મહેશ-નરેશ: મિલમજૂરોને ટિફિન પહોંચાડ્યાં, ફૂટપાથ પર ગાયું, બાળપણ કેવી ગરીબીમાં વીત્યું?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતી ફિલ્મો હોય કે મહેશકુમાર ઍન્ડ પાર્ટીના સંગીતના કાર્યક્રમો– મહેશ-નરેશ કનોડિયાએ ગુજરાત તેમજ બહાર વસતા ગુજરાતીઓનો પણ ખૂબ પ્રેમ મેળવ્યો છે. મહેશ અને નરેશ કનોડિયાને ખૂબ નામ, દામ અને પ્રેમ મેળ્યાં પરંતુ તેમણે જીવનનાં શરૂઆતનાં વર્ષો કાળી ગરીબીમાં વિતાવ્યાં હતાં.

મહેશ અને નરેશ કનોડિયાએ બાળપણમાં પૈસા ખાતર રસ્તે ઊભા રહીને ગીતો ગાવાં, મિલમજૂરોને ટિફિન પહોંચાડવાં, ગલીએ ગલીએ જઈને કાગળ-કચરો વીણવાં, બૂટપૉલિશ વગેરે કામો કર્યાં હતાં.

મહેશ કનોડિયાનો જન્મ 27 જાન્યુઆરી, 1937ના રોજ મહેસાણા જિલ્લાના બહુચરાજી (જૂના ચાણસ્મા) તાલુકાના કનોડા ગામમાં થયો હતો. તેમના પિતા મીઠાલાલ રૂપાભાઈ પરમાર અને માતા દલીબહેન હતાં. મીઠાલાલ પરમાર વણકર સમાજનું પારંપરિક વણાટકામ કરીને ગુજરાન ચલાવતા હતા.

પરિવારમાં આઠ જણા હતા. મીઠાભાઈ અને દલીબહેન ઉપરાંત, ત્રણ દીકરા શંકર, મહેશ, દિનેશ અને ત્રણ દીકરી નાથીબહેન, પાનીબહેન તેમજ કંકુબહેન. એ વખતે નરેશ કનોડિયાનો જન્મ નહોતો થયો.

બે પૈસા વધુ મળે અને પરિવાર બે ટંકનું ખાઈ શકે તે માટે મોટા દીકરા શંકરભાઈ અમદાવાદ આવ્યા હતા. ત્યાં રંગીલા ગેટ પાસે મહેસાણિયાવાસના લલ્લુ બાપાના છાપરામાં તેઓ રહેતા હતા. એ વખતે અમદાવાદમાં કાપડની મિલો ધમધમતી હતી. શંકરભાઈએ એ મિલોમાં છૂટક કામ કર્યું હતું.

થોડા જ દિવસોમાં શંકરભાઈએ મા-બાપ સહિત પરિવારને કનોડાથી અમદાવાદ બોલાવી લીધો.

મહેશકુમાર ચાર વર્ષના હતા ત્યારે પરિવાર સાથે મહેસાણિયાવાસના એ ઘરમાં રહેવા આવ્યા હતા. ઘરમાં વીજળી નહોતી. દીવાને અજવાળે રાતો વીતતી અને કૉર્પોરેશનના જાહેર નળની ચકલીઓમાંથી પાણી ભરવા જતા. મકાનનું ભાડું બે રૂપિયા હતું. એક તબક્કો એવો પણ આવ્યો હતો કે દસ મહિનાનું ભાડું માથે ચઢી ગયું હતું.

મીઠાભાઈ મોહલ્લામાં 'મીઠાભગત' તરીકે જાણીતા હતા. મીઠાભાઈ અને શંકરભાઈ ભજનિક હતા. સારામાઠા પ્રસંગોએ ભજન ગાવાં જતા હતા.

વર્ષ 2011માં પ્રકાશિત પુસ્તક 'સૌના હૃદયમાં હરહંમેશ મહેશ–નરેશ'માં તેમના જીવનના વિવિધ પડાવની રજૂઆત છે. જી.એમ. હીરાગરે એ પુસ્તકનું આલેખન કર્યું છે.

ઘરમાં માણસો હતા, રસોડામાં દાણા નહોતા

મહેશ કનોડિયા અમદાવાદમાં રંગીલા ગેટ પાસેની મ્યુનિસિપલ શાળા નં. 2માં ભણવા જતા હતા. રોજ શાળાની શરૂઆત બાળ મહેશના સ્વરમાં 'મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો'થી થતી.

