You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'દેશ રે જોયા...' : વિદેશમાં દુખ વેઠતી દીકરીની કથા એવી તો જોવાઈ કે તમામ રેકૉર્ડ તોડી નાખ્યા
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
- 1998માં રજૂ થયેલી ગુજરાતી સિનેમાની ઑલટાઇમ હીટ એવી ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ ફિલ્મને પચીસ વર્ષ પૂરાં થયાં છે
- એવા ઘણા ગુજરાતીઓ હશે જેમણે આ ફિલ્મ થિયેટરમાં એક કરતાં વધુ વખત જોઈ હશે
- એવા પણ હશે જેમણે થિયેટરમાં જોયેલી પહેલી ગુજરાતી ફિલ્મ ‘દેશ રે...’ હશે
- એક નવી જ આબોહવા એ ફિલ્મે સર્જી હતી
- ફિલ્મમાં નાયક રામની ભૂમિકા ભજવનાર અભિનેતા હિતેનકુમાર કહે છે કે મેં કહ્યું હતું કે હીરો તરીકે નરેશભાઈને લો, મારું કામ નહીં
- આ સિવાય શું કહ્યું હિતેનકુમાર અને આ ફિલ્મની ટીમે? વાંચો આ અહેવાલ....
“કોઈ પણ દેશમાં વસતા ગુજરાતીને પોતાની ભાષાની ફિલ્મ વિશે પૂછો, તો તેના મોઢે ઝટ દઈને જે બે-ચાર ફિલ્મનાં નામ આવે તેમાં સૌથી વધુ નામ ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’નું સંભળાશે.”
આ શબ્દો ફિલ્મના મુખ્ય નાયક હિતેનકુમારના છે અને કદાચ તેમનો આ દાવો ખોટો પણ નથી.
એવા ઘણા ગુજરાતીઓ છે જેમણે આ ફિલ્મ થિયેટરમાં એક કરતાં વધુ વખત જોઈ હોય. એવા પણ ઘણાં છે કે જેમણે થિયેટરમાં જોયેલી પહેલી ગુજરાતી ફિલ્મ ‘દેશ રે...’ હોય.
જોકે, ફિલ્મના એક મુખ્ય કલાકારે હજુ સુધી આખી ફિલ્મ એક વખત પણ નથી જોઈ.
નજીકના શહેરનાં થિયેટરોમાં ગામેગામથી લોકો ફિલ્મ જોવા પરિવારજનો અને અડોશપડોશ સાથે સાગમટે ઊમટ્યા હતા. ફિલ્મ રજૂ થયાનાં એક કે બે સપ્તાહમાં જ એટલી ઊંચકાઈ હતી કે થિયેટર્સની બહાર 'હાઉસ ફૂલ'નાં પાટિયાં ઝૂલવા માંડ્યાં હતાં.
1998માં રજૂ થયેલી ગુજરાતી સિનેમાની ઑલટાઇમ હિટ એવી ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ ફિલ્મને પચીસ વર્ષ પૂરાં થયાં છે. ત્યારે ફિલ્મ વિશેની 'ફ્લૅશબૅક સિક્વન્સ' કલાકારો સાથે.
‘હજી સુધી મેં ‘દેશ રે...’ જોઈ નથી’
અભિનેતા હિતેનકુમારે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. દર્શકોની વચ્ચે 'રામ' તરીકે લોકચાહના મેળવનારા હિતેને હજુ સુધી આ ફિલ્મ આખી નથી જોઈ.
બીબીસી સાથે આ અંગે રહસ્યોદ્ઘાટન કરતા તેમણે કહ્યું, “હજી સુધી મેં ‘દેશ રે...’ આખી ફિલ્મ જોઈ જ નથી. કેમ કે, હું કલ્પી જ શકતો નથી કે હું ગીતો કરું છું કે રૉમેન્ટિક સીન કરું છું. અભિનય મારો પ્રાણવાયુ, પણ મને હીરો બનવાનું સ્વપ્ન ક્યારેય આવ્યું જ નથી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અભિનયમાં હિતેનકુમારના આદર્શ પરેશ રાવલ અને નાના પાટેકર છે. ફિલ્મોમાં તેઓ ખુદને હીરો તરીકે નહીં બલકે ખલનાયક તરીકે જ અજમાવવા ઇચ્છતા હતા.
