પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ 'નરસિંહ મહેતા' કેવી રીતે બની હતી?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી

1930ના દાયકામાં એક સમયે મુંબઈમાં એક ઠેકાણે દામોદર કુંડ તેમજ ગિરનારની તળેટી જોવા મળતાં હતાં. આ વાંચીને તમને લાગશે કે જૂનાગઢના જાણીતા વિસ્તારો મુંબઈમાં કેવી રીતે?

છેલ્લા ઘણા સમયથી બોલીવૂડમાં 'બાયોપિક્સ'નું ચલણ વધ્યું છે. ત્યારે મજેદાર વાત એ છે કે ગુજરાતી ભાષાની પ્રથમ બોલતી ફિલ્મ 'નરસિંહ મહેતા' પણ બાયોપિક જ હતી. જે ભક્તકવિ નરસિંહ મહેતાના જીવન પર બની હતી.

અને આ ફિલ્મના શૂટિંગ માટે મુંબઈમાં જૂનાગઢના જાણીતા વિસ્તારોનો સેટ ઊભો કરવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢનો નાગરવાડો સહિતના વિસ્તારો સામેલ હતા.

આ સેટ એ વખતે ગુજરાતી નાટકોના જાણીતા 'સેટ ડિઝાઇનર' રંગીલદાસ દેસાઈએ કલાગુરુ રવિશંકર રાવળના સહયોગથી તૈયાર કર્યા હતા.

વર્ષ 1931 અગાઉ હિંદી તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં મૂંગી ફિલ્મો એટલે કે મૂકપટનું જ ચલણ હતું. પ્રથમ બોલતી ફિલ્મ વર્ષ 1931માં રજૂ થઈ હોવા છતા 1934 સુધી વધુ સંખ્યામાં મૂંગી ફિલ્મો જ બનતી હતી.

કારણ કે ઘણા ફિલ્મમૅકર્સ માનતા હતા કે બોલતી ફિલ્મો તો વાયરો છે અને એ જતો રહેશે. પરંતુ થયું તેનાથી વિપરિત. મૂંગી ફિલ્મો વાયરાની જેમ જતી રહી અને બોલતી ફિલ્મોએ તેનું સ્થાન લઈ લીધું.

ભારતની પ્રથમ (હિન્દી) બોલતી ફિલ્મ આલમઆરા 1931માં રજૂ થઈ હતી. તેના પછીના વર્ષે નવમી એપ્રિલે પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ 'નરસિંહ મહેતા' રિલીઝ થઈ હતી.

અહીં વિમાસણ એ છે કે આશરે પંદરમી સદીમાં થઈ ગયેલા નરસિંહ મહેતાનાં પદો અને ભજનો મળે છે પરંતુ તેમના જીવન અને જીવન પર બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ અંગે વધારે માહિતી ઉપલબ્ધ નથી.

જોકે, આ ફિલ્મ 'સાગર મુવીટોન' દ્વારા બનાવવામાં આવી હતી અને નાનુભાઈ વકીલ તેના ડિરેક્ટર હતા.

ત્યાર પછી નરસિંહ મહેતાના જીવન પર હિંદી અને ગુજરાતી ભાષામાં સંખ્યાબંધ ફિલ્મો બની છે.

મુંબઈમાં રહેતા ફિલ્મ ઇતિહાસકાર સુભાષ છેડા કહે છે, “1940માં પ્રકાશ પિક્ચર્સના નેજા હેઠળ વિજય ભટ્ટ દ્વારા દિગ્દર્શિત હિંદી ફિલ્મ ‘નરસી ભગત’ બની હતી. આ સિવાય એ જ નામથી 1957માં દેવેન્દ્ર ગોયલના દિગ્દર્શનમાં એક ફિલ્મ બની હતી. ત્યાર પછી ગુજરાતીમાં 1984માં વિજય ચૌહાણે એક ફિલ્મ બનાવી હતી. જે બનાવવાની પ્રેરણા ગાંધીજીએ આપી હતી.”

કેવી રીતે થયું હતું નરસિંહ મહેતાનું પાત્રાલેખન?

નરસિંહ મહેતા પર બનેલી ફિલ્મ અને સાગર મુવીટોન વિશે ફિલ્મ ઇતિહાસકાર બીરેન કોઠારીએ ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં 'સાગર મુવીટોન' પુસ્તક લખ્યું છે. જેમાં બંને વિશે માહિતી ઉપલબ્ધ થઈ છે.

પુસ્તકમાં બીરેન કોઠારી લખે છે, "ચીમનલાલ દેસાઈએ ધાર્યું હોત તો નરસિંહ મહેતા પર બનેલી ફિલ્મ ચમત્કારોથી ભરપૂર બનાવી શક્યા હોત. જે સમયે બોલતી ફિલ્મ જ કૌતુક સમાન હતી, એ ગાળામાં ચમત્કારથી ભરપૂર પાત્રો પોતાની ખુદની ભાષા બોલતા જોઈને દર્શકો ખુશખુશાલ થઈ જાય તેમ હતા અને ફિલ્મની ભરપૂર કમાણી થઈ હોત."