બાળ મહેશના અવાજની મીઠાશથી રાજી થયેલા શિક્ષકો તેમની પાસે જ પ્રાર્થના ગવડાવતા હતા. એ દિવસોમાં તેમના ઘરમાં એ સ્થિતિ રહેતી કે ક્યારેક તો એક બે દિવસ આખું ઘર ભૂખ્યાપેટે રહેતું. ક્યારેક સંબંધીઓ અનાજ-કરિયાણું આપી જતા હતા.

મીઠાભગતને મિલમાં છૂટક નોકરી મળી હતી તેમાં પરિવારનું પેટ ભરવું મુશ્કેલ હતું. ઘરની સ્થિતિ જોતાં મહેશ કનોડિયાએ શાળાથી ઊઠી જવું પડ્યું હતું.

ભણતર પડતું મૂક્યા પછી મહેશભાઈએ નાનપણમાં ઘણાં વૈતરાં કર્યાં. મહેશભાઈ અને તેમનાથી બે વર્ષ મોટા કંકુબહેન મળસ્કે ઊઠીને ખભે કોથળો નાખીને કાગળો વીણવા જતાં. અમદાવાદની અલગઅલગ પોળ (શેરી)માં લોકો જે બાવળનાં દાતણ કરીને ફેંકી દેતાં તેને એકઠાં કરીને સૂકવીને તેનો ઉપયોગ ઘરમાં ચૂલાનાં બળતણ તરીકે થતો હતો.

ગલીએ ગલીએ જઈને જે કાગળ-કચરો થેલે ભર્યાં હોય તે મિરઝાપુર વિસ્તારમાં કાળુ શેઠને વેચવા જતા. એમાંથી જે પચીસ–ત્રીસ પૈસા મળતા તે ચાર વર્ષના મહેશ કનોડિયાની જીવનની પહેલી કમાણી હતી.

એ પછી મહેશ કનોડિયાએ બહેન કંકુ સાથે મળીને મિલોમાં મજૂરોને ટિફિન પહોંચાડવાનું કામ શરૂ કર્યું હતું. મિલમજૂરોની જમવાની રિસેસની ઘંટડી વાગે એ પહેલાં તેમના ઘરેથી ટિફિન લઈને પહોંચાડી દેવાનાં. રાયખડ મિલ, જ્યુબિલી મિલ, મહેશ્વરી મિલ જેવી દશેક મિલોમાં તેઓ ટિફિન પહોંચાડતા.

એ વખતે બંને ભાઈ-બહેન પાસે પહેરવાનાં ચપ્પલ નહોતાં. બાળપણથી જ ખૂબ વેઠ્યું હોવા છતાં મહેશભાઈને જીવન પ્રત્યે ક્યારેય ખીજ નહોતી. સંગીતકાર તરીકે તેમનું મોટું નામ થયા પછી ગુજરાતી સુગમ સંગીતના લોકપ્રિય ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયે તેમના માટે કહ્યું હતું કે, "આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી નમ્રતાનું બીજું નામ મહેશભાઈ છે."

મહેસાણિયાવાસથી પ્રસિદ્ધિના પંથ તરફ

મહેશકુમારનું નાનપણનું નામ મગન હતું. મહોલ્લામાં લોકો તેને પ્રેમથી 'મઘો' કહીને બોલાવતા હતા.

નાથા માસ્તર નામે એક પૈસેટકે સંપન્ન ગૃહસ્થ મહોલ્લામાં રહેતા હતા. તેમના ઘરે ગ્રામોફોન હતું. જેમ એંશીના દાયકામાં કોઈના ઘરે ટીવી હોય તો શેરીમાં એ ઘરવાળાનો વટ પડતો તેમ એવો પણ તબક્કો હતો કે કોઈના ઘરે ગ્રામોફોન રૅકર્ડ હોય તો મહોલ્લામાં તેનો માનમરતબો વધી જતો.

નાથા માસ્તર સાંજે ગ્રામોફોન પર રૅકર્ડ સાંભળે ત્યારે વસતીના કેટલાક લોકો ઓસરીમાં વીંટળાઈ જતા અને કાન માંડી દેતા. મઘાને એની જબરી મોહિની હતી.

એ ગીતો તો સાંભળતો જ પણ પછી એ જ ગીતો સારી રીતે ગાઈ પણ લેતો, પછી તે સુરૈયાનું હોય કે શમસાદ બેગમનું કે પછી સાયગલનું. પછી તો નાથા માસ્તર તેની પાસે સ્ત્રી અને પુરુષના અલગઅલગ અવાજમાં એ ગીતો ગવરાવતા પણ ખરા. છ વર્ષના મઘાના ગળામાં કુદરતે કંઈક કૌતુક ભર્યું હતું જે તેને અન્યથી અલગ બનાવતું હતું અને આગળ જઈને તેને મશહૂર બનાવવાનું હતું.

