રવીન્દ્રનાથનું શાંતિનિકેતન: અજાણ્યા ગામથી વિશ્વ ધરોહર સુધીનો ઇતિહાસ શું છે?

    • લેેખક, પ્રભાકરમણી તિવારી
    • પદ, કોલકાતાથી બીબીસી માટે

શાંતિનિકેતનને યુનેસ્કોએ વિશ્વ ધરોહર ઇમારતોની યાદીમાં સામેલ કર્યું છે. આ માટે શાંતિનિકેતને લાંબી સફર ખેડી છે.

રવિવારે સાઉદી અરબમાં વર્લ્ડ હેરિટેજ કમિટીના 45મી સત્ર બેઠકમાં શાંતિનિકેતનને વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ કરવાનો નિર્ણય કરાયો.

પશ્ચિમ બંગાળમાં ‘લાલ માટીના દેશ’ તરીકે જાણીતા બીરભૂમ જિલ્લામાં આવેલા શાંતિનિકેતનનું નામ દેશ અને દુનિયા માટે અજાણ્યું નથી. તેને પ્રખ્યાત બનાવ્યું કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરે સ્થાપેલા વિશ્વભારતી વિશ્વવિદ્યાલયે.

શાંતિનિકેતનનો શાબ્દિક અર્થ છે શાંતિના નિવાસી એટલે કે એ જગ્યા જ્યાં શાંતિ હોય. જોકે હાલનાં વર્ષોમાં વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના વિવાદને કારણે આ શહેર તેના નામથી વિરુદ્ધ ખોટાં કારણોને લીધે ચર્ચામાં રહ્યું. આ શહેર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ટકરાવનું કેન્દ્ર પણ રહ્યું છે.

શાંતિનિકેતનમાં ઉજવણી

યુનેસ્કોની જાહેરાત પછી આ શહેરમાં ઉત્સવ જેવું વાતાવરણ છે. રવિવારે રાત્રે જ શાંતિનિકેતનમાં આવેલ વિશ્વભારતી વિશ્વવિદ્યાલય પરિસરમાં શોભાયાત્રા યોજાઈ હતી. આગામી સમયમાં પણ વિવિધ રીતે ઉજવણીનાં આયોજન છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આ સમાચાર પર આનંદ વ્યક્ત કર્યો છે. હવે આ બંને નેતાઓના સમર્થકોમાં આનું શ્રેય લેવાની હોડ જામી છે.

મમતા બેનરજીએ સ્પેનથી એક ટ્વીટમાં કહ્યું કે રાજ્ય સરકાર છેલ્લાં 12 વર્ષથી શાંતિનિકેતનના આધારભૂત માળખાને વિકસિત કરવા કામ કરી રહી છે.

શાંતિનિકેતનનો રવીન્દ્રનાથ ટાગોર સાથેનો સંબંધ

બંગાળની કળા અને સંસ્કૃતિનું કેન્દ્ર કહેવાતું આ શહેર ઇતિહાસના અનેક ગૌરવશાળી અધ્યાયનું સાક્ષી રહ્યું છે.

શાંતિનિકેતનની સ્થાપના ભલે અહીં વિશ્વવિદ્યાલયની સ્થાપનાથી બહુ પહેલાં થઈ હોય પણ રવીન્દ્રનાથ ટાગોરે સ્થાપેલા વિશ્વભારતી વિશ્વવિદ્યાલયે આ શહેરને વૈશ્વિક ઓળખ અપાવી. બંને લાંબા અરસાથી એકબીજાના પર્યાય બનેલા છે.

આ શહેરને સરકારી કામકાજની ભાષામાં બોલપુર કહેવાય છે. આને વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ કરવાના 2010માંથી શરૂ થયેલા પ્રયાસોમાં સફળતા હવે મળી છે.

ગયા મે મહિનામાં રવીન્દ્ર જયંતીના અવસરે જ એના સંકેત મળ્યા હતા કે શાંતિનિકેતનને વિશ્વ ધરોહરનો દરજ્જો મળવાની રાહ હવે પૂરી થવાના આરે છે.

શાંતિનિકેતનનું નામ બંગાળના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે મજબૂતીથી સંકળાયેલું છે. બંગાળ વિશેની કોઈ પણ વાત શાંતિનિકેતનના ઉલ્લેખ વિના અધૂરી જ કહેવાય.

વર્ષ 1901માં શાંતિનિકેતનમાં પહેલી વાર એક શાળાની સ્થાપના કરાઈ હતી. દુનિયામાં પ્રખ્યાત શાંતિનિકેતન વિશ્વવિદ્યાલયની સ્થાપના 1921માં થઈ હતી.

વિશ્વવિદ્યાલયના સંચાલન માટે 1922માં વિશ્વભારતી સોસાયટીની રચના કરાઈ હતી. કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરે આ સોસાયટીને સઘળી સંપત્તિ દાન કરી હતી. 1951માં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો દરજ્જો મળ્યો હતો.

આ શહેરની સ્થાપના કવિગુરુ રવીન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરે 1863માં કરી હતી. એ સમયે તેને ભુવનડાંગા નામથી ઓળખવામાં આવતું. તેમણે એ સમયે આશરે 20 એકર જમીન વર્ષે પાંચ રૂપિયાના ભાડાપેટે લીધી હતી.