"જોકે, ચીમનલાલે ટૂંકો માર્ગ અપનાવવાને બદલે કઠિન માર્ગ અપનાવ્યો હતો."

ફિલ્મના ડિરેક્ટર નાનુભાઈ વકીલે નરસિંહ મહેતાના પાત્રાલેખનનું માર્ગદર્શન મેળવવા માટે ગુજરાતના સાક્ષરો આનંદશંકર ધ્રુવ, કવિ નાનાલાલ, નાટ્યકાર પ્રભુલાલ દ્વિવેદી તેમજ નવલકથાકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીને મળ્યા હતા અને તેમની સાથે ચર્ચા કરીને નરસિંહ મહેતાના જ્ઞાન અને ભક્તિયોગને સમજવાનો પ્રયાસ કર્યો હતો.

નરસિંહ મહેતાની શોધ

પંદરમી સદીમાં ફોટો સ્ટુડિયો કે કૅમેરા તો હતા નહીં કે નરસિંહ મહેતાનો એકાદ ફોટો મળી જાય. આથી ફિલ્મ બનાવવા માટે સૌથી મોટો પડકાર હતો એ નક્કી કરવાનો કે નરસિંહ મહેતા દેખાતા કેવા હશે?

આ માટે ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ મદદે આવ્યા. ફિલ્મ માટે ચિત્રો બનાવવાનું કામ તેમને સોંપાયું હતું.

નરસિંહ મહેતાની એક તસવીર તૈયાર કરવા માટે તેમણે હસ્તપ્રતો તેમજ પોથીચિત્રોનો અભ્યાસ કર્યો, નાગર જ્ઞાતિના પુરુષોની કદકાઠીનો અંદાજ મેળવ્યો અને આ રીતે તૈયાર થયું નરસિંહ મહેતાનું ચિત્ર.

ફિલ્મ માટે ત્યાર પછીનો મોટો પડકાર હતો કે રવિશંકર રાવળે તૈયાર કરેલી તસવીર અનુસાર કલાકાર શોધવાનું.

રસપ્રદ વાત એ પણ છે કે નાનુભાઈની નજરમાં એક અનુરૂપ વ્યક્તિ આવી પણ હતી પરંતુ તેને ફિલ્મમાં કામ કરવામાં કોઈ રસ ન હતો.

કલાકાર શોધતી વખતે ફિલ્મનિર્માતાઓએ એ વાતનું પણ ધ્યાન રાખવાનું હતું કે નરસિંહ મહેતા ગાયક પણ હતા. આથી કલાકારમાં ગાયકીનો ગુણ પણ હોવો જોઈએ.

ભરપૂર મહેનત કર્યા બાદ પણ રવિશંકર રાવળે ચિત્રમાં ઢાળેલાં નરસિંહ મહેતા તો ન જ મળ્યા. છેવટે મરાઠી ગાયક અને અભિનેતા મારુતિરાવ પહેલવાનને નરસિંહ મહેતાની ભૂમિકા સોંપાઈ. ટૂંકમાં પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર મરાઠી હતા.

આ ફિલ્મમાં કૃષ્ણની ભૂમિકા ઉમાકાંત દેસાઈએ ભજવી હતી. નરસિંહ મહેતાનાં પુત્રી કુંવરબાઈની ભૂમિકા શરીફાબાનોએ અને તેમનાં પત્ની માણેકબાઈની ભૂમિકા મીસ ખાતૂને ભજવી હતી. જ્યારે રંગભૂમિના લોકપ્રિય અભિનેતા મોહનલાલાએ રા’માંડલિકનું પાત્ર ભજવ્યું હતું.

'નરસિંહ ભગતના પૈસા ન લેવાય'

ટેલિવિઝન પર જ્યારે રામાયણ અને મહાભારત સિરિયલ પહેલી વખત પ્રસારિત થઈ હતી. ત્યારે દેશમાં ઘણી જગ્યાઓએ લોકો ટેલિવિઝન પર જોવાં મળતાં રામ, સીતા, કૃષ્ણ જેવાં પાત્રોને પગે લાગતા અને તેમની પૂજા કરતા જોવા મળતા હતા.

આ સિરિયલના કલાકારો જ્યારે જાહેર કાર્યક્રમમાં જોવા મળતા ત્યારે પણ લોકો તેમને ભગવાન માનીને જ માન આપતા હતા.

આવો જ એક કિસ્સો નરસિંહ મહેતા ફિલ્મના શૂટિંગ દરમિયાન બન્યો હતો.