શેરીના ઓટલે કે ચોકમાં બાળકોની સંગીતમંડળી ગીતો ગાતી

મહેશકુમાર પુરુષ અને સ્ત્રી બંનેના અવાજમાં ગાઈ શકતા હતા એની કીર્તિ આસપાસના મહોલ્લામાં પહોંચી ગઈ હતી. તેમની નજીકના ચુનારાના ખાંચામાં રહેતા ગોપાળભાઈ પટેલ ગાયક હતા અને પ્રસંગોમાં કાર્યક્રમ આપવા જતા. તેમણે મહેશકુમારને સાથે લીધા. આ રીતે તેમણે કાર્યક્રમો આપવાની શરૂઆત કરી.

કિશોરવયે એ પછી મહેશકુમારે તેમના નાના ભાઈ દિનેશ, કાકાના દીકરા સુરેશ સાથે કાર્યક્રમો આપવાના શરૂ કર્યા. ત્રણેય ગાતા–વગાડતા અને તેમણે પોતાનું એક મ્યુઝિક ગ્રૂપ શરૂ કર્યું. ગ્રૂપનું નામ હતું 'મહેશકુમાર ઍન્ડ પાર્ટી' અને એ શરૂ થયાનું વર્ષ એટલે 1947.

મહેશકુમાર ઍન્ડ પાર્ટી પછી તો ગુજરાતનું અત્યંત પ્રસિદ્ધ સંગીતગ્રૂપ બનવાનું હતું પણ આ ત્રણેયે શરૂઆત તો અમદાવાદની પોળ એટલે કે શેરી-મહોલ્લાઓમાં બાળકોનાં જન્મ, લગ્ન વગેરે કાર્યક્રમોથી કરી હતી.

શેરીના ચોકમાં કે ઓટલે સાદાં પાથરણાં પાથરીને પેટી, ઢોલક વગેરે મુખ્ય વાજિંત્રો સાથે આ છોકરડાં ગાતાં અને લોકોનું મનોરંજન કરતા.

લોકોને મન જે મનોરંજન હતું એ તેમને માટે પોતાની અને પરિવારની ભૂખ ભાંગવાનો ઉપક્રમ હતો. બે વર્ષ આવું ચલાવ્યા પછી મહેશકુમાર ઍન્ડ પાર્ટીનો પહેલો વિધિવત્ કાર્યક્રમ તેમણે અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં રંગીલા પોળમાં રજૂ કર્યો હતો.

અમદાવાદની પોળમાં લોકોનું મનોરંજન કર્યું તો અંતરિયાળ વિસ્તારના મજૂર કલ્યાણ કેન્દ્રોમાં પણ તેમણે કાર્યક્રમ આપ્યા હતા. કિશોરોની આ મ્યુઝિકલ પાર્ટીએ અમદાવાદમાં એ સમયે જાણે કે છાકો પાડી દીધો હતો.

મહેસાણિયાવાસમાં જ મોટા થયેલા અને મહેશ–નરેશને નજીકથી નિહાળનાર બકુલભાઈ રાષ્ટ્રપાલ બીબીસીને કહે છે કે, "મહેશભાઈ અમદાવાદમાં મિલોની બહાર ગાવા જતા હતા. જેથી તેમને પૈસા મળતા. અમારા વિસ્તારમાં પણ ભજન વગેરે ગાતાં હતાં. લોકો ઊચક પૈસા આપતા હતા."

'એના રોટલાનો વિચાર કેમ ન કર્યો?'

પરિવાર વસ્તારી હતો અને ગરીબી ઘર પર જડાઈ ગઈ હતી. છતાં ખાનદાનીને આંચ આવવા નહોતી દીધી. તેમના પરિવારનો સંસ્કારવારસો ઊજળો હતો. મહેશ-નરેશનાં માતા દલીબહેનનો એક પ્રસંગ જુઓઃ 'અમદાવાદના શાહપુર વિસ્તારમાં મિલમજૂર વગેરે લોકો રાતે ફૂટપાથ પર બેસીને મિજલસ જમાવતા. જેમાં એક વખત મહેશભાઈએ ગીત ગાયું તો અત્યંત ખુશ થઈ ગયેલા એક મિલમજૂરે તેમને ખિસ્સામાંથી કાઢીને નવ રૂપિયા આપી દીધા. નવ રૂપિયા એ જમાનામાં પગાર જેવડો આંકડો હતો.