હિતેનકુમાર કહે છે, “એ જમાનામાં એવું પણ હતું કે હીરો બનવા માટે ચૉકલેટી ચહેરો જોઈએ અને હું નીમ્ન મધ્યમવર્ગમાંથી આવેલો માણસ હતો, જે મોટે ભાગે પોતાના દેખાવ માટે લઘુતાગ્રંથિ જ અનુભવતો હોય. મારી પ્રથમ ફિલ્મ ‘ઊંચી મેડીના ઊંચા મોલ’ મેં ખલનાયક તરીકે કરી હતી. 'દેશ રે...' તો મારી બીજી ફિલ્મ હતી, જે જબરદસ્તીથી મારી પાસે કરાવવામાં આવી હતી."
"આ ફિલ્મ રજૂ થઈ અને સફળ થઈ એના ચાર મહિના સુધી મેં કોઈ ફિલ્મ સાઇન કરી નહોતી. એની સફળતાનો પણ મને આઘાત હતો કે આ શું થઈ ગયું? આ ફિલ્મ લોકોએ વધાવી. છ-આઠ મહિને મારામાં આત્મવિશ્વાસ આવ્યો હતો કે હીરો તરીકે આપણે ચાલીએ એમ છીએ.”
કઈ રીતે ફિલ્મની વાર્તા ઘડાઈ?
શિરસ્તો એવો હતો કે ગુજરાતી ફિલ્મો કાં તો લોકકથાના આધાર પર બનતી હતી, કાં તો લવસ્ટોરી બનતી અને મોટે ભાગે તે ગ્રામીણ પરિવેશમાં જ રજૂ થતી હતી.
'દેશ રે...'માં લવસ્ટોરી અને ગ્રામીણ પરિવેશ તો હતો જ, પરંતુ નવાં તત્ત્વો પણ હતાં જે પ્રેક્ષકોને પસંદ પડ્યાં હતાં.
ગુજરાતી ફિલ્મોના અભ્યાસુ અને અર્થશાસ્ત્રના અધ્યાપક કાર્તિકેય ભટ્ટ બીબીસીને કહે છે, "ગુજરાતી ફિલ્મમાં નગર કલ્ચરને વેગ ‘દેશ રે...’ ફિલ્મથી મળ્યો હતો. ફિલ્મોનો થોડો પરિવેશ ગ્રામીણ હોય અને એનો માહોલ નગરનો હોય એટલે કે ન શહેર કે ન ગામડું એ પ્રકારની ફિલ્મ એ પછી જ ખૂબ બનવા માંડી હતી."
ફિલ્મમાં હિતેનકુમાર અને રોમા માણેકની જોડી નવી હતી. ફિલ્મની કથા મુકેશ માલવણકર અને ડિરેક્ટર ગોવિંદભાઈ પટેલે મળીને લખી હતી.
માલવણકર બીબીસીને કહે છે, "નિર્માતા તરીકે તો ગોવિંદભાઈ પટેલનું નામ જાણીતું હતું, પરંતુ 'દેશ રે...' ગોવિંદભાઈ પટેલની ડિરેક્ટર તરીકેની પણ પ્રથમ ફિલ્મ હતી."
કઈ રીતે આ ફિલ્મની કથા ઘડાઈ? એના જવાબમાં માલવણકર કહે, "ગોવિંદભાઈ સાથે ચર્ચા થઈ કે આપણે લોકકથા અને લવસ્ટોરી પર આધારિત ફિલ્મો તો ઘણી કરી પણ સામાજિક વાસ્તવિકતા જે છે તેના પર ફિલ્મ કરીએ."
"એ વખતે દીકરીને ફોરેન પરણાવવાનો ખૂબ ક્રૅઝ હતો, જેમાં કેટલીક દીકરીઓ હેરાન થઈ હતી. દીકરીની લાગણી દુનિયાના દરેક માણસને સ્પર્શે છે. વિદેશમાં દીકરી દુઃખ ભોગવે અને માતાપિતા તેનો ચહેરો પણ ન જોઈ શકે. એ જે દુઃખ હોય છે તે અકલ્પનીય હોય છે. આ વિષય મનમાં રાખીને ફિલ્મની કથા લખાઈ હતી."