નામ શાંતિનિકેતન કેવી રીતે પડ્યું?

એ પછી ત્યાં એક આશ્રમની સ્થાપના કરાઈ. દેવેન્દ્રનાથે એ આશ્રમનું નામ શાંતિનિકેતન રાખ્યું હતું. તેના આધારે જ ધીરે ધીરે આ વિસ્તાર શાંતિનિકેતનના નામે જાણીતો થઈ ગયો.

ઓગણીસમી સદીના મધ્યમાં બોલપુર એક નાની જગ્યા હતી. આનો એક ભાગ રાયપુરના સિંહા પરિવારની જમીનદારીનો ભાગ હતો. આ જ પરિવારના ભુવનમોહન સિંહાએ ભુવનાડાંગા ગામ વસાવ્યું હતું.

કવિગુરુ રવીન્દ્રનાથ 1878માં અહીં પહેલી વાર આવ્યા હતા. વીસમી સદીની શરૂઆતમાં આ શહેર ધીરે ધીરે કળા અને સંસ્કૃતિના કેન્દ્ર તરીકે પણ વિકસવા લાગ્યું. અહીં આયોજિત થતો પોષમેળો અને હોળી ઉત્સવ વિશ્વભારતી વિશ્વવિદ્યાલયની જેમ દુનિયામાં પ્રખ્યાત છે. આ દરમ્યાન દુનિયામાંથી પર્યટકો અહીં આવતા હતા.

સ્વાધીનતા આંદોલનમાં શાંતિનિકેતનની ભૂમિકા

શાંતિનિકેતને ભલે આઝાદીના આંદોલન દરમ્યાન કોઈ ક્રાંતિકારી પેદા ન કર્યો હોય પણ બંગભંગ અને સ્વાધીનતા આંદોલનમાં આ શહેરની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી છે.

કવિગુરુ રવીન્દ્રનાથે તેમની રચનાઓના માધ્યમથી લોકોમાં અલખ જગાવવાનું કામ કરતા રહ્યા. મહાત્મા ગાંધી સાથે તેમની પહેલી મુલાકાત પણ અહીં જ થઈ હતી.

ગાંધીજી સાથે અનેક મુદ્દે મતભેદ છતાં કવિગુરુએ સ્વદેશી આંદોલનમાં આગળ રહીને ભાગ લીધો હતો.

જલિયાંવાલાબાગ હત્યાકાંડ પછી તેમણે ‘નાઇટ’ની ઉપાધિનો ત્યાગ કર્યો. ગુરુદેવે એ જ લખ્યું હતું કે ‘જોદિ તોર ડાક સુને કેઉ ના આસે, તોબે એકલા ચલો રે’. તેમની આ પંક્તિઓ પ્રાસંગિક છે.

રવીન્દ્રનાથ ટાગોરે 1905માં બંગભંગ આંદોલન સમયે બંગાળી આબાદીને એક કરવા 'બાંગ્લાર માટી, બાંગ્લાર જળ ' (બંગાળની માટી, બંગાળનું પાણી) ગીત લખ્યું. તેમણે પ્રખ્યાત ગીત 'આમાર સોનાર બાંગ્લા' પણ લખ્યું.

આ ગીતે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના મજબૂત કરવામાં મદદ કરી. રવીન્દ્રનાથે આ દરમ્યાન સાંપ્રદાયિક સદભાવને વધારવા રાખી ઉત્સવની શરૂઆત કરી. એમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયે એકબીજાના કાંડે રંગબેરંગી દોરા બાંધ્યા હતા.

રવીન્દ્રનાથ ટાગોરના સપનાનું સન્માન

ઇતિહાસના પ્રોફેસર પવિત્રકુમાર ઘોષ કહે છે, “શાંતિનિકેતન યુનેસ્કોની યાદીમાં પહેલા જ સ્થાન મળી જવું જોઈતું હતું. પણ જે થયું તે સારું થયું. સાંપ્રદાયિક સદભાવ સંસ્કૃતિ અને કળાના ક્ષેત્રમાં આ શહેરના યોગદાનનો ઇતિહાસ સમૃદ્ધ રહ્યો છે. બંગભંગ અને સ્વાધીનતા આંદોલનમાં પણ આને મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.”

કોલકાતાના રવીન્દ્ર ભારતી વિશ્વવિદ્યાલયમાં ઇતિહાસના વિભાગ અધ્યક્ષ પ્રોફેસર હિતેન્દ્ર પટેલ કહે છે, “આ મહાન કવિ અને ચિંતક રવીન્દ્રનાથ ટાગોરના સપનાનું સન્માન છે. માનવતાને સમર્પિત શિક્ષણના આદર્શને લઈને ચાલતા કવિએ સમાજ અને આત્મશક્તિ ઉદબોધનને જોડ્યું હતું. એ જોવાનો આદર્શ આપ્યો હતો કે લોકજીવનના આદર્શ સાથે શિક્ષણના સમન્વયથી જ સારા માણસો અને સારા સમાજનું નિર્માણ શક્ય છે. વિશ્વ ધરોહરની યાદીમાં શાંતિનિકેતન સામેલ થવું એ અમારા માટે ગૌરવનો વિષય છે.”