એ પૈસા મહેશભાઈએ ઘરે જઈને દલીબહેનને આપ્યા તો બીજા દિવસે સવારે દલીબહેન મિલમજૂરને ઘરે ગયા અને એની પત્નીના હાથમાં પૈસા પાછા આપી દીધા. તેમણે બાળક મહેશને સમજાવ્યું કે આ પૈસાથી આપણે તો ખાઈશું પણ એના ઘરમાં રોટલો નહીં બને એનો વિચાર તેં કેમ ન કર્યો?'

નરેશ કનોડિયાએ સાડીના કારખાનામાં મજૂરી કરી

મહેશની જેમ જ નરેશનું બાળપણ પણ એવું જ હતું કે રમવા કરતાં એમને જમવાની મથામણ વધારે રહેતી. નરેશભાઈએ પણ બાળપણમાં કાગળ-કચરો વીણવાં જવાં, બૂટપૉલિશ, સાડીઓના કારખાનામાં મજૂરી વગેરે કામ કર્યાં હતાં.

મહેશભાઈ અને દિનેશભાઈ જ્યારે પોળમાં કાર્યક્રમ માટે જતા ત્યારે નાના એવા નરેશભાઈને સાથે લઈ જતા. મંચ પર સંગીત શરૂ હોય અને બાજુમાં બાળક નરેશ સૂતા હોય.

એવું થતું કે મહેશભાઈ ગીત ગાતા હોય ત્યારે દિનેશભાઈ તેમને ખોળામાં રાખીને ઢોલક વગાડતા અને દિનેશભાઈ ગીત ગાય ત્યારે મહેશભાઈ તેમને ખોળામાં રાખીને વાદ્ય વગાડતા હતા. વખત જતાં નરેશભાઈએ તેમની સાથે ગાવાની શરૂઆત કરી હતી.

જોકે, નરેશભાઈ એ કાર્યક્રમોમાં વખણાયા મિમિક્રી અને ડાન્સ થકી. નરેશભાઈ જૉની વૉકરની સ્ટાઇલ કરતાં તેમજ વિવિધ અભિનેતાની મિમિક્રી કરતા અને તરહતરહની વેશભૂષા સાથે કાર્યક્રમમાં ધમાલ મચાવતા હતા.

નરેશ કનોડિયાએ ક્યારેય ડાન્સ, અભિનય કે સ્ટન્ટ વગેરેની કોઈ તાલીમ લીધી નહોતી પરંતુ કાર્યક્રમ હોય કે ફિલ્મો- લોકોને તેમણે દીવાના કરી દીધા હતા.

બકુલભાઈ રાષ્ટ્રપાલ કહે છે કે, "મહેશ અને નરેશના મ્યુઝિક ગ્રૂપમાં સાથે તેમના કાકાબાપાના છોકરા પણ જોડાયેલા હતા. ગાવાનું કામ મહેશ અને નાચવાનું કામ નરેશનું રહેતું. મહેશ સંગીતનાં તમામ સાધનો વગાડી જાણતા. નરેશ ઢોલ અને બોંગો વગાડતા હતા."

ગીતો ગાઈને લોકોની ભીડ ભેગી કરવાનું કામ પણ કર્યું

મહેશથી નાના અને નરેશ કનોડિયાથી મોટા ભાઈ દિનેશ સાથે મહેશે ફિલ્મોનાં હૉર્ડિગ્સ લઈને લોકોની ભીડ હોય ત્યાં તે ફિલ્મનાં ગીત ગાઈને પબ્લિસિટીનું કામ પણ કર્યું હતું.

એક સિગારેટ કંપનીના પ્રચાર માટે ગુજરાતના લોકમેળામાં એ કંપનીના સ્ટૉલ્સ પાસે ઊભા રહીને તેનાં ગીતો પણ ગાયાં હતાં.

અમદાવાદની પોળમાં જ મોટા થયેલા કર્મશીલ ચંદુ મહેરિયા અમદાવાદની પોળમાં તેમનું એક સંભારણું યાદ કરતાં બીબીસીને કહે છે કે, "મહેશ–નરેશના સગા મામા રાજપુર–ગોમતીપુરની ચાલીમાં રહેતા હતા. નાના હતા ત્યારે મહેશ-નરેશ મામાને ત્યાં આવતા ત્યારે ત્યાં ગીતો ગાતાં અને આસપાસના લોકો એકઠા થઈ જતા હતા. ટોળામાં ઊભા રહીને મેં પણ તેમનાં ગીતો સાંભળ્યાં છે."