પાસપૉર્ટ સાથે લગ્ન
સામાન્ય રીતે દરેક ફિલ્મનું એક અર્થશાસ્ત્ર હોય છે, પરંતુ દેશનું બદલાતું અર્થતંત્ર આ ફિલ્મની કથામાં નિમિત્ત બન્યું હતું, એવું પ્રો. કાર્તિકેય ભટ્ટને લાગે છે.
તેઓ કહે છે, "વર્ષ 1992માં દેશમાં ઉદારીકરણની નીતિ લાગુ થઈ હતી અને એ પછી ઉત્તર ગુજરાતમાં તો એવું કહેવાતું હતું કે પાસપૉર્ટ સાથે છોકરીનાં લગ્ન થતાં. અમેરિકાથી કોઈ છોકરો આવે તેની સાથે છોકરીને પરણાવવાની હોડ લાગી હતી."
"એની સાથે કેટલાક પાયાના પ્રશ્નો પણ જોડાયેલા હતા. જેમ કે, 'છોકરો યોગ્ય ન નીકળે કે સાસરામાં છોકરીને દુઃખ પડે તો શું થાય?' એ જ વાત ફિલ્મમાં ઝીલાઈ હતી કે પરદેશમાં છોકરીને પરણાવો તો ક્યારેક છોકરી અને પિયરિયાને કેવી તકલીફ પડી શકે. આ પ્રકારની કહાણી ગુજરાતી ફિલ્મમાં વિષય તરીકે નવી હતી."
ગુજરાતી ફિલ્મના સમાજશાસ્ત્રમાં જૂનો મુદ્દો વહુને ત્રાસ આપવાનો કે સળગાવી દેવાનો હતો. ગામડાંના પ્રશ્નોનો હતો. પરદેશમાં છોકરી પરણે ને દુઃખ પડે તો શું થાય અને એ કોને કહે એ ઘટના ફિલ્મમાં નવી હતી.
ફિલ્મની કથા, લાગણીનું તત્ત્વ અને ગીતો આ ત્રણેય તત્વોએ ફિલ્મને હિટ બનાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો.
સુપરહિટ સંગીતનો સથવારો
'દેશ રે...'નાં ગીતો આજે પણ સુપરહીટ છે. 'ઊંચા ઊંચા બંગલા બંધાવો...', 'એલી રાધડી રે...' વગેરે ગીતો ઇન્સ્ટાગ્રામનાં રીલ્સમાં પણ તમને જોવા મળશે.
નોરતામાં તો વગાડવામાં આવે જ છે, સાથોસાથ લગ્નની મોસમમાં પણ એ ગીતો સાંભળવાં મળે છે.
'જો દેશ રે...'નું સંગીત આટલું રૂડું ન હોત તો એ ફિલ્મને આટલી છલોછલ સફળતા ન મળી હોત એવું ફિલ્મના કસબીઓ પણ માને છે.
જાણીતા લોકગાયક અરવિંદ બારોટે ફિલ્મમાં સંગીત આપ્યું હતું અને સંગીતકાર તરીકે તેમની એ પહેલી ફિલ્મ હતી.
બીબીસી સાથે વાત કરતાં અરવિંદભાઈ જણાવે છે કે, “મેં કાઠિયાવાડી લોકસંગીતને અનુરૂપ એનાં ગીતો તૈયાર કર્યાં હતાં. લોકગીતની ગરિમા જાળવીને ફિલ્મની જરૂરિયાત મુજબ એમાં એવા ફેરફાર કરીને સંગીત તૈયાર કર્યું કે તેના મૂળતત્ત્વને હાનિ ન પહોંચે.”
ગોવિંદભાઈ પટેલની અગાઉની ફિલ્મોમાં અરવિંદ બારોટે ગાયક તરીકે ગીતો ગાયાં હતાં.
