંચ્યા.
તેમણે 'ધ સ્ટોરી ઑફ જોધપુર લાન્સર્સ 1885-1952' નામનું પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે ભારતીય સેના પાસે ઉપલબદ્ધ દસ્તાવેજો, પત્રાચાર, બ્રિટિશ દસ્તાવેજો અને તસવીરોનો આધાર લઈને હાઇફાના યુદ્ધ વિશે ઉપરોક્ત માહિતી આપી છે.
હુમલાની યોજના ઘડનાર ફિલ્ડ માર્શલ એડમંડ એલન્બીની યોજના થકી જેરુસલેમ પર કબજો મેળવવામાં સફળતા મળી. તે યહૂદી, ખ્રિસ્તી તથા મુસ્લિમો માટે પવિત્ર શહેર હતું. આથી, જ્યારે શહેર પર બ્રિટનનો કબજો થયો, ત્યારે તેમણે મુસ્લિમ ધાર્મિકસ્થળોની સુરક્ષા ભારતના મુસ્લિમ સૈનિકોને સોંપી હતી, જેથી સ્થાનિકોની ધાર્મિક લાગણી જળવાઈ રહે.
એટલું જ નહીં, તેઓ પગપાળા શહેરમાં પ્રવેશ્યા. તેમની સુરક્ષા બ્રિટિશ, ભારતીય, ન્યૂઝીલૅન્ડ તથા ફ્રાન્સ જેવા દેશોના સૈનિકોએ કરી.
દિલ્હીમાં ત્રણ મૂર્તિ
ભારતીય સેનાથી અલગ ઇમ્પિરિયલ સર્વિસ સુએઝ કૅનાલ પાસે આ યુદ્ધનું સ્મારક ઊભું કરવા માગતી હતી, પરંતુ એ શક્ય ન બન્યું. એ સમયે નવી દિલ્હી બની રહ્યું હતું, એટલે તેના ડિઝાઇનર લુટિયન્સને સ્મૃતિસ્મારક માટે યોગ્ય જગ્યા શોધવા માટે કહેવામાં આવ્યું.
શરૂઆતમાં રજવાડાં માટેના પ્રિન્સલી પાર્ક માટેની જગ્યા વિચારવામાં આવી, અંતે હાલનો તીનમૂર્તિ (દિલ્હી) ચોક નક્કી થયો. જે તત્કાલીન કમાન્ડર-ઇન-ચીફના સત્તાવાર નિવાસસ્થાન પાસે હતું. આને માટે જોધપુર, મૈસૂર તથા હૈદરાબાદ રજવાડાંએ ત્રણ-ત્રણ હજાર પાઉન્ડનું યોગદાન આપ્યું હતું.
સ્વતંત્રતા પછી જવાહરલાલ નેહરુએ વડા પ્રધાન તરીકે એ બંગલો પસંદ કર્યો. જે આગળ જતાં નેહરુ લાઇબ્રેરી તથા હાલમાં પ્રધાનમંત્રી સંગ્રહાલય તરીકે ઓળખાય છે.
સ્વતંત્રતા પછી ભારતીય સેનાનું નેતૃત્વ મૂળ ભારતીય સૈન્ય અધિકારીઓએ સંભાળી લીધું. આ સિવાય સ્ટેટની સૈન્યટુકડીઓને પણ તેમાં ભેળવી દેવામાં આવી.
મૈસૂર લાન્સર્સ, જોધપુર લાન્સર્સ, અલવરના મંગલ લાન્સર્સ, બિકાનેરનો ગંગા રસાલો તેમાં સામેલ હતા.
ઘોડેસવાર ટુકડીઓની સંખ્યા ઘટી ગઈ પરંતુ 61 કૅવલરી તરીકે તેણે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખ્યું, જેઓ રાષ્ટ્રપતિના અંગરક્ષક તરીકે જવાબદારી નિભાવે છે. તેમનું મુખ્ય મથક જયપુર ખાતે આવેલું છે.
ભારતીય સેના દ્વારા દર વર્ષે તા. 23મી સપ્ટેમ્બરને 'હાઇફા ડે' તરીકે ઊજવવામાં આવે છે. વર્ષ 2018માં જ્યારે આ હુમલાને 100 વર્ષ થયાં ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ઇઝરાયલના તત્કાલીન ( અને હવે સંભવિત) વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ઇઝરાયલના સૈન્યસંદર્ભોમાં પણ આ યુદ્ધ વિશે ભણાવવામાં આવે છે. આ સિવાય પ્રાથમિક શાળામાં પણ આ યુદ્ધ વિશે ભણાવવામાં આવે છે. ત્યાં હાઇફામાં ઇઝરાયલ દ્વારા એક સ્મૃતિસ્મારક ઊભું કરવામાં આવ્યું છે. જ્યાં દર વર્ષે તા. 23મી સપ્ટેમ્બરના કાર્યક્રમ યોજાય છે.