એક સમયે રાજ્ય સરકારના માહિતી ખાતાની ગાડીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતી અને ખુલ્લા મેદાનમાં સફેદ પડદો ગોઠવીને પ્રોજેક્ટર દ્વારા ફિલ્મ દર્શાવતી હતી. ફિલ્મ જોવા લોકો એકઠા થાય એ અગાઉ માહોલ બાંધવા માટે મહેશ કનોડિયાને ગીતો ગાવાં માટે બોલાવવામાં આવતા. એમાંથી બે પૈસા તેમને મળતા. બાળપણમાં તેમણે આ કામ પણ કર્યું હતું.

મુંબઈ જઈ વસ્યા, પણ અમદાવાદ ન છોડ્યું

પોતાનામાં રહેલા ગાયક અને સંગીતકાર તરીકેનો થોડો ભરોસો રોપાયો પછી મહેશ કનોડિયા મુંબઈ ગયા હતા અને સંગીતમાં તેઓ નામદામ કમાયાં.

એ જ રીતે નરેશ કનોડિયા પણ મુંબઈ જઈ વસ્યા હતા. જોકે, અમદાવાદ સાથે તેમનો નાતો અકબંધ હતો. મહેશ–નરેશના સંગીત કાર્યક્રમો અમદાવાદમાં વર્ષો સુધી થતાં રહ્યા.

બકુલભાઈ રાષ્ટ્રપાલ કહે છે કે, "બંને ભાઈઓ મુંબઈ વસ્યા પછી પણ મહિનામાં બે વખત અમદાવાદ આવવાનું થતું. મહેસાણિયા વાસમાં પરિવારમાં જ ત્યાં સંગીતનો સામાન મૂકતા હતા. મેડા પર તેમના ઘરમાં ન્હાવાની સુવિધા નહોતી. અમારા વાસમાં મોહનભાઈ પુરાણીનું ઘર થોડું મોટું હતું. તેથી મહેશ-નરેશ તેમના ઘરે ન્હાવા જતા. થોડા પૈસૈટકે સંપન્ન થયા પછી અમદાવાદમાં મિરઝાપુર વિસ્તારમાં જનસતા અખબારના પ્રેસ પાસે શાંતિ ગેસ્ટ હાઉસમાં રૂમ રાખીને મહેશ-નરેશ રહેતા હતા. 1960 પહેલાની આ વાતો છે."

ફિલ્મો હોય કે મ્યુઝિક શો મહેશ–નરેશે ટિકિટબારી પર વસંત બેસાડી હતી.

મહેશ-નરેશ એવા કલાકારો છે જેમને બાળપણમાં રમવા માટે રમકડાં નહોતાં મળ્યાં પણ ગુજરાતની બબ્બે પેઢીઓને મનોરંજન પૂરું પાડ્યું છે.

મહેશ – નરેશ અને પ્રવીણ રાષ્ટ્રપાલ

કૉંગ્રેસના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ નેતા એવા પ્રવીણ રાષ્ટ્રપાલ તેમજ મહેશ–નરેશ ત્રણેય મહેસાણિયાવાસમાં રહેતા હતા. મહેશ–નરેશ અને પ્રવીણ રાષ્ટ્રપાલ ત્રણેય હયાત નથી, છતાં તેમના પરિવાર વચ્ચેના સંબંધોનું માધુર્ય અકબંધ છે.

બકુલભાઈ પ્રવીણ રાષ્ટ્રપાલના જ ભાઈ છે. તેઓ જણાવે છે કે, "અમારા પારિવારિક પ્રસંગોમાં બંને પરિવારોની પરસ્પર હાજરી રહેતી. પ્રવીણભાઈ સિદ્ધાર્થ કૉલેજમાં મુંબઈ ભણવા ગયા ત્યારે પણ મહેશભાઈ તેમની સાથે મુંબઈમાં આનંદવિહાર કૉલોનીમાં રહેતા હતા. લોકસભાની પાટણ બેઠક પરથી પ્રવીણભાઈ કૉંગ્રેસ અને મહેશ કનોડિયા ભાજપમાંથી સામસામે લડ્યા એ વખતે પ્રવીણભાઈ જીત્યા ત્યારે મહેશભાઈએ કહ્યું કે ઘી ઢોળાયું તો ખીચડીમાં જ છે ને! એ પછીની લોકસભાની ચૂંટણીમાં મહેશભાઈ સામે પ્રવીણભાઈ હારી ગયા હતા."

બંને સામસામે લોકસભા લડતા હતા ત્યારે પ્રવીણભાઈએ પ્રચાર માટે સૂત્ર આપ્યું હતું કે ગાયક જોઈએ છે કે લાયક જોઈએ છે?

મહેશભાઈ ગાયક હતા અને પ્રવીણભાઈ પોતાને ઉમેદવાર તરીકે લાયક ગણાવતા હતા.