એક વખત તેમણે અરવિંદભાઈને બોલાવીને કહ્યું, 'દેશ રે...'માં સંગીત તમારે આપવાનું છે. જોકે, શરૂઆતમાં અરવિંદભાઈએ આ પ્રસ્તાવને નકારી દીધો હતો, કારણ કે તેઓ કાર્યક્રમોમાં ખૂબ જ વ્યસ્ત હતા.
અરવિંદ બારોટે અન્ય કોઈ સંગીતકાર પાસે સંગીત તૈયાર કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે ગોવિંદભાઈએ કહ્યું કે, 'જે સંગીત ફિલ્મોમાં ખોવાયું છે એ સૌરાષ્ટ્રનું અસલ સંગીત મારે આ ફિલ્મમાં જોઈએ છે.'
મિત્ર તરીકેના તેમના આગ્રહને વશ થઈને અરવિંદ બારોટે સંગીત આપ્યું.
ટાઇટલ સૉંગ દેશ રે જોયા દાદા પરદેશ જોયા થિયેટરમાં રજૂ થતું ત્યારે પ્રેક્ષકો રડી પડતા હતા. અરવિંદ બારોટ કહે છે કે, “આજે પણ હું કોઈ જાહેર કાર્યક્રમમાં જાઉં તો મને 'દેશ રે...' ફિલ્મનાં કેટલાંક ગીતોની ફરમાઇશ અચૂક થાય છે.”
‘હીરો તરીકે નરેશભાઈને લો, મારું કામ નહીં’
ધ્રાંગધ્રા હોય કે ધોરાજી અને અમરેલી હોય કે અમદાવાદ કે પછી મુંબઈ. જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં આ ફિલ્મે ટિકિટબારી પર વસંત બેસાડી હતી. પચીસ-પચીસ વર્ષ થયાં છતાં આજે પણ આ ફિલ્મની સફળતાને હિતેનકુમાર ચમત્કાર જ માને છે. તેમને આશા નહોતી કે આ ફિલ્મ હિટ પણ જશે.
હિતેનકુમાર કહે છે કે, “ના, મને જરાય આશા નહોતી કે ફિલ્મ ચાલશે. ફિલ્મની સફળતાનું સંપૂર્ણ શ્રેય માત્ર ગોવિંદભાઈ પટેલ અને દર્શકોને જાય છે. હું મૂળે ગુજરાતી ફિલ્મોમાં ખલનાયક બનવા આવ્યો હતો. હીરો તરીકે ચાલીશ એવા કોઈ વહેમમાં હું ન હતો, પણ ગોવિંદભાઈને મારામાં જબરી શ્રદ્ધા હતી.”
પચીસ વર્ષ પહેલાંનાં સ્મરણોને તાજાં કરતાં શૂટિંગનો પહેલો દિવસ યાદ કરતાં હિતેનકુમાર કહે છે, “મને યાદ છે કે 10 વાગ્યાનું ફિલ્મનું મુહૂર્ત હતું. પોણા દશ વાગ્યે મેં ફિલ્મના નિર્માતાને કહ્યું કે તમે ચાર વાગ્યાની ફ્લાઇટમાં નરેશભાઈ (કનોડિયા)ને બોલાવી લો. હીરો થવાનું મારું કામ નહીં."
"હું ફિલ્મમાં બીજો કોઈ પણ નાનો-મોટો રોલ કરી લઈશ. ફિલ્મમાં ખલનાયક બનેલા ફિરોઝ ઈરાનીનો હું સાગરીત બની જઈશ, પણ ગોવિંદભાઈને ખબર નહીં શું શ્રદ્ધા હતી કે નિયતી હતી કે તેમના જીભ પર એક વાક્ય આવ્યું. તેમણે મને કહ્યું કે 'ચાલીસ લાખ તમારા જવાના છે કે મારા જવાના છે? તમે કહેતા હો તો મુહૂર્ત કરીએ અથવા તો આપણે પૅક-અપની જાહેરાત કરી દઈએ.' ચાલીસ લાખ ફિલ્મનું બજેટ હતું. મને તો ફિલ્મ વિશે સહેજેય ખાતરી નહોતી.”