બીરેન કોઠારી 'સાગર મુવીટોન'માં લખે છે, "ફિલ્મના શૂટિંગ દરમિયાન શામળશાના વિવાહનો સીન આવ્યો ત્યારે ડિરેક્ટર નાનુભાઈને કોઈકે કહ્યું કે નાગર જ્ઞાતિમાં વિવાહ અન્ય જ્ઞાતિ કરતાં થોડીક અલગ રીતે થાય છે. આ સાંભળીને નાનુભાઈએ તાત્કાલિક ગોર મહારાજની શોધ આદરી હતી."

તેઓ આગળ લખે છે, "થોડીક મહેનત બાદ મહારાજ મળ્યા અને તેમણે સ્ટુડિયોમાં આવીને લગ્નની વિધિ કરાવી અને એ સીનનું શૂટિંગ પૂર્ણ થયું. શૂટિંગ બાદ જ્યારે મહારાજને તેમના મહેનતાણા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'નરસિંહ ભગતના પૈસા ન લેવાય!' પાત્રનો આ પ્રભાવ જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા."

નરસિંહનાં ભજનોનું શું થયું?

હાલ અત્યાધુનિક સાધન-સરંજામો સાથે એક ફિલ્મનું શૂટિંગ પતવામાં ઘણો સમય વીતી જાય છે. ત્યારે પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ નરસિંહ મહેતાનું શૂટિંગ 20 દિવસમાં પૂર્ણ કરી દેવાયું હતું.

ફિલ્મની કથા ચતુર્ભુજ દોશીએ તૈયાર કરી હતી. ફિલ્મનો આરંભ ગુર્જરીદેવીથી થાય છે, જે ભગવાન વિષ્ણુને પોતાના રક્ષણ અને ઉદ્ધાર માટે પ્રાર્થના કરે છે.

નરસિંહ મહેતા કવિ અને ગવૈયા હતા એટલે સંગીત આ ફિલ્મનું મહત્ત્વપૂર્ણ પાસું હતું. ચીમનલાલ દેસાઈના સૌથી મોટા પુત્ર સુરેન્દ્ર દેસાઈએ રામચંદ્ર ઠાકુર સાથેની એક મુલાકાતમાં આ વિશે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે "અમે સંગીતકાર એસ. પી. રાણેને અમારા ઘરે લઈ ગયા હતા. તેમણે નરસિંહ મહેતાનાં મૂળ ભજનો સંભાળાવ્યાં. ત્રણ-ચાર ગીતોમાં તો મૂળ ધૂન જ રાખવામાં આવી હતી."

આજથી 91 વર્ષ પહેલાં બનેલી ફિલ્મ નરસિંહ મહેતા ઠીકઠાક સફળ રહી. તેને નિષ્ફળ પણ ન કહી શકાય પરંતુ ધાર્યા મુજબની સફળતા પણ મળી નહોતી.

જોકે, ફિલ્મે ગુજરાતી ભાષાની પ્રથમ ફિલ્મ તરીકે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી લીધું અને નિર્માતાઓ પાછા હિંદી ફિલ્મો તરફ વળી ગયા.

ત્યાર પછીનાં વર્ષોમાં સાગર મુવીટોને બે ગુજરાતી ફિલ્મો 'બે ખરાબ જણ (1936) અને કરિયાવર (1948)નું નિર્માણ કર્યું હતું.'

ગુજરાતીઓએ શરૂ કરેલી કંપની

1930નો દાયકો ભારતમાં ફિલ્મમેકિંગનો પ્રારંભનો તબક્કો કહેવાય છે અને આ સમય દરમિયાન 'સાગર મૂવિટોન' એક મોટી કંપની ગણાતી હતી.

આ કંપનીની સ્થાપના ચીમનલાલ દેસાઈ અને અંબાલાલ પટેલ નામક બે ગુજરાતીઓએ કરી હતી.

રોચક વાત એ છે કે આ કંપની પોતાની સ્ટન્ટ ફિલ્મો માટે જાણીતી હતી. કંપનીએ બે વર્ષમાં ડઝનેક સ્ટન્ટ ફિલ્મો બનાવી હતી.

ફિલ્મ ઇતિહાસકાર અમૃત ગંગર નોંધે છે કે ફિલ્મ મધર ઇન્ડિયા (1957)થી જાણીતા થયેલા ફિલ્મમૅકર મહેબૂબ ખાને પણ પોતાની કારકિર્દીનો આરંભ સાગર મુવીટોનમાં અદાકાર તરીકે કર્યો હતો.

મહેબૂબ ખાને દિગ્દર્શક તરીકેની શરૂઆત પણ સાગર મુવીટોન સાથે જ કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ 'જજમેન્ટ ઑફ અલ્લાહ' (1936) હતી.