હિતેનકુમાર મુંબઈમાં મોટા થયા હતા. તેઓ ગુજરાતી ફિલ્મોને ઢાંચાઢાળ માનતા હતા. તળપદી ગુજરાતી ફિલ્મો પ્રત્યે તેમને કંઈક અંશે અપાકર્ષણ પણ ખરું.
પોતાની વાત આગળ વધારતાં હિતેનકુમાર કહે છે, “હું મુંબઈમાં ઉછરેલો માણસ. ત્યાં પૃથ્વી થિયેટર્સ વગેરેમાં નાટકો કરીને આગળ આવ્યો હતો અને ક્યારેય ગુજરાતને સમજ્યો જ નહોતો. મેં 'દેશ રે...' કરી ત્યાં સુધી મને ખબર નહોતી કે આ પ્રકારના મૅકર્સ કઈ સમજણ સાથે ક્યા પ્રકારની ફિલ્મ બનાવી રહ્યા છે."
"એ વખતે ઓડિયો કૅસેટનો જમાનો હતો. 'દેશ રે...'ની ઓડિયો કૅસેટ મેં મારી કારમાં વગાડી, ત્યારે મારી પત્નીને કહ્યું કે 'હજુ પણ આ જ પ્રકારનાં ગીતો આ લોકો બનાવી રહ્યા છે?' આજે હું નિખાલસ રીતે કહું છું કે મારી એ માન્યતા મારી સોથી મોટી ભૂલ હતી. હું સ્વીકારું છું કે ગુજરાતને હું સમજ્યો ન હતો."
"હું તો શેક્સપિયર, બાદલ સરકારનાં નાટકો કરનારો માણસ હતો. મને ખરેખરું ગુજરાત શું છે એની ખબર નહોતી. હું મૂર્ખ હતો કે એ સર્જકોની તાકાતને નહોતો ઓળખી શક્યો, જે 'દેશ રે... ' પ્રકારની ફિલ્મ બનાવતા હતા. તેમને ગુજરાતના છેવાડાના દર્શકોની મનોરંજનની નાડ પારખતા આવડતું હતું. જે અમારા કહેવાતા ભણેલાગણેલા લોકો નહોતા જાણતા."
‘દેશ રે..’ ગુજરાતી ફિલ્મોની ‘હમ આપકે હૈ કૌન’
1990ના દાયકામાં ગુજરાતી ફિલ્મઉદ્યોગ ડૂબું-ડૂબું થઈ રહ્યો હતો, ત્યારે 'દેશ રે... ' તારણહાર સાબિત થઈ હતી, એવું કેટલાક ફિલ્મસમીક્ષક માને છે.
હિતેનકુમાર કહે છે કે, "1989-90 પછીનાં આઠેક વર્ષ ગુજરાતી ફિલ્મો માટે નબળો તબક્કો હતો. વર્ષે બે વર્ષે માંડ એકાદ-બે ફિલ્મ બનતી હતી. 'દેશ રે...'ની સફળતાને પગલે ડગમગી ઇન્ડસ્ટ્રી ઊભી થઈ હતી. જો દેશ રે... ન રજૂ થઈ હોત તો ઇન્ડસ્ટ્રી કદાચ બંધ થઈ ગઈ હોત."
પ્રો. ભટ્ટ કહે છે કે, "1985 પછી ગુજરાતી ફિલ્મો ચાલવાની ઓછી થઈ ગઈ હતી. ક્રમશઃ ફિલ્મો બનવાની ઓછી થવા માંડી હતી. એ ગાળામાં એવું પણ લોકો માનવા માંડ્યા હતા કે ગુજરાતી ફિલ્મોનું અસ્તિત્વ જ નહીં રહે. એ ગાળામાં આ ફિલ્મ 1998માં આવી અને અકલ્પનીય સફળતા મેળવી. આંકડાની દૃષ્ટિએ એ ફિલ્મે તમામ રૅકોર્ડ્સ તોડ્યા હતા. એ દૃષ્ટિએ તે ગુજરાતી ફિલ્મોની 'હમ આપકે હૈ કૌન' ગણાય છે. ઘણાં થિયેટર્સમાં 'દેશ રે...' 52 સપ્તાહ ચાલી હતી, એટલે કે આખું વર્ષ ચાલી હતી."
સૂરજ બડજાત્યાની સલમાન ખાન અને માધુરી દીક્ષિતને ચમકાવતી ફિલ્મ 'હમ આપકે હૈ કૌન' 1994માં રજૂ થઈ હતી અને એ ફિલ્મે સફળતાના ઊંચા કીર્તિમાન પ્રસ્થાપિત કર્યા હતા.
'દેશ રે...'એ પણ ગુજરાતી સિનેમામાં નવા માપદંડ બેસાડ્યા હોવાથી તેની સરખામણી 'હમ આપકે હૈ કૌન' સાથે થતી હતી.
2012માં ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ શહેરી માહોલ સાથે રજૂ થઈ અને તેની સારી નોંધ લેવાઈ. એ પછી એ ઢાળઢંગની ફિલ્મો બનવા લાગી અને ‘અર્બન ગુજરાતી ફિલ્મ’ એ શબ્દ સતત ઉછળવા માંડ્યો હતો.
હિતેનકુમાર કહે છે, "જો 'દેશ રે...'થી ઇન્ડસ્ટ્રીને જે નવજીવન મળ્યું એ ન થયું હોત, તો હાલની જનરેશન જે સિનેમા તરફ આકર્ષાઈ છે તે ન થયું હોત. ગુજરાતી સિનેમાની નવી જે આબોહવા ઊભી થઈ છે જેને 'અર્બન' કહેવામાં આવે છે એમાં પણ 'દેશ રે...' ફિલ્મની સફળતા નિમિત્ત બની છે."
એક તબક્કે કેટલીક ગુજરાતી ફિલ્મોમાં તો ટાઇટલ સાથે 'અર્બન ગુજરાતી ફિલ્મ' એમ લખાવા માંડ્યું હતું. જોકે, 2012 અગાઉની ગુજરાતી ફિલ્મોમાં અર્બન માહોલ રજૂ થયો જ હતો.
કાર્તિકેય ભટ્ટ કહે છે, "આમ તો 'દેશ રે...'ની વાર્તા શહેરી જ હતી. ગુજરાતની એક છોકરી પરદેશમાં પરણે અને તેને જે સમસ્યા થાય એ વાત તો શહેરી જ હતી."
40 લાખની ફિલ્મ, 22 કરોડનો ધંધો
પચીસ વર્ષમાં ફિલ્મનિર્માણ અને વિતરણમાં ધરખમ ફેરફાર આવ્યા છે. એ જમાનામાં સિંગલ સિનેમાઘર હતા હવે મલ્ટીપ્લેક્સ છે.
ફિલ્મની કથાસ્તુથી લઈને પાત્રાલેખનમાં બદલાવ આવ્યા છે. હીરો અને વિલન રાબેતા મુજબના રહ્યા નથી. અત્યારે કેટલાકને 'દેશ રે...' કદાચ મૅલોડ્રામા લાગી શકે. કેટલાકને એવું પણ થાય કે આટલા બધા ગીતો ફિલ્મમાં હોય?
હિતેનકુમાર કહે છે કે, “આજના સમયમાં ‘બાહુબલિ રૂ. અઢીસો કરોડની બને અને 550-600 કરોડનો ધંધો કરે તો લોકો અભિભૂત થઈ જાય છે. બાહુબલિ વખતે ટિકિટના દર સો-દોઢસો, બસો-અઢીસો હતા. જ્યારે 'દેશ રે... ' રૂ. 40 લાખમાં બની હતી અને 22 કરોડ કરતાં વધુનો ધંધો કર્યો હતો. એ પણ થિયેટરમાં 10-12 રૂપિયાના ટિકિટના જમાનામાં. તમે ગણતરી માંડો તો ધંધાની ટકાવારી અનુસાર જુઓ તો એ કેટલી મોટી ફિલ્મ કહેવાય?”
પચીસ વર્ષનાં વહાણાં વીતવા છતાં ફિલ્મ જે રીતે દર્શકોનાં હૈયાંના આંગણમાં રમી રહી છે, ત્યારે એટલું કહી શકાય કે આજે અને ભવિષ્યમાં પણ 'દેશ રે...' એક દીવાદાંડી સમાન ફિલ્મ તરીકે જ લેખાશે.